મર્ડર@રિવરફ્રન્ટ - 31 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર@રિવરફ્રન્ટ - 31

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:31

આખરે ચાર લોકોની હત્યા બાદ નિત્યા મહેતા ને પણ મોતને ઘાટ ઉતારી એ સિરિયલ કિલર એની લાશ ને પોતાનાં નામ મુજબ રિવરફ્રન્ટ ઉપર ફેંકવા આવી પહોંચ્યો હતો..રાજલે પણ પૂરતો ચોકી પહેરો ગોઠવી એ હત્યારા ને પકડવાનો પ્લાન બનાવી રાખ્યો હતો..અને જેવો એ હત્યારો નિત્યા ની લાશને ફેંકીને નીકળ્યો એ સાથે જ એક તરફથી રાજલ અને બીજી તરફથી ઇન્સ્પેકટર વિનયે એને ઘેરી લીધો.

બંને તરફથી પોતાની જાતને ઘેરાયેલી જોઈ એ હત્યારા એ આખરી દાવ રમવાનું નક્કી કર્યું..એને ચહેરા ઉપર માસ્ક પહેર્યો અને સામેની તરફથી આવી રહેલાં વિનય ની તરફ નજર કરી..આ સાથે જ એ કાતીલે પોતાનાં પગને એક્સીલેટર પર રાખ્યો અને ફૂલ સ્પીડમાં પોતાની કારને વિનય ની તરફ ભગાવી મૂકી..એ કાતીલ નો ઈરાદો રાજલ સમજી ગઈ અને એને વિનયને સાવધાન કરતાં કહ્યું.

"વિનય સાચવીને.."

વિનય ઝાઝું વિચારે એ પહેલાં તો સિરિયલ કિલરે પોતાની કારને પુરપાટ ઝડપે વિનય ને આવીને અથડાવી..વિનયે પોતાનાં બચાવમાં જોરદાર છલાંગ જરૂર લગાવી પણ એ કાફી નહોતી એની કારની સાથેની ટકકરને ટાળવા..કારની ટક્કર વાગતાં જ વિનય દસેક ફૂટ હવામાં માં ઊંચે ઉછળી કારની પાછળ ભાગતી રાજળથી પાંચ ડગલાં દૂર આવીને પડ્યો.

"વિનય..."રાજલ જોરથી ચિલ્લાઈ અને પોતાની રિવોલ્વરમાંથી ઉપરાઉપરી ત્રણ ગોળીઓ એ હત્યારાની કારની ઉપર ચલાવી..પણ એ હત્યારાનાં સારાં નસીબે રાજલે છોડેલી બુલેટ કાર જોડે અથડાઈ ખરી પણ કારનાં ટાયરને ના ફોડી શકી.. વિનય ની બાઈક ને પણ દૂર ફેંકી એ હત્યારો હવાની સાથે વાતો કરાવતો હોય એમ પોતાની કારને આગળની તરફ લઈ ગયો.

"એની તો.."પોતાની નજરોથી દૂર જતી એ હત્યારાની કારને જોતાં રાજલ નિઃસાસો નાંખતાં બોલી.

"આહ.."રાજલનું ધ્યાન નીચે કરાહતાં વિનય ઉપર પડી..રાજલે અત્યારે વિનય ને બચાવવાનાં કામને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું.અને સીધી વિનય જ્યાં રોડ ઉપર પડ્યો હતો એ તરફ આગળ વધી.

"મેડમ..મને બચાવી લો..મારો દીકરો હજુ એક વર્ષનો છે.."રાજલનાં જોડે આવીને ઉભાં રહેતાં જ એની તરફ જોઈ વિનય હાથ જોડીને બોલ્યો.

"ઓફિસર..તમને કંઈ નહીં થાય..હિંમત રાખો.."વિનયનાં લોહીથી ખરડાયેલાં માથાં ને પોતાનાં ખોળામાં મુકી રાજલ બોલી.

"ગણપતભાઈ તમે ક્યાં છો..જલ્દી અહીં આવો રિવરફ્રન્ટ ગાર્ડન થી આગળ.."પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી કાઢી ગણપતભાઈ ને કોલ કરી રાજલ બોલી.

"બસ મેડમ આ ગાંધી બ્રિજ પહોંચ્યો.."ગણપતભાઈ નો સામેથી અવાજ આવ્યો..રાજલ પર જેવો શંકરભાઈ નો કોલ આવ્યો હતો એ સાથે જ રાજલે ગણપતભાઈ ને કોલ કરી પોતાનાં બેકઅપ માટે આવવાં જણાવી દીધું હતું.

"વિનય..શ્વાસ લેવાનું ચાલુ રાખ..હું તને કંઈ નહીં થવા દઉં.."પોતાની આંખો ને મહાપરાણે ખુલ્લી રાખી રાજલની તરફ દયા ની નજરે જોતાં વિનયની તરફ જોઈ રાજલ બોલી.

રાજલ જે રીતે રિવરફ્રન્ટ સિરિયલ કિલરને પણ પોતાનાં જીવને બચાવવા માટે જતો કરી પોતાની મદદ કરી રહી હતી એ જોઈ વિનય ને પોતાનાં રાજલ તરફ મનમાં ભરવામાં આવેલાં નફરત નાં ઝેર ને લીધે પસ્તાવો થઈ રહ્યો હતો..રાજલ વિનય ની છાતી ઉપર દબાણ આપી એનાં શ્વાસોશ્વાસ સતત ચાલુ રહે એની કોશિશ કરી રહી હતી.

બે-ત્રણ મિનિટમાં તો ગણપતભાઈ અને બીજાં ચાર કોન્સ્ટેબલ સાથે એક જીપ રાજલ મોજુદ હતી ત્યાં આવીને ઉભી રહી..જીપમાંથી ઉતરી ગણપતભાઈ રાજલ અને ઘાયલ હાલતમાં વિનય જ્યાં હતાં ત્યાં આવ્યાં અને ગંભીર હાલતમાં વિનયને ઘવાયેલો જોઈને બોલ્યાં.

"અરે રે..મેડમ આ બધું કઈ રીતે થઈ ગયું..?"

"અત્યારે તમારાં સવાલનો જવાબ આપવાનો ટાઈમ નથી..જલ્દી ઓફિસર વિનયને જીપમાં લઈ લો..અને તાત્કાલિક V.S હોસ્પિટલમાં જીપ ને લઈ જાઓ..હું પણ તમારી સાથે જ બુલેટ લઈને આવું છું."સ્થિતિની ગંભીરતા સમજતાં રાજલ વ્યગ્ર સ્વરે બોલી.

"સારું મેડમ.."ગણપતભાઈ એ કહ્યું..અને પછી બીજાં ત્રણ કોન્સ્ટેબલ ની મદદથી વિનય ને ઘવાયેલી હાલતમાં જીપમાં રાખ્યો અને જીપમાં સવાર થઈ ગણપતભાઈ એ ડ્રાઈવર ને હુકમ કર્યો કે રાજલ મેડમની બુલેટની પાછળ જીપ ને જવાં દે.ગણપતભાઈ નાં ઓર્ડર ને અનુસરતાં જીપ નાં ડ્રાઈવરે જીપને રાજલ ની બુલેટની પાછળ હંકારી મૂકી.

પોતાની બુલેટ સ્ટાર્ટ કર્યાં પહેલાં રાજલે સંદીપને કોલ કરી સઘળો વૃતાંત ટૂંકમાં કહી સંભળાવ્યો..સાથે કહ્યું કે એ હત્યારા એ અહીં નજીકમાં જ નિત્યાની લાશ ફેંકી હશે જેને પહેલાં શોધી કાઢવી.

માથાં માં થયેલી ગંભીર ઈજાનાં લીધે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો વિનય જીપમાં જેવો એને રાખવામાં આવ્યો એ સાથે જ બેહોશ થઈને ઢળી પડ્યો.

આ બધું જ્યાં બન્યું હતું ત્યાંથી VS હોસ્પિટલ માત્ર દસ મિનિટનાં અંતરે હતી..છતાં પસાર થતી દરેક સેકંડ રાજલને કલાકો સમાન લાગી રહી હતી..એનાં કાને હજુપણ વિનયનાં એ શબ્દો પડઘાય રહ્યાં હતાં.."મને બચાવી લો..મારો દીકરો હજુ એક વર્ષનો છે.."

રાજલે તાબડતોબ પોતાની બાઈકને VS હોસ્પિટલમાં નાં પાર્કિંગમાં ઉભી રાખી અને જોરથી ચિલ્લાવા લાગી..

"કોઈ છે અહીં..જલ્દી ઈમરજન્સી છે.."

રાજલનો અવાજ સાંભળી બે નર્સિંગ સ્ટાફનાં માણસો ત્યાં આવી પહોંચ્યા અને રાજલનાં લોહીથી ખરડાયેલ પોલીસ યુનિફોર્મ તરફ જોઈને કહ્યું.

"મેડમ..બોલો શું થયું..?"

રાજલે જોયું કે એની પાછળ પાછળ પોલીસ જીપ પણ ત્યાં આવી પહોંચી હતી..જેમાં ગંભીર હાલતમાં વિનય બેહોશ પડ્યો હતો.

"આ જીપમાં અમારાં એક ઓફિસર ગંભીર હાલતમાં છે..એમને જલ્દી જલ્દી ઈમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરો.."રાજલે જીપની તરફ ઈશારો કરતાં કહ્યું.

"સારું મેડમ.."આટલું કહી એ બંને હોસ્પિટલ સ્ટાફનાં માણસો એક સ્ટ્રેચર લઈને આવ્યાં અને ગંભીર હાલતમાં બેહોશ વિનય ને સ્ટ્રેચરમાં સુવડાવી લિફ્ટ મારફતે એને ઈમરજન્સી વોર્ડ માં લઈ ગયાં.. રાજલે ઓન ડ્યુટી ડોક્ટરને મળી કોઈપણ ભોગે વિનયને બચાવી લેવાં અરજ કરી..જવાબમાં ડૉકટરે કહ્યું કે એ પોતાની બનતી કોશિશ કરશે પણ આગળ તો બધું ઉપરવાળાનાં હાથમાં છે.

"Ok ડોકટર..પણ ટ્રાય યોર બેસ્ટ.."ડોકટર ની તરફ જોઈ ગંભીર મુખમુદ્રા સાથે રાજલ બોલી.

જવાબમાં પોતાનું માથું હકારમાં હલાવી ડોકટર ઈમરજન્સી રૂમની અંદર પ્રવેશ્યાં.. એમનાં જતાં જ રાજલે ગણપતભાઈ ની તરફ જોઈને કહ્યું.

"તમે બીજાં બે કોન્સ્ટેબલ સાથે અહીં રોકાઈ જાઓ..અને દરેક પળે પળની ખબરથી મને અવગત કરો..હું જાઉં છું નિત્યાની લાશને શોધવા.."

"Ok મેડમ.."ગણપતભાઈ એ અદબ સાથે કહ્યું.

રાજલે જતાં જતાં ઓપરેશન થિયેટર ની લાલ લાઈટની તરફ જોઈ મનોમન ભગવાનને વિનય ની જાન બચાવી લેવાં માટેની અરજ કરી.

**********

વિનય ને જોરદાર ટક્કર માર્યાં બાદ એ હત્યારો સિરિયલ કિલર પોતાની કારને એ તરફનાં રસ્તે લઈ ગયો જ્યાંથી એ રિવરફ્રન્ટ ઉપર પ્રવેશ્યો હતો..સિલ્વર કલરની એ કાર કંઈક તો ખતરારૂપ હતી એ વાત PCR વાન લઈને ઉભેલાં કોન્સ્ટેબલ વિનય ની ગાળો સાંભળ્યાં બાદ સમજી ચુક્યાં હતાં.

કારને આવતી જોઈ એમને ફટાફટ કારનાં રસ્તામાં બેરેક ગોઠવી દીધાં.. અને આગળ લાકડીઓ લઈને ઉભાં રહ્યાં.. એ કોન્સ્ટેબલો નું ટોળું એ વાતથી બેખબર હતું કે આ એજ સિરિયલ કિલર છે જેને થોડો સમય પહેલાં જ એમનાં સિનિયર ઓફિસરને ટક્કર મારી એને લગભગ મોતનાં મુખમાં ઘસડી દીધો હતો..હવે જે વ્યક્તિ જીવિત વ્યક્તિને જાણી જોઈને ટક્કર મારી શકતો હોય એનાં માટે અડચણરૂપ બનતાં બેરેકની શું વિસાત.

સામે મોજુદ બેરેકને જોતાં જ એ ખૂંખાર કાતીલે કારનો ચોથો ગેર પાડ્યો અને સાથે સાથે એક્સીલેટર પર પગ મૂકી બધાં બેરેકને કારની ટક્કર વડે દૂર ફેંકી દીધા..કારને પુરપાટ ગતિમાં આવતી જોઈ બેરેકની આગળ ઉભેલાં કોન્સ્ટેબલ ખસી ગયાં નહીંતો એમની હાલત પણ વિનયની જેવી થઈ જાત એમાં કોઈ મીનમેખ જ નહોતો.

આખરે બધાં જ વિઘ્નો પાર કરીને એ હત્યારો પોતાનાં બંગલે પહોંચી ગયો.બંગલે પહોંચી એ કિલરે પોતાનાં ચહેરા પરનું માસ્ક ઉતારી ફેંક્યું અને બંગલા ની અંદર પ્રવેશ્યો..અત્યારે એની હાલત એ દર્શાવી રહી હતી કે આજે તો ખરેખર એ પણ મોતનાં મુખમાંથી બચીને આવ્યો હતો.

"આજે તો બચી ગયાં.. એસીપી રાજલ વેલડન.. આખરે આજે તું મને ટક્કર આપવામાં સફળ રહી.."બંગલાનાં હોલમાં મોજુદ સોફા પર બેસતાં જ એ સિરિયલ કિલર બોલ્યો.

એનો ચહેરો હજુ પણ એ વિચારી ચિંતિત હતો કે એને રાજલને ઓછી આંકવાની ભૂલ કરીને જાણીજોઈ પોતાનાં જીવ પર લટકતી તલવાર મૂકી છે..સૌપ્રથમ તો એ હત્યારા એ હોલનું AC ચાલુ કર્યું અને ફ્રીઝમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી..આખી બોટલ ગટગટાવી ગયો.

"રાજલ આજે તો મારી નજીક પહોંચી ગઈ..પણ કાલે તો હું એ કરીશ જે આજસુધી નથી કર્યું..તારી નજરો સામે જ હું એક અભિમાની વ્યક્તિને મારી નાંખીશ..અને એને કોઈ બચાવી નહીં શકે.."ખંધુ હસતાં એ હત્યારો જોરથી બોલ્યો.

આટલું બોલતી વખતે એનાં ચહેરા પર ક્રુરતાભરી ચમક પથરાઈ ગઈ..એ જોરજોરથી હસવા લાગ્યો અને પછી અચાનક એને શું થયું કે એ રડી પડ્યો..પોક મૂકી જોરજોરથી રોતાં-રોતાં એ હત્યારા એ એ પોતાનાં વોલેટમાંથી એક જૂની પુરાણી તસ્વીર કાઢી..આ તસ્વીરમાં એક મહિલા પોતાનાં પાંચ વર્ષનાં દીકરાને પ્રેમથી ચૂમી રહી હતી.

"માં..હું કાલે કોઈપણ ભોગે તારાં હત્યારા ને મોત ને ઘાટ ઉતારી દઈશ.. કાલે એ વ્યક્તિ સૂર્યોદય તો જોશે પણ સૂર્યાસ્ત નહીં જોઈ શકે.."આવેશમાં આવી પોતાનાં હાથમાં રહેલી તસ્વીરને ચુમતા એ સિરિયલ કિલર બોલ્યો.

ત્યારબાદ એ ખૂંખાર હત્યારા એ આંખો બંધ કરી અને ત્યાં જ સોફામાં સુઈ ગયો..!

********

ગણપતભાઈ ને હોસ્પિટલમાં રોકાવાનું કહી રાજલ જ્યારે VS હોસ્પિટલનાં પાર્કિંગમાં આવી એ સમયે જ એનાં ફોનની રિંગ વાગી..રાજલે લોહીનાં ડાઘવાળાં હાથે ખિસ્સામાંથી ફોન બહાર નીકળ્યો અને સ્ક્રીન ની તરફ નજર કરી..સ્ક્રીન પર ફ્લેશ થતું સંદીપનું નામ વાંચી રાજલે ફટાફટ કોલ રિસીવ કર્યો.

"હા બોલો ઓફિસર..શું ખબર છે..?"ફોન રિસીવ કરતાં જ રાજલ બોલી.

"મેડમ..નિત્યા મહેતા ની લાશ મળી ગઈ છે..જગ્યા છે રિવરફ્રન્ટ પાર્કથી આગળ..અને અહીં થોડે દુર રસ્તા વચ્ચે એક બાઈક પણ પડ્યું છે..એ સિવાય વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ ની PCR વાન નો પોલીસ સ્ટાફ પણ અમારી જોડે છે.."સંદીપ બોલ્યો.

"હું થોડીવારમાં ત્યાં પહોંચું છું..તમે આજુબાજુ બીજું કોઈ સબુત મળે છે કે નહીં એની તપાસ આરંભો.."સંદીપ ને આદેશ આપી રાજલે ફોન ડિસ્કનેક્ટ કર્યો અને બાકીનાં કોન્સ્ટેબલ ને જીપ લઈને પોતાની પાછળ આવવાં કહી બુલેટ લઈને નીકળી પડી નિત્યા મહેતાની લાશ મળી હતી એ જગ્યા તરફ.

પંદર મિનિટમાં તો રાજલ સંદીપે જણાવેલી જગ્યાએ પોતાની બુલેટ પર સવાર થઈને જઈ પહોંચી.ચાર કોન્સ્ટેબલો ને લઈને પોલીસ ની જીપ પણ એની પાછળ જ હતી.થોડે દુર ઉભેલી પોલીસ જીપની હેડલાઈટ નાં પ્રકાશમાં રાજલે દૂરથી જોયું તો પોતાની સિરિયલ કિલર જોડે જ્યાં મુઠભેડ થઈ હતી ત્યાંથી સો મીટર દૂર એક જીપ ઉભી હતી અને જોડે પોલીસ નાં કપડામાં છ-સાત લોકોનું ટોળું મોજુદ હતું..જે જોતાં જ રાજલ સમજી ગઈ કે સંદીપ ત્યાં જ છે...અને નિત્યા મહેતાની લાશ પણ ત્યાંજ પડી છે.

રાજલે ત્યાં પહોંચી પોતાનું બુલેટ ઉભું રાખ્યું અને હેઠે ઉતરી જ્યાં એ બધાં કોન્સ્ટેબલ અને સંદીપ ઉભાં હતાં એ તરફ અગ્રેસર થઈ..આગળ વધતાં રાજલે જોયું કે જીપ ની બીજી તરફ એક PCR વાન પણ ઉભી હતી..જેની ઉપર લખ્યું હતું વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ.

"મેડમ આ રહી નિત્યા મહેતાની લાશ.."રાજલનાં ત્યાં પહોંચતાં જ સંદીપ રાજલની તરફ આવીને બોલ્યો.

સંદીપે બતાવેલી દિશા તરફ રાજલ આગળ વધી..રાજલે ત્યાં પહોંચીને જોયું તો સફેદ કુર્તા અને કેસરી લેગીન્સ માં એક ત્રીસેક વર્ષની સ્ત્રી રોડની જોડે બનેલાં RCC સિમેન્ટનાં વૉકિંગ વે પર પડી હતી.

"ઓફિસર લાઈટ.."સંદીપ ભણી જોતાં રાજલ બોલી.

સંદીપે પણ એક કોન્સ્ટેબલ ને ઈશારો કરી એની જોડેથી હેન્ડ ટોર્ચ હાથમાં લીધી અને એનો પ્રકાશ નીચે પડેલી નિત્યા મહેતાની લાશ ઉપર ફેંક્યો..ટોર્ચ અને જીપની હેડલાઈટ નું અજવાળું ત્યાંનું દરેક દ્રશ્ય દ્રશ્યમાન બનાવી રહ્યું હતું..

રાજલે હાથમાં મોજાં પહેરી બારીકાઈથી લાશ નું નિરીક્ષણ શરૂ કર્યું..રાજલે નોટિસ કર્યું કે નિત્યા નાં હાથ પર મોજુદ નિશાન એ વાતની સાબિતી હતાં કે એને કોઈ મજબૂત વસ્તુ વડે બાંધવામાં આવી હતી..સાથે સાથે એનાં શરીર પર દાઝવાનાં નિશાન હતાં જેની ઉપર સફેદ રંગનું કોઈ દ્રવ્ય જામી ગયું હતું..રાજલે એ દ્રવ્ય નાક જોડે લાવી સુંધી જોયું તો એને લાગ્યું કે એ સફેદ દ્રવ્ય નમક હતું.

આ સિવાય નિત્યાનાં શરીર પર કોઈ જાતનાં હથિયાર નાં ચિહ્નનો નહોતાં જેની ઉપરથી રાજલે અંદાજો લગાવ્યો કે નિત્યાની હત્યા માટે પણ એ હત્યારા એ કોઈ નવી ટેક્નિક વાપરી હતી.

"ઓફિસર..જોડેથી બીજું કંઈ મળ્યું.."નિત્યાની લાશ જોડેથી ઉભાં થતાં રાજલ બોલી.

"મેડમ દર વખતની જેમ આ વખતે પણ લાશની જોડેથી એક ગિફ્ટબોક્સ મળ્યું છે..જે જીપમાં રાખી દીધું છે.."સંદીપ બોલ્યો.

"ઓફિસર,મોં સુઝણું થાય એટલે નિત્યાની લાશનાં ફોટો પાડીને એની લાશને તાત્કાલીક પોસ્ટમોર્ટમ માટે મોકલાવો.."કંઈક વિચારીને રાજલ બોલી.

"Ok મેમ..પણ એ તો જણાવો કે વિનય સર ને કેવું છે..?"સંદીપે ચિંતિત સ્વરે પૂછ્યું.

"વિનય ખૂબ બહાદુર છે..એને કંઈ નહીં થાય મને વિશ્વાસ છે.."આટલું કહી રાજલ એ PCR વાન માં મોજુદ વેસ્ટ રિવરફ્રન્ટ પોલિસનાં કોન્સ્ટેબલો ની ટીમ ને મળી એમની જોડે જે થયું એની માહિતી મેળવી..પોતાની આળસ અને ભૂલનાં લીધે જ એમનો સિનિયર ઓફિસર જીવન મરણનાં વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો એ વિચારી એમનાં ચહેરા પર ભારોભાર પસ્તાવો દેખાઈ રહ્યો હતો.

"તો ઓફિસર હું નીકળું તો..તમે તમારું કામ પૂરું કરી લો.."નિત્યા ની લાશ જોડેથી મળેલું ગિફ્ટ બોક્સ હાથમાં લઈ રાજલ બોલી.

"સારું મેડમ..અહીં તો હું બધું હેન્ડલ કરી લઈશ.."સંદીપ બોલ્યો.

રાજલ પોતાની જોડે આવેલાં પોલીસ કોન્સ્ટેબલો ને જીપમાં બેસી નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચવાનો હુકમ કરી પોતાની બુલેટ પર સવાર થઈ અને બુલેટની કીક મારવાં જતી હતી ત્યાં એનાં મગજમાં એક ઝબકારો થયો.

"અરે એ તો રહી જ ગયું.."

મનોમન આટલું બોલી રાજલ બુલેટ પરથી ઉતરી પુનઃ નિત્યા મહેતાની લાશ પડી હતી એ તરફ આગળ વધી..!

વઘુ આવતાં ભાગમાં.

રાજલને અચાનક શું યાદ આવ્યું હતું..?વિનય બચી જશે કે કેમ..?કોણ હતો એ હત્યારાની માં ની મોત નું કારણ..?શું એ નિત્યા બાદ એનાં બીજાં બે શિકાર ને મારવાં માટે બચી જશે..?આખરે કોણ હતો એ સિરિયલ કિલર..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન.આર.પટેલ (શિવાય)