મર્ડર@રિવરફ્રન્ટ - 32 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર@રિવરફ્રન્ટ - 32

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:32

ઇન્સ્પેકટર વિનય મજમુદાર ને ગંભીર હાલતમાં ઘાયલ કરી રિવરફ્રન્ટ સિરિયલ કિલર રાજલની પહોંચથી દૂર ભગવામાં સફળ રહ્યો..રાજલે વિનય ને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરી દીધો.. સંદીપ નો કોલ આવતાં રાજલ નિત્યા ની લાશ નું એક્ઝેમાઇન કરવાં સંદીપે કહ્યું એ જગ્યાએ જઈ પહોંચી..નિત્યા ની લાશ ને જોયાં બાદ રાજલ લાશ જોડે થી મળેલું ગિફ્ટ બોક્સ લઈને પોલીસ સ્ટેશન તરફ જવાં નીકળતી હતી ત્યાં એને કંઈક વિચાર આવ્યો અને એ બાઈક પરથી હેઠે ઉતરી.

રાજલ બુલેટ પરથી ઉતરી પાછી નિત્યાની લાશ પડી હતી ત્યાં આવી..રાજલે ગિફ્ટ બોક્સ સંદીપ ને પકડવા આપ્યું અને હાથમાં ગ્લોવસ પહેરી પુનઃ નિત્યાની લાશ જોડે ઘુંટણભેર ગોઠવાઈ..રાજલ શું કરી રહી હતી એ તો થોડો સમય સંદીપ કે બીજાં કોઈને સમજાયું નહીં..રાજલે એકપછી એક નિત્યા નાં હાથ અને પગની આંગળીઓ પર નજર ફેંકી..આંખો નાં ડોળા ચકળ-વકળ કરી રાજલે કંઈક વિચાર્યું અને સંદીપ ને ઉદ્દેશીને બોલી.

"ઓફિસર, નિત્યા ની હાથની કે પગની એકપણ આંગળી કપાઈ નથી.."

"હા મેડમ,એતો મારી પણ નજરે પડ્યું હતું કે પ્રથમવાર કાતીલે વિકટીમની એકપણ આંગળી નહોતી કાપી.."સંદીપ બોલ્યો.

"ઓફિસર,આનો મતલબ એ થાય છે કે હવે જે કોઈપણ એ સિરિયલ કિલરનો શિકાર બનશે એનું કિડનેપિંગ થશે એ દિવસે જ એની હત્યા કરી એની લાશ અહીં રિવરફ્રન્ટ પર ક્યાંક ફેંકવામાં આવશે.."વિકટીમ ની બધી આંગળીઓ સલામત હોવાની વાતનો અર્થ કાઢતાં રાજલ બોલી.

"મેડમ,ક્યાંક એવું પણ બને કે એ રિવરફ્રન્ટ પર જ કોઈને પોતાનો સીધો શિકાર બનાવે.."તર્ક કરતાં સંદીપ બોલ્યો.

"હોઈ શકે છે..તમે કહો એવું પણ બને..તો હવે આપણે સજાગ રહેવું પડશે..કેમકે હવે સજાગ ના રહ્યાં તો છઠ્ઠી લાશ પણ એકાદ દિવસમાં જોવાં મળશે.."સંદીપ જોડેથી ગિફ્ટબોક્સ લઈને રાજલ આટલું કહીને પોતાની બુલેટ પર સવાર થઈને પોલીસ સ્ટેશન જવાં રવાના થઈ ગઈ.

**********

હવે આગળ વધતી દરેક સેકંડ ઘણી મહત્વની હતી એ વાતથી વાકેફ રાજલ સીધી પોલીસ સ્ટેશન જઈ પહોંચી..રાજલ સીધી પોતાની કેબિનમાં ગઈ અને નિત્યા મહેતાની લાશ જોડેથી મળેલું ગિફ્ટ બોક્સ પહેલાં તો ખોલ્યું..આ વખતે પણ બોક્સમાં એજ ત્રણ વસ્તુઓ હતી જેવી દર વખતે બોક્સમાં મળતી હતી.

એક પ્રાણીનું પોસ્ટર જે સજેસ્ટ કરતું હતું એ હત્યારા નાં વિકટીમની રાશિ, બીજું એક રમકડું જે દર્શાવતું વિકટીમ ઓળખ અને એક રંગીન રીબીન જેની પઝલ હજુ સુધી રાજલ ઉકેલી શકવામાં અસફળ રહી હતી.

આ ગિફ્ટ બોક્સમાં હતું માછલી નું પોસ્ટર.. જે દર્શાવતું હતું કે એ સિરિયલ કિલરનાં નવાં શિકારની રાશિ મીન હશે..એટલે કે એનાં વિકટીમનાં નામનો શરુવાતનો શબ્દ દ,ચ,ઝ કે થ હશે..અંદર એક રમકડું હતું જેને પોલીસ ની વરદી પહેરાવવામાં આવી હતી..જેનો અર્થ રાજલ સમજી ગઈ કે હવે એ હત્યારો કોઈ પોલીસ ઓફિસરની હત્યા કરવાનો છે..અને અંદરથી આ વખતે નીકળી એક લીલી રીબીન જે કોઈ હિન્ટ આપવાં જ ત્યાં રખાઈ હતી પણ એનો કોયડો રાજલ શોધી નહોતી શકી.

ત્યારબાદ રાજલે ગિફ્ટ બોક્સ જોડે મળેલો લેટર વાંચવાનું શરૂ કર્યું..જેમાં આ વખતે પણ દર વખતની જેમ ટાઈપ કરીને જ લખવામાં આવ્યું હતું.

"હેલ્લો,સ્વીટહાર્ટ.. આ લેટર વાંચતી હોઈશ ત્યારે તને મારાં પાંચમા શિકારની લાશ મળી ગઈ હશે..હવે હું મારાં છઠ્ઠા શિકારની હત્યા પણ આજે જ કરીશ..તારાં માં બુદ્ધિ તો છે પણ એટલી બધી નથી કે તું મારાં સુધી પહોંચી શકે.. આ નિત્યા પણ ગુનેગાર હતી જેની સજા એને મળી ગઈ..અને હવે હું જેની હત્યા કરવાનો છું એ મારો સૌથી મોટો દુશ્મન છે..તારાં માં દમ હોય તો રોકીને બતાવજે.."

-લી. તારો શુભચિંતક..રિવરફ્રન્ટ સિરિયલ કિલર

રાજલે આ બધી વસ્તુઓ ફટાફટ માર્ક કરી લીધી કેમકે જો આજે જ એ હત્યારો પોતાનો છઠ્ઠો શિકાર કોઈને બનાવવાનો હોય તો હવે થોડો પણ સમય બગાડવો પોષાય એમ નહોતો..રાજલે બધું કામ પૂરું કરી ઘડિયાળમાં જોયું તો પાંચ વાગી ગયાં હતાં..રાજલે મોબાઈલ માં સંદીપ નો નંબર ડાયલ કર્યો અને એની નિત્યા મહેતાની લાશ અને ક્રાઈમ સીનનાં ફોટો લેવાઈ ગયાં હોય તો તાત્કાલિક એની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો હુકમ કરી દીધો.

હવે આ બાબતની જાણ ડીસીપી રાણા ને કરવી જરૂરી હતી..કેમેકે ક્રાઈમ બ્રાન્ચ ને રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો કેસ સુપ્રત કર્યાની પ્રેસ કોનફરન્સ બાદ રાજલ જ્યારે પોલીસ સ્ટેશન ગુસ્સામાં પાછી આવી ત્યારે એનાં જે વ્યક્તિ નો કોલ આવ્યો એ બીજું કોઈ નહીં પણ ડીસીપી રાણા જ હતાં..ડીસીપી એ જણાવ્યું કે અમદાવાદ ની જનતા અને હાઈ કમાન્ડ નાં લીધે એમને આ કેસ સીબીઆઈ ને આપવાની જાહેરાત કરી હતી.. પણ અનઓફિશિયલ રીતે રાજલ આ કેસ હેન્ડલ કરશે એવું પોતે ઈચ્છે છે..આ વિશે ડીસીપી રાણા એ સીબીઆઈ ઓફિસર રવિ વર્મા જોડે પણ ચર્ચા કરી લીધી હતી.

રાજલે ડીસીપી રાણા ને કોલ કરી ત્યાં જે કંઈપણ ઘટિત થયું હતું એનો વૃતાંત ટૂંકમાં આપી દીધો..જવાબમાં રાણા એ વિનય ની ગંભીર હાલત પર થોડાં સવાલો કર્યાં અને રાજલને પોતાની રીતે પોતાની કાર્યવાહી ચાલુ રાખવા માટે ની છૂટ પણ આપી.

છેલ્લે ડીસીપી રાણા એ કહ્યું.

"એસીપી મને અભિમાન છે તમારાં ઉપર..એ અભિમાન કોઈપણ ભોગે તૂટવું ના જોઈએ..એ હત્યારો કોઈ પોલીસ ઓફિસર ની હત્યા કરે એ પહેલાં એ પોલીસ ની પકડમાં જોઈએ..જીવિત કે મૃત.."

"હા સર એવું જ થશે.."મક્કમ સ્વરે રાજલે રાજલ બોલી.

રાજલે ડીસીપી રાણા નો આભાર માન્યો અને પછી પોતાનાં ઘરે જવા માટે બુલેટ લઈને નીકળી પડી.રાજલ ની આંખો અત્યારે ઊંઘથી ભારે થઈ ચૂકી હતી..સિરિયલ કિલર નું આમ છેક હાથમાં આવીને બચી જવું રાજલને વધુ થકવી રહ્યું હતું.

રાજલે ઘરે પહોંચી વિનયનાં લોહીથી ખરડાયેલાં પોતાનાં કપડાં ચેન્જ કર્યાં અને પછી સ્નાન લેવાં માટે બાથરૂમમાં પ્રવેશી..ગરમ પાણી વડે શાવર લીધાં બાદ પોતાની જાતને તરોતાજા મહેસુસ કરતી રાજલે નવો યુનિફોર્મ પહેર્યો અને પછી પોતનાં માટે કોફી બનાવી..કોફી ની સાથે ખાખરા નો નાસ્તો કરતી કરતી રાજલ હજુપણ એ કાતીલ વિશે જ વિચારી રહી હતી..કેમેય કરીને એ સિરિયલ કિલર એનાં મનમાંથી નહોતો જતો.

રાજલ હજુ તો એ સિરિયલ કિલર વિશે વિચારતી હતી ત્યાં એની ઉપર ગણપતભાઈ નો કોલ આવ્યો.

"હા બોલો..શું ખબર છે ઇન્સ્પેકટર વિનયનાં..?"

"મેડમ,હમણાં જ વિનય સર નું ઓપરેશન પૂર્ણ કરી ડોકટર બહાર આવ્યાં.. ડૉકટરે જણાવ્યું કે વિનય હાલ તો ખતરાથી બહાર છે..પણ હજુપણ વિનય સર નાં ઉપર બે સર્જરી કરવી પડશે..કેમકે એમનાં માથે વધુ ઊંડી ઈજા થઈ છે..અને પગ નું એક હાડકું પણ ભાંગી ગયું છે.."ગણપતભાઈ બોલ્યાં.

"સારું,તમે મનોજ ને કોલ કરી ત્યાં બોલાવી લો અને પછી તમે અને તમારી જોડે મોજુદ કોન્સ્ટેબલ ઘરે જઈ શકો છો.."રાજલે આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

વિનય હવે સુરક્ષિત છે એ સાંભળી રાજલનાં હૃદય પરનો ઘણોખરો ભાર હળવો થઈ ચૂક્યો હતો..ગણપતભાઈ સાથે વાત કર્યાં બાદ રાજલને સુવાની ઈચ્છા તો હતી પણ અત્યારે બધી ઈચ્છાઓ ને મનમાં જ સમાવી એ પોતાનાં બુલેટની ચાવી હાથમાં લઈ નીકળી પડી પોલીસ સ્ટેશનની તરફ.

પોલીસ સ્ટેશન જતાં રસ્તામાં રાજલ પર સંદીપ નો કોલ આવ્યો..જેમાં સંદીપે કહ્યું કે એને નિત્યા મહેતાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાવી દીધી છે..અને પોતે હવે નાહવા-ધોવા ઘરે જાય છે..ઘરેથી આવતાં એ નિત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોસ્પિટલમાંથી કલેક્ટ કરી એનાં મૃતદેહને એનાં પરિવારને સુપ્રત કરીને બપોર પહેલાં પોલીસ સ્ટેશન આવી જશે એવું જણાવ્યું.

સંદીપ જોડે વાત કર્યાં બાદ રાજલ પોલીસ સ્ટેશન પહોંચી.. રાજલે પોતાની કેબિનમાં પગ મુકતાં જ મનોજને કોલ કરી એ ક્યાં છે એ પૂછ્યું તો મનોજે જવાબમાં પોતે VS હોસ્પિટલમાં પહોંચી ગયો છે અને ત્યાં હાજર ગણપતભાઈ તથા અન્ય સ્ટાફને રવાના કરી દીધો છે.રાજલે વિનય ની હેલ્થ સાથે સુસંગત નાનામાં નાની ડિટેઈલ પોતાનાં સુધી પહોંચાડવાનો મનોજને આદેશ આપ્યો.

હવે બીજાં બધાં લોકોને તો પોતે કામે લગાડી દીધાં હતાં પણ હવે રાજલે વહેલી તકે એ શોધવાનું હતું કે એ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ કોણ હશે.?

***********

નિત્યાની લાશ ને જાનનાં જોખમ પર રિવરફ્રન્ટ પર પોતાની જગ્યાએ ફેંકીને આવ્યાં બાદ એ હત્યારો પોતાનાં બંગલાનાં હોલમાં મોજુદ સોફા પર જ સુઈ ગયો હતો..સવારે એની આંખ ખુલી એવી એને ઘડિયાળ તરફ નજર ફેંકી તો ઘડિયાળનાં કાંટા સાડા આઠનો સમય બતાવી રહ્યાં હતાં.

આંખો ચોળતો ચોળતો એ હત્યારો નિત્યક્રિયાઓ માટે બાથરૂમમાં પ્રવેશ્યો..સ્નાન કરી એ હત્યારો ટુવાલ વીંટી જેવો બહાર નીકળ્યો એ સાથે જ એની બધી આળસ અને થાક દૂર થઈ ગયો હતો..આજે જ પોતે પોતાનાં છઠ્ઠા શિકારને એનાં અંજામ સુધી પહોંચાડશે એવો મક્કમ નિશ્ચય કરી એ હત્યારા એ થોડો ચા-નાસ્તો કર્યો..અને પછી કપડાં પહેરી એ પોતાનાં ટોર્ચર રૂમમાં આવ્યો.

આ ટોર્ચર રૂમ અત્યાર સુધી પાંચ લોકોની કરપીણ હત્યાનો સાક્ષી બન્યો હતો..આ રૂમમાં જ એ હત્યારા એ પોતાનાં દરેક શિકારને તડપાવી તડપાવીને માર્યો હતો..અહીં જ એ કોનો શિકાર કરવો અને કઈ રીતે કરવો એનું આયોજન કરતો.આ રૂમની અંદર મોજુદ અલમારી સમીપ એ સિરિયલ કિલર આવીને ઉભો રહ્યો.

અલમારી ખોલી એને અંદરથી એક એટેચી કાઢી..આ એટેચીને ઉપાડીને એ સિરિયલ કિલરે રૂમની વચ્ચે મોજુદ ટેબલ પર રાખી..એ એટેચીને ખોલતાં જ એ હત્યારા ચહેરા પર ચમક ની સાથે ક્રૂર સ્મિત ફરી વળ્યું..એ એટેચીમાં એક સનાયપર ગન નાં અલગ-અલગ પાર્ટ્સ મોજુદ હતાં.. એ સિરિયલ કિલરે બધાં પાર્ટ્સ બહાર કાઢી એને એસેમ્બલ કરી એમાંથી એક સ્નાયાપર ગન તૈયાર કરી.

એટેચીમાં જ રાખેલાં એક બોક્સની અંદર રહેલી એક બુલેટને સ્નાયાપર ગનમાં ભરાવી એ હત્યારો પોતાનાં બંગલા ની છત ઉપર આવ્યો..હવે એ કોઈ વસ્તુનું નિશાન લેવાં માંગતો હતો કેમકે આજ સ્નાયાપર ગન વડે એ પોતાનાં નવાં શિકારની હત્યા કરવાનો હતો..છેલ્લી ઘડીએ કોઈ ભૂલ ના થાય એની પૂર્વતૈયારી રૂપે એ હત્યારો આ બધું કરી રહ્યો હતો..છત પર ચડી એ હત્યારા એ સ્નાયાપર ગનને ટેરેસની દીવાલ પર ગોઠવી અને 500 મીટર દૂર મોજુદ લીમડા નાં વૃક્ષ પર બેસેલાં એક કબુતર પર એને બુલેટ ફાયર કરી.

એનાં અચૂક નિશાના નાં લીધે દૂર વૃક્ષ પર બેસેલું કબુતર ઘડીનાં છઠ્ઠા ભાગમાં તો ભગવાનને પ્યારું થઈ ગયું..પોતાનાં અચૂક નિશાન પર ગર્વ મહેસુસ કરતો કરતો એ હત્યારો પુનઃ નીચે પોતાનાં ટોર્ચર રૂમમાં આવ્યો અને સ્નાયાપર ગનનાં પાર્ટ્સ અલગ અલગ કરી એને પહેલાં ની જેમ જ એટેચીમાં રાખી દીધી.ત્યારબાદ એટેચીને ફરીથી અલમારીમાં મૂકીને એ દાનવ પાછો હોલમાં આવીને નિરાંતે બેસી ગયો.

બેસતાં ની સાથે જ એ હત્યારા એ ટેલિવિઝન ચાલુ કર્યું અને ન્યૂઝ ચેનલ પર શું ન્યૂઝ આવી રહી હતી એ જોવાં લાગ્યો..બધી ચેનલો અત્યારે રિવરફ્રન્ટ પરથી મળેલી નિત્યા મહેતા ની લાશની અને હત્યારા દ્વારા વિનય મજમુદાર પર કરવામાં આવેલાં જીવલેણ હત્યાની ખબર આવી રહી હતી.

"મમ્મી મને માફ કરજે મારે ના છૂટકે એક નિર્દોષ પોલીસ ઇન્સ્પેકટર ને ઘાયલ કરવો પડ્યો.."વિનય ને લગતી ન્યૂઝ ટીવી પર જોતાં દુઃખનાં ભાવ સાથે એ હત્યારો બોલ્યો.

એક તરફ પાંચ લોકોની કરપીણ હત્યા કરી ચુકેલો વ્યક્તિ એક ઓફિસર ની હાલત ઉપર દુઃખી જણાતો હતો..આ દુઃખ એની અંદર પણ થોડી ઘણી લાગણી મોજુદ છે એ દર્શાવવા કાફી હતું.

*********

રાજલે પણ ન્યૂઝમાં શું આવી રહ્યું છે એ ચેક કરવાં જીઓ ટીવી પર VTV ચાલુ કર્યું..જેની ઉપર પોલીસની નાકામી અને રિવરફ્રન્ટ સિરિયલ કિલર ની બુદ્ધિની ખબરો આવી રહી હતી..ન્યૂઝ માં રાજલે એ પણ જોયું કે વિનયની પત્ની ભાવના,એનાં ભાઈ-ભાભી બધાં VS હોસ્પિટલમાં જઈ પહોંચ્યાં હતાં..

રાજલની સામે ટેબલ પર અત્યાર સુધી મળેલાં છ એ છ ગિફ્ટ બોક્સની અંદર રહેલી વસ્તુઓ પડી હતી..રાજલ માટે બાકી બે હિન્ટ તો સોલ્વ થઈ ગઈ હતી પણ હજુએ અલગ-અલગ રંગની રીબીનનો કોયડો ઉકેલવાનો બાકી હતો..રાજલે બોર્ડ ઉપર નોંધેલ ચાર વિકટીમ અને એમનાં કયાં sin એટલે કે પાપનાં લીધે એમની સિરિયલ કિલરે એમની હત્યા કરી હતી એ ડિટેઈલ ને બારીકાઈથી જોઈ.

કંઈક વિચારી રાજલ ઉભી થઈ અને એ બોર્ડ ઉપર લખ્યું..નિત્યા મહેતા..envy.. ઈર્ષા.આટલું લખ્યાં બાદ રાજલ મનોમન બોલી કે.

"જો નિત્યા ની હત્યા એની નિતારા પ્રત્યેની ઈર્ષા નાં લીધે આચરેલાં પાપને લીધે થઈ હોય તો હવે એ હત્યારો એવાં વ્યક્તિની હત્યા કરશે જેની અંદર અભિમાન કરવાની કે ગુસ્સો કરવાની આદત હશે..કેમકે seven deadly sins પ્રમાણે હવે એ બેજ આદતો બાકી રહે છે.."

આટલું કહી રાજલ પાછી પોતાનાં ટેબલ જોડે આવીને ઉભી રહી..એકધારી નજરે રાજલ ગિફ્ટ બોક્સમાંથી મળતી રીબીનો તરફ જોઈ રહી હતી..રાજલને કંઈક સૂઝતા રાજલે છ એ છ રીબીનો ને પોતાની રીતે ગોઠવી દીધી..રાજલ બે મિનિટ સુધી કંઈક વિચારતી રહી અને અચાનક રાજલને એક ઝબકારો થયો..કંઈક યાદ આવતાં રાજલ ખુશીથી ચપટી વગાડતાં વગાડતાં પોતાની કેબિનમાંથી બહાર નીકળી અને પોલીસ સ્ટેશનમાં મોજુદ શંકરભાઈ ને ઉદ્દેશીને બોલી.

"શંકરભાઈ જલ્દી અમદાવાદ રિવરફ્રન્ટ નો મેપ પડ્યો હોય તો ફટાફટ મારી કેબિનમાં લઈને આવો.."

"હા મેડમ..પડ્યો છે રિવરફ્રન્ટ નો નકશો..તમે બેસો હું બે મિનિટમાં નકશો લઈને આવું.."રાજલનો ઓર્ડર સાંભળી ખુરશીમાંથી ઉભાં થતાં શંકરભાઈ બોલ્યાં.

શંકરભાઈ ની વાત સાંભળી રાજલ પોતાની કેબિનમાં આવી અને ખુરશીમાં આવીને ગોઠવાઈ ગઈ..અત્યારે રાજલનાં ચિંતિત ચહેરા પર આવેલી ચમક એ દર્શાવવાં કાફી હતી કે એને કંઈક તો માર્ક કર્યું છે જેનો સંબંધ રિવરફ્રન્ટ સિરિયલ કિલર સાથે હતો.!!

**********

વઘુ આવતાં ભાગમાં.

રાજલને અચાનક શું યાદ આવ્યું હતું..?વિનય બચી જશે કે કેમ..?કોણ હતો એ હત્યારાની માં ની મોત નું કારણ..?સિરિયલ કિલર નાં નિશાને કયો પોલીસ ઓફિસર હતો..?આખરે કોણ હતો એ સિરિયલ કિલર..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન.આર.પટેલ (શિવાય)