ડોક્ટરની ડાયરી
ડો. શરદ ઠાકર
(21)
ટહૂકાની જેના આંગણે ખેરાત થઇ હશે
એકાદ ડાળ વૃક્ષની આબાદ થઇ હશે
પત્નીને ‘આવજે’ કહીને મહેશભાઇ બહાર નીકળ્યા. સવારના દલ વાગ્યા હતા. ત્રીજા માળે આવેલા ફલેટમાંથી પગથિયા ઊતરીને નીચે આવ્યા. પાર્કિંગમાં જઇને સ્કૂટર ચાલુ કરવા માટે ચાવી શોઘવા પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો, ત્યારે ખબર પડી કે ચાવી તો ઘરમાં જ ભૂલી ગયા છે.
જૂના ફ્લેટ્સ હતા. લિફિટની લક્ઝરી ગેરહાજર હતી. શું ફરીથી દાદરા ચડવા પડશે? એમણે ઉપર જોયું અને હૈયામાં ‘હાશ’ જન્મી. પત્ની હજુ બાલ્કનીમાં જ ઊભી હતી.
“સ્કૂટરની ચાવી ફેંક!” મહેશભાઇ હુકમની અદામાં વિનંતી કરી. આ પૂર્વની ભૂમિની પરંપરા છે; અહીં પશ્ચિમની જેમ પતિ-પત્નીનાં પ્રેમાળ સંબંધમાં ‘પ્લીઝ-સોરી-થેન્કયુ’ જેવા કૃત્રિમ શિષ્ટાચારને માટે કોઇ સ્થાન નથી હોતું. એમાંય તે ત્રણ-ત્રણ સંતાનોના મા-બાપ બન્યા પછી તો જરાયે નહીં.
પત્ની હેમાબહેન દોડતાં ઘરમાં ગયાં. ટી.વી. સેટની ઉપર કી-ચેઇન પડેલી હતી એ ઊઠાવીને પાછાં બાલ્ક્નીમાં આવ્યાં નીચે કેચ કરવા સ્વામીનાથ તૈયાર ઊભા હતા. હેમાબહેન બાલ્કનીની રેલીંગ ઉપર ઝૂકીને કીચેઇન નીચે ફેંકવા ગયાં, પણ પોતાનાં શરીર ઉપર કાહુ જાળવી શક્યાં નહીં. કદાચ ડ્રોઇંગરૂમમાંથી દોડતાં બહાર આવ્યાં વેગ એમને નડી ગયો. પગ તો સ્થિર થઇ ગયાં, પણ આખાં શરીરને ‘બ્રેક’ ન લાગી.
એ લોખંડના પાઇપની રેલીંગને ઓળંગીને ઓળંગીને હવામાં ફેંકાયા. એમની મરણચીસ અને નીચે ઊભેલા મહેશભાઇની અરેરાટી એકમેક સાથે ભળી ગયાં. હેમાબહેન પીઠભર નહીં, પણ પેટભર પડછાયાં હતા. નીચે સ્કૂટરો પાર્ક થયેલાં હતા. એમાંથી એકનું હેન્ડલ હેમાબહેનનાં પેટમાં ઘૂસી ગયું. પેટની દિવાલ દરજીએ વેતરેલા કાપડની જેમ ચીરાઇ ગઇ. લોહીનું ખાબોચિયું. આંતરડાનો ઢગલો. અને મરણની સરહદ સુધી પહોંચી ગયેલો દેહ.
મહેશભાઇએ બૂમાબૂમ કરી મૂકી. આમ પણ ધબાકાનો અવાજ સાંભળીને દસ-બાર માણસો તો દોડી જ આવ્યા હતા; મદદની બૂમ સાંભળીને બીજા પંદર-વીસ દોડી આવ્યાં.
“રીક્ષા બોલાવો! જલ્દી કરો; બહેનને વી.એસ. ભેગાં કરો! અરે, રીક્ષા ક્યાં શોધવા જાવ છો? ફ્લેટમાંથી કોઇની ગાડી બહાર કાઢો!” જેટલા માણસો, એટલાં અભિપ્રાયો હતા.
પણ મહેશભાઇ સમજી ગયા કે વી.એસ. સુધી પહોંચી શકાય એવી પરિસ્થિતિ ન હતી. તાત્કાલિક એમણે નિર્ણય લઇ લીધો, જે અલબત મોંઘો હતો, પણ મહત્વનો હતો. પત્નીને નજીકના ખાનગી નર્સિંગ હોમમાં લઇ ગયા. ડોક્ટર જનરલ સર્જ્યન હતા અને બાહેશ હતા. પણ હેમાબહેનની હાલત જોઇને એ પણ ખળભળી ગયા. રહેલું કામ ઘૂળમાં રગદોળાયેલા આંતરડાં પાછા પેટની પેટીમાં પૂરવાનું કર્યું પછી એની ઉપર અન્ટિસેપ્ટિક દવામાં ઝબોળેલું કપડું ઢાંકી દીધું.
એટલું કર્યા પછી ડોક્ટર દરદીના પતિની દિશામાં ફર્યા, “પેશન્ટની હાલત સિરીયસ છે.”
“જાણું છું.” મહેશભાઇની આંખોમાં ઝળઝળીયા છલક્યા.
“એ ભાગ્યે જ બચશે!”
“એ પણ જાણું છું; નહીતર તમારી પાસે શું કામ લાવત?”
“મોટા ભાગે તો તમારી પત્ની ચાલુ ઓપરેશને જ....”
“સાહેબ, તમને બે હાથ જોડું છું; આગાહીઓ કરવાનું બંધ કરો! અને સારવાર શરૂ કરો....!”
ડોક્ટર શાહે દસ ડોક્ટરોની ટુકડી બોલાવી લીધી. લોહીના બાટલાઓ મગાવી લીધા. હેમાબહેનનાં પેટની અંદર ભાગ્યે જ કોઇ અંગ સલામત બચ્યું હતું. આંતરડા, પેશાબની કોથળી, ગર્ભાશય; જ્યાં જુઓ ત્યાં ખાનાખરાબી હતી. ઓપરેશન પૂરા દસ કલાક ચાલ્યું. એ દરમ્યાન દસ વાર મૃત્યુના બારણે ટકોરા મારીને હેમાબહેન પાછા આવ્યાં.
પૂરા પચીસ દિવસના હોસ્પિટલ સ્ટે પછી હેમાબહેન પાછાં ઘરે જઇ શકવા જેવાં થયાં. ડોક્ટરે જ્યારે સારવારનું બિલ પકડાવ્યું, ત્યારે મહેશભાઇ એક પણ રૂપીયો કાર્યા વગર રકમ ચૂકવી દીધી.
પણ પછી એક નાનકડી મજાક પણ એમણે કરી લીધી, “ડોક્ટર સાહેબ, એક નાનકડી વસ્તુ હું ભૂલી ગયો, એ મને કેટલી મોંઘી પડી ગઇ! આજે સમજાયું કે સ્કૂટર કરતાં સ્કૂટરની ચાવી વધારે ‘મોંઘી’ હોઇ શકે છે!”
ડોક્ટર સહેજ હસ્યા, પછી તરત ગંભીર થઇ ગયા, “આ તો કંઇ નથી, મહેશભાઇ,! આ અકસ્માત તમે ધારો છો એના કરતાં પણ તમને વધારે મોંઘો પડ્યો છે.”
“હું સમજયો નહીં.”
“તો સમજો! હેમાબહેનનાં ગર્ભાશયને પહોંચેલી ઇજા ખૂબ ગંભીર હતી. હવે ક્યારેક તેઓ ગર્ભ ધારણ ન કરે એ વાતની સાવધાની....”
“પણ ડોક્ટર સાહેબ! મારે તો સંતાનોમાં ત્રણ દીકરીઓ જ છે. અમારી ઇચ્છા એક દીકરા માટે....”
“એટલે જ કહું છું કે આ વિચાર પડતો મૂકજો; દીકરાની લાલચમાં ક્યાંક તમે પત્નીને ખોઇ બેસશો!”
હેમાબહેનને લઇને ઘર તરફ જઇ રહેલા મહેશભાઇ વિચારતા હતા: આ અકસ્માત ખરેખર બહુ મોંઘો પડી ગયો!
***
“મહેશકુમાર! ચાલો મારી સાથે; બાપાના દર્શન કરવા જવાનું છે.” એક દિવસ સવારના પહોરમાં મહેશભાઇના સાળા જયેશભાઇ ગાડી લઇને આવી પહોંચ્યા. ‘બાપા’ એટલે દુનિયાભરમાં ફેલાયેલા લાખો-કરોડો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બિંદુ બની ચૂકેલા જાણીતા સંતપુરુષ એમનુ નામ હું નથી લખતો. લખવાની જરૂર પણ ક્યાં છે? ભારતના વડાપ્રધાન કે અમેરિકાના પ્રમુખ પણ જેમને મળવા માટે ‘એપોઇન્ટમેન્ટ’ ઝંખતા હોય છે એ આધ્યાત્મ-પુરુષનુ નામ કોણ નથી જાણતું!
સાળો-બનેવી તૈયાર થઇને નીકળી પડ્યા. અમદાવાદથી બે કલાકના અંતરે બાપાનું ધામ હતું. ભક્તજનોની ભીડ ઉમટી હતી. એ દિવસ આખા વરસમાં એક વાર આવતો ચોક્કસ દિવસ હતો. મહેશભાઇનો વારો આવ્યો, એટલે એ પણ શ્રધ્ધાપૂર્વક બાપાને પગે લાગ્યા. બાપાએ વાંસા ઉપર ધબ્બો માર્યો, “શું જોઇએ છે, બેટા?”
“કશું નહીં, બાપા! તમારા આશિર્વાદ!” મહેશભાઇએ બાળસહજ સરળતાથી જણાવી દીધું. પણ બાજુમાં ઊભેલા એમના સાળા જયેશભાઇ બોલી ગયા. “બાપા, આશિર્વાદ આપો કે એમના ઘરે પુત્રનું પારણું બંધાય!”
બાપાએ એક વાર ઊંચે આસમાન તરફ જોયું; પછી અકળ સ્મિત કરીને મહેશભાઇના વાંસા ઉપર ફરી વાર ધબ્બો માર્યો. મહેશભાઇ રાજી થયા, પણ આખાયે ઘટનાક્રમનો અર્થ એ ભોળો માણસ સમજી ન શક્યા. એમને ત્રણ દિકરીઓ હતી એ વિષે કોઇ ફરિયાદ ન હતી. એક દીકરાની અપેક્ષા હોવી એમાં ખોટું શું છે? પણ અત્યાર સુધીમાં મહેશભાઇએ એક પણ વાર ગર્ભનું જાતી પરીક્ષણ કે એબોર્શન કરાવેલું ન હતું. અને પત્નીનાં ગંભીર અકસ્માત પછી તો એમણે પુત્રષણા ઉપર પૂર્ણવિરામ જ મૂકી દીધું હતું.
એ મહિનાનો એક ચોક્કસ દિવસ. એ રાત્રે હેમાબહેન પતિની નજીક સરક્યા. મહેશભાઇએ મનાઇ કરી, પણ ન માન્યાં, “ભલે મારી જિંદગી ઉપર જોખમ આવતું; પણ મારે એક તક ઝડપી લેવી છે. મારા ભાઇએ મને બાપાના આશિર્વાદ વિષે જાણ કરેલી છે.”
આખા મહિનામાં એ એક જ વારનો સંસર્ગ; અને હેમાબહેન ગર્ભવતી બની ગયાં. પેલા સર્જ્યન પાસે તો માર્ગગર્શન માટે પણ જવાય એવું રહ્યું ન હતું. એટલે બીજા ગાયનેકોલોજીસ્ટ પાસે ગયા. એ ડોક્ટર પણ ચિંતામાં પડી ગયા. પણ ના છુટકે એમણે સારવાર હાથમાં લીધી. “નવ મહિના દરમ્યાન ગમે ત્યારે ગર્ભાશય ફાટી જશે....ડીલીવરી વખતે આમ થશે-તેમ થશે....” સિઝેરીઅન કરવું જ પડશે, પણ કદાચ ચાલુ ઓપરેશને કેસ ફેઇલ થઇ જશે. આવી આવી તો કંઇક લાલ ઝંડીઓ એમણે ફરકાવી દીધી.
કશું જ ન થયું. નવ મહિના પૂરા થઇ ગયા. સિઝેરીઅન ન કરવું પડ્યું. સાડા ત્રણ કિલોગ્રામનો બાબો નોર્મલ ડીલીવરી દ્વારા જન્મ પામ્યો. જ્યારે મહેશભાઇ પેંડાનુ બોક્સ લઇને પેલા સર્જ્યન ને આપવા ગયા, ત્યારે એ પહેલાં તો ગુસ્સે થઇ ગયા, “જંગલી છો? પત્ની વહાલી નથી? એ મરી જાય એવું ઇચ્છતા હતા? મેં તમને ના નહોતી પાડી? પછી બોક્સમાંથી એક પેંડો ઊઠાવીને મોં માં મૂક્યો. કડવાશ ઓગળી ગઇ, “ સરસ! સરસ! અમારા વિજ્ઞાનમાં ક્યારેક આવા સુખદ અકસ્માતો થતા હોય છે. પણ એને ચમત્કાર માનવાની ભૂલ ન કરશો...”
ડો. શાહે જે કહ્યું એ જ બાપાએ પણ કહ્યું. પુત્રજન્મના સમાચાર આપવા માટે મહેશભાઇ ફરીથી બાપાના દર્શને ગયા, ત્યારે એ સંતે પણ આ જ શિખામણ આપી, “બેટા, આ જગતમાં ચમત્કાર જેવું કશું હોતું જ નથી; જે કંઇ હોય છે એ શુભેચ્છા, આશિર્વાદ કે વચન-સિધ્ધીનો આવિષ્કાર જ હોય છે. જ્યાં વિજ્ઞાનની વાડ પૂરી થાય છે, ત્યાંથી જ શ્રધ્ધાની સરહદ શરૂ થાય છે. વિજ્ઞાને તને ભય આપ્યો હતો, મારા આશિર્વાદે તને હિંમત આપી. બસ, આનાથી વિશેષ કશું જ નથી.”
“બાપા, મારા વારસદારનુ નામ પાડી આપો! આપના દર્શને આવ્યો છું.” મહેશભાઇ દંડવત થયા. બાપાએ એમના વાંસામાં ધબ્બો મારીને કહ્યું, “જા દીકરાનુ નામ દર્શન પાડજે!”
(સત્ય ઘટના. જેવી બની છે, તેવી આલેખી છે. આ વાતને મારુ અંગત મંત્વય માનવું નહીં. હું ડોક્ટર છું, વિજ્ઞાનનો માણસ છું. પણ એટલું કબૂલ છું કે ક્યારેક સારવારનુ શસ્ત્ર શ્રધ્ધા આગળ ઝૂકી જાય છે.)
(શીર્ષક પંક્તિ: ભાવિન ગોપાણી)
-------------