“લગ્નજીવનને મીઠું મધુરું બનાવવાની રેસિપી”
ઘણા લોકોના લગ્નજીવનમાં અમુક વર્ષો પછી ગળપણ ઓછું થઇ જતું હોય છે. તો ઘણા એવા વ્યક્તિઓ પણ છે કે જેમણે લગ્નજીવનની મીઠાશ ક્યારેય ચાખી પણ નથી. આવા લોકોનું લગ્નજીવન સાથે જીવનના અન્ય હિસ્સાઓ પણ શુષ્ક અને મોળા પડી જતા હોય છે. આ વ્યક્તિઓને જરૂર હોય છે કે સારા કંદોઈની જે તેમનો માર્ગદર્શક બની અને તેમના લગ્નજીવનમાં મીઠાશ ભરી દે. ચાસણી આ જ વાતને લઈને આપણી સમક્ષ આવી છે.
ચાસણી
કલાકારો: મનોજ જોશી, દિવ્યાંગ ઠક્કર, સેજલ શાહ, માયરા દોશી, આશિષ ભટ્ટ અને ઓજસ રાવલ
નિર્માતાઓ: મુન્ના શુકુલ, શિખા શર્મા અને જયેશ પટેલ
નિર્દેશક: અભિન્ન - મંથન
રન ટાઈમ: ૧૪૨ મિનીટ્સ
સુરતમાં ઘરેણાનો બહુ મોટો શો રૂમ ધરાવતા રમણીકભાઈ વાસંતીને પરણ્યા છે. આ બંનેના લગ્નને લગભગ ૨૫ વર્ષ થવા આવ્યા છે. રમણીકભાઈ એવું માને છે કે પુરુષ ખુબ બધું કમાય અને પત્નીને જુદીજુદી વસ્તુઓ ખરીદી આપે એટલે પત્ની આપોઆપ ખુશ જ થઇ જાય. રમણીકભાઈ માટે પત્નીને પ્રેમ કરવો એ બાલીશતા કહેવાય અને પતિ જોઈતી વસ્તુ પત્નીને લાવી આપે પછી એની ચોઈસ શું કરવા હોવી જોઈએ? પત્ની પતિની સેવા માટે તેની આજ્ઞા માનવા માટે હોય છે નહીં કે તેની સાથે સમય ગાળવા કે તેની લાગણીઓ સમજવા એવું રમણીકભાઈ ચોક્કસપણે માને છે.
આવા રમણીકભાઈને રાહુલ નામનો એક યુવાન તેમની રોજની મોર્નિંગ વોક દરમ્યાન મળે છે. રાહુલની વાત કે જો પત્ની પતિને કોઈ ફરિયાદ નથી કરતી તો એ પતિનો મોટો પ્રોબ્લેમ છે એ રમણીકભાઈને તે રાત્રે ઊંઘવા નથી દેતી. રાહુલની પણ શ્રેયા નામની એક છોકરી સાથે જોડાયેલી પોતાની પ્રેમકથા છે પરંતુ તેનો અધુરો અંત દુઃખી છે. તેમ છતાં રમણીકભાઈ તેને પોતાનો લવગુરુ બનાવે છે અને પત્ની વાસંતીને ખુશ કેમ કરવી તેની ટિપ્સ લે છે.
જો કે રમણીકભાઈનો અંતિમ હેતુ વાસંતી તેમને જ્યારે એમ કહે કે તે રમણીકભાઈથી ખુબ ખુશ છે તે હોય છે. આ માટે તે રાહુલની મદદ લેતા જાય છે. સમય જતાં મોટી ઉંમરના રમણીકભાઈ અને એકદમ યુવાન એવો રાહુલ અંતરંગ મિત્રો બની જાય છે. રમણીકભાઈ પણ પોતાના યુવાન મિત્ર રાહુલની અધુરી પ્રેમકથા પૂરી કરી આપવાનું બીડું ઉઠાવે છે અને પછી સર્જાય છે આશ્ચર્ય!!
રિવ્યુ
ફિલ્મની શરૂઆતમાં લગભગ બે ત્રણ છેડેથી વાર્તા શરુ થાય છે અને લગભગ અડધા કલાક પછી ધીમેધીમે આ છેડાઓ એકબીજામાં પરોવાઈ જાય છે અને પછી સતત આખી ફિલ્મ સુધી તે વાર્તાને જકડી રાખે છે. ગુજરાતી ફિલ્મો એટલેકે આજકાલ જેને ન્યુ એજ અથવાતો ‘અર્બન’ ગુજરાતી ફિલ્મો કહેવામાં આવે છે તે કાં તો સરસ હોય છે અને કાં તો ખરાબ હોય છે. ચાસણીની વાત કરીએ તો એ સારી ફિલ્મ છે. જેમ શરૂઆતમાં કહ્યું તેમ ફિલ્મ ચાલુ થાય ત્યારે લશ્કર ક્યાં લડે છે અથવાતો આગળ જતાં ક્યાં લડશે તેનો ખ્યાલ નથી આવતો પરંતુ થોડા સમય બાદ પાત્રો એકબીજામાં ભળી જતા ચાસણીની મીઠાશ આપણને ફિલ જરૂર થાય છે.
વાર્તા એકદમ સિમ્પલ છે, આમ મોટેભાગે બે ટ્રેક પર ચાલે છે, સાથે ચાલે છે પરંતુ વર્ષોથી જે વ્યક્તિ ફિલ્મ જોતી હોય તેને છેવટે તો આ બંને ટ્રેક ભેગા થશે જ એવી ખાતરી પણ થવા લાગે છે. લગ્નજીવનમાં મીઠાશ એટલે શું એની જેને ખબર જ નથી તે વ્યક્તિનું જીવન મીઠું મધ જેવું બનાવી નાખતી આ સફર મનોરંજક છે. ફિલ્મમાં દરેક પરિણીત વ્યક્તિઓ માટે, ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ એક સંદેશ જરૂર છુપાયેલો છે પરંતુ આ સંદેશ દર્શકોને ભણાવવામાં આવતો નથી પરંતુ તેને હળવાશથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે જે રાહતની વાત છે.
રમણીકભાઈ તરીકે મનોજ જોશીનું કાસ્ટિંગ એકદમ યોગ્ય છે જ્યારે ‘બે યાર’ અને ‘કેવી રીતે જઈશ’થી અત્યંત જાણીતા બનેલા દિવ્યાંગ ઠક્કર અહીં પણ તેમની સ્ટાઈલથી ચોકલેટી એક્ટિંગ કરી જાય છે. સહુથી વધુ ધ્યાન ખેંચે છે માયરા દોશી જે આ ફિલ્મની હિરોઈન છે અને તેની આ પહેલી ફિલ્મ છે. પહેલી ફિલ્મ હોવા છતાં તે અમુક જગ્યાએ પોતાની અદાકારી દ્વારા આપણું ધ્યાન જરૂર ખેંચે છે.
સેજલ શાહ ઘણા વખતે ફિલ્મમાં જોવા મળ્યા, છેલ્લે એમને નેટફ્લીક્સની સિરીઝ સેક્રેડ ગેમ્સમાં એક નાનકડા રોલમાં જોયા હતા. અહીં તેઓ ઠરેલ, શાંત અને પતિ ધર્મ નિભાવતી ગૃહિણી તરીકે ફીટ બેસે છે. આ ફિલ્મનું શુટિંગ ન્યુ એજ ગુજરાતી ફિલ્મોના કાયમી શહેર અમદાવાદમાં નહીં પરંતુ સુરતમાં થયું છે. સુરતમાં રહેતા અને સુરત વારંવાર જતા લોકોને ચાસણીમાં દેખાડવામાં આવેલા વિસ્તારો જરૂર ઓળખાઈ જશે. જો કે ફિલ્મમાં છેલ્લે છેલ્લે સુરતના પ્રખ્યાત પાર્લે પોઈન્ટ અંગે એક મોટો (સુરતી) ‘લોચો’ મારવામાં આવ્યો છે એ સુરતને જાણતા લોકો જરૂરથી પકડી પાડશે.
તો સુરત જ્યારે ફિલ્મની વાર્તાનું શહેર હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણને સુરતી બોલી બોલતા પાત્રો જોવાની ઈચ્છા થાય. આ સમગ્ર જવાબદારી લોગી બનતા ઓજસ રાવલે ઉપાડી લીધી છે. લગભગ સ્પષ્ટ સુરતી બોલી શકતા ઓજસ રાવલે ફિલ્મમાં હાસ્ય પૂરું પાડવાની પણ જવાબદારી લીધી છે અને નિભાવી પણ છે. ક્યાંક ક્યાંક એવું લાગે કે ઓજસ રાવલનો રોલ આનાથી થોડો વધુ લાંબો થઇ શક્યો હોત.
જ્યાં સુધી બોલીની વાત આવે છે તો રમણીકભાઈ બનતા મનોજ જોશીને સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં સેટલ થયા હોય એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ મનોજભાઈ ક્યાંક ક્યાંક સૌરાષ્ટ્રની બોલી અને મોટેભાગે નોર્મલ ગુજરાતી લઢણમાં બોલતા બતાવવામાં આવ્યા છે અને ક્યાંય સુરતી લહેકો તો એમના સંવાદોમાં આવતો જ નથી એ પણ એક મોટી ભૂલ આ ફિલ્મ જોતા દેખાઈ આવે છે.
શરૂઆતમાં ધીમી પરંતુ મધ્યાંતર બાદ સ્પિડ પકડીને યોગ્ય અંત સુધી જતી ફિલ્મ ચાસણી પરિવાર સાથે સમય ખર્ચીને જોવા લાયક ફિલ્મ જરૂર બની છે. ચાસણી અદભુત ફિલ્મ નથી જ, પરંતુ તેમાં રહેલી કેટલીક ક્ષણો તમને કોઈક સંદેશ આપી જઈને તમારું મન જરૂર મીઠું કરી આપે છે.
૨૦.૦૭.૨૦૧૯, શનિવાર
અમદાવાદ