વન્સ અપોન અ ટાઈમ - 31 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

  • ભાગવત રહસ્ય - 71

    ભાગવત રહસ્ય-૭૧   પરીક્ષિત –કળિને કહે છે-કે- તને-શરણાગતને હું...

શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 31

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 31

દાઉદના આશીર્વાદથી જ મહેશનું ખૂન થયું છે એવી ખબર પડી ત્યારે અરવિંદ ધોળકિયા મરણિયો બનીને દાઉદને હંફાવવા મેદાને પડ્યો હતો. રમા નાઈક અને અરુણ ગવળીને પણ ઠેકાણે પાડી દેવાનું ઝનૂન એના દિમાગમાં સવાર થઇ ગયું હતું. પણ અરવિંદ ધોળકિયા એના આ જાની દુશ્મનોને ખતમ કરે એ અગાઉ દાઉદે અરવિંદ ધોળકિયાને પતાવી દેવાનો આદેશ આપ્યો હતો.

૧૩ ઓક્ટોબર, ૧૯૮૭ના દિવસે અરવિંદ ધોળકિયા મુંબઈના અંધેરી ઉપનગરમાં એની એક કન્સ્ટ્રકશન સાઈટની મુલાકાતે ગયો હતો ત્યારે રમા નાઈકના ગુંડાઓ એની ઉપર ત્રાટક્યા. રમા નાઈકના અડધો ડઝન સશસ્ત્ર ગુંડાઓ કારમાં ધસી આવ્યા અને અરવિંદ ધોળકિયા કંઈ સમજે કે વિચારે એ પહેલાં એમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો. એમણે ત્રીસ ગોળી છોડી એમાંથી અડધો ડઝન ગોળીઓ અરવિંદ ધોળકિયાના શરીરમાં ઘૂસી ગઈ. અરવિંદ ધોળકિયાને છાતીમાં, પીઠમાં, નાક ઉપર, ખભામાં અને કાંડામાં ગોળીઓ વાગી હતી. રમા નાઈકના ગુંડાઓ હુમલો કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. અરવિંદ ધોળકિયા લોહીલુહાણ હાલતમાં લથડિયાં ખાતો-ખાતો પોતાની કાર સુધી પહોંચ્યો. એની સાથે એક વિશ્વાસુ માણસ ઈનાયત ખાન હતો, પણ ધોળકિયાના કમનસીબે ઈનાયત ખાનને કાર ચલાવતા આવડતી નહોતી. ઈનાયત ખાને અરવિંદ ધોળકિયાને ડ્રાઈવિંગ સીટ પર બેસવામાં મદદ કરી. આંખે અંધારા આવતા હતા અને શરીરના અનેક અંગોમાંથી લોહી વહી રહ્યું હતું એવી સ્થિતિમાં અરવિંદ ધોળકિયા કાર ચલાવીને ડી.એન. નગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો.

ડી.એન.નગર પોલીસે ધોળકિયાને તત્કાળ કૂપર હોસ્પિટલમાં દાખલ કર્યો. ધોળકિયાને મોત સાથે વેંત છેટું અંતર હતું. કુપર હોસ્પિટલના ડોકટરોએ એને નૅશનલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. નૅશનલ હોસ્પિટલના ડોકટરોએ પણ એક તબક્કે હાથ ઊંચા કરી દીધા એટલે ધોળકિયાને વિખ્યાત જસલોક હોસ્પિટલમાં લઇ જવાયો. એક મહિના સુધી ત્રણ હોસ્પિટલોમાં રહ્યા પછી અરવિંદ ધોળકિયા બચી ગયો હતો. ધોળકિયા પર હુમલો થયા પછી મુંબઈ પોલીસે એક મહિના બાદ રમા નાઈક સહિત દાઉદ અને ગવળી ગેંગ સાથે સંકળાયેલા અગિયાર ગુંડાઓની ધરપકડ કરી હતી. અરવિંદ ધોળકિયાએ પોલીસને એમ કહ્યું કે રમા નાઈક અને દાઉદ તો મારા ફ્રેન્ડ છે. એ લોકો મારા ઉપર હુમલો શું કામ કરાવે ? મારી કોઈનીય સાથે દુશ્મની નથી.

એ પછી થોડા સમય બાદ વળી એકવાર અરવિંદ ધોળકિયા પર હુમલો થયો, પરંતુ બીજીવાર પણ એ બચી ગયો...’

એકશ્વાસે ધોળકિયા બ્રધર્સની દાઉદ અને રમા નાઈક તથા ગવળી સાથેની દુશ્મનીની વાત કહીને પપ્પુ ટકલાએ બે મિનિટનો વિરામ લીધો. એની દુબઈયાત્રા પછી અમારી સાથે નવી મુલાકાત દરમિયાન એનો ત્રીજો પેગ ચાલી રહ્યો હતો. બ્લૅક લેબલના બે પેગ પેટમાં ગયા પછી પપ્પુ ટકલાએ ફરીવાર એના ટીવી સિરિયલ પ્રોડ્યુસર ફ્રેન્ડની વાત માંડી હતી.

‘આ માણસ પાસેથી અંડરવર્લ્ડ કથા જાણવી હોય તો એની બીજી થોડી આડીઅવળી વાતો સાંભળવાની તૈયારી રાખજો’ એવું અમારા પોલીસ ઓફિસર મિત્રએ આગળથી જ અમને કહ્યું હતું. શરૂઆતમાં પપ્પુ ટકલા આડી લાઈને ચડીને થોડીવાર માટે બીજી વાતો કરવા માંડે ત્યારે અમે અકળાતા હતા. પણ એને થોડો પાનો ચડાવીએ તો એ ટેસમાં આવી જાય છે. એવું અનુભવ્યા પછી આ વખતે અમે એના સૂરમાં સૂર પુરાવીને કહ્યું, ‘તમારે ટીવી સીરિયલની શું કોઈ હિન્દી ફિલ્મની સ્ટોરી, સ્ક્રિપ્ટ અને ડાયલોગ્ઝ લખવા જોઈએ. તમને અંડરવર્લ્ડની અનુભવ છે એટલે તમે તો રામ ગોપાલ વર્માની ‘સત્યા’ અને ‘કંપની’ને ટક્કર મારે એવી સ્ટોરી લખી શકો.’

અમે પપ્પુ ટક્લાને પાનો ચડાવ્યો એટલે ધાર્યા પ્રમાણે જ એ ખીલી ઊઠ્યો હતો. અમારી પાસે બેઠેલા પોલીસ ઓફિસર મિત્રએ પપ્પુ ટક્લાની નજર ચૂકવીને અમારી સામે આછું સ્મિત કર્યું. એ દરમિયાન પપ્પુ ટકલાએ બોલવાનું શરૂ કરી દીધું હતું: ‘એક બાજુ અરવિંદ ધોળકિયા દાઉદની સામે મેદાને પડ્યો હતો. એને ઠેકાણે પાડવાનું કામ દાઉદ ઈબ્રાહીમે રમા નાઈક અને અરુણ ગવળીને સોંપ્યું હતું, પણ બીજી બાજુ વળી એક નવો ખેલ શરૂ થઇ ગયો હતો....’

અચાનક પપ્પુ ટકલા અટક્યો. તેણે કહ્યું, ‘ના આમ સીધેસીધા તમે લોકો કોઈ ઘટનાનું રિપોર્ટિંગ કરતા હો એ રીતે આગળની વાત નહીં કહું. આગળની સ્ટોરી હું તમને ડાયલોગ્સ સાથે કહું તો વાંધો નથી ને?’ પછી દર વખતની જેમ અમારો જવાબ સાંભળ્યા વિના જ પપ્પુ ટકલો મંડી પડ્યો.

***

‘દાઉદભાઈ, જોગેશ્વરી કી વો જમીન કે લફડે મેં રમા ખામખા મેરા દિમાગ બિગાડ રહા હૈ.’

દાઉદની સામે બેઠેલો શરદ શેટ્ટી ફરિયાદના સૂરમાં કહી રહ્યો હતો. .

‘નહીં, ઐસી બાત નહીં હૈ દાઉદભાઈ, મૈને કિસી કો જબાન દે દી હૈ. ઔર શેટ્ટી યે બાત જાનતા થા તો ભી ઉસને ઈસ લફડે મેં હાથ ડાલા હૈ,’ રમા નાઈકે દાઉદ સામે પોતાની સફાઈ પેશ કરી.

‘સો બાત કી એક બાત, મૈને ખુદ ભી ઉસ પ્લોટ મેં પૈસે લગાયે હૈ, અબ મૈં પીછે નહીં હટ સકતા, દાઉદભાઈ.’ શરદ શેટ્ટીએ અકળાઈને કહ્યું.

‘તૂ જ્યાદા શાણા બનને કી કોશિશ કર રહા હૈ. તેરા એક પૈસા ભી ઉસ પ્લોટ મેં લગા હો તો મેં અંડરવર્લ્ડ છોડ દેને કો તૈયાર હું,’ રમા નાઈકે ઉશ્કેરાઈને શેટ્ટીને કહ્યું.

‘રમા અપની ઔકાત મત ભૂલો. મૈં દાઉદભાઈ કી ઈજ્જત કરતા હું ઈસ લિયે અભી તક ચૂપ બૈઠા જ નહીં તો તુમ્હારા કામ કબકા તમામ કર ચૂકા હોતા.’ શરદ શેટ્ટી અસ્સલ બમ્બૈયા ટપોરી ભાષા પર ઉતરી આવ્યો.

શરદ શેટ્ટી અને રમા વચ્ચે જામી પડી એટલે દાઉદ બંનેને ટાઢા પાડ્યા અને ચુકાદો આપ્યો, ‘દેખ રમા, જોગેશ્વરી શેટ્ટી કા એરિયા હૈ. વહાં તુઝે કુછ નહીં કરના ચાહિયે. અગર શેટ્ટી તેરે ઈલાકે મેં આયેગા તો મૈં ઉનકો ભી ના બોલૂંગા. ઔર દુસરી બાત, તુમ લોગ યે આપસમેં લડના બંદ કર ડો વરના કભી દોનો મારે જાઓગે...’ દાઉદે બંનેને લાંબુ ભાષણ આપ્યું.

દાઉદનો ‘ચુકાદો’ સાંભળીને શરદ શેટ્ટીએ રમા નાઈક સામે જોઈને વિજયી સ્મિત વેર્યું. જોગેશ્વરીની એક જગ્યાને મુદ્દે એ બંનેને વાંકુ પડ્યું હતું. મામલો વકરી રહ્યો છે એવું લાગ્યું એટલે દાઉદે બંનેને દુબઈ બોલાવ્યા હતા. બંનેએ દાઉદ ઈબ્રાહીમ સામે એકબીજા વિરુદ્ધ બખાળા કાઢ્યા હતા. અંતે દાઉદે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું, પણ રમા નાઈકને લાગ્યું કે દાઉદે શેટ્ટી તરફ નિર્ણય લીધો છે. જોકે એણે ત્યારે તો દાઉદની વાત માની લીધી. પણ તેના મનમાં આગ લાગી ગઈ હતી.

તેણે દાઉદ પાસેથી પાછા આવીને એણે તરત જ અરુણ ગવળી, કિશોર ગવળી અને બીજા સાથીદારોની બેઠક બોલાવી હતી. એની આંખોમાંથી ખુન્નસ નીતરતું હતું. એના માનસપટ પર દાઉદ ઈબ્રાહીમ અને શરદ શેટ્ટીના ચહેરા જ ઉપસતા હતા. અંડરવર્લ્ડમાં વધુ એકવાર લોહિયાળ જંગ થવાના એંધાણ એની આંખોમાં જોવા મળતા હતા. એણે દાંત ભીંસીને અરુણ ગવળી અને બીજા સાથીદારો સામે એલાન કર્યું, ‘હું રમાશંકર નાઈક...’

(ક્રમશ:)