ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 19 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 19

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(19)

કેવા હતા પ્રહાર તમે વાત ના પૂછો

પીઠ પર હતા હજાર તમે વાત ના પૂછો

હમણાં કેટલાંક સમયથી સવારે વહેલાં ઊઠવાનું શરૂ કર્યું છે. જિંદગીના છ દાયકાઓ નિશાચરની જેમ વિતાવ્યા પછી હવે બ્રહ્મજ્ઞાન લાધ્યું છે. આજે પણ પાંચ વાગે જાગી ગયો. અડધો કલાક મેડીટેશન કર્યું. બે માળા ફેરવી. મંત્રજાપ કર્યો. અત્યાર સુધી આવા બધામાં હું માનતો ન હતો; પણ હવે અનુભવથી સમજાયું છે કે ઇશ્વર ચિંતન માટે આવા બાહ્યાચારો પણ સહાયક બને છે. મનની અંદર જામેલો દુર્વિચારોનો કચરો આવું કરવાથી ધીમે ધીમે દૂર થતો જાય છે.

સવારે સાડા નવ વાગે રોજ પથારી છોડતો હતો એને બદલે જે તો સમયે હું દર્દીઓને તપાસી રહ્યો હતો.

“તમારા બેમાંથી પેશન્ટ કોણ છે? એ અહીં બેસે.” મેં સ્થાન બતાવ્યું. મારી સામે એક વૃધ્ધા અને એક યુવતી ઊભાં હતાં. દેખાવ પરથી જ ખબર પડી જાય કે એ બંને સાસુ-વહુ હોવાં જોઇએ. વૃધ્ધાઓ પણ અમારી દર્દીઓ હોઇ શકે છે; એમની ફરિયાદો નાની હોય છે, પણ રોગનું નિદાન મોટું નીકળે છે.

માજી હસી પડ્યાં, “આ મારી વહુને તકલીફ છે; નીસમ, તું ત્યાં બેસ.”

તો વહુનું નામ નીલમ હતું. અને સાસુનું? થોડી વારમાં એ પણ જાણવા મળી ગયું. : કાવેરીબહેન.

નીલમને ગર્ભાવસ્થાની કોઇ તકલીફ ન હતી. સામાન્ય પ્રોબ્લેમ હતો જેના માટે એણે ત્રણ-ચાર વાર મારી પાસે દવા લખાવવા માટે આવવું પડે તેમ હતું.

મેં સૂચના આપી, “આ ગોળીઓ એક મહિના સુધી લેવાની છે; પછી દવા બદલવાની છે. એક મહિના પછી આવજો. દવાનો કાગળ સાથે લેતા આવજો. અને ફોન કરીને એપોઇન્ટમેન્ટ લેવાનું ભૂલશો નહીં.”

વહુનું પતાવ્યા પછી મેં સાસુમાને પૂછ્યું, “કાવેરીબા, તમને શું તકલીફ છે? તમે ચાલીને આવ્યા ત્યારે પહેલી નજરે તો તમે જ પેશન્ટ લાગતા હતા.”

કાવેરીબા હસ્યાં, “હવે હું બોંતેર વર્ષની થઇ. આ ઉંમરે માણસ સાવ તંદુરસ્ત તો ના જ હોય ને? જુવોને, મને બી.પી.ની તકલીફ છે. ડાયાબિટીસ છે, બે વરસથી ગોઠણના સાંધા જકડાઇ ગયા છે. માથું દુ:ખે છે. ભૂખ લાગતી નથી. ક્યારેક છાતીમાં દુ:ખાવો ઉપડે છે. હવે હું ઝાઝાં વરસ નહીં ખેંચવાની.”

“ના, કાવેરીબા! હવે એવું ન બોલશો. મેડિકલ સાયન્સ બહુ આગળ વધી ગયું છે. ડાયાબિટીસનુ તો સમજી શકાય કે એ બહુ વફાદાર બિમારી છે; પણ દવાઓની મદદથી અને ભોજનમાં સાવધાની રાખવાથી એને વર્ષો સુધી કાબુમાં રાખી શકાય છે.

રહી વાત બીજી તકલીફોની. તો તમે ગોઠણના સાંધાઓ બદલાવી શકો છો. એન્જિયોગ્રાફી કરાવીને હૃદયની બિમારી માટે યોગ્ય ટ્રીટમેન્ટ કરાવી શકો છો, બ્લડ પ્રેશર માટે.....”

“હા, પણ હવે મારે લાંબુ જીવીને કામ શું છે, સાહેબ? ભગવાને બહુ સુખ આપ્યું, હવે નાટક ઉપર પડદો પડી જાય તોયે કોઇ વાતનો વસવસો નથી.”

કાવેરીબા મને સંપૂર્ણ પણે સંતોષી જીવ લાગ્યાં. બાકી મેં એવા માણસોને જોયા છે જે નેવું વર્ષ પણ ‘મૃત્યુ’ શબ્દથી ગભરાઇ ઉઠતા હોય.

બે વર્ષ પહેલાં હું ફેમિલિ સાથે વિમાનમાં દિલ્હી તરફ આવી રહ્યો હતો. ખરાબ હવામાન અને તોફાની પવનના કારણે અમારું એરક્રાફ્ટ દિલ્હીના એરપોર્ટ પર ઉતરી શકતું ન હતું. પૂરો એક કલાક પાયલટ દિલ્હીના આસમાનમાં ગોળ ગોળ ચકરાવા લેતો રહ્યો. બધાંના જીવ પડીકે બંધાઇ ગયા હતા. ત્યારે મારી આગળની સીટમાં બેઠેલાં એક માજીએ ટોકું ફેરવીને મને પૂછ્યું હતું, “ભાઇ, વિમાનનુ બળતણ તો ખલાસ નહીં થઇ જાય ને?” મેં પૂછ્યું હતું, “માજી, તમને કેટલાં વર્ષ થયાં?”

“પંચાસી.”માજીનો અવાજ મૃત્યુની કલ્પના માત્રથી ધ્રુજી રહ્યો હતો.

“હજુ કેટલું જીવવું છે, બા? આપણું વિમાન નહીં તૂટી પડે તો પણ તમે તો ગમે ત્યારે ખડી પડવાનાં છો. મારી સામે જુવો; મારો યુવાન દીકરો અને દીકરી પણ વિમાનમાં સાથે છે. પત્ની પણ છે. જો જઇશું તો ચારેય સાથએ જતાં રહીશું. મારા ઘરડાં મા-બાપનો વિચાર કરો અને ચૂપચાપ સીટમાં બેસી રહો! જે સહુનું થશે તે વહુનું થશે.”

એ માજીની સરખામણીમાં આ કાવેરી બા કેટલાં બધાં સંતુષ્ટ લાગતાં હતાં! અને હતાં જ. એમનાં બોલવામાં, એમની બોડી લેગ્વેજમાં, ક્યાંક કોઇ પણ પ્રકારનો અભાવ કે કંટાળો કે ઇશ્વર પ્રત્યેની ફરિયાદ જેવું દેખાતું ન હતું.

એક મહિના પછી સાસુ-વહુ ફરીથી આવ્યાં. આ વખતે મેં કાવેરીબાને પૂછી લીધું, “બા, ભગવાને તમને બહુ સુખ આપ્યું છે તો કેટલું આપ્યું છે એ કહો. બે-ચાર દીકરાઓ દીધા છે? પાંચ-સાત બંગલાઓ, ચાર-પાંચ ગાડીઓ, ઝર-ઝવેરાત, જમીનો શું શું છે તમારી પાસે?”

“અરે, સાહેબ, સુખ કંઇ એ બધાંમાંથી થોડું મળે છે? ના રે! ભગવાને તો મને એક જ દીકરોનો વસ્તાર આપ્યો છે. મારો જયેશ એકનો એક દીકરો છે. આ વહુ છે. દીકરાનો એક દીકરો છે. ચાર વરસનો. હવે બીજાનો સમય પાકી ગયો છે. ભગવાન એક દીકરી આપી દે એટલે ભયો ભયો!”

“તમારો જયેશ શું કરે છે?”

“નોકરી કરે છે. અઢારેક હજાર રૂપીયાનો પગાર છે. વહુ ઘરમાં જ રહે છે. એ બારમું પાસ જ છે. પણ સ્વભાવે ખૂબ સારી છે. એનાં સસરા એક નાનકડો ફ્લેટ મૂકી ગયા છે. એમાં અમે ચાર જીવ આનંદથી રહીએ છીએ.”

“પણ બા, આવી કાળાઝાળ મોંઘવારીમાં અઢાર હજાર રૂપીયાનો પગાર તો.....? ઘરખર્ચ નીકળી જાય છે?”

“હોવ્વે! જરાક મુઠ્ઠી બંધ રાખીને જીવીએ તો વાંધો ન આવે. અને જયેશનો પગાર કંઇ આખી જિંદગી આટલો થોડો રહેવાનો છે? હજુ તો એ ત્રીસ જ વરસનો થયો છે. સમય જશે તેમ પગાર પણ વધશે જ ને?”

કાવેરી બાનું લોજીક સાવ ખોટુ હતું. સમય જતાં પગાર વઘશે તો મોંઘવારી પણ વઘવાની જ છે. પણ મેં આવી દલીલ કરી નહીં. ક વૃધ્ધ માતાનાં મનમાં વ્યાપ્ત સંતોષના ગઢમાં મારે ગાબડું પાડવું ન હતું.

નીલમનું પ્રિસ્ક્રિપશન લઇને સાસુ-વહુ વિદાય થયાં હું કમર પાસેથી બેવડાં થઇ ગયેલાં અને બંને પગેથી લંગડાતા કાવેરી બા ને જોઇ રહ્યો.

ત્રીજી વાર બન્ને આવ્યાં ત્યારે મને થયું કે જો કાવેરી બાએ મને જીવન પ્રત્યનો હકારાત્મક અભિગમ આપ્યો હોય તો મારે પણ એમને કંઇક આપવું જોઇએ. મારી પાસે ઘણી બધી દવાઓ પડી હતી. અલગ-અલગ ફાર્મા કંપનીઓ અમને ડોક્ટરોને અંગત ઉપયોગ માટે અથવા ગરીબ દર્દીઓને આપવા માટે કેટલાક ફિઝિશિઅન્સ સેમ્પલ્સ આપી જતા હોય છે. મારી પાસે કેટલીક પેઇન કિલર ટેબ્લેટ્સ હતી. સાંધાનો દુ:ખાવો ઓછો કરી દે તેવો મલમ પણ હતો. મેં એ બધું કાઢી આપ્યું. “લો, બા! અ: લઇ જાવ. તમે દોડતાં થઇ જશો.”

કાવેરી બા તરત જ ડોકું હલાવીને બોલી ઉઠ્યાં, “નારે, સાહેબ! મારે ક્યાં આ ઉંમરે શેરીમાં રમત રમવા જવું છે? આ તે શરીર છે. એ એનો ધર્મ બજાવે, આપણે આપણું કામ કરતાં રે’વાનુ રામ રાખે તેમ રહીએ; ઓધવજી!”

કાવેરી બા દવાઓ લીધા વગર જ ગયાં. વહુ નીલમ દવાનો કાગળ લઇને ગઇ. હું બંનેને ભૂલીને બીજા દર્દાઓમાં ખોવાઇ ગયો. નીલમ ત્રણ મહિનાની સારવાર પૂરી થઇ ગઇ હતી. હવે સાસુ-વહુએ મારી પાસે આવવાની જરૂર ન હતી.

લગભગ છએક મહિના નીકળી ગયા. એક દિવસ ફરી પાછાં એ બન્ને આવ્યાં. પણ આ વખતે દૃશ્ય સાવ જૂદું હતું. નીલમે સફેદ સાડી પહેરી હતી. કપાળમાં ચાંલ્લો કર્યો ન હતો. ડોક અડવી હતી. ચહેરા પર ભાવ-શૂન્યતા હતી અને આંખોમાં ઘોર ઉદાસી. કાવેરી બાની હાલત પણ ખરાબ હતી. જાણે એમની ઉંમર માં દસ વર્ષનો ઊમેરો થઇ ગયો હોય તેવાં એ દેખાતા હતાં!

હું નીલમનાં વસ્ત્રો અને કપાળ-ગળું જોઇને જ ઘણું બધું સમજી ગયો. પણ મારા મનમાં સવાલો જ સાવાલો હતા.

“કાવેરી બા, આ બધું શું છે? તમારી વહુ નીલમ.....?!”

“સાહેબ, મારો દીકરો ગૂજરી ગયો. નીલમ વિધવા થઇ ગઇ.”

“પણ કેવી રીતે?”

“મારો જયેશ નોકરીમાંથી છૂટીને ઘરે આવતો હતો. એની ફેકટરી ચાંગોદરમાં છે. ત્યાંથી સ્કૂટર પર આવતો હતો ત્યાં ખટારો એની ઉપર ફરી વળ્યો. જયેશની ખોપરી....”એક મા પોતાનાં દીકરાનું મોત કેવી રીતે વર્ણવી શકે? કાવેરી બા અટકી ગયાં.

“હવે?”મને સમજાતું ન હતું કે મારે શું પૂછવું જોઇએ!”

અને કેવી રીતે પૂછવું જોઇએ? મારા મોંમાંથી નીકળી ગયું, “હવે તમારું પૂરું કેવી રીતે થશે? દીકરો ગયો એની સાથે એનો પગાર પણ ગયો.”

કાવેરી બાનાં અવાજમાં હિંમતનો રણકાર હતો, “જીવવું તો પડશે જ ને, સાહેબ! અને ઘર-ખર્ચ માટે કમાવું પણ પડશે. મારી વહુને તો ક્યાંય નોકરી મળે તેમ નથી. પણ જયેશના પ્રોવીડન્ટ ફંડની જે રકમ આવશે એમાંથી ઘરે જ ખાખરા, અથાણાં, પાપડ એવું બધું બનાવવાનું શરૂ કરીશું”

“કોણ બનાવશે? અને કોણ વેંચવા જશે? એના માટે તો માણસો રાખવા પડે.”

“ના રે! હું બેઠી છું ને વાઘણ જેવી. મારી વહુ એ બધું બનાવી આપશે અને ઘરને સાચવશે. જુવાન વિધવાને ઘરની બહાર કાઢવામાં કેટલાં જોખમો હોય છે એ તમે સમજતા જ હશો. એટલે હું પોતે જ આજુબાજુની દસ-વીસ સોસાયટીઓમાં જઇશ અને ઘરે-ઘરે ફરીને.....”

હું ખળભળી ગયો. ઇશ્વર આવું દુ:ખ શા માટે આપતો હશે? મેં તરત જ વાતનો વિષય બદલીને પૂછયું, “નીલમબહેનને બતાવવાનું છે ને? આવો બહેન તરફ બેસો.....”

ત્યાં જ કાવેરી બા બોલી ઉઠ્યાં, “ના, સાહેબ! આ વખતે હું દવા લેવા આવી છું. તમે પેલી સાંધાના દુ:ખાવાની ગોળીઓ અને મલમ આપતા હતા ને! આજે હું એ લેવા આવી છું. બોંતેર વરસની ઉંમરે મારે પાછું દોડવું પડશે ને હવે? અને લાંબું જીવવું પણ પડશે. દીકરાના દીકરાને મોટો તો કરવો પડશે ને! “કાવેરીબાનાં અવાજમાં કંપ હતો. મેં ઘણી કોશિશ કરી તો પણ મારી આંખો છલકાઇ ને જ રહી”

(શીર્ષક પંક્તિ: રવિ દવે)

----------

રેટ કરો અને રિવ્યુ આપો

અમી વ્યાસ

અમી વ્યાસ માતૃભારતી ચકાસાયેલ 3 માસ પહેલા

Sheetal

Sheetal માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા

Hiral Patel

Hiral Patel 5 માસ પહેલા

Sneha

Sneha 5 માસ પહેલા

Shilpa Akhawat

Shilpa Akhawat 5 માસ પહેલા