વન્સ અપોન અ ટાઈમ - 36 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 36

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 36

ધોળકિયાની ચેમ્બરમાં જઈને ધોળકિયાના ખભે હાથ મૂકીને એને દોસ્તની જેમ બહાર લઈ જનારા ચાર યુવાનો શાર્પ શૂટર્સ હતા!

અરવિંદ ધોળકિયા દાઉદના મહત્ત્વના સાથીદાર સતીશ રાજેની હત્યા પછી થોડો નિશ્ચિત બન્યો હતો. રાજેની હત્યાને કારણે દાઉદને મોટો ફટકો પડ્યો હતો. એટલે દાઉદ તત્કાળ તો શાંત બેસી રહેશે એવી ગણતરી ધોળકિયાએ માંડી હતી.

જો કે ધોળકિયાના કમનસીબે એની ગણતરી ખોટી પડી હતી. સતીશ રાજેની હત્યાને એક અઠવાડિયું વીત્યું હતું ત્યાં અરવિંદ ધોળકિયાની કુખ્યાત ‘સીઝર્સ પેલેસ’ હોટેલમાં ચાર શૂટર્સ ઘૂસી ગયા. તેઓ ધોળકિયાને તેના સ્ટાફની સામે એ રીતે બહાર લઈ ગયા કે તેઓ જાણે ધોળકિયાના ખાસ દોસ્તો હોય.

તેમણે ધોળકિયાને ‘સીઝર્સ પેલેસ’ની બહાર લઈ જઈને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર કરી દીધો. ધોળકિયાને ગોળીએ દઈ એ શૂટર્સ રફુચક્કર થઇ ગયા. અરવિંદ ધોળકિયાની હત્યા સાથે દાઉદનો વધુ એક દુશ્મન ઓછો થયો.

***

‘પોલીસ સબ ઈન્સ્પેક્ટર રાજન કાટદરેએ રમા નાઈકને માર્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે, પણ સાચી વાત જુદી જ છે. દાઉદ ઈબ્રાહીમના કહેવાથી રાજન કાટદરેએ પોતાની સર્વિસ રિવોલ્વર છોટા રાજન ગેંગના ડેની નેપાલીને આપી હતી અને એ ડેની નેપાલીએ રમા નાઈકને ગોળી મારી હતી. ત્યાર બાદ રમા નાઈકની હત્યાને નકલી એન્કાઉન્ટરમાં ગણાવી દેવાઈ હતી. એટલે આ મામલાની ઊંડી તપાસ માટે કોર્ટે આદેશ આપે એવી અમારી વિનંતી છે...’

મુંબઈ હાઈ કોર્ટમાં આવી એફિડેવીટ ફાઈલ કરીને રમા નાઈકના સાથીદારોએ ‘ન્યાય’ માટે ધા નાખી. એ એફિડેવીટથી પીએસઈ રાજન કાટદરેની સાથે મુંબઈના ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ ઊંઘ હરામ થઈ ગઈ. રમા નાઈકની હત્યાને મુદ્દે મુંબઈ પોલીસને ભીડાવવાનું આ તિકડમ અરુણ ગવળીએ ચલાવ્યું હોવાની ખાતરી મુંબઈના ઉચ્ચ પોલીસ અધિકારીઓને થઈ ગઈ. એ એફિડેવિટ સાથે અરુણ ગવળીએ મુંબઈ પોલીસ સામે ખુલ્લંખુલ્લા દુશ્મની વહોરી લીધી (જો કે પાછળથી આ આક્ષેપો કોર્ટમાં ટકી શક્યા નહોતા).

અવળી ગેંગની આડોડાઈભરી હિંમતથી મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અકળાઈ ગયા હતા. ‘ચોર કોટવાળને દંડે’ એ કહેવત ગવળી બંધુઓ સાર્થક કરી રહ્યા હતા. અરુણ ગવળીએ રમા નાઈકની સળગતી ચિતા સામે દાઉદ ગેંગનું નામોનિશાન મિટાવી દેવાના સોગંદ ખાધા હતા, પણ દાઉદની સાથે સાથે એણે મુંબઈ પોલીસ સામે પણ મોરચો માંડી દીધો હતો. ગવળીનું નેટવર્ક દિન-પ્રતિદિન વિસ્તરી રહ્યું હતું. મુંબઈના પોલીસ અધિકારીઓ ગવળી પર રોષે ભરાયા હતા પણ ગવળીને પાઠ ભણાવવા માટે કોઈ નક્કર પુરાવા મુંબઈ પોલીસના હાથમાં આવતા નહોતા.

મુંબઈ પોલીસ અને ગવળી વચ્ચે ગવળીના સલાહકાર વકીલો આવી જતા હતા અને મુંબઈ પોલીસ ગવળીને હાથ પણ લગાડ્યા વિના, મજબૂર બનીને ચૂપચાપ ગવળીનો ખેલ જોઈ રહેવા સિવાય કંઈ કરી શકતી નહોતી. પણ ૧૯૯૮ની ત્રીજી માર્ચે ગવળી મુંબઈ પોલીસની ઝપટમાં આવ્યો હતો. મુંબઈના એડીશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) આફતાબ અહમદ ખાનને માહિતી મળી કે ગવળીના અડ્ડા સમી દગડી ચાલમાં શસ્ત્રોનો જથ્થો આવ્યો છે. આફતાબ અહમદ ખાન પોલીસ ટીમ સાથે દગડી ચાલમાં ત્રાટકયા.

ભાયખલાની દગડી ચાલમાં વર્ષો સુધી પોલીસે પગ મુક્યો નહોતો. અઢીસો કુટુંબોની વસ્તીવાળા દગડી ચાલના રહેવાસીઓએ પોલીસ ટીમને ચાલમાં પ્રવેશતા અટકાવવાની કોશિશ કરી, પણ ખાનની ટીમ રહેવાસીઓના વિરોધને અવગણીને દગડી ચાલમાં ધસી ગઈ હતી. આ દરોડા દરમિયાન પોલીસને સ્ટેનગન સહિત ઘાતક શસ્ત્રો મળી આવ્યા.

મુંબઈ પોલીસને દગડી ચાલમાંથી શસ્ત્રો તો મળ્યા પણ અરુણ ગવળી ચાલમાં ક્યાંય દેખાયો નહીં. પોલીસ અધિકારીઓ અરુણ ગવળીને શોધવા વળગ્યા. પોલીસ અધિકારીઓના આશ્ચર્ય વચ્ચે અરુણ ગવળી પલંગ નીચેથી મળી આવ્યો!

***

અરુણ ગવળી મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો ત્યારે બીજી બાજુ એનો ભાઈ કિશોર ઉર્ફે પાપા ગવળી એક સુંદર યુવતીના મોહપાશમાં જકડાઈ રહ્યો હતો. એ યુવતીને દાઉદ ઈબ્રાહીમ સામે બદલો લેવો હતો. દાઉદે એની જિંદગી નરક જેવી બનાવી દીધી હતી. એવું એ માનતી હતી અને કિશોર ગવળીની મદદથી દાઉદ સામે બદલો લેવા માટે જે યુવતી સપના જોઈ રહી હતી એનું નામ સપના હતું. જોકે સપનાનું સાચું નામ અશરફબી હતું. સપના ઉર્ફે અશરફબી મહમ્મદ કાલિયાની પત્ની હતી. સપનાએ કિશોર ગવળીની મદદથી દાઉદ ઈબ્રાહીમ સામે બદલો લેવાનું સપનું સેવ્યું હતું. પણ એને ખબર નહોતી કે એના પતિ મહમ્મદ કાલિયાના કમોત પછી હવે એનો પ્રેમી કિશોર ગવળી પણ થોડા સમયનો મહેમાન છે!

અરુણ ગવળીના મુખ્ય અડ્ડા સમી દગડી ચાલમાં મુંબઈ પોલીસે દરોડો પાડીને શસ્ત્રો જપ્ત કર્યા એ પછી ગવળી અને દાઉદ વચ્ચેની દુશ્મનીએ કાચાપોચાને ધ્રુજાવી દે એવું લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગવળી દ્રઢપણે માનતો હતો કે દાઉદના ઈશારે જ મુંબઈ પોલીસે દગડી ચાલને ધમરોળી નાખી હતી. રોષે ભરાયેલા ગવળી બંધુઓએ મુંબઈના દાઉદના એક-એક સમર્થકને ગોળીએ દેવાનો આદેશ ગેંગના શાર્પશૂટર્સને આપ્યો. ૧૯૮૯ની શરૂઆતમાં ગવળી ગેંગ દ્વારા લોનાવલામાં દાઉદના સમર્થકોનું લીસ્ટ બનાવવામાં આવ્યું હતું. એ લિસ્ટ ૧૯૮૯ના અંત સુધીમાં બહુ ટૂંકું થઇ ગયું હતું. એમાંય ૧૯૮૯ના ડિસેમ્બર મહિનામાં તો ગવળી ગેંગના શૂટરોએ દાઉદ ગેંગમાં રીતસરનો આતંક મચાવી દીધો. ૧૯૮૯ના છેલ્લા ત્રણ અઠવાડિયામાં ગવળીબંધુઓએ દાઉદ ગેંગના મજબૂત આર્થિક સ્તંભ સમા જયંતી છેડા, જયંતા શેટ્ટી અને મહેન્દ્ર ચોરડિયાને મારી નાખ્યા. કચ્છી માડુ જયંતી છેડા ખમતીધર હોટેલિયર હતો, જયંતા શેટ્ટી મટકા કિંગ તરીકે પંકાઈ રહ્યો હતો અને મહેન્દ્ર ચોરડિયા હવાલા કિંગ ગણાતો હતો. ગવળીના શૂટર્સે ડિસેમ્બર, ૧૯૮૯માં આ ત્રણેયને અવ્વલ મંઝીલે પહોંચાડી દીધા. એથી દાઉદ ગેંગને ભારે ફટકો પડ્યો હતો. અકળાયેલા દાઉદે ગવળી બંધુઓનો કાયમ માટે કાંટો કાઢી દેવા આદેશ આપ્યો.

મુમ્બૈયા અંડરવર્લ્ડની કથા કહેતાં-કહેતાં અટકીને નવી ફાઈવફાઈવફાઈવ સળગાવ્યા પછી પપ્પુ ટકલાએ અમારી સામે જોઈને કહ્યું, ‘મુમ્બૈયા અંડરવર્લ્ડની કથા અરેબિયન નાઈટ્સને પણ ટક્કર મારે એવી છે. મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોરની સાથે સાથે બીજી એટલી પેટા ઘટનાઓ છે કે લખવા ધારો તો ઓછામાં ઓછા બે હજાર હપ્તા સુધી તમે આ સિરિઝ ચલાવી શકો. મુમ્બૈયા અંડરવર્લ્ડની ગૅન્ગવોરના છેડા ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત બીજા અનેક રાજ્યોમાં તો નીકળ્યા જ છે પણ, 1990 પછી તો મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોરના તાણાવાણા નેપાળ, દુબઈ, મલેશિયા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશો સુધી પહોંચ્યા હતા. મુમ્બૈયા અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા મહાઠગ રોમેશ શર્મા કે નેપાળના ભૂતપૂર્વ પ્રધાન મિરઝા બેગ કે ઈંગ્લેન્ડમાં રહેતા ડ્રગ સ્મગલર ઇકબાલ મિર્ચી જેવા નમૂનાઓની દાસ્તાન માંડીએ તો એ બધાની અલગ -અલગ સિરિઝ બની શકે, પણ આપણે તો અહીં મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોરની મેઈન ટ્રેક પર જ વાત માંડી છે એટલે એ બધા વિશે જરૂરી હશે ત્યાં જ ઉલ્લેખ કરશું, પરંતુ આવા નમૂનાઓમાં એક નંગ એવો છે કે એના વિના મુમ્બૈયા અંડરવર્લ્ડની કથા અધૂરી રહી જાય. એનું નામ છે પપ્પુ કાલાણી. પપ્પુ મુંબઈના કુખ્યાત ઉપનગર ઉલ્હાસનગરનો રાજકારણી છે. એ મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી જેલમાં બેઠા બેઠા જ લડ્યો હતો અને આસાનીથી જીતી ગયો હતો. પપ્પુ કાલાણી અગાઉ ઉલ્હાસનગર મ્યુનિસિપલ કાઉન્સિલનો અધ્યક્ષ રહી ચૂક્યો છે. (હવે જોકે ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બની ગયું છે.) ભાઈ ઠાકુર, છોટા રાજન, શરદ શેટ્ટીની જેમ પપ્પુ કાલાણી પણ એંસીના દાયકાના અંત ભાગમાં દાઉદનો ખાસ માણસ બની ગયો હતો. ઉલ્હાસનગરમાં પપ્પુ કાલાણીના નામની ફેં ફાટતી હતી. કાલાણી દાઉદને ઉપયોગી થવા માંડ્યો હતો અને દાઉદ કાલાણીને.’

પપ્પુ કાલાણીની કરમકુંડળી ખોલતાં પપ્પુ ટકલાએ ઉમેર્યું, ‘દાઉદ ઈબ્રાહિમે જાહેરમાં હત્યા કરાવવાનો રસ્તો અપનાવ્યો હતો તો કાલાણીએ ઉલ્હાસનગરમાં દાઉદથી પણ એક ડગલું આગળ ચાલીને ઘાતકી રીતે હત્યાઓ કરાવી હતી. કાલાણી ટાડા હેઠળ જેલમાં હતો ત્યારે કાલાણીને જેલમાં તમામ સુવિધાઓ મળતી હતી. જેલમાં પપ્પુ કાલાણી પાસેથી મોબાઈલ ફોન અને રોકડા હજારો રૂપિયા સહિત અનેક ચીજવસ્તુઓ મળી આવી હતી. પપ્પુ કાલાણી વિશે આટલી માહિતી આપ્યા પછી ટકલાએ ઉમેર્યું, ‘પપ્પુ કાલાણી ભારે આક્રમક બનીને દુશ્મનોને ખતમ કરતો હતો. એની આક્રમકતાનો એક કિસ્સો તમને કહું છુ.’ પપ્પુ ટકલાના દિમાગ પર ફરી એક વાર કોઈ ફિલ્મ રાઈટરનું ભૂત સવાર થયું અને બ્લેક લેબલનો ઘૂંટ ભરીને એણે બોલવાનું શરૂ કર્યું.

(ક્રમશ:)