નિમેશ ભરત આગળ પોતાના દૂધ જેવા ધોળા રંગ અને મોર જેવી કળાના વખાણ કરતો હતો એ વખતે હું ચાલતો ચાલતો આગળ નીકળી ગયેલો. ખબર નહિ કેમ પણ મારું મન મને કહેતું હતું કે ભલે ગમે તે થાય મોહના તારી છે અને એ હંમેશા માટે તારી થઈને જ રહેશે.
એ પછીના થોડાં દિવસો શાંતિથી પસાર થઈ ગયેલા. ભરતે મોહનાની દોસ્ત સંધ્યા સાથે સારી દોસ્તી કરી લીધી હતી અને એના બહાને એ મોહના સાથે પણ વાતો કરતો થયો હતો. એ સાથે મનેય લઈ જતો, પણ મારા મોઢા પર મોહનાને જોતા જ કોઈ અદૃશ્ય તાળું લાગી જતું... ગમે એટલા પ્રયાસ કરૂ છતાં શું બોલવું એ મને સૂઝે જ નહીં... આમાં ને આમાં રક્ષાબંધન આવી ગયેલી. અમારા એ વખતમાં સ્કૂલમાં છોકરીઓ ચાર ચાર, પાંચ પાંચ રાખડીઓ લઈને આવતી અને પછી કોને કોને ભાઈ બનાવવાં એની મથામણો ચાલતી. હું કોઈ અજ્ઞાત ભયથી ફફડતો, મારો હાથ છુપાવતો મોહનાથી દૂર ભાગતો હતો. ત્યારે જ સાલો નિમેશ ફરી હાજર થઇ ગયેલો. ખબર નહિ એ સ્કુલમાં ભણવા આવતો હતો કે મારા ઉપર નજર રાખવા? મારી જરાક નબળી હાલતની એણે તરતજ ખબર પડી જતી અને એ એનો ભરપુર ફાયદો ઉઠાવતો! એણે મને જોતા જ, મોટેથી બુમ પાડીને કહેલું,
“કેમ લ્યા તું આજે છેલ્લી પાટલીએ ભરાયો છે..? મોહના જોડે રાખડી નથી બંધાવવાની, હેં? માચો મેન!”
નિમેશ જોરથી હસી રહ્યો હતો એને જોઈને ભરતનાં મનમાં એક વિચાર આવેલો અને એણે જઈને સંધ્યાના કાનમાં કંઇક કહેલું. થોડીવારમાં જ સંધ્યા આવીને મારા હાથ પર એની ઘરેથી લાવેલી ચારે ચાર રાખડીઓ બાંધી દીધેલી..! મેં મારી પાસેની મહિનાઓથી સાચવી રાખેલી એકમાત્ર પચાસની નોટ સંધ્યાને આપી દીધેલી.
મેં મારી મૂંઝવણ ભરતને જણાવતાં કહેલું, “આજે મારે સ્કુલ જ નહતું આવવું. પપ્પાએ પરાણે મોકલ્યો. મારું દિલ કહે છે કે આજે મોહના મારા હાથે રાખડી બાંધશે..! મને બહું ખરાબ ખરાબ વિચારો આવે છે, ભરતા. નીમલો આજે સીધો રેય તો સારું!”
“તું ચિંતા ના કર બકા! ભરત ઇઝ હીઅર નો ફીઅર વ્હાલા!” ભરતે મને હિંમત તો બંધાવી પણ મારું મન હજી ગભરાઈ રહ્યું હતું.
ક્લાસમાં ટીચર આવ્યાને તરત વિધિવત રાખડી બાંધવાનો પ્રોગ્રામ શરુ થયો. બધી છોકરીઓ ફરી ફરીને એમના માનેલા ભાઈઓને રાખડી બાંધી રહી હતી. મોહના પાસે હજી બે રાખડી બચી હતી...એ જોઈ નિમેશ બોલ્યો હતો, “મોહના તું આ મનને તારો ભાઈ બનાવી લે. તારી સાથે રહીને એનામાય થોડી હિંમત આવી જાય.”
મારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયેલું. મેં ગભરાયેલી નજરે ભરત સામે જોયેલું અને ત્યાંજ ભરત મારો હાથ પકડી એને ઉપર કરતાં બોલેલો,
“મનને તો કેટલીએ છોકરીઓ પોતાનો ભાઈ માને છે...એનો તો આખો હાથ રાખડીઓથી ભરાઈ ગયો, પણ આ નિમેશને બચારાને કોઈ રાખડી નથી બાંધતી..!” ભરત નિમેષનો હાથ પકડી, એને ખેંચતો મોહના પાસે જઈને બોલેલો,
“આની સામે એક નજર તો કર. દૂધમાં કેસર ઘોળ્યું હોય એવો રંગ, સસલા જેવી માસૂમિયત, ગુલાબ જેવા હોઠ...આ તારો ભાઈ થવાને જ જનમ્યો હોય એવો નથી લાગતો?”
મોહના, સંધ્યા અને ટીચર પણ ભરતના ડાયલોગ પર હસી પડ્યાં હતા. મોહનાએ ફટ દઈને રાખડી નિમેશના હાથ પર બાંધી દીધેલી.
“હજી એક બચી છે એ...” નિમેશે પાછી ચાંપલાશ કરેલી પણ મારો યાર ભરત તૈયાર જ હતો, એણે ફટ દઈને કહેલું, “એ.. તું વિવેકને બાંધી દે. આપણો સિનિયર, તે દિવસે ક્લાસમાં કવિતા ગાયેલો એ..."
મોહના થોડું ખીજવાઈને બોલેલી, “મને એ યાદ છે.” અને એણે છેલ્લી રાખડી ભરતને હાથે જ બાંધી દીધી. ભરતને થોડી નવાઈ લાગી પણ પોતાનો દોસ્ત બચી ગયો એમ વિચારી એ મોટી સ્માઈલ આપીને જતો રહ્યો હતો.
એ દિવસે પછીથી ભરતે મને સમજાવેલુ કે એના રસ્તાનો કાંટો દૂર થઈ ગયો. નીમલો મોહનાનો ભાઈ બની ગયો. હવે મોહના મારી જ છે. આહ...એ વિચાર જ કેટલો સુંદર લાગે છે! મોહના મારી છે! પણ એ વખતેય હું જાણતો હતો અને મેં ભરતને જણાવેલું કે, “આ બધું તો ઠીક છે પણ, મોહના વિવેકને પસંદ કરે છે મને નહિ. તે જોયું નહિ એણે સામેથી છેલ્લી બચેલી રાખડી ભરતને બાંધી પણ વિવેકને નહિ. આમેય એ સ્કૂલનો હીરો છે...બધી છોકરીઓને એ ગમે છે."
એ જ વખતે અમારા બંનેની વાતો ધ્યાનથી સાંભળી રહેલો નિમેશ વચ્ચે આવી બોલેલો, “તમે બે છછુંદરો ખાંડ ખાવ તમારાં મનમાં! મને મોહનાનો ભાઈ બનાવ્યો જ છે તો હવે યાદ રાખજો, મારી બેન તરફ નજર પણ કરી તો એને જઈને કહી દઈશ...!”
નીમેશની એ વખતે અપાયેલી ધમકી યાદ આવતા જ અત્યારે પણ મનના મોઢામાં કડવાશ આવી ગઈ. એણે પરાણે થુંક ગળ્યું, આમેય વિમાનનો એકધારો ઘરરર... અવાજ ક્યારનોય એના કાનને પરેશાન કરી રહ્યો હતો. જૂની વાતોમાંથી જરાક બહાર ડોકિયું કર્યું કે તરત જ એનું ધ્યાન દુખી રહેલા માથા તરફ ગયેલું. એણે વિચાર્યું કે થોડી ઊંઘ લઇ લેવી જોઈએ. એણે એની સીટ થોડી પાછળ કરી અને આરામથી પીઠને સીટ ઉપર નાખીને આંખો મીચી ઊંઘવાની કોશિશ કરી.
એમ આપણે વિચારીએ અને ઊંઘ આવી જાય એવું થોડું જ છે! આંખો બંધ થતાં જ ફરીથી ભૂતકાળ આંખો આગળ તરવરવા લાગ્યો. એની નજર સામે ફરીથી એક ફિલ્મ ચાલુ થઇ ગઈ. એના જ વીતેલા દિવસોની ફિલ્મ, એના જ દુખદ ભૂતકાળની ફિલ્મ...જેનાથી એ દુર ભાગવા ઈચ્છતો હતો!
થોડાં દિવસો બીજા નીકળી ગયા. મોહના વિવેક સાથે વાત કરવાની એક પણ તક જવા નહતી દેતી. દર બુધવારે એ લોકોને ફ્રી ડ્રેસ હોતો, યુનિફોર્મ સિવાય જે પહેરવું હોય એ પહેરીને જઈ શકતાં. ત્યારે સવારે વિવેક જે રંગના પેન્ટ શર્ટ પહેરીને આવ્યો હોય એવા જ રંગના કપડાં મોહના રીસેસમાં ઘરે જઈને પહેરી આવતી. બીજું કોઈ આ વાત નોટિસ કરે કે ના કરે પણ મનના મને આ બરોબર નોધ્યું અને મોહનાની ખુશી માટે એ ચૂપ રહ્યો. આઠમું ધોરણ પુરુ થયું. નવમું આવી ગયું અને પછી દસમું...
બધા લોકો કયા ગ્રુપમાં એડમિશન લેવું એની ચર્ચા કરતાં હતાં. મોહના ખૂબ હોંશિયાર હતી. એણે સાયન્સમાં જઈને ડૉક્ટર બનવું જોઈએ એવું બધાં ટીચર્સ એને સમજાવતા રહ્યા છતાં એણે બધાંની ઉપરવટ જઈને ધરાર આર્ટસમાં એડમિશન લીધું. એકલો મન જ સમજી ગયો કે એ કળા પ્રત્યેના નહિ પણ વિવેક પ્રત્યેના લગાવને લીધે એની પાછળ આર્ટસમાં ગઈ..એનું દિલ તૂટી ગયું, એ ઘાવ ખુબ ઊંડા હતા. એમાંથી ઝરતું લોહી કોઈને દેખાતું ન હતું પણ એ સતત ઝરતું હતું અને મનને અંદર ને અંદર કોરી ખાતું હતું. મન આ બધી પીડા એના જ મનના કોઈ ઊંડા ખૂણે દબાવીને બેસી રહેલો એણે કોઈને જરાકે ભનક પણ ના લાગવા દીધી, કોઈને એના મનની વાત ના કહી એના ખાસ દોસ્ત ભરતને પણ ના કહી, કહી હોત તો...! ભૂતકાળ કદાચ થોડોક બદલાત અને તો, તો વર્તમાનને અચૂક બદલાવું જ પડત પણ, નિયતિને કંઈ જુદું જ મંજૂર હતું.