મુહૂર્ત (પ્રકરણ 8) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુહૂર્ત (પ્રકરણ 8)

બીજી સવારે હું પાંચ વાગ્યે જાગ્યો. નયના અને વિવેક હજુ ઉઘ્યા હતા. એમને ડીસ્ટર્બ કરવાનું મને ન ગમ્યું. આમ પણ અમારી ફલાઈટ મોડી હતી. મેં મેટ્રેસ હટાવી મારી જાતને બેડમાંથી આઝાદ કરી. એ ગુપ્ત હોલની બારી ખોલી ઠંડા પવનને અંદર દાખલ થવા પરવાનગી આપી.

મારી પાસે નયના અને વિવેક જાગે ત્યાં સુધી સોફા ચેર પર ગોઠવાઈ વિચારો કરવા સિવાય કોઈ કામ નહોતું. મેં એ જ કર્યું જે હું છેલ્લા કેટલાય દિવસોથી કરતો હતો.

શિવ મંદિરની મુલાકાત બાદ મેં એક અઠવાડિયા સુધી બુકસ્ટોર પર અનન્યાના આગમન રાહ જોઈ. હું નિરાશા અનુભવવા લાગ્યો. કદાચ અનન્યા નહિ આવે પણ જયારે મેં એના આગમનની આશા છોડી દીધી એ દિવસે જ એનું આગમન થયું.

મેં દરવાજો ખોલી અનન્યાને સ્ટોરમાં દાખલ થતા જોઈ. એના પરફ્યુમની સુગંધ સ્ટોરમાં ફેલાઈ ગઈ. ચંદન અને સુખડ પણ જેનો મુકાબલો ન કરી શકે એવી અલૌકિક સુવાસ મને પ્રસન્ન કરી ગઈ. તે ગુલાબી ડ્રેસમાં ઓર સુંદર લાગતી હતી. તેમાં સફેદ ફૂલોની ભાત હતી. તે ફૂલ જાણે સજીવ હોય તેવી સુવાસ અને તેના ડ્રેસ જેવા જ ગુલાબી હોઠ પર સ્મિત લઇ તે મારી સામે આવીને ઉભી રહી.

“હું બૂક રેન્ટ પર લેવા આવી છું.” એના શબ્દોએ મને સ્વપ્નલોકમાંથી બહાર લાવ્યો. હું મારા અને એના એ જંગલમાં નાગ નાગિન સ્વરૂપે ફરતા હોવાના સપનામાં ખોવાયો હતો.

“હ... હા.. તમને જે બૂક પુસંદ હોય તે જોઈ લો.” મેં માંડ કમ્પોઝર મેળવ્યો.

“ઓકે...” તે બૂક શેલ્ફ તરફ ફરી પણ એકાએક અટકી ગઈ. હું એના એના કઈક બોલવાની રાહ જોઈ રહ્યો.

“તમે મને કોઈ સારું પુસ્તક સજેસ્ટ ન કરી શકો...? તમે સ્ટોર પર બેસો છો તો ઘણા પુસ્તકો વાંચ્યા જ હશે ને..?”

“હા.. કેમ નહિ? હું તમને મારી ફેવરીટ બૂક સજેસ્ટ કરી શકું છું. ફાયર ઓફ વિન્ટર અને પ્રિન્સેસ ડેઇઝી મેં હમણાં જ વાંચી છે એ અત્યારની બેસ્ટસેલર છે તમને વાંચવી ગમશે.”

“એ લવસ્ટોરી નોવેલ છે?”

“હા, બંનેમાં મુખ્ય થીમમાં લવ સ્ટોરી છે અને સબ પ્લોટમાં થ્રીલીંગ છે.”

“મને એ જ નથી સમજાતું આ લેખકો દરેક લવસ્ટોરીને થ્રીલર સાથે કેમ જોડી દેતા હશે?” અનન્યાએ જરા મો બનાવ્યું. તેની અદાઓ તદ્દન નયના જેવી જ હતી.

“કેમ તમને લાગે છે કે લવસ્ટોરીમાં સપેન્સ ન હોઈ શકે?”

“કેમ તમને એમ લાગે છે કે દરેક લવસ્ટોરીમાં કોઈ મિસ્ટ્રી જરૂર હોય?” મારા સવાલનો જવાબ આપવાને બદલે અનન્યાએ મારી સામો સવાલ ધર્યો.

“હા, મને તો એમ જ લાગે છે. મેં વાંચેલા દરેક પુસ્તકમાં એ જ હોય છે.” મેં દલીલ કરી અને કાઉન્ટર પાસેના શો-કેશમાંથી બે ત્રણ પુસ્તકો બહાર નીકાળી કાઉન્ટરના કાચ પર મુક્યા, “આ દરેક લવસ્ટોરીમાં સસ્પેન્સ અને મિસ્ટ્રી બંને છે.”

“હું પણ એ કહું છું. કેમ બધા પુસ્તકોમાં કોઈને કોઈ રહસ્ય હોય છે? કેમ લેખક દરેક કહાનીમાં સસ્પેન્સ ઉમેરે છે?” અનન્યાએ એક પુસ્તક હાથમાં લીધુ.

“તમને સિક્રેટ પસંદ નથી લગતા?”

“ના. એવું નથી પણ રહસ્ય બુકના અંતે ખબર પડે છે. ત્યાં સુધી રાહ જોવી પડે એ નથી ગમતું.”

“કદાચ એવું પણ હોઈ શકેને કે રહસ્ય ખબર પડે ત્યારે જ બુકનો અંત ભાગ આવતો હોય?”

“તમને સિક્રેટ વિશે બહુ જાણકારી લાગે છે...” તે હસી. પવનની હળવી લહેરખી જાણે ગુલમહોરના હજારો ફૂલો વિખેરી ગઈ હોય એમ લાગ્યું. એનું સ્મિત અવર્ણનીય હતું.

“હા.”

“કેમ?”

“કેમકે મારા જીવનમાં ઘણા સિક્રેટ છે.” મેં વાતને મૂળ મુદ્દા પર લઇ જવા પ્રયાસ કર્યો.

“પણ મારા જીવનમાં તો કોઈ સિક્રેટ નથી. મારું જીવન આ શિવમંદિરથી શરુ થયું છે બસ એ પૂરું ક્યાં થશે એ એક સિક્રેટ છે.” તેના અવાજમાં એકાએક ઉદાસી ભળી.

“માફ કરજો હું તમારા પર્શનલ જીવનમાં દખલ કરી રહ્યો છું પણ જસ્ટ એઝ અ ફ્રેન્ડ હું તમને એક સવાલ પૂછી શકું?”

“હા પણ એક શરત પર તમે જસ્ટ એઝ ફ્રેન્ડ કહ્યા પછી મને તમે કહીને બોલાવશો તો આગળના શબ્દો બનાવટી લાગશે. તમારે એ બદલવા પડશે.” તેણીએ વિવેક કર્યો.

“એક શરતે?”

“દોસ્તીમાં વળી શરત કેવી?” એ ફરી હસી, “કહો, શું શરત છે?”

“તારે પણ મને તમે કહેવાને બદલે તું કહેવું જોઈએ કેમકે દોસ્તીમાં બંને તરફ સરખા નિયમો લાગુ પડે છે.”

એની આંખોમાં શરમાળ સ્મિત રમી ગયું અને મારું હર્દય ધબકારો ચુકી ગયું. એ સ્મિત નિહાળવા હું અનંત યુગો સુધી રાહ જોવા તૈયાર હતો. તમને મારો પ્રેમ કદાચ ન સમજાય. નાના બાળક જેવો લાગે પણ હા પ્રેમ હમેશા નાના બાળકના હૃદય જેવો નિર્દોષ હોય છે. તમે અત્યારના જે ફિલ્મોમાં કે અમુક લેખકોના પુસ્તકમાં જે પ્રેમ વાંચો છો તે પ્રેમ નથી તે હવશ છે. પ્રેમ તો સાવ ઘેલો હોય, નાના બાળકના સ્મિત જેવો કોમળ અને પવિત્ર હોય.

“હા. તો હવે શું પ્રશ્ન પૂછવો હતો એ પૂછી લે તો હું બૂક લઈને જઈ શકું...”

“કદાચ તારા જીવનમાં કોઈ એવું સિક્રેટ હોય કે જે તે કલ્પના પણ ન કરી હોય તો?”

“તો મને નવાઈ અને ખુશી બંને થાય પણ એ અશક્ય છે. મારા જીવનમાં કોઈ સિક્રેટ નથી.”

“છે...” મેં તરત જ શબ્દો સુધારી લીધા, “આઈ મીન હશે પણ સિક્રેટનો એક નિયમ છે એ હમેશા પુસ્તકના અંતમાં જ ખુલે છે.”

“હા.. તો હું પુસ્તકના અંત સુધી એ સિક્રેટ ખુલવાની રાહ જોઇશ. અત્યારે તો મને લાગે છે કે મારે ફાયર ઓફ વિન્ટરના એન્ડમાં શું સિક્રેટ ખુલે છે એ જાણવા એ પુસ્તક લઇ જવું જોઈએ.”

“તું ગાયક છે?” મેં વાતનો દોર બદલ્યો. કદાચ હું એ વાતચીતને લંબાવવા માંગતો હતો અને મને જે યાદ આવ્યું એ મેં પૂછી લીધું.

“કેમ? મારા ચહેરા પરથી હું ગાયક લાગુ છું?”

“કેમ દરેકના ચેહેરા પર લખેલ હોય છે કે એ શું છે?”

“કેમ નહિ? ચહેરા પરથી કેમ ન ખબર પડે?”

“તો મારા ચહેરા પર શું લખેલ છે?”

“મારા ચહેરામાંથી સીધી વાત તારા ચહેરા સુધી કેવી રીતે પહોચી ગઈ?” અનન્યાએ જવાબ આપવાનું ટાળવા માટે કહ્યું.

“તો પણ..?”

“ખરાબ નહિ લાગે તો કહું..?” તેણીએ શરત રજુ કરતા કહ્યું.

“આપણે દોસ્તીના નિયમો બંને તરફ લાગુ પડે છે એ વાત હમણાં જ ન કરી?” મેં પ્રશ્નાર્થ ઉતર આપ્યો.

“તું કોઈ શિકારી લાગે છે.” અનન્યાએ કહ્યું.

“મતલબ..?”

“મતલબ તારી આંખો.. એ એકદમ શિકારી જેવી છે... એમાં એક અજબ ચમક છે જે માત્ર હિંસક પ્રાણીઓની આંખોમાં જ હોય છે.”

હું સ્ત્બધ બની સાંભળી રહ્યો. જે આંખો મને સુંદર બનાવતી હતી જે આંખો પર મને ગર્વ હતો એ જ આંખોને એ શિકારી સાથે સરખાવી રહી હતી.

“યુ નો વરુણ... કેટલાક દિવસ પહેલા મારી સામે એક નાગ એકાએક આવી ગયો હતો એની આંખોમાં બિલકુલ એ જ ચમક હતી જે તારી આંખોમાં છે. હું પહેલીવાર બૂક સ્ટોર પર આવી અને તને જોયો ત્યારે પણ મને લાગ્યું હતું કે એ નાગ અને તારી આંખો એક જેવી છે પણ આપણે એકબીજા માટે અજાણ્યા હતા એટલે મેં ન કહ્યું.” અનન્યા કદાચ મારી આંખોને ઓળખી ગઈ હતી. મંદિર વખતે મુલાકાતમાં અમે એક બીજાને નામ પૂછ્યા હતા એટલે તે મારું નામ જાણતી હતી.

“તે સાંભળ્યું છે આપણા જંગલમાં ઈચ્છાધારી નાગ રહે છે જે નાગ અને માનવ એમ બંને સ્વરૂપ ધારણ કરી શકે છે?” મેં પૂછ્યું. મને લાગ્યું કે એ વિષયમાં આગળ વધવા એ સૌથી સારો સમય હતો.

“હા, પણ એ બધી અફવાઓ છે.” તે કઈક અણગમાથી બોલી.

“અને હું કહું કે તે જે નાગને જંગલમાં જોયો હતો એ હું જ હતો તો?” મેં પૂછ્યું. જે વાત અમે બધાથી છુપાવીને રાખતા હતા એ મેં પહેલીવાર કોઈની સામે કહી હતી.

“તો પહેલા તો હું બરાબર હસી લઈશ અને પછી કહીશ કે એ મેં જીવનમાં સંભાળેલ સૌથી મોટો જોક્સ હતો.” કહીને તે હસી પડી.

“ના, પણ કદાચ એ સિક્રેટ હોય જે બુકના અંતમાં ખુલે છે તો?” મેં કહ્યું.

“બસ હવે વરુણ... આપણે પ્રાયમરીમાં ભણતા બાળકો નથી કે તું મને નાગ નાગિનની કહાની સંભળાવી ડરાવે.. એન્ડ બાય ધ વે હવે મારે જવું જોઈએ કેમકે મંદિરે હજુ બહુ કામ છે.”

“બાય.” મેં કહ્યું અને એ હાથ હલાવતી સ્ટોર બહાર નીકળી ગઈ.

અમારી ત્રીજી મુલાકાતમાં અમે એકબીજાને નામથી બોલવતા થઇ ગયા હતા. ત્યારબાદ એ મુલાકાતો અવારનવાર વધતી જ ગઈ. અનન્યા એક બૂક આપી જતી અને બીજી બૂક લઇ જતી.. મારી પસંદની બૂક વાંચવા હું એને કહેતો તો ક્યારેક એ મને એની પસંદની બૂક વાંચવા ફોર્સ કરતી.

આખરે એ દિવસ આવી ગયો જેની હું રાહ જોતો હતો.. અનન્યા સ્ટોર પરથી પ્રાઈઝ એન્ડ પ્રેજ્યુડાઈસ વાંચવા લઈ ગઈ હતી. એ પુસ્તક જયારે એણીએ મને પરત કર્યું એમાં એક ચિઠ્ઠી હતી જેમાં અનન્યાએ પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરી હતી. જે મારા હૃદયની લાગણીઓને બિલકુલ મળતી આવતી હતી.

“તું ક્યારનો જાગી ગયો છે? બહુ વહેલો ઉઠ્યો કે પછી ઊંઘ જ ન આવી?” નયનાએ આંખ ખોલતા જ પોતાની આદત મુજબ સવાલો શરુ કરી દીધા. મેં ઝબકીને જોયું અનન્યાને બદલે નયના મારી સામે હતી. જોકે બંને એક જ હતા પણ બસ વર્ષો વીતી ગયા હતા. જન્મ અને ચહેરા બદલાઈ ગયા હતા... ત્યારે એ નાગિન હતી ને અત્યારે એ માણસ છે.

“ના, હમણાં જ ઉઠ્યો.. બસ થોડીકવાર પહેલા..” મેં કહ્યું.

“હવે ફટાફટ તૈયાર થઇ જાઓ..” વિવેકે પણ પોતાના ચહેરા પરથી મેટ્રેસ હટાવી.

“આટલું વહેલુ ક્યાં જવું છે?” નયના સવાલ કર્યા વિના ન રહી શકી.

“સામેના કોફીશોપમાં... સવારની ચા કોફી તો લેવી પડશે ને..?” વિવેક હસ્યો.

લગભગ આઠેક વાગ્યે અમે તૈયાર થઇ હોટલ મેજિક સર્કલની સામેની ફેમસ કોફીશોપમાં ગયા. તેની માલકિન માયા સાથે અમારો પરિચય આગળની રાત્રે જ થઇ ચુક્યો હતો એટલે જયારે અમે કોફીશોપમાં પ્રવેશ્યા અમારા માટે તેના વેલ્કમીંગ વર્ડ્સ રાહ જોઈ રહ્યા હતા. “વેલકમ.. વિવેક એન્ડ ગેસ્ટસ.”

“થેન્ક્સ.” વિવેકે જવાબ આપ્યો અને અમે ખુણામાંના બૂથ પર જગ્યા મેળવી. અમે કોર્નર બૂથ પસંદ કર્યું જેથી કોઈનું ધ્યાન આમારા પર ઝડપથી ન પડે. કદાચ તેઓ કોઈ ટેક્ષી કે કારમાં રસ્તા પર જઇ રહ્યા હોય અને એમની નજર અમારા પર પડી જાય તેટલી ખુલ્લી જગ્યામાં બેસવું અમને યોગ્ય ન લાગ્યું.

“સર મેનુ.” એક વેઈટ્રેસે આવીને વિવેકના હાથમાં હોટલ મેનુ આપ્યું. વિવેક તે મેનુમાં જાણે હજારો અક્ષરો લખેલ હોય એમ એ મેનુને જોઈ રહ્યો. મને નવાઈ લાગી કે કોફીશોપના મેનુમાં વધુમાં વધુ કેટલી અઈટમ હોઈ શકે.. મોકા, કોલ્ડ કોફી, ટી.. કોલ્ડ ટી, ગ્રીન ટી, બ્લેક ટી.. વધુમાં વધુ દસ બાર અઈટમ. તો વિવેકને એ દસ આઈટમમાંથી કોઈ એક પસંદ કરતા એટલીવાર કઈ રીતે થઇ શકે?

વેઈટર મેનુ આપી ચાલ્યો ગયો. એ ઓર્ડર લેવા ન રહ્યો. મને પહેલા કરતા પણ વધુ નવાઈ લાગી. વિવેકે હજુ ઓર્ડર આપ્યો ન હતો એટલા સમયમાં વેઈટર કઈ રીતે જઇ શકે. કમ-સે-કમ એ પૂછત કે સર શું લાવું?

મને કઈ સમજાયુ નહી. નયના પણ વિવેકને નવાઈ પૂર્વક જોઈ રહી.

“કપિલ.” વિવેકે મારા તરફ જોયા વિના જ કહ્યું, “લૂક ઇન મેનુ.”

મેં જરાક ઉંચી ડોક કરી વિવેકના હાથમાંના મેનુ તરફ નજર કરી. એમાં માત્ર એટલું જ લખેલ હતું - આ હોટલ કે આ કોફીશોપ તમારા માટે સલામત નથી.

વિવેકે એ મેનુ ઉલટું કરી મૂકી દીધુ.

“શું ઓર્ડર કરીશું?” એણે મારા તરફ જોઈ કહ્યું.

“મેનું તે વાંચ્યું અને ઓર્ડર કપિલ કઈ રીતે કરી શકે?” નયના વચ્ચે બોલી એની આદત મુજબ જ. નયનાએ મેનુ વાંચ્યું નહોતું એટલે એના ચહેરા પરના હાવ ભાવ એવા જ રહ્યા હતા..

“પણ મને કાઈ ઓર્ડર કરવા જેવું ન લાગ્યું.” વિવેકે કહ્યું.

“તો કોઈ બીજી શોપમાં જઈએ. આપણે અહી આવ્યા ત્યારે મેં જોયું હતું ખૂણા પર બીજી કોફીશોપ પણ છે.” નયનાએ કહ્યું. હું સમજી ગયો નયના જાતે જ એ સ્થળ છોડી જવા તૈયાર થાય એ માટે વિવેકે એ અભિનય કર્યો હતો. એણે મને જે શબ્દો સંભળાવ્યા એ શબ્દો તે નયનાને વંચાવવા માંગતો ન હતો. કદાચ નયના ડરી ન જાય એ માટે.

અમે ખૂણાના બૂથને છોડીને બહાર જવા લાગ્યા. વિવેક સૌથી આગળ હતો. તેના પાછળ નયના અને છેલ્લે હું. હું નયનાને વચ્ચે રાખવા માંગતો હતો કેમકે મેં મેનુમાંનો સંદેશ વાંચ્યો હતો. આ સ્થળ અને આ હોટલ તમારા માટે સલામત નથી.

શું હોઈ શકે?

એ મેસેજ કોણે મોકલ્યો હશે?

અમે કોનાથી સલામત નથી?

શું કદંબથી...?

અમે ત્યાં છીએ એવી કદંબને કઈ રીતે ખબર પડી શકે?

મારા મનમાં અનેક વિચારો ઉમટ્યા. મેં ચારે તરફ ચાંપતી નજર કરી પણ મને કોફીશોપમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાયો નહિ. અમે દરવાજાની બહાર આવ્યા ત્યારે બહાર એક કાળા કોટવાળો વ્યક્તિ ઉભો હતો. મને એ શંકાસ્પદ લાગ્યો. મેં વિવેક તરફ નજર ફેરવી પણ ત્યાં સુધીમાં એ કાળા કોટે વિવેક તરફ સાયલેન્સર સાથેની ગન એઈમ કરી નાખી હતી.

“વોટ?” વિવેકે ફેસિયલ પોસ્ટરથી સવાલ કર્યો.

“સસસ..” એણે ગળામાંથી વિચિત્ર અવાજ નીકાળ્યો જે વિવેક માટે ચુપ રહેવાનો ઈશારો હતો.

નયનાનો ચહેરો એકદમ ફિક્કો પડી. એ ડરને લીધે થીજી ગઈ. વિવેક ડર્યો નહોતો. તેના મનને હું સમજી શકતો હતો. વિવેકનું મન એક ક્ષણમાં કલ્પના ન કરી શકાય તેટલી તેજ ઝડપે વિચારવા લાગ્યું હતું.

“કોણ છો તું?” વિવેકે એ ગનવાળા વ્યક્તિ ઉપર જ એની નજર રાખી પૂછ્યું. એ માણસ ત્રીસ પાંત્રીસની ઉમરનો હશે. તેનો ગોળ દાઢી મુછ વગરનો ચહેરો સપાટ હતો. તેમાં કોઈ ભાવ ન હતા. જાણે તે કોઈ શુટર હોય તેમ લાગ્યું.

મેં આસપાસ નજર દોડાવી વહેલી સવારનો સમય હતો એટલે ત્યાં ખાસ ભીડ નહોતી અને જે છૂટક માણસો હતા એ પણ કાળા કોટે ગન નીકાળી એ સાથે જ આડા અવળા થઇ ગયા હતા.

“સટ અપ જાદુગર.. મને ખાતરી છે કે તું મારી સાથે વાત કરીને કોઈ ચાલ રમવા માંગે છે. જો તારા મિત્રોને જીવતા જોવા માંગતો હોય તો ચુપચાપ મારી સાથે ચાલવા માંડ.” ગનવાળા વ્યક્તિના અવાજમાં કરડાકી ભળી. એના કાળા ચહેરા ઉપર એ શબ્દો ભયાનક લાગતા હતા. નયના ચીસ પાડે તો નવાઈ ન કહેવાય પણ એવું કઈ થયું નહી.

“કદાચ તું ખોટા વ્યક્તિ સામે આવી ગયો છે... હું કોઈ જાદુગર નથી.” વિવેક રમત રમવા લાગ્યો.

“ચુપ મર સાલા મેજીસીયન....” કાળા કોટે ફરી દાંત ભીંસ્યા, “મેં તને ચુપ રહેવાનું કહ્યુંને.. ચુપચાપ મારી સાથે ચાલ..”

“પણ હું...”

“સટ અપ.. મને તારી સાથે વાત કરવાની ચોખ્ખી ના પાડવામાં આવી છે.. મને ઓર્ડર મળ્યો છે કે તારા જેવા જાદુગર સાથે વાત ન કરવી કેમકે જાદુગર કોઈને પણ વાતોમાં ઉલજાવી શકે છે.” એ ગનવાળા વ્યક્તિએ વિવેકને વચ્ચે જ રોકીને કહ્યું.

“તો તારે એમની સલાહ માનવી જોઈતી હતી.” વિવેક હસ્યો.

“શું?”

“તારે મારી સાથે વાત ન કરવી જોઈએ.” વિવેકે ફરી હસીને કહ્યું ત્યારે જ હું સમજી ગયો હતો કે હવે શું થશે..... અને એ સાથે જ પેલા વ્યક્તિના હાથમાંથી ગન ગાયબ થઇ ગઈ અને તેના હાથમાં એક તાસનું પાનું આવી ગયું. જયારે એ ગન વિવેકના હાથમાં આવી ગઈ.

“તું આવું કઈ રીતે કરી શકે? તું મારા પર જાદુ કઈ રીતે ચલાવી શકે?” એ વ્યક્તિ બબડ્યો અને તેના હાથમાંથી તાસનું પાનું જમીન પર પછાડ્યું.

“રન...” વિવેકે પેલાને જવાબ આપ્યા વગર મારી તરફ જોઈ રાડ પાડી.

હું નયનાનો હાથ પકડી દોડ્યો. હું નયના સાથે એ કોફીસોપથી દુર રોડ સુધી પહોચ્યો.

“ટેક્ષી....” નયનાએ એકાએક કહ્યુ, “ટેક્ષી રોક કપિલ..”

મેં ટેક્ષી માટે હાથ કર્યો અને એક ટેક્ષી રોકી.

“કયા જવું છે સર.” ટેક્ષી ડ્રાઈવરે ટેક્ષી રોકી કાચ પૂરો રોલ ડાઉન કરતા પૂછ્યું.

“મેઈન માર્કેટ.” મને વિવેકનો અવાજ સંભળાયો. મને ખુશી થઇ કે એ આવી ગયો. અમે ત્રણેય ટેક્ષીમાં ગોઠવાયા. ટેક્ષી રોડ પર મેઈન માર્કેટ તરફ જવા દોડવા લાગી એ સાથે જ વિવેકે તેના જીન્સ પોકેટમાંથી મોબાઈલ નીકાળી એક નંબર ડાયલ કર્યો.

“ઇટ્સ વિવેક, ડીડ આઈ વોક યુ?”

“નો, આઈ એમ રેડી વિથ બાથ.”

“થેંક ગોડ.”

“તું કોઈ પ્રોબ્લેમમાં છે?”

“ના, પણ મને કેટલાક સવાલો છે. શું મને જવાબો મળી શકશે?” વિવેક કોની સાથે અને શું વાતચીત કરી રહ્યો છે તે મને કે નયનાએ સમજાયુ નહી. મને ખાતરી થઈ કે એ ફોન મુકશે એ સાથે જ નયનાના સવાલો શરુ થઇ જશે. નયનાના ચેહરા પરથી જ એ દેખાતું હતું કે તેના મનમાં અનેક સવાલો છે.

પ્રશ્નોનો ભારે વરસાદ વિવેકની રાહ જોતો હતો પણ વિવેક એ સમયે ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો એટલે એ તેના ધ્યાનમાં ન આવ્યું.

“હા, પણ અત્યારે તને જવાબ આપનાર વ્યક્તિ હાજર નથી. તે હોસ્પિટલ છે. તેમણે તારા માટે એક મેસેજ છોડ્યો છે.” સામેથી અવાજ સંભળાયો.

“ગઈ કાલે પાંચ વાગ્યે વાતાવરણ કેવું હતું?” વિવેકે પૂછ્યું.

હું વિવેક અને સામેવાળો વ્યક્તિ બોલે તે સાંભળી શકતો હતો પણ તેઓ શું વાતચીત કરી રહ્યા છે તે મને સમજાતું નહોતું. તેમની વાતચીતનો એક પણ શબ્દ મને સમજાયો નહી. એક નજરે વિવેકને આ રીતે વાત કરતો જોનારને એમ લાગે કે એ કોઈ પાગલ માણસ હશે કારણ તેની વાતમાં કોઈ સેન્સ નહોતો. પણ મને ખબર હતી કે ભલે મને ન સમજાયુ પણ એની વાતમાં કોઈ સેન્સ જરૂર હતો.

વિવેક અમારા પર કોફીશોપમાં થયેલા હુમલા વિશે વાત કરતો હતો પણ શું વાત કરતો હતો એ સમજાયુ નહી. એક જાદુગર સાથે રહેવામાં સૌથી મુશ્કેલ કામ આ છે. તેનું કામ કે તેના શબ્દો કશું જ સમજાતું નથી.

“વાતાવરણ..? ગઈ કાલે..? એ ડલ પ્રકારનું હતું. એકદમ વાદળ છાયું.” સામે છેડેથી અવાજ સંભળાયો.

“શું એ સામાન્ય કહી શકાય? મેજિક સરકલ પાસે આજે સવાર સુધી એજ વાતાવરણ હોય એ સામાન્ય કહી શકાય?” વિવેકે પૂછ્યું. એણે મેજિક સરકલ હોટલનું નામ લીધું હતું એ સિવાય મને કાઈ ન સમજાયું. નયના હજુ આભી બની તેને વાત કરતો જોતી હતી. તેની મનોદશા પણ મારા જેવી જ હતી. તેને પણ એ એક હોટલ મેજિક સર્કલ સિવાયના અન્ય કોઈ શબ્દો સમજાયા નહોતા.

“નો, નોટ રીયલી.. ખરેખર આજે સવારે ત્યાં તડકો હોવો જોઈએ. ત્યાં વાદળ છાયું વાતાવરણ હોવું સામાન્ય નથી. કદાચ વરસાદ હોય તો પણ એટલું ચોકવા જેવું ન હતું, પણ માત્ર વાદળછાયું વાતાવરણ એ સામાન્ય ન કહી શકાય.”

“શું એ ગરમ ગણી શકાય કે ઠંડુ?” વિવેકે પૂછ્યું. મેં એના એ વિકલ્પી પ્રશ્નો અર્થ સમજવાનો પ્રયાસ કર્યો પણ હું નિષ્ફળ રહ્યો.

“ન ગરમ કે ન ઠંડુ.. એ માત્ર અનકમ્ફરટેબલ કહી શકાય.. મારું એમ માનવું છે.”

“તે શું પહેરેલ છે?” વિવેકે પાગલો જેવા સવાલ કરતો હતો.

“તે ફોન કેમ કર્યો છે? મને કહે?” સામેથી પણ એવો જ સેન્સ વગરનો સવાલ પૂછાયો.

“તે મને મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો.” વિવેકે ફરી એ જ કહ્યું.

“રોજની જેમ વેઈટરના સફેદ કપડા.” સામેથી અવાજ આવ્યો.

“કોટ પહેર્યો છે?” વિવેકે પૂછ્યું.

“ના આજે કોટની જરૂર નથી લાગતી. કદાચ આવતી કાલે ઠંડી હોય તો પહેરવો પડે. તારે તારો કોટ સાથે રાખવો જોઈએ જો આજે સવારે વાદળ છાયું વાતાવરણ હતું તો આવતી કાલે જરૂર ઠંડી હશે. તારે કોટની જરૂર પડશે જ આ મારી વ્યક્તિગત સલાહ છે. તને જવાબ આપવાવાળાનો આ બાબતે કોઈ મેસેજ નથી.”

“તારી પાસે કાર છે?” વિવેકે પૂછ્યું.

“કાર? હા. મારી પાસે છે પણ તે અત્યારે ગેરેજમાં છે. હું બસમાં જ આજે મુસાફરી કરીશ.”

“કેમ બસ?”

“બસ સસ્તી પડે છે એમાં ભાડું પોસાઈ રહે તેવું હોય છે.” સામેથી અવાજ સંભળાયો.

મને ખાતરી હતી કે તેઓ ભાડા વિશે તો વાત નહોતા કરતા કેમકે અમે જે હોટલમાં રાત રોકાયા હતા એનું એક રાતનું ભાડું જ ત્રણ હજાર હતું માટે બસના ભાડાની ચર્ચા અને એ પણ એવા સમયે વિવેક કરે એ માની શકાય તેમ હતું જ નહિ.

“શું હું તારી કાર આવતી કાલે લઇ જઈ શકું? મને પેટ્રોલ ખર્ચ પરવડી શકે તેમ છે?” વિવેકે કહ્યું.

“શા માટે?”

“નાગપુરના એક વાંદરાને મુંબઈની સેર કરવાનો શોખ થયો છે એને ફરવા લઇ જવો છે.” વિવેકે કહ્યું.

“ના, હમણાં નહિ હમણા તું ક્યાંક આરામ કર અને એ વાંદરાને પણ સુવાડી દે એના માટે મુંબઈ યોગ્ય શહેર નથી. એને ફેરવવો હોય તો નાગપુરના જંગલ જ યોગ્ય છે. એ પણ સાંજે આઠ વાગ્યે એને ફરવા લઇ જજે.”

એ વાક્ય સાથે જ ફોન ડીસકનેકટ થઇ ગયો.

“આ શું હતું? તું કોનાથી વાત કરી રહ્યો હતો? શું વાત કરી રહ્યો હતો? એ ગનવાળો માણસ કોણ હતો? એ આપણી પાછળ કેમ હતો? એણે આપણને કઈ રીતે શોધ્યા?” વિવેકે ફોન પોતાના જીન્સ પોકેટમાં સરકાવ્યો એ પહેલા નયનાએ પ્રશ્નનો વરસાદ શરુ કરી નાખ્યો, “અને તે એની બંદૂકને તાસના પાનામાં કઈ રીતે ફેરવી? તારા હાથમાં એની ગન કઈ રીતે આવી ગઈ? શું તું અસલી જાદુ જાણે છે? શું એ માણસ પણ જાદુગર હતો?”

મારી ધારણા સાચી હતી. ટેક્સી ડ્રાઈવરે નયના અને વિવેકને પાગલ સમજ્યા હતા કે પછી મને એવું લાગ્યું. આવા સવાલ સાંભળી સામાન્ય રીતે તો ટેક્સી અર્ધે રસ્તે જ પેસેન્જરને ઉતારી દે. કોઈ લફરામાં કે પોલીસના હાથમાં પડવા માંગે નહિ પણ એ ડ્રાઈવરે તો અમારા ઉપર કોઈ ધ્યાન જ ન આપ્યું. એની મસ્તીમાં ડોક હલાવતો ટેક્સી હંકારતો રહ્યો.

“એ બધું પછી સમજાવું. પહેલા તારા માટે શોપિંગ કરી લઈએ.” વિવેકે કહ્યું.

“તને શોપિંગનો વિચાર આવે છે? તું... તું આવી સ્થિતિમાં પણ આટલો શાંત કઈ રીતે રહી શકે છે?” નયનાએ આંખો પહોળી કરી અને મારી સામે જોયું. મેં ખભા ઉછાળ્યા.

“આવી સ્થિતિ? સ્થિતિ ક્યાં ગંભીર છે જ? જરાક વાદળ છાયું વાતાવરણ હતું તે જ ને? જોયું ને વરસાદ કે ઠંડી કઈ પણ નહોતું.” વિવેકે કહ્યું.

“તું શું કહે છે મને સમજાતું નથી...” નયના હવે પાગલ થઇ જાય એમ હતી. કદાચ હું પણ પાગલ થઇ ગયો હતો.

“મેં વાત કરી લીધી છે ખાસ કોઈ જોખમ જેવું નથી..” પણ વિવેક એટલો જ શાંત રહ્યો.

“તે કોનાથી વાત કરી છે?” નયનાએ ફરી પૂછ્યું. કદાચ નયનાના મગજમાં જેટલી ઝડપથી સવાલો ઉત્પન્ન થતા હતા એટલી ઝડપથી સવાલો પૂછવાની સ્પીડ કોઈ કોમ્પ્યુટરની પણ ન હોઈ શકે. એના સવાલો જ પૂરતા હતા એટલે મને વચ્ચે બોલવું યોગ્ય ન લાગ્યું.

“એ વ્યક્તિથી જે કોફીશોપમાં વેઈટર બની આવ્યો હતો અને મેનુમાં આપણને સાવચેત કરવા લખ્યું હતું કે એ સ્થળ આપણા માટે સલામત નથી..” વિવેકે કહ્યું.

“એ વ્યક્તિએ લખ્યું હતું કે આપણે સલામત નથી અને તમે મને કહ્યું પણ નહિ?” નયનાએ અમારા બંનેના ચહેરા સામે તાકી જરા ગુસ્સે થઈ ઊંચા અવાજે કહ્યું.

“હા, એ સામાન્ય વાત હતી. એ કોફીશોપ માયાની છે અને માયા આપણી રૂમ મેઈડ છે. એની શોપમાં આપણું કોઈ કઈ બગાડી શકે તેમ નહોતું.” વિવેકે કહ્યું.

“તો આપણે ત્યાંથી ભાગ્યા કેમ? અને એ વ્યક્તિએ તારા પર ગન કેમ તાકી? તે એની ગન તારા હાથમાં કઈ રીતે લાવી દીધી?” નયનાએ પહેલા પુછેલા જે પ્રશ્નોના જવાબ એને ન મળ્યા એ પ્રશ્નો ફરી વિવેક સામે ધરી દીધા.

“એ માણસ વધુ લોકોને બોલાવે એ પહેલા આપણું ત્યાંથી નીકળી જવું યોગ્ય હતું માટે આપણે ભાગ્યા અને એ વ્યક્તિએ મારા તરફ ગન તાકી કેમકે એ મને કેદ કરી તેના બોસ પાસે લઇ જવા આવ્યો હતો.” વિવેકે ઊંડો શ્વાસ લીધો, “હવે તારા છેલ્લા પ્રશ્નનો જવાબ એ જરાક ન સમજાય તેવો છે એની ગન મારી પાસે છે જ નહિ. એ એની પાસે જ હતી.” વિવેકે કહ્યું અને એ સાથે જ એના હાથમાં એક તાસનું પાનું દેખાયું, તેણે પાનું તેની અદામાં ફેરવ્યું અને ઉમેર્યું, “બસ મેં નજરબંધીનો ખેલ કર્યો હતો જેથી એને તેની ગન તાસનું પાનું દેખાવા લાગી અને એણે એ ગન ફેકી દીધી.”

“મીન્સ જયારે મેં એના હાથમાં તાસનું પાનું છે એમ સમજી એનાથી ડરવાનું બંધ કરી નાખ્યું ત્યારે પણ એના હાથમાં ગન હતી - રીયલ ગન...?” નયના પાસે એક વધુ સવાલ તૈયાર જ હતો.

“હા, પણ એ એનો ઉપયોગ કરી શકે તેમ ન હતો. એ ગન તેના માટે તાસનું પાનું હતી. એ કોઈ નવો નિશાળીયો હતો એટલે મેં એને જવા દીધો નહિતર એ ટ્રીગર દબાવે તે પહેલા મારું તાસનું પાનું એના ગળા સુધી પહોચી ગયું હોત. હું એને મારવા માંગતો નથી કેમકે હું એને જીવતો છોડી પછી તેને પકડી તેને કોણે મોકલ્યો હતો એ માહિતી કઢાવવા માંગુ છું.” વિવેકે કહ્યું.

“પણ તું એને શોધીશ ક્યાં?” નયનાએ ફરી એક સવાલ કર્યો, તે પ્રશ્નો પૂછવાની મશીન હતી એમ કહીએ તો પણ ચાલે.

“મેં એક વાંદરાને ફરવા લઇ જવાનું કહ્યું હતું ને? એ વેઈટર એ વાંદરાનો પીછો કરશે અને એને પકડી લેશે.” વિવેકે કહ્યું, “બધું ગોઠવાઈ ગયું છે તું ફિકર ન કર. મેઈન માર્કેટ આવવાની તૈયારી છે તારે તારી શોપિંગ પર ધ્યાન આપવું જોઈએ.”

નયના અંતે શાંત થઇ ખરા પણ અમારી મુસાફરી પુર ઝડપે આગળ વધતી. એમાં હજુ સુધી મુખ્ય પાત્રોએ કઈ કર્યું જ ન હતું. વિવેક ગજબ રીતે બધું હેન્ડલ કરતો હતો. કદાચ કોઈ પણ દુશ્મનને એ પહોંચી વળોત પણ અમારું તો નસીબ જ દુશ્મન હતું એને ક્યાં પહોંચી વળાય છે.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky