Murder at riverfront - 2 books and stories free download online pdf in Gujarati

મર્ડર @રિવરફ્રન્ટ - 2

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:2

લેટર વાંચ્યા બાદ રાજલ ને એ જાણવાની ઉત્સુકતા હતી કે પોતાને રાજલનો શુભચિંતક કહેતાં એ વ્યક્તિએ આખરે લેટરની જોડે મોકલાવેલાં ગિફ્ટ બોક્સની અંદર શું મોકલાવ્યું હતું..લેટર વાંચી લીધાં બાદ રાજલે એ લેટર ને પોતાનાં ટેબલનાં ડ્રોવરમાં મુક્યો અને પછી ગિફ્ટ બોક્સ ને ખોલવાનું શરૂ કર્યું.

બોક્સ ઉપરનું ગિફ્ટ પેપર ખોલતાં અંદર એક સફેદ રંગનું બોક્સ હતું..રાજલે એ બોક્સ ટેબલ પર મુક્યું અને એને ખોલ્યું..રાજલ આ દરમિયાન વિચારી રહી હતી કે અંદર એવું તે શું હશે..?..બોક્સ ખોલતાં જ રાજલે અંદર મોજુદ જે વસ્તુઓ જોઈ એ જોઈ એનાં મોંઢેથી નીકળી ગયું.

"આ બધું શું છે..?"

બોક્સની અંદર એક પીળાં રંગની રીબીન,એક લાલ કપડામાં સજ્જ સુંદર નાનકડી ઢીંગલી મોજુદ હતાં.જ્યારે બોક્સ ની અંદર નાં ભાગમાં એક બકરીનું પોસ્ટર લગાવેલું હતું..આ બધું કોઈએ પોતાની મજાક કરવાં મોકલાવ્યું હશે એમ વિચારી રાજલે એ બોક્સ બંધ કર્યું અને પોતાનાં ટેબલની જોડે મોજુદ અલમારીમાં મૂકી દીધું.

ત્યારબાદ રાજલ પોતાની બુલેટ પર બેસી નીકળી પડી પોતાનાં પ્રગતિનગર જોડે આવેલાં ફ્લેટની તરફ..રાજલ પોતાની જાત ને પુરુષ સમોવડી જ ગણતી હતી..એટલે એક મહિલા ઓફિસર હોવાં છતાં એ ઘણીવાર બુલેટ લઈને જ પોલીસ સ્ટેશન આવતી હતી.રાજલની બદલી થયે વધુ દિવસ નહોતાં થયાં એટલે એને કવાટર્સ ની ફાળવણી નહોતી થઈ માટે એ પોતાનાં એક મિત્રનાં ખાલી પડેલાં ફ્લેટ ઉપર જ અત્યારે ટેમ્પરરી રહેતી હતી.

ધમધમાટી બોલાવતી બુલેટ પર જ્યારે આંખે સનગ્લાસ લગાવી રાજલ નીકળતી ત્યારે લોકો આ રુવાબદાર ઓફિસર ને જોઈ આશ્ચર્યચકિત થઈ જતાં.પણ રાજલ ને કોઈનાંથી કોઈ ફરક નહોતો પડતો.

રાજલ ફ્લેટ પર પહોંચી ત્યારે એને એ જોઈ આંચકો લાગ્યો કે એનાં ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો..ફ્લેટનો ખુલ્લો દરવાજો જોઈ રાજલને ખતરાની ઘંટડી સંભળાઈ ગઈ અને એનાં હાથ અનાયાસે જ પોતાની સર્વિસ રિવોલ્વર તરફ ચાલ્યાં ગયાં.રાજલે રિવોલ્વર હાથમાં લીધી અને હળવેકથી દરવાજો ખોલ્યો.રૂમમાં અંધારું હતું છતાં રાજલે પોતાની જાતને અંધારામાં પણ જોઈ શકે એ હદે ટ્રેઈન કરી હતી.

રાજલે દબાતાં પગલે ફ્લેટની અંદર પ્રવેશ કર્યો અને મુખ્ય હોલમાં આવી સ્વીચબોર્ડ પાસે જઈ રૂમની લાઈટ ચાલુ કરી..લાઈટ ચાલુ થતાં જ આખો હોલ પ્રકાશથી ઝળહળી ઉઠ્યો.રાજલ એકદમ સાવધાનીથી આજુબાજુ પોતાની નજર ઘુમાવી રહી હતી.રાજલ ને આ ફ્લેટમાં કોઈકની મોજુદગીનો અહેસાસ થઈ રહ્યો હતો.રાજલે એક નજરમાં તો અમુક વસ્તુઓ નોંધી લીધી જે પુરવાર કરતી હતી કે પોતાનાં આવ્યાં પહેલાં અહીં કોઈક મોજુદ હતો.

સવારે પોતે ન્યૂઝપેપર ને યોગ્ય રીતે ત્રિપાઈ પર મૂકીને ગઈ હતી એ અત્યારે વિખરાયેલું હતું..સોફાની ગાદી પણ થોડી દબાયેલી હતી..આ ઉપરાંત રસોડામાં રાખેલો પાણીનો બાટલો પણ અત્યારે હોલમાં જ રાખેલી ત્રિપાઈ પર પડ્યો હતો..આ નાની નાની વસ્તુઓ કાફી હતી ACP રાજલને એ વાતનું અનુમાન કરવા માટે કે અહીંયા કોઈક તો હતું.

અચાનક કોઈકનાં પગરવનો નાનો સરખો અવાજ પોતાનાં બેડરૂમ તરફથી આવતાં રાજલનાં કાન સરવાં થઈ ગયાં..એ પોતાની સર્વિસ રિવોલ્વરને મજબૂતાઈથી હાથમાં પકડી બેડરૂમ તરફ આગળ વધી..રાજલ ને ખબર પડી ગઈ હતી કે અંદર કોઈક તો હતું.એ જે કોઈપણ હશે પણ આજે એ પોતાને કંઈપણ કરે એ પહેલાં એને પોતાનો જીવ બચાવવા ભગવાન જોડે દુવા કરવી પડશે એવો મક્કમ નિર્ધાર કરી રાજલે બેડરૂમનાં દરવાજાનું હેન્ડલ ઘુમાવી એક ઝાટકા સાથે દરવાજો ખોલ્યો અને પોતાનાં બેડરૂમમાં દાખલ થઈ.

રાજલનાં અંદર પ્રવેશતાં જ કોઈકે દરવાજો બંધ કરી દીધો અને બીજી જ ક્ષણે બેડરૂમની લાઈટ ચાલુ થઈ ગઈ..રાજલ ઉતાવળમાં રિવોલ્વરનું ટ્રિગર દબાવવા જતી હતી ત્યાં એનાં કાને અવાજ પડ્યો.

"Happy birthday to you...Happy birthday to you...

Happy birthday to dear rajal...

Happy birthday to you..."

રાજલે જોયું તો એની સામે હાથમાં કેક લઈને નકુલ,પોતાની સાસુ અંબા બેન અને નણંદ કેસર હાજર હતી..આજે પોતાનો જન્મદિવસ હતો એ વાત બે દિવસ પહેલાં તો રાજલને યાદ હતું પણ કામનાં તણાવમાં એ ભૂલી જ ગઈ હતી કે આજે પોતાનો જન્મદિવસ હતો..ડ્યુટી પર એ કોઈનાં નકામાં કોલ રિસીવ નહોતી કરતી એટલે અમુક મિત્રોએ જન્મદિવસ ની શુભેચ્છાઓ માટે કોલ કર્યાં હશે પણ રાજલે સાંજે એમને કોલ કરશે એમ વિચારી એમનાં કોલ રિસીવ જ નહોતાં કર્યાં.પોતાનાં પરિવાર ને અહીં જોઈ રાજલની આંખો હરખનાં આંસુથી ઉભરાઈ આવી.

નકુલ આજે બપોરે જ પોતાની માં અને બહેનની સાથે પોતાની પત્ની રાજલને જન્મદિવસની સપ્રાઈઝ આપવાં માટે મહેસાણા થી અમદાવાદ આવી પહોંચ્યો હતો..રાજલનાં જે મિત્રનો એ ફ્લેટ હતો અને નકુલ પણ ઓળખતો હતો એટલે નકુલે ફોન કરી એમનાં જોડે આ ફ્લેટની બીજી ચાવી મંગાવી લીધી હતી..અને એ વિશે રાજલને કહેવાની મનાઈ ફરમાવી દીધી હતી.

રાજલનાં પોલીસ સ્ટેશમાં હેડ કોન્સ્ટેબલ એવાં ગણપત ગજ્જર ને નકુલ પહેલાંથી ઓળખતો હતો કેમકે એમની મહેસાણામાં જ પહેલાં નોકરી હતી ત્યારે તેઓ નકુલનાં ઘરની પાસે જ ભાડે મકાન રાખી રહેતાં હતાં.નકુલે એમને કહી રાખ્યું હતું કે જેવી રાજલ ત્યાંથી નીકળે એવો જ પોતાને કોલ કરીને જાણ કરવી.રાજલનાં નીકળતાં જ ગણપતભાઈએ નકુલને કોલ કરી માહિતી આપી દીધી કે મેડમ ત્યાંથી નીકળી ચુક્યાં છે.નકુલનું રાજલને સપ્રાઈઝ આપવાનું આયોજન સંપૂર્ણપણે સફળ થયું હતું અને અત્યારે એમનો પૂરો પરિવાર એકસાથે રાજલનાં બેડરૂમમાં હાજર હતો.

"તમે બધાં એ તો મને ડરાવી જ દીધી હતી.."રાજલે એ બધાં ને જોઈ હસતાં હસતાં કહ્યું અને પોતાની રિવોલ્વર ને યથાસ્થાને રાખી દીધી.

"હવે તો પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યાં પછી પણ પોતાની જોબ ના મૂકે તો ડર તો લાગે જ ને..happy birthday dear"નકુલે કેક ને પલંગ પર મૂકી રાજલને ફરતે હાથ મૂકીને કહ્યું.

"Thanks.."રાજલે સ્મિત સાથે નકુલનો આભાર માન્યો.

ત્યારબાદ રાજલે જઈને પોતાની સાસુમાં નાં ચરણસ્પર્શ કર્યાં.. સામા પક્ષે અંબાબેને રાજલનાં માથે હાથ મૂકી એને આશિર્વાદ આપતાં કહ્યું.

"સો વર્ષનાં થજો..અને આમ જ પોતાનું અને પોતાનાં પરિવારનું નામ રોશન કરતાં રહેજો.."

"ભાભી happy wala birthday.."રાજલની નણંદ કેસરે પણ એને અભિનંદન આપતાં કહ્યું.

"Thanks ઢબુ.."કેસર ને પોતાનાં ઉપનામથી બોલાવતાં રાજલ બોલી.

"ચલો તો હવે હોલમાં જઈને કેક કટ કરીએ..મને તો બહુ ભૂખ લાગી છે.."નકુલ હસીને બોલ્યો.

ત્યારબાદ નકુલ કેકને લઈને હોલમાં આવ્યો અને ત્રિપાઈ પર ગોઠવી દીધી..એની ઉપર મીણબત્તીઓ લગાવી એને સળગાવવામાં આવી એટલે રાજલે ફૂંક મારી મીણબત્તીઓ ઓલવી દીધી.રાજલે પહેલાં પોતાની સાસુ ને કેક ખવડાવી કેમકે અંબાબેને પોતાની દીકરી કેસર અને પોતાનામાં ક્યારેય કોઈ ફરક રાખ્યો નહોતો એ રાજલને ખબર હતી.

"રાજલ,તારાં માટે આ નાનકડી ગિફ્ટ.."એક નાનકડું ગિફ્ટ બોક્સ રાજલનાં હાથમાં મૂકી નકુલ બોલ્યો.

રાજલને નકુલે આપેલું બોક્સ જોઈ હમણાં જ ખોલેલું પેલું શુભચિંતક વાળું બોક્સ યાદ આવી ગયું..રાજલે નકુલની તરફ જોયું તો નકુલે ઈશારાથી જ રાજલને એ બોક્સ ખોલવા કહ્યું.રાજલે બોક્સ ખોલી જોયું તો અંદર એક ડબ્બી હતી અને એમાં બે ડાયમંડ ઈયરિંગ હતી.

"પણ નકુલ આની શું જરૂર હતી..?"રાજલ નકુલ તરફ જોઈને બોલી.

"રાજલ,આ હું લાવી છું તારાં માટે..કેમકે તું તો તારાં માટે કંઈપણ લાવવાની નહોતી..માટે રાજલ બેટા આ ભેટ તું રાખી લે.."અંબાબેને પ્રેમથી રાજલનાં માથે હાથ મૂકીને કહ્યું.

"હું ભગવાનની ખૂબ ખૂબ આભારી છું કે મને આટલો સુંદર પરિવાર મળ્યો.."લાગણીસભર અવાજે રાજલ બોલી.

ત્યારબાદ થોડો સમય ફોટો સેશન ચાલ્યું અને પછી નકુલ રાજલને ઉદ્દેશીને બોલ્યો.

"રાજલ તું હવે કપડાં બદલી લે..આપણે પછી બહાર જમવા જઈએ.."

"ભાઈ આપણે ક્યાંય નથી જવું .હું zomato એપનો ઉપયોગ કરી નજીકની કોઈ સારી રેસ્ટોરેન્ટમાંથી જમવાનું ઓર્ડર કરી દઉં છું.."કેસર મોબાઈલનું સ્ક્રીનલોક ખોલતાં બોલી.

"શું કીધું..ટોમેટો માંથી જમવાનું..?"કેસર શું બોલી રહી હતી એ ના સમજાતાં અંબાબેને કહ્યું.

"મમ્મી..તું શાંતિથી બેસ..હમણાં જમવાનું ઘરે આપી જશે અને એ પણ ત્યાં કરતાં ઓછાં ભાવમાં.."નકુલ બોલ્યો.

"તો તો સૌથી સારું..આમ પણ મને લોકોની વચ્ચે જવું અને રાહ જોઈ બેસી રહેવું નથી ગમતું.."અંબાબેન પોતાનાં દેશી અંદાજમાં બોલ્યાં.

એ બધાં ની વાતો સાંભળતાં સાંભળતાં રાજલ પોતાનાં બેડરૂમમાં પ્રવેશી..રાજલ થોડાં સમયમાં એક કેસરી રંગનો અનારકલી ડ્રેસ પહેરીને બહાર આવી તો નકુલ એને જોતો જ રહી ગયો..ક્યાં થોડાં સમય પહેલાં પોલીસનાં કપડામાં સજ્જ એક કડક ઓફિસર અને ક્યાં અત્યારે અજંતાની મુરત સમી સુંદર રાજલ.

આંખોમાં કાજળ અને અધરો પર હળવી ડ્રેસ ને મેચિંગ લિપસ્ટિક..કાનમાં ભેટમાં મળેલી ઈયરિંગ અને ખુલ્લાં કેશ રાજલને ખરેખર અદભુત બનાવી રહ્યાં હતાં..નકુલ નું આમ રાજલને જોતાં રહેવું કેસર અને અંબાબેનથી છૂપું ના રહી શક્યું અને એ બંને માં દીકરી એકબીજાની તરફ જોઈ હસી રહ્યાં હતાં.

અંબાબેન અને કેસર અત્યારે નકુલ ને પોતાની તરફ દેખતાં જોઈ હસી રહ્યાં હતાં એ જોઈ રાજલે આંખો પહોળી કરી નકુલ ને ઈશારો કર્યો કે કેસર અને અંબાબેન બધું જોઈ રહ્યાં છે..રાજલનો ઈશારો સમજી નકુલે હસતાં-હસતાં પોતાનો ચહેરો બીજી દિશામાં ઘુમાવી દીધો.

આ બધું જે રીતે થયું એ પછી તો બધાં ખળખળાટ હસી પડ્યાં..વીસેક મિનિટમાં તો ઓર્ડર કરેલું જમવાનું લઈને ડિલિવરી બોય આવી ગયો.નકુલે જમવાનું બિલ ચુકવ્યું અને જમવાનાં પાર્સલ લઈને અંદર આવ્યો..બધાં એ સાથે મળીને વાતો કરતાં-કરતાં જમવાનું પૂર્ણ કર્યું.આજે રાજલ ખૂબ જ ખુશ હતી કે એનાં જન્મદિવસ ને વધુ ખાસ બનાવવાં એનો આખો પરિવાર એની જોડે હાજર હતો.નકુલે રાજલને એ પણ જણાવ્યું કે એ કઈ રીતે ફ્લેટમાં પ્રવેશ્યો હતો..નકુલ ભણ્યો ઓછું હતો પણ એની બુદ્ધિ પણ કુશાગ્ર હતી એ જોઈ રાજલ ખુશ થઈ રહી હતી.

આજની રાત બધાં અહીં જ રોકાઈ જાય એવાં રાજલનાં આગ્રહને વશ થઈ બધાં એ ત્યાં જ રોકવાનો નિર્ણય કર્યો..સવાર થતાં નકુલ બધાં ની સાથે મહેસાણા જતો રહેશે એવું નક્કી થયું.રાતે મોડે સુધી બધાં સાથે બેસી ટીવી જોતાં જોતાં અહીંતહીં ની વાતો કરતાં રહ્યાં.. છેલ્લે જ્યારે કેસરનાં લગ્નની વાત નીકળી તો એ શરમાઈને ત્યાંથી ઉભી થતાં બોલી.

"મને ઊંઘ આવે છે..હું જાઉં છું સુવા માટે.."

"ઉભી રે કેસર હું પણ તારી સાથે આવું..મને પણ ઊંઘ આવે છે.."કેસર ની પાછળ પાછળ અંબાબેન પણ પોતાની જગ્યાએથી ઉભાં થતાં બોલ્યાં.પોતાનાં પુત્ર અને પુત્રવધુ ને એકાંત મળી રહે એવો એમનો આશય હતો એવું રાજલ સમજી ગઈ હતી.

એમનાં રૂમમાં જતાં જ નકુલે રાજલને બાહોં માં ભરી લીધી..રાજલે નકુલથી પોતાને છોડાવતાં એકદમ ધીમેથી કહ્યું.

"હજુ મમ્મીજી નહીં સૂતાં હોય.."

રાજલની વાત સાંભળી નકુલ મોં ચડાવી થોડો સરખો બેઠો..દસેક મિનિટ બાદ એ ઉભો થયો અને અંબાબેન તથા કેસર જે રૂમમાં સૂતાં હતાં એ રૂમનાં બારણે કાન રાખી તપાસ કરી આવ્યો કે એ જાગે છે કે સુઈ ગયાં.

નકુલ ખુશ થઈને રાજલની જોડે આવ્યો અને બોલ્યો..

"અન્નપૂર્ણા મેડમ એ બંને સુઈ ગયાં.."

"કેટલી વાર કીધું કે મને નથી ગમતું કોઈ મને અન્નપૂર્ણા કહે..યાર કેટલું લાબું નામ છે..જોવો હવે મમ્મી અને કેસર સુઈ ગયાં તો..તમે પણ રૂમમાં જઈ સુઈ જાઓ.."રાજલ જાણીજોઈને નકુલ ને હેરાન કરતાં બોલી.

"આજની રાત તો ના હું સુવાનો કે ના તને સુવા દઈશ.."આટલું બોલી નકુલે ટીવી બંધ કર્યું અને રાજલને પોતાની બાહોં માં ઊંચકી એનાં બેડરૂમમાં લઈ ગયો.ઘણાં દિવસથી એકબીજાથી અલગ રહ્યાં બાદ આજે મળેલી મિલનની પળને રાજલ સને નકુલ મનભરીને માણી લેવાનાં મૂડમાં હતાં.ઘણાં સમયથી મનમાં ઉભરાઈ રહેલાં લાગણીનાં ઘોડાપૂરને શાંત કરવાનો અવસર હાથમાંથી જવા દેવાની ભૂલ કરે એવાં એ મૂર્ખ નહોતાં.મોડે સુધી એકબીજાને પરિતૃપ્ત કરી એ બંને પણ સુઈ ગયાં.

*********

સવારે નકુલ અંબાબેન અને કેસર ને લઈને મહેસાણા જવા નીકળી પડ્યો..નકુલ નો ત્યાં મહેસાણા ની નજીક આવેલી દેદીયાસણ GIDC માં મેટલ પાઇપ બનાવવાનો બિઝનેસ હતો..અને નકુલ પોતાની બુદ્ધિ અને કોઠાસૂઝથી ઘણું સારું કમાઇ પણ લેતો હતો.રાજલનાં પગારની નકુલને જરૂર નહોતી અને એ નોકરી કરે એમાં જાનનું જોખમ પણ હતું..છતાં રાજલની ઈચ્છા ને માન આપી નકુલે એને ક્યારેય એનું ધાર્યું કરતાં રોકી નહોતી..ઉપરથી એતો રાજલ માટે હંમેશા પ્રેરકબળ બની એની પડખે ઉભો રહ્યો હતો.

રાજલ સવારે પોતાનાં યુનિફોર્મમાં સજ્જ થઈને પોતાની બુલેટ પર સવાર થઈને નીકળી પડી સેન્ટ્રલ અમદાવાદ નાં પોલીસ સ્ટેશનની તરફ..નકુલ સાથે વિતાવેલાં સુંદર સમયને યાદ કરતાં એનાં ચહેરા પર એક મનમોહક સ્મિત રમી રહ્યું હતું.પોતાનાં પ્રિયપાત્ર ને મળ્યાં બાદ તમે વધુ નિખરી જાઓ એ વાત આજે રાજલનો દેદીપ્યમાન ચહેરો જોઈને સત્ય સાબિત થતી હતી.

પોલીસ સ્ટેશન જોડે પહોંચી રાજલે બાઈકને બ્રેક લગાવી બાઈક બંધ કર્યું..પોતાનું હેલ્મેટ બાઈક પર મૂકી,સનગ્લાસ પોતાનાં યુનિફોર્મનાં શર્ટમાં ભરાવી રાજલ રુવાબભેર ચાલ સાથે પોલીસ સ્ટેશનમાં પ્રવેશી.રાજલનાં અંદર જતાં બધાં કોન્સ્ટેબલો એ ઉભાં થઈ અદબભેર રાજલને સલામ કરી જેનો રાજલે ચહેરો હલાવી પ્રતિભાવ આપ્યો અને સીધી પોતાની કેબિનમાં જઈને ખુરશીમાં ગોઠવાઈ ગઈ.

રાજલ પોતાનાં ટેબલ પર મુકાયેલી ફાઈલો ચેક કરતી હતી ત્યાં ઇન્સપેક્ટર સંદીપ રાજલ જોડે કેબિનની અંદર આવવાની અનુમતિ માંગે છે.રાજલની અનુમતિ મળતાં સંદીપ અંદર આવ્યો અને બોલ્યો.

"મેડમ,વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ વિનય સર નો કોલ આવ્યો હતો..એમને કહ્યું એમને એક લાશ મળી આવી છે.."

"તો એમાં વિનયે અહીં કેમ કોલ કરવો પડ્યો..કોઈ ખાસ કારણ..?"રાજલે સંદીપને સવાલ કર્યો.

"એમનું કહેવું એવું છે કે લાશની જોડે એવું કંઈક મળ્યું છે જે તમારી સાથે સંકળાયેલું છે..માટે એમને તાત્કાલિક તમને ત્યાં જવાં કહ્યું છે.."સંદીપે કહ્યું.

"મારી સાથે સંકળાયેલી વસ્તુ લાશની જોડે.."મનોમન આટલું બોલી રાજલે પોતાની ખુરશીમાંથી ઉભાં થઈ પોતાની પોલીસહેટ માથે પહેરી અને સંદીપને ઉદ્દેશીને બોલી.

"ક્યાં મળી આવી છે લાશ..?"

"રિવરફ્રન્ટ પર..એલિસબ્રિજ પહેલાં જે ખુલ્લો પ્લોટ પડે છે ત્યાં.."સંદીપે લાશ ક્યાંથી મળી આવી છે એની માહિતી આપતાં કહ્યું.

"સારું તો જલ્દી જીપ કઢાવો અને તમે પણ મારી સાથે ચલો.."સંદીપ ની તરફ જોઈ આદેશ આપતાં રાજલ બોલી.

"Ok.. મેડમ.."આટલું બોલી સંદીપ રાજલ બહાર નીકળે એ પહેલાં પોલીસ જીપ માં જઈને ગોઠવાઈ ગયો..અને મેડમ ગાડીમાં બેસે એ સાથે જ ગાડીને મર્ડર સ્પોટ પર લઈ જવાં જીપ નાં ડ્રાઈવર દિલીપ ને હુકમ કરી દીધો.

રાજલનાં જીપમાં બેસતાં જ પોલીસ જીપ નીકળી પડી નવરંગપુરા પોલીસ સ્ટેશનથી નેતાજી માર્ગ થઈને રિવરફ્રન્ટ ની તરફ..ત્યાંથી જમણી બાજુ એલિસબ્રિજ તરફ જવાનાં રસ્તે જેવો જીપે ટર્ન લીધો એ સાથે જ રાજલનાં મનમાં એક વિચાર સ્ફુરતાં એને ચહેરો પાછળની સીટ તરફ બેસેલાં ઇન્સપેક્ટર સંદીપ તરફ જોઈને પૂછ્યું.

"આ ઇન્સ્પેકટર વિનય નું આખું નામ વિનય મજમુદાર છે ને..?"

★★★★★

વઘુ આવતાં ભાગમાં.

કોની લાશ મળી આવી હતી..?ઇન્સ્પેકટર વિનય ને લાશ જોડેથી શું મળ્યું હતું જે રાજલ સાથે સંબંધ ધરાવતું હતું..?રાજલ વિનયને કઈ રીતે ઓળખતી હતી..?કોણ હતો રાજલનો અજાણ્યો શુભચિંતક..?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED