ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 22

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(22)

કેટલો નિષ્પાપ હશે આ આસોપાલવ,

પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે

એક વયસ્ક બહેનનો પત્ર આવ્યો છે. એ પત્ર એક વર્ષ પહેલાં આવ્યો હતો. પણ ‘ડો.ની ડાયરી’ માં સ્થાન પામવા માટે એણે લાંબી પ્રતીક્ષા કરવી પડી છે.

એ બહેન લખે છે: “આદરણીય શ્રી. ઠાકર સાહેબ, સાદર નમસ્કાર. આપે જ્યારથી ‘ડો.ની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’ લખવાનું શરૂ કર્યું ત્યારથી આપની વાંચક છું. ઘણીવાર એવું બનતું કે અમુક એપિસોડ વાંચ્યા પછી તુરત જ આપને પત્ર કારણે લખાતું ન હતું. આજે પણ આપને પત્ર લખવાનું ખાસ કારણ છે.”

જૂના પત્રો ઊથલાવતો હતો ત્યાં આ પત્ર મળી આવ્યો. આજે એનો ઉલ્લેખ કરવાનું મારી પાસે પણ ખાસ કારણ છે. એમાંની ઘટના અસંખ્ય વાંચકોને માર્ગદર્શન રૂપ બની શકશે. પત્રના તથ્યને ઊઠાવીને હું એ ધટનાને મારી રીતે રજુ કરું છું.

એ પત્ર લખનાર બહેનની પુત્રવધુ (આપણે એને ઝંખના કહીશું) પ્રેગ્નન્ટ હતી. પાંચમો મહિનો પૂરો થયો એટલે એનાં ડોક્ટરે સલાહ આપી, “એક વાર મોટી સોનોગ્રાફી કરાવી લો; ગર્ભમાં કશી ખોડખાંપણ હશે તો પકડાઇ જશે.”

ઝંખના રાજકોટમાં સાસરે હતી. ત્યાંના રેડીયોલોજીસ્ટે સોનોગ્રાફી કરીને રીપોર્ટ આપ્યો: “ ધેર ઇઝ હાઇડ્રોનેફ્રોસિસ ઇન ધ રાઇટ સાઇડેડ કિડની ઓફ ધ ફીટસ”

“એટલે શું?” ઝંખનાએ પૂછ્યું.

“એ તમારા ગાયનેકોલોજીસ્ટ તમને સમજાવશે; મારું કામ માત્ર સોનોગ્રાફી કરવાનું અને લેખિત રીર્પોટ આપવાનું જ છે.” રેડિયોલોજીસ્ટે કહ્યું.

ઝંખના એનાં ગાયનેક ડોક્ટર પાસે પહોંચી ગઇ. ડોક્ટરે સમજાવ્યું: “ તમારા ગર્ભાશયની અંદર જે બાળક પાંગરી રહ્યું છે તે સંપૂર્ણપણે નોર્મલ નથી. એની જમણી બાજુની કિડનીમાં સોજો આવ્યો હોય તેવું લાગે છે. એની સાઇઝ હોવી જોઇએ તેના કરતાં ખૂબ મોટી છે.”

“તો એનો કોઇ ઉપાય?”

“ના; આવા ડિફેક્ટીવ ગર્ભને પૂરા મહિના સુધી ચાલુ રાખવામાં પૂરેપૂરું જોખમ છે. મારી સલાહ છે કે તમે એબોર્શન કરાવી નાખો.”

આવી સલાહ સ્વીકારવાનું કોને ગમે? ઝંખનાને પણ ન ગમ્યું. પ્રથમ સુવાવડ માટે આમ પણ ઝંખના એ પિયરમાં જ આવવાનું હતું, આવું બન્યું એટલે એ સિમંતવિધિની પહેલાં જ અમદાવાદમાં આવી ગઇ.

અહીં આવીને ઝંખના એક પ્રખ્યાત કોર્પોરેટ હોસ્પિટલના મોંઘા ગાયનેકોલોજીસ્ટને મળી. ડોક્ટરે સલાહ આપી. “તમને આઠમા મહિને પ્રી-મેચ્યોર ડિલીવરી કરાવી આપું.”

“પણ પ્રી-મેચ્યોર શા માટે?”

“કારણ કે ગર્ભાશયમાં રહેલા બાળકની જે કંઇ સારવાર કરવાની છે તે એના જન્મ બાદ જ થઇ શકશે. જો પૂરા મહિના સુધી રાહ જોવા રહીશું તો એ અંદર જ મરી જશે.”

અમદાવાદના જ એક સિનિઅર પિડિયાટ્રિશિયન જે હાલમાં પંચોતેર વર્ષના છે એમણે તો પોતાના આટલા બધા વર્ષોના અનુભવનો નિચોડ આ રીતે આપી દીધો, “તમારું બાળક જીવવાનું નથી. હું તો કહું છું કે એને અત્યારે જ કઢાવી નાખો!”

“કઢાવી નાખીએ? આન્ટી, તમે તો ડોક્ટર છો કે દાનવ? અમારા લગ્નના પાંચ વર્ષ પૂરા થયા પછી આ પ્રેગ્નન્સી રહી છે અને નવમો મહિનો બેસી ગયો છે ત્યારે તમે એવું કહો છો કે......?” બાકીનો અમંગળ શબ્દ ડોક્ટર ભલે બોલી શકે, પણ એક જનેતા શી રીતે બોલી શકે? ઝંખના પણ ન બોલી શકી; ચૂપચાપ ત્યાંથી ચાલી ગઇ. (આવી ઘાતકી સલાહ આપવાની ફી ચૂકવવી પડી રૂપીયા સાતસો પૂરા!)

આટલા બધા ડોક્ટરોને મળી લીધા પછી ઝંખનાને એટલું તો સમજાઇ ગયું હતું કે એની પ્રેગ્નન્સી અને ડિલીવરીનો કેસ એ કોઇ એકલ-દોકલ સ્પેશિયાલિસ્ટના હાથની વાત ન હતી. એમાં ગાયનેકોલોજીસ્ટ વતા નેફ્રોલોજીસ્ટ વતા પિડિયાટ્રીશિઅન વતા નીયોનેટોલોજીસ્ટ આ બધા જ તજજ્ઞોની જરૂર પડવાની હતી.

ઝંખના હતાશ હતી; એનાં પિયરમાં મુંઝાયેલા હતા અને એનાં સાસરિયા ચિંતાગ્રસ્ત હતા. આવી કપરી પરિસ્થિતિમાં ઝંખનાની મમ્મીનાં દિમાગમાં ઝબકારો થયો: “અરે! હું વર્ષોથી ‘ડો.ની ડાયરી’ વાંચતી આવું છું; એમાં લેખકે અનેક વાર એક દેવદૂત સમા ડોક્ટરોની વાતો આલેખી છે. શા માટે એકવાર એમની પાસે જઇને સલાહ ન લેવી?!?”

આ દેવદૂત એટલે ડો. એચ.એલ. ત્રિવેદી. કિડની ઇન્સ્ટિટ્યુટના સંસ્થાપક. જો કે ઝંખનાનાં કેસમાં ત્રિવેદી સાહેબના સીધા માર્ગદર્શનની જરૂર ન હતી; પણ ડો. પ્રાંજલ મોદીની કુશળતાની જરૂર વધારે હતી.

ઝંખનાને લઇને મમ્મી-પપ્પા કિડની સંસ્થામાં પહોંચ્યા. ડો.પ્રાંજલ મોદીએ સહુને શાંતિથી સાંભળી લીધા. પછી રાજકોટની ત્રણ-ચાર અને અમદાવાદની ચાર-પાંચ ફાઇલો વાંચીને પૂછ્યું, “આ બધાએ શું કહ્યું?”

“લગભગ બધાનો મત એવો છે કે ઝંખનાનાં પેટમાંથી અધૂરા માસનો ગર્ભ કાઢી લેવો; પછી એને કાચની પેટીમાં રાખવો. એની કિડની પર શસ્ત્રક્રિયા કરવી. જો ઓપરેશન સફળ રહે તો બાળક કદાચ બચી પણ જાય.”

“આપણે એવું કશું જ કરવું નથી. શા માટે કાચા ફળને પાકું બનાવવા માટે એને પેટીમાં મૂકવું પડે? સૌથી સારી અને સોંઘા ભાવની પેટી તો માતાનું પેટ છે. આપણાને ઝંખનાનાં બાળકને ઝંખનાનાં ગર્ભાશયમાં જ પાંગરવા દઇએ. દર ચાર દિવસે એની સુખાકારી જાણવા માટે સોનોગ્રાફી કરાવતા રહીએ. જ્યાં સુધી રીપોર્ટ સારો આવે ત્યાં સુધી આપણે કશું જ કરવું નથી. જો રીપોર્ટ એવું કહે કે ગર્ભસ્થ બાળકની હાલત જોખમમાં છે તો અને ત્યારે જ સીઝીરીઅન કરીને એને જન્મ આપાવીએ. પછી હું એને તપાસીને સલાહ આપું કે એનું ઓપરેશન કરવું કે ન કરવું!”

ડો. પ્રાંજલ મોદી એટલે કિડની ઇન્સ્ટિટ્યુટનો સૌથી ઝળહળતો સિતારો. નખશિખ ગાંધીવાદી. બોલવામાં સાવ શાંત અને વિનમ્ર. ધીરજ એમનો સૌથી મોટો ગુણ; સર્જીકલ કૌશલ્ય એમની સૌથી મોટી ગુણવતા. કિડની અને લીવરના પ્રત્યારોપણમાં ગુજરાતની શાન છે એ.

ઝંખનાની મમ્મીને ‘હાશ’ થઇ; પણ મુંઝવણ હજુ ચાલુ જ હતી, “સર, પણ આ બધું કોણ કરી આપશે? જે નામી ગાયનેક ડોક્ટરોએ અત્યારે જ બાળક કાઢી લેવાની સલાહ આપી છે એ તો આવા નિર્ણયમાં સહકાર આપે જ નહીં.”

“ચિંતા કરવાની જરૂર નથી. આ જ સંસ્થામાં સ્ત્રીઓ માટેનો એક ખાસ અલાયદો વિભાગ છે. એનું કામ ડો. વિનિત મિશ્રા સંભાળે છે. તમે એમની પાસે જાવ. હું ફોન કરી દઉં છું.”

ડો. પ્રાંજલ મોદી એટલી નિરાંતથી વાત કરી રહ્યા હતા જાણે આખા ગુજરાતમાં એ એકલા જ સાવ નવરા ડોક્ટર હોય! અને હકીકત એ હતી કે પૂરા રાજ્યમાં સૌથી વધારે વ્યસ્ત ડોક્ટર એ જ હોય છે.

ડો. પ્રાંજલભાઇની વાતમાં એક ‘રેર’ પ્રકારની સાદગી અને આત્મિયતા હતી; એ જોઇને ઝંખનાને અને તેનાં મમ્મી-પપ્પાને એમની વાતમાં વિશ્વાસ મૂકવાનું મન થયું.

ઝંખનાનો કેસ હવે ડો. મિશ્રાની દેખરેખમાં આવ્યો. એમણે ખૂબ ચિવટપૂર્વક સારવાર કરી અને આખરે વાસી ઉતરાયણના દિવસે એમણે સિઝેરીઅન કર્યું. ઝંખનાનાં બાળકનો જન્મ થયો. અમદાવાદની આસમાનમાં પતંગો ઉપરની દિશામાં જતી હતી, ત્યારે ઝંખનાનો દીકરો આસમાનમાંથી ધરતી પર અવતર્યો. ડો. પ્રાંજલભાઇ એ સમયે ઘડિયાળના કાંટા સાથે ‘રેસ’માં ઊતરેલા હતા. કોઇ ‘બ્રેઇન ડેડ’ માનવીના શરીરમાંથી બે કિડનીઓ, એક લીવર, બે કોર્નિયા (નેત્રદાનમાટે) અને અન્ય અંગો કાઢીને ચાર-પાંચ બિમાર માનવીઓના દેહોમાં પ્રત્યારોપીત કરવાના કામમાં ડૂબેલા હતા. છેલ્લાં 14-14 કલાકથી તેઓ ઓ.ટી.ની અંદર જ ખડે પગે કાર્યરત હતા.

ત્યાં કોઇએ આવીને સમાચાર આપ્યા, “સર, પેલી તમારી પેશન્ટ ઝંખના છે ને! એણે દીકરાને જન્મ આપ્યો છે. જેને કિડનીમાં પ્રોબ્લેમ હતો એ. ડો. મિશ્રાએ પૂછાવ્યું છે કે હવે એનું શું કરવાનું છે?”

ડો.પ્રાંજલભાઇએ લોહીવાળા મોજાં સાથે માસ્ક પહેરેલાં મોંઢામાંથી જવાબ આપ્યો, “મેં બે દિવસ અગાઉ જ ડો. મિશ્રાની સાથે ચર્ચા કરી લીધી છે. હું આમાંથી બહાર આવું ત્યાં સુધી મેં ચિંધેલી સારવાર ચાલુ કરી દો.”

ડો. મિશ્રાએ નવજાત શિશુનાં મૂત્રમાર્ગમાં કેથેટર દાખલ કરી દીધું. અન્ય દવા-સારવાર પણ શરૂ કરાવી દીધી.

ચૌદ કલાક પછી ડો. પ્રાંજલ મોદી ઓ.ટી.માંથી બહાર આવ્યા. ઝંખનાનાં મમ્મી-પપ્પા એમની જ રાહ જોતાં ઊભડક જીવે બેઠા હતા. શક્તિનો આખરી અણુ નિચવાઇ ગયો હોવા છતાં પણ ડો. પ્રાંજલભાઇએ એમની સાથે એટલી નિરાંત પૂર્વક વાત કરી જાણે આખા વિશ્વમાં સૌથી નવરા માણસ એ જ હોય!

જેટલા દિવસો ઝંખનાએ મેટરનિટી વોર્ડમાં પસાર કર્યા, એટલા દિવસો લગી ડો. પ્રાંજલભાઇ જાતે એ વિભાગમાં આવીને બાળકને તપાસ્તા રહ્યા. એ પોતે જો ઓ.ટી.માં વ્યસ્ત હોય તો નર્સ કે વોર્ડબોય મારફત પણ જરૂરી સૂચનાઓ મોકલતા રહ્યા. એક પણ વાર એમને એવું ન કહ્યું કે હું અત્યારે ‘બિઝી’ છું; તમે મારા આસિસ્ટન્ટ ડોક્ટરને મળી લો!

ઝંખનાનો દીકરો બચી ગયો છે. એકાદ વર્ષ બાદ કદાચ ઓપરેશનની જરૂર પડે તો ડો.પ્રાંજલભાઇ તૈયાર છે.

પત્ર પૂરો કરતાં ઝંખનાનાં માતુશ્રી લખે છે, “સર, તમે આવા તપોમૂર્તિ સમા ડો. પ્રાંજલ મોદી વિષે એક આખો એપિસોડ લખજો. “મારે એમને એટલું જ કહેવાનું છે કે ભૂતકાળમાં હું એમના વિષે લખી જ ચૂક્યો છે. પૂરેપૂરો એપિસોડ.

શ્રેષ્ઠ વાત તો છેલ્લે જણાવું છું. પંદરમી જાન્યુઆરીએ જ્યારે સીઝેરીઅન કરવાનું નક્કી થયું ત્યારે ઝંખના ડો. પ્રાંજલ મોદીને મળવા દોડી ગઇ. અને પૂછવા લાગી, “સર, એ દિવસે આપ હોસ્પિટલમાં મળશો કે નહીં?”

ડો. પ્રાંજલભાઇના અવાજમાં સાદગીપૂર્ણ વાસ્તવિક્તા હતી, “બહેન, અમારી તો જિંદગી જ હોસ્પિટલમાં હોય છે.” દર્દીઓને નગણ્ય ગણાતા ડોક્ટરોની સરખામણીમાં ડો.પ્રાંજલભાઇની આ મહાનતા જોઇને ઝંખના રડી પડી હતી.

---------

***

રેટ કરો અને રિવ્યુ આપો

Mahesh 46 મિનિટ પહેલા

Kiran Soni 2 દિવસ પહેલા

sandip kavathiya 4 દિવસ પહેલા

Kalpesh Patel 1 અઠવાડિયા પહેલા

Binita Patel 1 અઠવાડિયા પહેલા