ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 25

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(25)

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઇએ

દૃશ્ય જોવાની ફક્ત ઔકાત હોવી જોઇએ

અઢાર વર્ષનો જુવાન જોધ છોકરો. ભાવેશ એનુ નામ. માની આંખનો તારો અને બાપની આશાઓનો મિનારો. બાઇક પર બેસીને કોલેજ તરફ જતો હતો, ત્યાં સામેથી એક કાર બેફામ ગતિમાં ઘસી આવી. એક જોરદાર ધમાકો. એક કરૂણ ચીસ. ફૂટબોલની જેમ હવામાં ફંગોળેયેલુ શરીર અને પછી નિશ્ચતેન બનીને રસ્તા પર પટકાયેલો કોઇનો લાડકવાયો.

આ દૃશ્ય નવું નથી. સવા સો કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં ક્યાંક ને ક્યાંક કોઇકની સાથે આવું બનતુ જ રહે છે. લાડકવાયો કાં મૃત્યુ પામે છે, કાં તો પછી... ...!

ભાવેશ બીજા વિકલ્પમાં આવી ગયો એ અનુ સદભાગ્ય. હવામાં ઊછળીને જમીન ઉપર પછડાયો ત્યારે જો એનુ માથું નીચેની તરફ હોત તો એની ખોપરી અવશ્ય ફાટી ગઇ હોત; પણ એ સીધો, ઊભો જ પડ્યો; એટલે માથુ બચી ગયું. પણ જમણો પગ ભાંગી ગયો. ચૂરચૂર થઇ ગયો. એક દિલ કે ટુકડે હજાર હુવે; કોઇ ઉધર ગિરા, કોઇ ઉધર ગિરા. અહીં દિલની જગ્યાએ પગ મૂકી દો તો શેર એ એ જ રહે.

તમાશાને તેડું ન હોય. લોકોએ જોયું કે છોકરો બેભાન થયો છે, પણ હજુ જીવે છે. એને તાબડતોબ જો કોઇ હોશિયાર ડોક્ટરની સારવાર મળી જાય તો એ બચી જાય.

ભીડનું એક સારુ પાસુ એ છે કે એમાં એકાદ-બે જણાં પાસે ત્વરિત નિર્ણય શક્તિ નીકળી આવે છે. આવા જ એક અનુભવીએ સલાહ આપી, “બાજુમાં જ ડો. મહેશ્વરીની હોસ્પિટલ છે. આને ત્યાં લઇ જઇએ.”

એટલી વારમાં એક જણાએ ડો. મહેશ્વરીના દવાખાને ફોન કરી દીધો, “સિસ્ટર, એક એક્સિડેન્ટલ કેસ આવે છે. ડોક્ટર સાહેબને બોલાવી રાખો.” ડો. મહેશ્વરી અને ભાવેશ લગભગ એક સાથે જ હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં સુધીમાં કોઇ ઓળખીતાએ ભાવેશના મમ્મી-પપ્પાને જાણ કરી દીધી હતી. એ બંને પણ દોડી આવ્યા. સાથે આંસુનુ પૂર અને વલોપાતનુ વાવાઝોડું પણ લેતા આવ્યા.

ડો. કિશોર મહેશ્વરી એ જામનગર શહેરના બાહોશ અને અનુભવી ઓર્થોપિડિક સર્જ્યન છે. ખૂબ ધન કમાયા છે, પણ બદલામાં પરસેવો પણ ટનબંધ પાડ્યો છે. ચોવીસ કેરેટ જેવુ કામ આપીને અઢાર કેરેટ સોનાના દામ લીધા છે; પિતળ ક્યારેય વેચ્યું નથી.

એમણે ભાવેશને પહેલીવાર તપાસ્યો ત્યારે એની પલ્સ પકડાતી ન હતી. બ્લડ પ્રેસર માપવામાં સમય બગાડવા જેવી હાલત ન હતી. તાત્કાલિક ગ્લુકોઝ-સેલાઇનના બાટલાઓ અને ઇન્જેક્શનો આપીને એની હાલત સ્થિર કરવી પડી. પછી પગમાંથી વહેતા લોહીને રૂના દબાણથી અને બેન્ડેજની સહાયથી કામચલાઉ બંધ કરવું પડ્યું. લોહીના બાટલાઓ પણ મગાવી લીધા. ભાવેશ યમરાજની સાથે ‘શેક હેન્ડ’ કરીને પૃથ્વી પર પાછો આવ્યો, ત્યારે ડો. મહેશ્વરીએ એના જમણા પગમાં થયેલી ઇજાનું સરવૈયુ કાઢવાનો શુભારંભ કર્યો.

ડો. મહેશ્વરીના ધર્મપત્ની પ્રીતિબહેન પતિનો પડછાયો બનીને બાજુમાં જ ઊભાં હતાં. એ પણ વર્ષોથી હોસ્પિટલ સંભાળવાની ફરજ બજાવે છે. એમણે જોયુ કે પતિની આંખમાં ચિંતા અંજાયેલી છે. એમણે પૂછ્યું, “શું લાગે છે, ડોક્ટર?”

“લાગે છે કે આ છોકરાનો પગ કાપવો પડશે. થાપાનુ હાડકુ તો ભાંગ્યું જ છે; પણ નળાના બંને હાડકાઓ પણ ચૂરો થઇ ગયા છે. અને માંસના બનેલા સ્નાયુઓનો માવો થઇ ગયો છે. ધૂળ. માટી ને કાંકરાના કારણે ચેપ પણ લાગુ પડ્યો છે જેની માઠી અસર હવે પછી દેખાશે. રક્તવાહિનીઓ અને ચોતાતંતુઓ પણ કપાઇ ગઇ છે. એટલે જો ઓપરેશન કરીએ તો પણ સફળ થવાની કોઇ શક્યતા જણાતી નથી.”

“તો પછી ગોઠણ પાસેથી પગ કાપી નાખવો એ જ એકમાત્ર રસ્તો બાકી રહે છે?” પ્રીતિબહેનનાં ભલા ચહેરા પર આ દીકરા માટેનું મા-સહજ વાત્સલ્ય ઉમટી આવ્યું.

“હા, હું એનો ઘા સાફ કરીને થોડાક કલાક રાહ જોઉં છું; ઓપરેશનની તૈયારી માટે થોડો સમય જોઇશે. ત્યાં સુધીમાં આપણે ઘરે જઇને જમી આવીએ.”

પતિ-પત્ની જમવા બેઠા. ડો. મહેશ્વરીએ થાળીમાં નજર ફેંકી, “અરે, આ શું? આજે તો તું મિષ્ઠાન્ન બનાવવાનું કહેતી હતી ને?”

“હા, બનાવ્યું પણ છે; પણ ભાવેશનો પગ કાપવો પડશે એ કલ્પના કરીને ભૂખ મરી ગઇ છે. સારી વાનગી જમવાનું મન નથી થતું. માટે જ ફટાફટ ખીચડી બનાવી કાઢી છે.”

પત્નીની વાત સાંભળીને ડો. મહેશ્વરી હલબલી ગયા. પત્નીની સંવેદનાએ પતિનો વિચાર બદલાવી દીધો. ભાવેશને ઓપરેશન ટેબલ ઉપર લેવામાં આવ્યો. થાપાના હાડકાનું અને નળાનાં બંને હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું. પગ કાપી નાખવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો. એમાં ચેપ લાગીને સડો પેદા ન થાય એ માટે ડો. મહેશ્વરીએ પોતાની આગવી સારવાર પધ્ધતી અમલમાં મૂકી. એન્ટીબાયોટીક્સના ઇન્જેક્શનો આપવાને બદલે સીમેન્ટ બીડ્ઝનો ઉપયોગ કર્યો; જેમાં હાડકાની અંદર જ એવા નાનાં નાનાં બીડ્ઝ દ્વારા એન્ટીબાયોટીક્સ દવા ‘રીલીઝ’ થયા કરે એવું આયોજન કરવામાં આવ્યું હતું.

બે દિવસ સખત તણાવમાં પસાર થયા. ડો. મહેશ્વરી દરદીની સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા હતા. એમના જેટલી જ ચીવટ પ્રીતિબહેન રાખી રહ્યા હતા. અચાનક પ્રીતિબહેને શુભ સમાચાર આપ્યા, “ડોક્ટર,ભાવેશ એના જમણા પગનો અંગુઠો હલાવી રહ્યો છે.” ડો. મહેશ્વરી ખુશીના માર્યા ઊછળી પડ્યા. એનો મતલબ એ જ કે ચેતાતંતુઓ અને રક્તવાહિનીઓ કામ કરવા લાગી છે. ઓપરેશન સફળ રહ્યું છે.

એ રાતે જમવા બેઠા ત્યારે પ્રીતિબહેને બે થાળીઓ છપ્પ્ન ભોગથી છલકાવી દીધી. ડો. મહેશ્વરીએ જાણવા છતાં પૂછી લીધું, “ કેમ? આજે આપણી મેરેજ એનિવર્સરી છે કે શું?”

“ના, આજે એક મજબૂર માનો કમનસીબ દીકરો પગ ગુમાવવાની ઘાતમાંથી ઉગરી ગયો છે. આજે સારી સારી વાનગીઓ જમવાનું મન થયું છે.” પ્રીતિબહેનનો અવાજ આંસુથી ભીનો હતો અને આંખો હરખથી છલકાઇ રહી હતી.

આ આખીયે ઘટનામાં મને જો ગમી ગઇ હોય તો એ બે વાત છે: એક, દરદી માટે પતિ-પત્નીનાં દિલમાં રહેલી સંવેદના. બીજું, ડો.મહેશ્વરીની નવી સારવાર પધ્ધતી. હાડકાના ઓપરેશનોમાં એન્ટીબાયોટીક ચેઇન એક એવી શોધ છે જે સીધી ટાર્ગેટ પર જ અસર કરે છે. મોટા ભાગના હાડકાંના ઓપરેશનો ચેપ લાગવાના કારણે જ નિષ્ફળ જતા હોય છે. ડો. મહેશ્વરીની સફળતાનું એક રાજ આ પણ છે.

ડો. કિશોર મહેશ્વરીને મેં ખૂબ નિકટથી જોયા છે, જાણ્યા છે અને એક મહેનતુ મેડીકલ સ્ટુડન્ટમાંથી સફળ ઓર્થોપેડીક સર્જ્યનમાં રૂપાંતરણ પામતા નિહાળ્યા છે. એમની આજની સફળતા, લોકપ્રિયતા અને સમૃધ્ધિ જોઇને ઘણાં ડોક્ટર મિત્રોની આંખોમાં માનવ-સહજ ઇર્ષાની રેખા ઝબકી જાય છે. પણ હું માનું છું કે ડો. કિશોર આ સફળતા માટે દાયકાઓનુ તપ કર્યું છે. સફળતા અને સિધ્ધિ કોઇને રાતોરાત વરતી નથી, વિના કારણે મળતી નથી અને પાત્રતા વગર ફળતી નથી.

ડો. મહેશ્વરી માત્ર પૈસા કમાઇને જ બેસી નથી રહ્યા. એમણે પોતાની શાખાના અન્ય ડોક્ટર મિત્રો માટે પણ ઘણું નવું કામ કર્યું છે. ઓર્થોપેડિક સર્જ્યનો પોતાના દરદીઓની સંપૂર્ણ વિગત ‘સ્ટોર’ કરી શકે તે માટે એમણે એક નવું સોફ્ટવેર વિકસાવવાનું વિર્ચાયું. આ કામ માત્ર કોઇ નિષ્ણાત ઓર્થોપેડિક ડોક્ટર જ સારી રીતે કરી શકે. ધંધાદારી કમ્પ્યુટર નિષ્ણાતને ડોક્ટરની જરૂરીયાતો વિષે ક્યાંથી ખબર હોય?

ઇ.સ. 2003માં ડો. મહેશ્વરીએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું. દિવસભરની તનતોડ મજૂરી કર્યા પછી ઘરે આવીને ભોજન પતાવીને પથારીમાં પડવાને બદલે મોડી રાત સુધી પતિ-પત્ની કામ કરતા રહ્યા. એક-બે મહિના નહીં, પૂરા પાંચ વર્ષ નીકળી ગયા. પણ પછી જે સોફ્ટવેર તૈયાર થયું એમાં રામના બાણ જેવી અમોઘતા હતી, અર્જુનની પણછમાંથી છૂટેલા તીરની જેવી લક્ષ્યવેધીતા હતી, બાબા સાહેબ આંબેડકરના બંધારણ જેવી સંપૂર્ણતા હતી. 2010,2011 અને અને આવનારા 2016ના વર્ષ સુધીમાં આ સોફ્ટવેર નવા નવા અપડેટ્સ સાથે તૈયાર થતું રહ્યું. થતું રહેશે. આ રાતજગાનો ફાયદો પૂરી તબીબી આલમને મળી રહ્યો છે. ભારતમાં કૂલ 21000 જેટલા ક્વોલીફાઇડ ઓર્થોપેડિક સર્જ્યન છે; એમાંથી મોટા ભાગના ડો. મહેશ્વરીના આ સોફ્ટવેરને સ્વીકારી ચૂક્યા છે.

ડો. મહેશ્વરીના મસ્તક પરના મુકુટમાં એક નવું પીંછું ઉમેરાવાની તૈયારીમાં છે. એમની આ સિધ્ધિના પાયામાં પૂરા 11-12 વર્ષની મહેનત સમાયેલી છે. બાર વર્ષ એટલે એક તપ જેટલો સમય કહેવાય. થાપાના હાડકાનું ફ્રેક્ચર થાય ત્યારે એમાં સળીયો નાખવાની શસ્ત્રક્રિયા ભારે ચીવટ અને જહેમત માગી લે છે. સળીયો યોગ્ય દિશામાં જ પસાર થવો જોઇએ. દાયકાઓથી આ મુદ્રા પર હોશિયારમાં હોશિયાર સર્જ્યન પણ તકલીફ અનુભવતા રહ્યા છે. 2004માં ડો. મહેશ્વરીને એક મૌલીક વિચાર સૂઝ્યો, “ફીમર નામના હાડકાના ઉપરના ભાગને જોડવા માટે એક સાદી ડિવાઇસ બનાવી હોય તો? આ તબીબી સાયન્સ અને એન્જિનીયરીંગનો સરવાળો કરીએ તો જ શક્ય બને.”

બીજા દિવસથી જ ડો. મહેશ્વરીએ પ્રયત્નો શરૂ કરી દીધા. જામનગરના એક સામાન્ય લુહારને પકડીને વાત સમજાવી દીધી. પેલો નમુનો તો બનાવી લાવ્યો, પણ એ અભણ માણસને આવી જટીલ પ્રક્રિયાની શી સમજ હોય? ઘોડાને બદલે મચ્છર જેવું કામ કરી લાવ્યો હતો. ડો. મહેશ્વરીએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ કંટાળીને નાસી ગયો. બીજા પાંચ-છ કારીગરો પણ આવ્યા અને કામ છોડીને ભાગી ગયા. પૂરું એક વર્ષ નીકળી ગયું, પણ અંતે અભણ માણસ પાસેથી ગીતાનો શ્ર્લોક સાંભળવાના અશક્ય કાર્યમાં ડો. મહેશ્વરી સફળ સાબિત થયા.

એમનું આ નવું સંશોધન ડો. મહેશ્વરી’ઝ ઝીગ ના નામે ઓળખાયું. 2004માં એમણે ભારત સરકાર પાસે પેટન્ટ માટે અરજી કરી. પૂરા દસ વર્ષ બાદ ભવિષ્યના વીસ વર્ષ માટે પેટન્ટ મળી ગઇ. દેશભરના ઓર્થો. સર્જ્યનોમાંથી લગભગ પંદરસો જેટલા તબીબોએ રૂપીયા ખર્ચીને આ નવી શોધને અપનાવી લીધી. અમેરિકાના ટેક્સાસમાં પ્રેક્ટિસ કરતા ઓર્થો. સર્જ્યન ડો. દિલીપ પોલ તો જાહેરમાં સરાહના કરી બેઠા, “ ડો. મહેશ્વરીની આ નવી શોધ મારો વર્ષો જૂનો સર્જીકલ હેડેક દૂર કરી દીધો.!”

2007માં ‘ગુજરાત ઓર્થો. એસોશિયેસન’ના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા ડો. મહેશ્વરીએ હવે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પોતાની નવી શોધની પેટન્ટ મેળવવા માટે અરજી કરી છે. જોઇએ છીએ કે વિશ્વભરના તબીબી સરપંચો આપણાં આ ગુજરાતી જિનિઅસનો સ્વીકાર કરે છે કે નહીં?!

જો એની શોધનો જગતભરમાં સ્વીકાર થશે તો સૌથી વધુ આનંદ મને થશે. શા માટે? કારણ કે આજથી ચાળીસ વર્ષ પહેલાં હું અને કિશોર એક જ ક્લાસમાં એક જ છત નીચે બેસીને માનવ દેહના રહસ્યો ભણ્યા છીએ.

----------

***

રેટ કરો અને રિવ્યુ આપો

સાયમન ફીલીપ 3 કલાક પહેલા

હું તો આ કોલમ અને તેના લેખકનો આશિક જ છું.

jagrutimistry2308@gmail.com 1 માસ પહેલા

suvas Khothari 2 દિવસ પહેલા

Kamlesh 17 કલાક પહેલા

Mukesh 1 દિવસ પહેલા