મન મોહના - ૨ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૨


વિમાન હવે સ્થિર ગતિએ આગળ વધી રહ્યું હતું. એરહોસ્ટેસે આવીને મનને કોફી કે કોઈ પીણા વિષે પૂછેલું. મને વિનયપૂર્વક ‘ના’ કહ્યું. હાલ એને ભૂતકાળ વાગોળવામાં અનહદ આંનદ આવી રહ્યો હતો અને ભારતમાં, એના ગામ પહોંચતા પહેલાં એ બધીજ જૂની યાદોને ફરીથી જોઈ રહ્યો હતો. એનI ઉપર એનો વશ પણ ક્યાં હતો! જેને ભૂલવા મથતા હોઈએ એ જ વારે વારે યાદ નથી કરતાં... ભૂલી જવું છે એમ કરીને! 
એ ફરીથી એની શાળાના દિવસોમાં પહોંચી ગયો. ક્લાસરૂમનું દ્રશ્ય છે. મન અને ભરત પીરીયડ બદલાતા અંદર જાય છે. નવા આવેલા સાહેબ કંઇક ભણાવતા હોય છે પણ, આપણા મનનું મન તો એનાથી બે બેંચ આગળ બેઠેલી, મોડી આવેલી છોકરી તરફ જ હતું...

“જો આ જ સાહેબ વિજ્ઞાન ભણાવશે તો હું દસમામાં સાયન્સ નઈ લઉં... કંઈ ભણાવતાં જ આવડતું નથી. નાપાસ થાઉં તો મારા બાપા તો મને જ ધીબેડે વગર વાંકે! આને કોઈ કંઈ ના કહે.” ભરતે હળવેથી ફુસફુસાઈને કહ્યું હતું.

“હમમ...” મને જવાબ તો આપ્યો પણ કંઈ સાંભળ્યા વગર. એના મનમાં તો હજી પેલું મીઠું, “સોરી” જ ગુંજી રહ્યું હતું, જે પેલી રૂપાળી છોકરી કહી ગયેલી.

એ આખો દિવસ એમ જ ગયેલો. સાડા બાર વાગે નિશાળ છૂટી અને  બધા બહાર નીકળ્યા. જતાં જતાં ભરતે નિમેશને એક હાથની મુઠ્ઠી વાળી બતાવી અને બહાર આવ તારી વાત છે, એવો ઇશારો કર્યો. બધાનું ઘર શાળાની નજીકમાં જ હતું અને બધા રોજ ચાલતા જ આવતા જતા. મન અને ભરત સાથે ચાલી રહ્યા હતા.. ત્યાં ભરતની નજર આગળ આવેલી પાનની દુકાનેથી કંઇક ખરીદીને નીકળતા નિમેશ ઉપર પડી. એણે ત્યાં ઊભા ઊભા જ બૂમ પાડી,

“એ...નીમલા..ઉભોરે જે...આજે તારી જીભડી ના ખેંચી લઉં તો હું ભરત ઠાકોર નહિ. મન તું મારું દફતર લઈ આવ હું પેલાને પકડું છું.” ભરતે એનું દફતર મન સામે ફેંકી દોટ મૂકી.

ભરતને આવતો જોઈને નિમેશ મુઠ્ઠીઓ વાળીને ભાગેલો. એની પાછળ ભરતે હળી કાઢેલી...

નિમેશ ભાગતા ભાગતા પાછળ ફરીને કહેતો હતો, “મારો પિંછો છોડીદે ભરતા... હું તારી પકડમાં નઈ આવું.” 

ભરતે થોડી દોડવાની ઝડપ વધારેલી, “આજે તને માર્યા વગર તો નઈ જ મેલું.”

નિમેશ ભાગતા.. ભાગતા, પાછળ ફરીને કહી રહ્યો, “કાલે ટીચરને તારું નામ કઈ દઈશ. જાડિયા...થાકી જયે તો તને એટેક આવશે અને મરી જયે..ઊભો રઇ.. જા...!” હકીકતે નિમેશ થાકી ગયેલો. એનાથી આગળ ભગાય એવું ન હતું. એને પેટમાં એક બાજુ પાંસળીઓની નીચે દુઃખી રહ્યું હતું અને એની ગતિ થોડી ધીમી પડી ગયેલી.

“આઇ જા બચું..” ભરતે એનો પંજો નિમેશના ખભા પર મૂકી દીધો અને એને ઊભો રાખ્યો, “ક્લાસમાં બૌ હોંશિયારી મારતો’તો! હવે બોલ!”  ભરતે નિમેશનો એક હાથ મચકોડી પિંઠ પાછળ લઈ જઈ વાળીને કહ્યું.

નિમેશના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ, “અલ્યા મારો હાથ ભાગી જશે, છોડ...છોડ...હું તારો ભાઈ થઉં એ ના ભૂલ. ઘરે આવીને મોટા બાપાને કહી દઈશ.”

ભરતે નીમેશના હાથ પર જરાક વધારે જોર લગાવીને કહ્યું, “ચાડિયણ ચચ્ચૂ તને બીજું આવડે છે શું? એ.. મન માર આને. લગાવ બે હાથ.”

મન પણ હવે બે દફતર સાથે ત્યાં પહોંચી ગયેલો, આ બધું જોઇને એ થોડો ગભરાઈ ગયેલો, “ભરત છોડીદે એને કોઈ જોઈ જશે તો!”
“કોઈ કાકોય જોતો નથી. તું જલદી કર. એના પેટમાં બે મુક્કા મારી દે!”
 “બચાઓ...બચાઓ...આ લોકો મારું ખુન કરી રહ્યા છે...!” બચવાનો બીજો કોઈ રસ્તો ના દેખાતા નિમેશે નવું નાટક ચાલુ કર્યું. એના મોઢામાં ભરેલી લાલ રંગની ગોળીનો રંગ એના હોઠ પર આવી ગયેલા થુંક સાથે મળીને હોઠની નીચે સુધી રેલાઈ ગયો હતો. 

“જો મન મેં પેલ્લાજ કીધેલું કે આજે આને મારવો છે ત્યારે તે જ ઓકે કીધેલું. ચલ માર હવે..” મનને ઢીલો પડેલો જોઇને ભરતે એનો પાનો ચઢાવતા કહ્યું.

મનની એ વખતે જરાય ઈચ્છા ન હોવા છતાં એણે ભાઈબંધી ખાતર નિમેશના પેટમાં એક હળવો મુક્કો માર્યો. નિમેશને જેટલું વાગ્યું એના કરતા ડબ્બલ વધારે અવાજે એ ચીલ્લાયો... બરોબર એ જ વખતે ત્યાંથી એક લાંબી સફેદ ગાડી પસાર થઈ રહી હતી એ ઊભી રહી ગઈ. એનો દરવાજો ખૂલ્યો અને એમાંથી મોહના બહાર આવી.

મોહના તો આ દ્રશ્ય જોતા જ છળી મરેલી અને ચિલ્લાવા લાગેલી, “છોડીદો એને.. શરમ નથી આવતી? એક એકલાને બે જણા ભેગા થઈ મારી રહ્યા છો. એ બિચારો કેટલો પાતળો છે...અરે...એના મોઢામાંથી તો લોહી નીકળી રહ્યું છે! કેપ્ટન અંકલ તમે જુઓને..!”

ભરતે નિમેશનો હાથ છોડી મનને ઈશારો કરેલો ભાગી જવાનો પણ મન.. એતો સામે ઉભેલી મોહનાને જોઈને પાછો ખોવાઈ ગયેલો. મનના મનમાં તો એ વખતે ગીત ચાલી રહ્યું હતું,

“સોલા બરસકી... સોલા બરસકી બાલી ઉંમર કો સલામ, પ્યાર તેરી પહેલી નજર કો સલામ..સલામ...પ્યાર તેરી પહેલી નજર કો સલામ..”

કેપ્ટન અંકલ જે મોહનાને સ્કૂલેથી ઘરે લઈ જવા આવેલા એ આર્મીના કર્મચારી હતા. મોહનાના પિતા આર્મીમાં મોટા ઑફિસર હતા અને એમને સરકાર તરફથી જ એમના ફેમિલી માટે ડ્રાયવર મળેલો હતો જેનું નામ તો અશોક હતું પણ મોહના લાડથી કેપ્ટન અંકલ કહેતી. એમણે  નિમેશને તપાસ્યો અને મન, ભરતને ખખડાવ્યાં! 

“આ બધા છોકરા મારા ક્લાસમાં જ ભણે છે. આ નિમેશ છે અને આ બે જણાનું નામ ખબર નથી. નિમેશ તને બહું દુઃખે છે?”મોહનાએ પોતાનો રૂમાલ નિમેશને આપ્યો અને હોઠ લૂછવા ઈશારો કર્યો.

નિમેશ રડમસ મોઢું કરીને બોલેલો, “થેંક યું મોહના!” એ સહેજ લંગડાઈને ચાલતો બે ડગલાં ખસીને એનું નીચે પડેલું દફતર ઉઠાવી ઊભો રહેલો.

મોહના એની લંગડાતી ચાલ જોઇને દ્રવી ઉઠેલી, “પગે વાગ્યું છે તને? એક કામ કર ગાડીમાં બેસી જા. તને તારા ઘરે ઉતારી દઈશું, હેને કેપ્ટન અંકલ!”

કેપ્ટન અંકલ, જે મોહનાનો ડ્રાઈવર હતો એણે કહ્યું,  “જી મોહના બેબી. એય તું આગળ બેઠ.” 

પાછળની સીટ પર મોહના અને આગળ નિમેશ સરખું ચાલતો જઈ બેસી ગયો. અંદર જઈને એણે ભરત સામે નજર મિલાવી અને સહેજ હસ્યો!

ભરતને બરોબરની ખીજ ચઢેલી, “આ ચાંપલો નાટક કરે છે જો કેવો દોડતો જઈને ગાડીમાં બેસી ગયો”.

કેપ્ટન અંકલ સહેજ હસીને બોલ્યા હતા, “એના મોઢામાંથી લોહી નહિ પણ કોઈ ગોળીનો કલર નીકળી રહ્યો છે..! તમને બેયને એ ઉલ્લુ બનાવી હવે ગાડીમાં ઘેર જશે.” કેપ્ટન ગાડીમાં બેઠા અને ગાડી ચલાવી મારી.

ભરતે હવે મન સામે જોયેલું, “તું યે શું ઊભો રહી ગયેલો. મેં કહ્યું કે ભાગી જઈએ તોય જાણે કંઈ સાંભળતો જ ના હોય એમ પેલી ભૂરીની સામે ને સામે શું જોઈ રહેલો?”
“એનું નામ મોહના છે. મોહના...કેટલું સુંદર છે, નહિ?” મન કોઈક બીજી દુનિયામાંથી બોલતો હતો.

ભરતને પાછી ખીજ ચઢી, “નામ અને નામવાળી બંને સુંદર છે તો? આપણા બાપાના કેટલા ટકા? કાલે એ ભૂરી ટીચર પાસે આપણી કંપલેન કરશે અને નીમલો જોજે કેવા કેવા ધતિંગ કરે છે... એક મુક્કો પેટમાં માર્યો હોત બરોબરનો તોય આટલો અફસોસ ના થાત.”
મનને આ બધું હવે યાદ આવી રહ્યું હતું એ વખતે તો એ ફક્ત કાનમાંથી પસાર થઈ ગયેલું, મનમાં તો બસ એક જ ધૂન ચાલુ હતી, મોહના...! મોહના..! 

મન મોહનાનું રટણ કરતો કરતો ચાલવા લાગ્યો..