વન્સ અપોન અ ટાઈમ - 37 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 37

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 37

સમય : ૨૩ ઓગસ્ટ, ૧૯૮૯ની બપોર.

સ્થળ : જુહુની ફાઈવસ્ટાર હોટેલ ‘સન એન્ડ સેન્ડ’.

પાત્રો: રમેશ હેમદેવ ઉર્ફે લલ્લુભાઈ, ફિલ્મ નિર્માતા ગણેશ, બૉલીવુડના ટોચના એક ફિલ્મસ્ટારનો ભાઈ, એક વિવાદાસ્પદ ફિલ્મનિર્માતા, કોન્ટ્રેકટર મારુતિ જાધવ અને દિલીપ નાઈક.

જુહુની ફાઈવસ્ટાર હોટેલ ‘સન એન્ડ સેન્ડ’ ના આલીશાન રેસ્ટોરાંમાં જમતાં જમતાં રમેશ હેમદેવ ઉર્ફે લલ્લુભાઈ આણિ મંડળી ‘બિઝનેસ’ની વાતો કરી રહી છે.

અચાનક ‘સન એન્ડ સેન્ડ’ ના કમ્પાઉડમાં બે કાર ધસી આવે છે. એમાંથી ઊતરીને આઠ જણા શસ્ત્રો સાથે ‘સન એન્ડ સેન્ડ’ ના રેસ્ટોરાંમાં દોડી જાય છે. લલ્લુભાઈ ઉર્ફે રમેશ હેમદેવ અને એમના મિત્રો જ્યાં બેઠા હતા એ ટેબલ તરફ એકે ફોર્ટી સેવન સહિત વિદેશી શસ્ત્રોનાં નાળચાં મંડાય છે. રેસ્ટોરાંમાં દોડધામ મચી જાય છે. અચાનક ગોળીબાર શરુ થાય છે. અને ગણતરીની સેકન્ડ્સમાં કાપડના વેપારી રમેશ હેમદેવ ઉર્ફે લલ્લુભાઈ અને કમલેશ જાધવ છેલ્લા શ્વાસ લે છે. મારુતિ જાધવ અને દિલીપ નાઈકને પણ ગોળીઓ વાગે છે પણ તેઓ બચી જાય છે.

મારુતિ જાધવ હુમલાખોરોમાંથી એકને ઓળખી જાય છે. એ સુભાષસિંહ ઠાકુર હતો. દાઉદ ગેંગનો ટોચનો શાર્પ શૂટર. મારુતિ જાધવ અને સુભાષસિંહ ઠાકુર થાણે જેલમાં એકસાથે મહેમાન હતા. સુભાષસિંહ ઠાકુર ‘કામ પતાવીને’ પોતાની ટોળી સાથે ‘સન એન્ડ સેન્ડ’માંથી રવાના થઈ જાય છે. હત્યારાઓ રવાના થયા પછી ‘સન એન્ડ સેન્ડ’ નો લોબી મૅનેજર જુહુ પોલીસ સ્ટેશનનો નંબર ડાયલ કરીને તતફફ થતાં થતાં પોલીસને માહિતી આપે છે.

***

‘મૈંને અપની આંખો સે સુભાષસિંહ ઠાકુર કો ગોલી ચલાતે હુએ દેખા હૈ. લલ્લુભાઈ કી પપ્પુ કાલાની કે સાથ દુશ્મની થી. કાલાની ને હી લલ્લુભાઈ કો મરવાયા હૈ,’ મારુતિ જાધવ પોલીસ ઓફિસરને નિવેદન આપે છે.

મારુતિ જાધવ અને અન્ય વ્યક્તિઓના નિવેદનોના આધારે મુંબઈ પોલીસ સુભાષસિંહ ઠાકુર સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરે છે. કોર્ટમાં તમામ સાક્ષીઓ ફરી જાય છે. પણ મારુતિ જાધવ મક્કમ છે. ફોન પર મળતી ધમકીઓને એ ગાંઠતો નથી. એક દિવસ જાધવ ઘરેથી કોર્ટમાં જવા નીકળે છે. વચ્ચે એને આંતરવામાં આવે છે. મારુતિ જાધવ એની સામે ઉભેલા માણસોને જોઈને ધ્રૂજી ઉઠે છે. મારુતિ જાધવ ગણતરીની સેકન્ડોમાં લાશ બનીને ઢળી પડે છે.

***

‘ફાઈવ સ્ટાર હોટેલ ‘સન એન્ડ સેન્ડ’ માં ભરબપોરે પપ્પુ કાલાણીના દુશ્મન લલ્લુભાઈને અને એમના મિત્રને ઢાળી દેવાની સાથે બીજા અનેકને ઈજા પહોંચાડનાર સુભાષસિંહ ઠાકુરને મુંબઈની સેશન્સ કોર્ટે એ કેસમાં પછી પુરાવાઓના અભાવે છોડી મુક્યો હતો.’ પૂરક માહિતી આપતાં પપ્પુ ટકલાએ કહ્યું.

થોડી સેકન્ડના પોઝ પછી એણે અંડરવર્લ્ડ કથા આગળ ધપાવી, ‘પપ્પુ કાલાણી દિવસે ને દિવસે દાઉદની નજીક રહ્યો હતો અને ગવળીબંધુઓની દાઉદ સાથેની દુશ્મની વધતી જતી હતી. ગવળીઓને ખતમ કરવા માટે દાઉદ આકાશપાતાળ એક કરી રહ્યો હતો.પણ સમદ, અમીરજાદા કે આલામઝેબની જેમ ગવળીઓ સહેલાઈથી હાથમાં આવે એમ નહોતા, અરુણ ગવળી શિયાળ જેવો ખંધો અને ચાલાક હોવાથી એને સાણસામાં લેવો વધુ મુશ્કેલ હતો. એટલે દાઉદે પહેલાં ગવળીના મોટા ભાઈ કિશોર ઉર્ફે પાપા ગવળી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મહમ્મદ કાલિયાની પત્નીએ પતિના મોતનો બદલો લેવા માટે પાપા ગવળીનો સહારો લીધો હોવાની વાત પણ દાઉદ સુધી પહોંચી ગઈ હતી. દાઉદના દિમાગમાં એક વિચાર ઝબકી ગયો. એણે એના એક માણસને બોલાવીને સૂચના આપી.

***

૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૦ના દિવસે પાપા ગવળી એક એર હોસ્ટેસ સાથે માહિમ વિસ્તારમાં એક ડેન્ટિસ્ટને મળવા ગયો ત્યારે દાઉદના ફોનની ઘંટડી રણકી ઉઠી હતી. પાપા ગવળી, એર હોસ્ટેસ શોભા શિંદે સાથે ઊભો હતો ત્યારે ચાર શૂટર ત્યાં ઘસી આવ્યા. એમણે પાપા ગવળીને ગોળીએ દઈ દીધો. પાપા ગવળીએ છેલ્લા શ્વાસ લેતી વખતે એર હોસ્ટેસ શોભા શિંદેના ચહેરા પર નજર નાખી હતી. તેના ચહેરા પર સ્મિત જોઈને એને આખો મામલો સમજાઈ ગયો હતો. પણ ત્યાં સુધીમાં ઘણું થોડું મોડું થઈ ગયું હતું!

પાપા ગવળીને ખતમ કરીને દાઉદના શૂટરો કારમાં ગોઠવાયા ત્યારે બરાબર નવ વર્ષ અગાઉ બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું હતું. નવ વર્ષ અગાઉ પ્રભાદેવી પેટ્રોલ પંપ સામે અમીરજાદા અને આલમઝેબે દાઉદ ઈબ્રાહિમના ભાઈ શબ્બીરની હત્યા કરી હતી ત્યારે શબ્બીર જેને પ્રેમિકા માની બેઠો હતો એ યુવતી નંદા ઉર્ફે ચિત્રા અમીરજાદાની સાથે કારમાં બેસીને એની સાથે નાસી છૂટી હતી. એ જ રીતે પાપા ગવળીની હત્યા પછી એર હોસ્ટેસ શોભા શિંદે દાઉદના શૂટરો સાથે કારમાં બેસીને રફુચક્કર થઇ ગઈ હતી!’

પપ્પુ ટકલાની આંખો હવે ઘેરાતી હતી. ‘અત્યારે આપણે છૂટા પડીએ. કાલે મારે દુબઈ જવા રવાના થવાનું છે. આપણે નવી મુલાકાતમાં અંડરવર્લ્ડ કથા આગળ ધપાવશું.’ એણે ક્યું, ટકલાની વાત સાથે સંમત થયા. ફરી વાર શક્ય એટલા વહેલા મળવાનું પ્રોમિસ આપીને પપ્પુ ટકલાએ અમને વિદાય કર્યા. ઓફિસર મિત્ર સાથે અમે એમની કારમાં મરીન ડ્રાઈવ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એમનાથી અનાયાસે બોલાઈ ગયું, ‘આ માણસે (પપ્પુ ટકલાએ) ફરી જાકુબીના ધંધા ચાલુ કર્યા લાગે છે.’ એમનો ઈશારો પપ્પુ ટકલાની દુબઈયાત્રા તરફ હતો.

***

અઠવાડિયા પછી ફરી વાર પપ્પુ ટકલા સાથે અમારી મુલાકાત ગોઠવાઈ. રાબેતા મુજબ ફાઈવ ફાઈવ ફાઈવ અને બ્લેક લેબલના સથવારે અંડરવર્લ્ડ કથા આગળ ધપાવી.

‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ એણે અમને પૂછ્યું પછી એની સ્ટાઈલ પ્રમાણે અમારો જવાબ સાભળ્યા વિના જ વાતનો દોર સાધી દીધો, ‘પાપા ગવળીની હત્યાથી અરુણ ગવળી હચમચી ગયો હતો. પણ એણે ઝડપથી સ્વસ્થતા મેળવીને પોતાની ‘પ્રવૃત્તિઓ’ ચાલુ કરી દીધી હતી. પાપા ગવળીની હત્યા થઇ એ દરમિયાન ગવળીને પણ બે મોરચા સંભાળવાનો વારો આવ્યો હતો. દાઉદને હંફાવવા માટે અરુણ ગવળીએ અમર નાઈક સાથે હાથ મિલાવ્યા પણ નાઈક સાથે ગવળીની દોસ્તી લાંબો સમય ટકી નહીં. બંને મહત્વાકાંક્ષી ગેંગલીડર હતા. નાઈક અને ગવળી વધુ ને વધુ સુપારી લેવાની અને ખંડણી ઊઘરાવવાની લાહ્યમાં દુશ્મન બની ગયા. ગવળી ગેંગ ઈચ્છતી હતી કે નાઈક ગેંગ એના નક્કી કરેલા વિસ્તારમાંથી ખંડણી ન ઊઘરાવે અને નાઈક ગેંગને એ સામે વાંધો હતો કે ગવળી ગેંગ એમના વિસ્તારમાંથી ખંડણી ઊઘરાવવા માંડી હતી. અરુણ ગવળી અને અમર નાઈક વચ્ચે ‘સિનિયોરિટી’ નો પ્રોબ્લેમ પણ ઉભો થયો. બંને ગેંગ વચ્ચે સંબંધ વણસી ગયા અને એકબીજાની ગેંગ તોડવાના કાવાદાવા શરુ થઇ ગયા. ગવળી ગેંગના કેટલાક ગુંડાને અમર નાઈકે પોતાની ગેંગમાં ખેંચી લીધા, તો અરુણ ગવળીએ અમર નાઈક ગેંગના ઘણા ગુંડાઓને પોતાની ગેંગમાં ભરતી કરવા માંડ્યા. સાથે એકબીજી ગેંગના ગુંડાઓને પોલીસના હાથમાં પકડાવી દેવાની રમત પણ ગવળી અને અમર નાઈક ગેંગ વચ્ચે શરુ થઇ ગઈ. અહીં સુધી તો બહુ વાંધો ન આવ્યો, પણ એ પછી એક એવી ઘટના બની કે જેના કારણે અમર નાઈકનું માથું ફરી ગયું. ગવળીએ એક એવું પગલું ભર્યું કે એના કારણે અમર નાઈક સળગી ઉઠ્યો. અને એ પછી મુંબઈમાં નવેસરથી ગૅન્ગવોર ફાટી નીકળી અને અનેક માણસો કમોતે માર્યા ગયા!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 1 અઠવાડિયા પહેલા

Nimisha Patel

Nimisha Patel 10 માસ પહેલા

Anil Devani

Anil Devani 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Bhavesh Soni

Bhavesh Soni 3 વર્ષ પહેલા