મર્ડર @ રિવરફ્રન્ટ - 10 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર @ રિવરફ્રન્ટ - 10

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:10

અમદાવાદ શહેર અત્યારે એક ખૂંખાર સિરિયલ કિલરનાં ઓછાયા નીચે હતું..એસીપી રાજલ દેસાઈ અત્યારે પુરી લગનથી એ હત્યારાને પકડવાની શક્યતઃ કોશિશ કરી રહી હતી..મયુર જૈનનું જ્યાંથી કિડનેપિંગ થયું હતું એ વનરાજ કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાંથી હત્યારા વિરુદ્ધ સબુત એકઠાં કરવાં નીકળી પડી હતી..આ તરફ એ સિરિયલ કિલર જોડે અત્યારે એક વિકટીમ બંધાયેલી હાલતમાં હતો જે નજીકમાં મરવાનો હતો એ નક્કી હતું..

રાજલ છ વાગ્યાં આજુબાજુ તો માધવ ગાર્ડન જોડે આવેલાં વનરાજ કોમ્પ્લેક્સ પહોંચી ચુકી હતી..પોલીસ જીપ ને જોઈ સિક્યુરિટી એ કોઈ સવાલ પૂછયાં વગર જ અંદર જવા દીધી..જીપમાંથી ઉતરી રાજલ,મનોજ અને ગણપતભાઈ હેઠે ઉતર્યા અને સિક્યુરિટીની જોડે આવ્યાં.. મનોજે રાજલ વતી એ સિક્યુરિટી વાળાં ને સવાલ કર્યો.

"બેઝમેન્ટ કઈ તરફ આવેલું છે..?"

મનોજ નાં સવાલનાં જવાબમાં સિક્યુરિટી વાળાં એ આંગળી વડે બેઝમેન્ટ તરફ જવાનો રસ્તો બતાવતાં કહ્યું.

"પેલી બાજુ..ટુ વ્હીલર પાર્કિંગ ની આગળ.."

"આજે બપોરે નરોડા પોલીસ જે કેસનાં સંદર્ભમાં આવી હતી એજ કેસ માટે અમે આવ્યાં છીએ..તું રજીસ્ટરમાં એન્ટ્રી કરી લે..ભલે કોઈપણ આવે રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની.."રાજલ સખ્તાઈથી બોલી.

"Ok મેડમ.."આટલું બોલી એ સિક્યુરિટી વાળાં એ પોતાનું રજીસ્ટર ખોલ્યું અને ગણપતભાઈ એ કહ્યું એમ એમનાં નામ નોંધાવી દીધાં.

"અહીં આવતાં દરેક વ્યક્તિનાં નામ આમાં લખેલાં હશે..?"રાજલે કંઈક વિચારી સવાલ કર્યો.

"આમ તો હું બધાં નાં નામ લખું જ છું..પણ ક્યારેક કોઈકનું રહી ગયું હોય એવું બની શકે..કેમકે અહીં કોમ્પ્લેક્સ માં પાર્કિંગની સગવડ ઓછી છે અને દુકાનો વધુ છે..વધારામાં સિક્યુરિટી વાળો હું એકલો છું એટલે ક્યારેક હું ગાડીઓ કે બાઈક વ્યવસ્થિત પાર્ક કરાવતો હોઉં ત્યારે કોઈ આવી ગયું હોય તો એની એન્ટ્રી રહી જાય એવું બને ખરું.."સિક્યુરિટી અત્યારે થોડો ડરી રહ્યો હતો.

રાજલે રજીસ્ટર હાથમાં લીધું અને પરમદિવસ સાંજ પછી ની ગાડીઓની એન્ટ્રી જોવાનું શરૂ કર્યું..રાજલે જોયું કે સાંજે છ વાગે મયુર જૈન પોતાની રેનોલ્ડ ડસ્ટર ગાડી લઈને આવ્યો જરૂર હતો પણ એની બહાર જવાની એન્ટ્રી નહોતી..રાજલે બીજી એન્ટ્રી પણ ચેક કરી જોઈ પણ આમાંથી રાજલને કોઈ જાતનો સબુત મળવાની શક્યતા છે એવું લાગ્યું નહીં એટલે એને ગણપતભાઈ ને મયુર જૈનનું કિડનેપિંગ થયું એ દિવસની બધી એન્ટ્રી નાં વ્યવસ્થિત ફોટો પાડવાનું કામ સોંપ્યું અને એ મનોજ ની સાથે ચાલતી ચાલતી બેઝમેન્ટ તરફ અગ્રેસર થઈ.

"મનોજ મને લાગે છે ત્યાં સુધી આ સિરિયલ કિલરે આ કોમ્પ્લેક્સમાં એ સમયે જ એન્ટ્રી લીધી હશે જ્યારે આ સિક્યુરિટી વાળો વ્યસ્ત હશે...છતાં આપણે નાની સરખી શકયતા પણ નકારવી નથી.."બેઝમેન્ટનો રેમ્પ ઉતરતાં ઉતરતાં રાજલ પોતાનાં સહકર્મચારી મનોજ જોડે ચર્ચા કરી રહી હતી..મનોજ પણ આ સિરિયલ કિલર વિશે ગણપતભાઈ જોડેથી અને રસ્તામાં આવતી વખતે રાજલ જોડેથી જાણી ચુક્યો હતો.

"મેડમ..અહીં બેઝમેન્ટમાં CCTV કેમેરા પણ નહીં હોય એટલે એ સાયકો કિલર નું કોઈ જાતનું રેકોર્ડિંગ મળશે એ પણ શકયતા નહીંવત જ છે.."આજુબાજુ નજર ઘુમાવતાં મનોજ બોલ્યો.

રાજલે મનોજની વાતનાં પ્રતિભાવમાં ખાલી ડોકું ધુણાવ્યું અને રેમ્પ ઉતરી બેઝમેન્ટમાં જઇ પહોંચી..રાજલને મયુર ની રેનોલ્ડ ડસ્ટર કાર નો નંબર મોંઢે હતો એટલે એ સીધી બેઝમેન્ટમાં પડેલી મયુર ની ગાડી જોડે જઈ પહોંચી..અને આમ પણ એ કંપની ની એક જ ગાડી બેઝમેન્ટમાં મોજુદ હતી.

"આ રહી મયુર ની કાર.."મનોજ ને કાર બતાવતાં રાજલ બોલી.

મનોજે જઈને કારનું લોક ચેક કરી જોયું અને બોલ્યો.

"મેડમ,આ કાર હજુ લોક જ છે..મતલબ મયુર કાર સુધી પહોંચ્યો જ નથી.."

"ઇન્સ્પેકટર.. સામે લિફ્ટ છે જમણી તરફ...અને અહીં મયુર ની કાર પડી છે..જેનો અર્થ કે એનું લિફ્ટ અને ગાડી સુધીનાં રસ્તા વચ્ચેથી કિડનેપ થયું હશે.."રાજલ લિફ્ટ તરફ ચાલતાં ચાલતાં આગળ વધતાં બોલી.

"અને મેડમ મયુર નો ફોન અહીં જ સ્વીચ ઓફ થયો હતો મતલબ કે એ અહીંથી કોઈની સાથે પોતાની મરજીથી ગયો હોય એવું પણ નથી..નહીં તો ફોન સ્વીચ ઓફ ના થયો હોય.."પોતાની ગણતરી રજૂ કરતાં મનોજ બોલ્યો.

બેઝમેન્ટમાં મોજુદ લાઈટ નાં પ્રકાશમાં રાજલ મયુર નાં હત્યારા વિશે સબુત એકઠી કરવાની પળોજણમાં પડી હતી..રાજલે આજુબાજુ નજર ફેરવી તો એની નજરે એક લીલાં રંગની ડસ્ટબીન ચડી..રાજલની છઠ્ઠી ઇન્દ્રિય નાં ઈશારે એ ડસ્ટબીન તરફ આગળ વધી અને મનોજ ને ઉદ્દેશીને બોલી.

"આ ડસ્ટબીન ખાલી કરો.."

મનોજે જેવી ડસ્ટબીન ખાલી કરી એવો જ અંદરથી વેફરનાં પેકેટ અને પાણીની ખાલી બોટલોની સાથે એક મોબાઈલ ફોન નીકળ્યો..મનોજ ફોન હાથમાં લેવાં જતો હતો પણ રાજલે એને રોકતાં કહ્યું.

"સ્ટોપ ઓફિસર..ઇન્વેસ્ટિગેશન નો એક નિયમ છે કે કોઈપણ વસ્તુને ઓછાંમાં નહીં લેવાની..અને હાથ પર ગ્લોવ્ઝ પહેર્યાં વગર ક્રાઈમ સ્પોટ પર કોઈ વસ્તુને હાથ અડકારવો નહીં.."

"Sorry મેડમ.."આટલું બોલી મનોજે પોતાનાં ખિસ્સામાંથી ગ્લોવ્ઝ નીકાળી હાથમાં પહેર્યાં અને પછી મોબાઈલ ફોન હાથમાં લઈને રાજલ તરફ જોતાં બોલ્યો.

"મેડમ..આ 99% મયુર જૈનનો જ ફોન હશે.."

"હા એવું જ હશે..એ સાયકો કિલરે મયુર ને કોઈ વસ્તુ સુંઘાડી બેહોશ કર્યો હશે..પછી પોતાની ગાડીની ડેકીમાં રાખ્યો હશે.ત્યારબાદ એનો ફોન કાઢી એને સ્વીચઓફ કરી અહીં જ ડસ્ટબીનમાં નાંખી દીધો હશે..જેથી ફોન લોકેશનનાં આધારે આપણે એની સુધી પહોંચી ના શકીએ..એક કામ કરો આ ફોન ને આપણી સાથે લઈ લો.આને પછી IT ડિપાર્ટમેન્ટમાં વધુ તપાસ માટે મોકલાવી દેજો.."રાજલે કઈ રીતે મયુર જૈનનું કિડનેપિંગ થયું એનો ચિતાર રજૂ કરતાં કહ્યું.

રાજલની વાત સાંભળી મનોજે એક ઝીપ વાળી પોલીથીન બેગ નીકાળી એમાં મયુર નો ડસ્ટબીનમાંથી મળેલો મોબાઈલ ફોન રાખી દીધો.આ બધી પ્રોસેસ ચાલુ હતી એ દરમિયાન ગણપતભાઈ ત્યાં આવી પહોંચ્યા અને આવતાં વેંત જ બોલી પડ્યાં.

"એ જાડિયા માણસનો મોબાઈલ મળી ગયો.."

"હા,આ મયુર નો જ મોબાઈલ છે..અને બીજી વાત કે એક મરેલાં માણસને તો તમીજથી બોલાવો..એનું એક નામ હતું તો એ નામથી જ બોલાવો એવી વિનંતી.."કડકાઈ ભર્યા સુરમાં રાજલ બોલી..એને પસંદ ના આવ્યું કે ગણપતભાઈ મયુર નાં શારીરિક ઢાંચા નાં લીધે એને જાડીયો કહેવામાં આવે.

પોતાની ભૂલ સમજાતાં ગણપતભાઈનો ચહેરો શરમથી ઝૂકી ગયો અને એ ઘીમાં અવાજે બોલ્યાં.

"મેડમ ભૂલ થઈ ગઈ..આગળથી એ વાતનું ધ્યાન રાખીશ.."

"Ok..અને તમને જે કામ સોંપ્યું હતું એ કરી લીધું..?"રાજલે ગણપતભાઈ ને ઉદ્દેશીને પૂછ્યું.

"હા,મેં એ બધી ગાડીઓનાં નંબર અને એમાં બેસેલાં વ્યક્તિ અહીં કોનાં ત્યાં આવ્યાં હતાં એની ડિટેઈલ નાં ફોટા લઈ લીધાં છે..ફક્ત એ દિવસે સાત જ એન્ટ્રી છે જે આ કોમ્પ્લેક્સમાં ગાડીનાં નંબર સાથે નોંધાઇ છે..એમાંથી ચાર વ્યક્તિ તો આ જ કોમ્પ્લેક્સમાં પોતાની દુકાન કે ઓફિસ ધરાવે છે.."ગણપતભાઈ રાજલની વાતનો જવાબ આપતાં બોલ્યાં.

"અને બાકીનાં ત્રણ..?"રાજલે બીજો સવાલ પૂછતાં કહ્યું.

"એ ત્રણ લોકો જેને મળવાં આવ્યાં હતાં એમની ઓફિસે હું ગયો હતો મળવા..તો એ ત્રણેય જગ્યાએ કન્ફર્મ થયું કે એ લોકો સાચેમાં એમની જ ઓફિસે આવ્યાં હતાં.."ગણપતભાઈ એ કહ્યું.

"મતલબ કે આપણો અંદેશો સાચો હતો..હત્યારો બુદ્ધિથી કામ લઈને એ જ સમયે આ કોમ્પ્લેક્સમાં આવ્યો જ્યારે સિક્યુરિટી વાળો બીજી ગાડીઓને વ્યવસ્થિત પાર્કિંગ કરાવવામાં વ્યસ્ત હતો.."રાજલ નો ચહેરો આટલું બોલતાં ચિંતાતુર થઈ ગયો હતો.

"તો મેડમ હવે નીકળીએ..મને નથી લાગતું કે આટલાં શાતીર સિરિયલ કિલરે અહીં પોતાની વિરુદ્ધ મળી આવે એવો નાનામાં નાનો સબુત પણ મુક્યો હોય.."બેઝમેન્ટમાંથી બહાર જવાનાં રસ્તા પર નજર રાખી મનોજ બોલ્યો.

મનોજ ની વાત સાંભળી ના સાંભળી કરી રાજલ હજુપણ કંઈક તો હત્યારા દ્વારા અહીં કિડનેપિંગ વખતે ચૂક થઈ ગઈ હોવી જોઈએ એવાં પોતાનાં અંતરાત્માનાં અવાજને અનુસરતી બેઝમેન્ટનાં ફ્લોર પર પોતાની નજરો ફેરવી રહી હતી..અચાનક એની નજરે કંઈક ચડ્યું અને એ આતુરતા સાથે એ વસ્તુ જ્યાં પડી હતી એ તરફ આગળ વધી.

રાજલે મયુર જૈનની કાર જ્યાં પાર્ક હતી એની બાજુની કાર જોડે એક સિગાર જોઈ..આ એજ સિગાર હતી જે હત્યારો મયુર ની રાહ જોતાં-જોતાં ફૂંકી રહ્યો હતો..રાજલે નીચા નમી એ અડધી પૂર્ણ થયેલી સિગાર હાથમાં લીધી અને મનોજની તરફ જોતાં કહ્યું.

"ઓફિસર,જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવા આવીએ ત્યારે નાનામાં નાની વસ્તુ પણ ગુનેગાર માટે ફાંસીનો ફંદો તૈયાર કરવામાં ઉપયોગી નીવડે છે..મને વિશ્વાસ છે કે આ સિગાર હત્યારા એ જ પીધી હતી..કેમકે સિગાર પુરી થતાં અડધા કલાકથી વધુ સમય લાગે અને એટલો સમય આ બેઝમેન્ટમાં કોઈ ઉભું ના રહે સિવાય કે કોઈની રાહ જોઇને ઉભેલાં વ્યક્તિ એટલે કે એ ખુની સિવાય."

મનોજે તાત્કાલિક એક બેગ નીકાળી એની ઝીપ ખોલી રાજલની સામે ધરી એટલે રાજલે ગ્લોવ્ઝ પહેરેલાં પોતાનાં હાથમાં પકડેલી સિગાર એ પોલીથીન બેગમાં સેરવી દીધી અને કહ્યું.

"આ સિગાર ને તાત્કાલિક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ને મોકલાવો..મારે આની ઉપરની ફિંગરપ્રિન્ટ નો રિપોર્ટ તાત્કાલિક જોઈએ..કાલ સુધીમાં આનો રિપોર્ટ આવી જવો જોઈએ..હું mr. મિત્રા ને કોલ કરીને જણાવી દઈશ એ વિશે.."

"જી મેડમ..હું પોલીસ સ્ટેશન પહોંચીને સીધો જ આ મોબાઈલ અને સિગાર ને એક્ઝેમાઇન કરવાં આપતો આવીશ.."મનોજે કહ્યું.

"સારું તો હવે ફટાફટ અહીંથી નીકળીએ..બીજી કોઈ વધુ માહિતી અહીંથી મળવાની શક્યતા નહીંવત છે..નરોડા પોલીસ ને કહી આ કાર ને મયુર નાં ભાઈ કહે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરાવી દો.."રાજલ આટલું બોલી બેઝમેન્ટમાંથી બહાર નીકળતાં રેમ્પ તરફ ઉતાવળાં પગલે આગળ વધી.

સિગાર ઉપર રહેલાં ફિંગરપ્રિન્ટ નાં આધારે રાજલ એ સાયકો કિલર સુધી સરળતાથી પહોંચી શકશે એ વિચારી અત્યારે એનાં ગંભીર રહેતાં ચહેરા પર રાહતની આછી-પાતળી રેખાઓ ફરી વળી હતી.

પોણા કલાકમાં તો રાજલ પોતાની ટીમ સાથે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી..સંદીપ પણ આતુરતાથી એમનાં આવવાની રાહ જોઇને બેઠો હતો..રાજલે ટૂંકમાં એને વનરાજ કોમ્પ્લેક્સ ની મુલાકાત દરમિયાન જે કંઈપણ થયું એ જણાવ્યું અને છેલ્લે કહ્યું.

"ઓફિસર સંદીપ તમે ઇન્સ્પેકટર મનોજ જોડે રહેલી સિગાર ને લઈને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ને પહોંચાડતાં આવો..આની ઉપર રહેલી ફિંગરપ્રિન્ટ ને આપણાં ડેટાબેઝ માં રહેલ ગુનેગારોનાં ફિંગરપ્રિન્ટ જોડે મેચ કરવાનું પણ જણાવી દેજો..હું મારી રીતે તો mr. મિત્રા ને આ વાત કોલ કરી જણાવી જ દઈશ..અને મનોજ તમે જઈને મયુર નો ફોન IT વિભાગને આપતાં આવો..તમે પોતાનું કામ પતાવી ઘરે જઈ શકો છું..હું પણ થોડાં સમયમાં ઘરે જવા નીકળું.."

રાજલનો આદેશ મળતાં જ સંદીપ અને મનોજ નીકળી પડ્યાં પોતપોતાને સોંપાયેલાં કામને અંજામ આપવાં.અંદરખાને એ બંને ને પણ હતું કે આ સબુતો સિરિયલ કિલર ને પકડવામાં એમની મદદ જરૂર કરશે.રાજલ પણ થોડાંક સમય બાદ પોતાની બુલેટ લઈને ઘરે જવા રવાના થઈ ગઈ..આજે થોડું મોડું થઈ ગયું હોવાથી એને રસ્તામાંથી પોતાનાં માટે જમવાનું પાર્સલ કરાવી દીધું.હવે કાલ સવાર નો રાજલને ઇંતજાર હતો જ્યારે એ ફિંગરપ્રિન્ટ પરથી હત્યારા સુધી પહોંચવાનું પહેલું પગથિયું પાર થઈ જાય.

**********

પોલીસ પોતાની ગરદન સુધી પહોંચવા આવી ચૂકી છે એ વાતથી બેખબર એ સાયકો સિરિયલ કિલર અત્યારે પોતાનાં એ જ વિરાન પ્રદેશમાં મોજુદ બંગલા પર શાંતિથી સોફા પર બેઠો બેઠો રમનાં ઘૂંટ ભરી રહ્યો હતો..એની ચમકતી આંખો અને અણિયારું નાક એનાં ચહેરા પર મોજુદ શૈતાની ભાવ ને વધુ ભયંકર બનાવી રહ્યાં હતાં..થોડીવારમાં કંઈક સૂઝતા એ એક ઘૂંટમાં રમનો પૂરો પેગ ખતમ કરી ગ્લાસ ટેબલ પર મૂકી સોફમાંથી ઉભો થયો અને બાજુનાં રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો.

આ એજ રૂમ હતો જ્યાં એક વ્યક્તિને એને વિચિત્ર રીતે બાંધી બંધનકર્તા બનાવી રાખ્યો હતો..એ વ્યક્તિ અત્યારે ખૂબ દયનિય ભાવ સાથે મહાપરાણે આંખો ખોલી ને અંદર પ્રવેશેલા સિરિયલ કિલર ને જોઈ રહ્યો હતો..પોતાને અહીં કેમ ગઈકાલ રાતથી બાંધવામાં આવ્યો છે એ વાત ની ખબર પણ શાયદ એને નહોતી...એની આંખોમાં અત્યારે ઊંઘ સાફ-સાફ દેખાઈ રહી હતી.

"શું થયું..ઊંઘ આવે છે..?"રૂમનો દરવાજો બંધ કરી એ સાયકો કિલરે પેલાં બંધાયેલાં વ્યક્તિની નજીક જઈને કહ્યું.

જવાબમાં એ વ્યક્તિ એ ગુસ્સામાં પોતાનું મોં ફેરવી લીધું..અત્યારે એ વ્યક્તિની આંખોમાંથી ઉજાગરાનાં લીધે પાણી નીકળી રહ્યું હતું..ઊંઘ આવવાં છતાં એ સુઈ નહોતો શકતો..કેમકે જો ઊંઘ આવે અને એની ગરદન ઊંઘમાં ડાબી કે જમણી કોઈપણ દિશામાં નમે તો એનું મોત પાકું છે એ વાતથી એ વાકેફ હતો..હજુ બે કલાક પહેલાં જ એને એક ઝોકું તો આવી ગયું હતું અને અર્ધનિંદ્રામાં એ ડાબી તરફ થોડો ઝુક્યો પણ હતો..જેનાં લીધે ડાબી તરફ મોજુદ સોયો એનાં ગરદનમાં ખૂંપી ગયો હતો..પણ અચાનક એ વાતની ખબર પડતાં જ એ ઝબકીને જાગી ગયો અને મરતાં-મરતાં બચી ગયો.

સિરિયલ કિલરની નજર અચાનક એ બંધાયેલી વ્યક્તિની ગરદન પર પડી..જ્યાં થોડું સોયા નાં વાગવાનું નિશાન હતું..જેમાંથી થોડું લોહી પણ નીકળ્યું હતું..એની ગરદન પર લાગેલાં લોહીને જમણાં હાથનાં અંગુઠા પર લઈ એ સાયકો કિલર જોરજોરથી હસવા લાગ્યો.

"ક્યાં સુધી તો બચીશ..જેવી તારી આંખ એકવાર મીંચાઈ જશે પછી ક્યારેય એ ખુલવાની નથી..."

એનું આ હાસ્ય અત્યારે ત્યાં બંધાયેલી અવસ્થામાં મોજુદ વ્યક્તિ માટે વાગ્યાં પર નમક સમાન જરૂર હતું..!!

★★★★

વઘુ આવતાં ભાગમાં.

શું વનરાજ સિરિયલ કિલર હતો..?સિગાર ઉપરની ફિંગરપ્રિન્ટ વડે રાજલ એ સાયકો કિલર સુધી પહોંચી શકશે કે નહીં....?શું આ વખતે હત્યારો એનાં ત્રીજા કત્લ ને અંજામ આપી શકશે..?ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)