Once Upon a Time - 30 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 30

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 30

બાબુ રેશિમને બાતમી મળી હતી કે તેને પોલીસ લોકઅપમાં જ મારી નાખવાની યોજના વિજય ઉત્તેકરે ઘડી હતી. તેણે પોલીસ લોકઅપમાં સુરક્ષા મેળવવા ધમપછાડા કર્યા હતા, પણ તેની વાત પોલીસે કાને ધરી નહોતી.

બાબુ રેશિમને મળેલી બાતમી સાચી ઠરી હતી. ૫ માર્ચ, ૧૯૮૭ના દિવસે સવારના સાડા અગિયાર વાગ્યે વિજય ઉત્તેકર અડધો ડઝન ગુંડાઓ સાથે જેકબ સર્કલ પોલીસ લોકઅપમાં ધસી આવ્યો. બે સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલે એમને અટકાવવાની કોશિશ કરી, પણ વિજય ઉત્તેકરે અને એમના સાથીદારોએ ગોળી ચલાવીને મારી નાખ્યા. એ બંને કોન્સ્ટેબલ ત્યાં ને ત્યાં છેલ્લો શ્વાસ લઈને ઢળી પડ્યા હતા. બાબુ રેશિમ ફાટી આંખે આ ખેલ જોઈ રહ્યો હતો. અસહાય બનીને મોતનો ખેલ જોયા વિના તે બીજું કંઈ જ કરી શકે એમ નહોતો.

આ દરમિયાન વિજય ઉત્તેકરના સાથીદારો લોકઅપનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા. એમણે બાબુ રેશિમ પર ગોળીબાર કર્યો. પછી બે ગુંડાઓ ચોપર લઈને બાબુ રેશિમ ઉપર તૂટી પડ્યા. વિજય ઉત્તેકરે એમને અટકાવીને દૂર જવા કહ્યું. અને તે લોકઅપના દરવાજા પાસે ગયો. એણે હેન્ડ ગ્રેનેડ કાઢીને બાબુ રેશિમ પર ઝીંક્યો. અને પછી તે થોડા ડગલા દૂર ભાગ્યો. ત્રીજી સેકન્ડે જેકબ સર્કલ લોકઅપમાં પ્રચંડ ધડાકો થયો અને બાબુ રેશિમનું શરીર પીંખાઈ ગયું!

***

બાબુ રેશિમને જેકબ સર્કલ લોકઅપમાં બોમ્બ ઝીંકીને પતાવી દેવામાં આવ્યો. એ સમાચાર વાવાઝોડાની જેમ અંડરવર્લ્ડમાં ફેલાઈ ગયા. બાબુ રેશિમના કમોતથી રમા નાઈક, અરુણ ગવળી અને કિશોર ગવળી હતપ્રભ બની ગયા. બાબુ રેશિમની અંતિમયાત્રા નીકળી ત્યારે એમાં ઘણા કોંગ્રેસી નેતાઓ પણ જોડાયા હતા. બાબુ રેશિમની હત્યા સાથે રમા નાઈક અને ગવળીબંધુઓએ રાજકીય છત્ર ગુમાવ્યું હતું, પણ રેશિમના કમોતની કળ વળતાં જ એમણે રેશિમના મોતનો બદલો લેવાની તૈયારી આદરી. બાબુ રેશિમને ખતમ કરવા માટે મહેશ ધોળકિયાએ સુપારી આપી હતી એવી રમા નાઈક અને ગવળીને ખબર પડી. મહેશ ધોળકિયા પોતાની વગ અને પૈસાની તાકાત પર મુસ્તાક હતો. એ વખતે ધોળકિયાબંધુઓ અત્યંત પાવરફુલ મનાતા હતા. એમના સંપર્કો ટોચના રાજકારણીઓ સાથે હતા. મહારાષ્ટ્રનો એક કોંગ્રેસી લીડર તો ધોળકિયાબંધુઓના બિઝનેસ પાર્ટનર હોવાનું મનાતું હતું. અને એ વખતે રમા નાઈક અને અરુણ ગવળી તો એમની સામે મગતરા જેવા હતા...’

પપ્પુ ટકલા થોડી વાર માટે અટકી ગયો. એણે બ્લેક લેબલનો નવો પેગ બનાવ્યો. અને વધુ એક ફાઈવફાઈવફાઈવ સિગરેટ સળગાવી. બ્લેક લેબલનો ઘૂંટ ભરીને સિગરેટનો ઊંડો કશ લઈને એણે વાતનો દોર સાધ્યો. ‘ધોળકિયાબંધુઓ વિશે તમારે વાચકોને મહિતી આપવી જોઈએ. અરવિંદ અને મહેશ ધોળકિયાના પિતા લીલાધર ધોળકિયા મુંબઈના ખેતવાડી વિસ્તારમાં રહેતા હતા અને નળબજાર વિસ્તારમાં એમની કાપડની દુકાન હતી, પણ અરવિંદ અને મહેશની મહત્વાકાંક્ષા ઊંચી હતી. એમને કાપડ વેચીને જિંદગી વિતાવી દેવી નહોતી. એટલે તેમણે ધીમે-ધીમે ધંધાની સાથે ગોરખધંધો શરુ કર્યો હતો. અરવિંદ, મહેશ અને એમનો ત્રીજો ભાઈ લલિત હોટલ અને કન્સ્ટ્રકશનના ધંધા તરફ વળ્યા હતા. એ સાથે એમણે બીજા ઘણા ‘ધંધા’ શરુ કર્યા હતા. મુંબઈના અંડરવર્લ્ડમાં દાઉદનો સિતારો ચમકવા માંડ્યો, ત્યારે એમણે દાઉદ સાથે દોસ્તી કરી હતી. પણ એ અગાઉ ૧૯૭૪માં કટોકટી દરમ્યાન તેઓ હાજી મસ્તાન, યુસુફ પટેલ અને દાઉદની સામે મિસા હેઠળ જેલની મુલાકાત લઇ આવ્યા હતા. એમણે અણધારી ‘પ્રગતિ’ કરી હતી અને ‘સીઝર્સ પેલેસ’, અજન્ટા’ ગેસ્ટહાઉસ અને ‘ફિશરમેન્સ વ્હાર્ફ’ હોટેલ (જે પાછળથી તેમણે ડ્રગ માફિયા ઈકબાલ મિર્ચીને વેચી નાખી હતી) ખોલીને એમણે એક નવો ધંધો શરુ કર્યો હતો. ‘સીઝર્સ પેલેસ’ અને ‘ફિશરમેન્સ વ્હાર્ફ’માં એમણે ડિસ્કોની શરૂઆત કરી હતી. એ હોટેલમાં હાઈ લેવલની કોલગર્લ્સ આવતી હતી.

જોકે ધોળકિયાબંધુઓ પોતાની હોટેલ્સમાં વેશ્યાગીરી ચાલતી હોવાની વાત હંમેશા નકારતા રહ્યા હતા, પણ મુંબઈની ખાર વિસ્તારમાં આવેલી ‘સીઝર્સ પેલેસ’માં પોલીસે ૧૯૮૯માં દરોડો પાડ્યો ત્યારે ૧૨૧ કોલગર્લ પકડાઈ હતી. એ પછી ‘સીઝર્સ પેલેસ’નું લાઈસન્સ કેન્સલ થયું હતું, પણ ટૂંક સમયમાં ‘ઉપર’થી આદેશ છૂટ્યા હતા અને ‘સીઝર્સ પેલેસ’ ફરી વાર ધમધમતી થઇ ગઈ હતી. અરવિંદ ધોળકિયા અને મહેશ ધોળકિયા સાથે સ્મગલિંગ અને ખૂન તથા ખંડણી ઉઘરાવવાના આરોપ પણ મુકાયા હતા. જાન્યુઆરી, ૧૯૮૮માં અરવિંદ ધોળકિયાએ એક શ્રીલંકન નાગરિક પાસેથી એકે ફોર્ટીસેવન ગન ખરીદી હોવાના આરોપ હેઠળ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એની ધરપકડ કરી હતી. એક સમય તો એવો હતો કે જ્યારે અરવિંદ ધોળકિયા દાઉદ ઈબ્રાહીમને પણ ગાંઠતો ન હતો.’

‘આ બધું તમને એટલા માટે કહી રહ્યો છું કે મુમ્બૈયા અંડરવર્લ્ડમાં અમુક સમય દરમ્યાન ગુજરાતી ધોળકિયાબંધુઓનું કેટલું વજન હતું એનો તમારા વાચકોને ખ્યાલ આવે.’ પપ્પુ ટકલાએ કહ્યું. પછી વળી એણે બાબુ રેશિમના મોત પછીની અંડરવર્લ્ડકથા આગળ ધપાવી, “આવા શક્તિશાળી ધોળકિયાબંધુઓ સામે દુશ્મની કરવામાં પૂરું જોખમ હતું, પણ અરુણ ગવળી અને કિશોર ગવળી તથા રમા નાઈક ઝનૂનપૂર્વક મહેશ ધોળકિયાની પાછળ પડી ગયા હતા. રમા નાઈક અને ગવળીબંધુઓને દાઉદ તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. ધોળકિયાબંધુઓ જે રીતે પાવરફુલ બની રહ્યા હતા એ દાઉદ માટે ખતરાની નિશાની હતી. એટલે મહેશ ધોળકિયાનો કાંટો કાઢી નાખવા માટે એણે ગવળીને ‘પરવાનગી’ આપી હતી અને બાબુ રેશિમની હત્યા પછી પચ્ચીસ દિવસ બાદ ૩૦ માર્ચ, ૧૯૮૭ના દિવસે ગવળી ગેંગના ગુંડાઓએ મહેશ ધોળકિયાને મુંબઈના અત્યંત પોશ એરિયા પેડર રોડ સ્થિત એના ઘર નીચે આંતર્યો. મહેશ ધોળકિયાને મોત નજર સામે દેખાઈ ગયું. એણે જીવ બચાવવા આંધળી દોટ મૂકી હતી. ભાગતાં-ભાગતાં એ ગામડિયા લેનની એક બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો. ગવળીના ગુંડાઓએ એનો પીછો કર્યો. મહેશ ધોળકિયાની નજીક પહોંચીને એમણે લાઈટ મશીનગનમાંથી ગોળીબાર શરુ કર્યો અને ગણતરીની સેકન્ડોમાં મહેશ ધોળકિયા ઢગલો થઈને નીચે પડી ગયો હતો. કાપડના વેપારીના દીકરાની મહત્વાકાંક્ષાએ એની જિંદગી અકાળે ટૂંકાવી દીધી હતી.”

“મહેશ ધોળકિયાની હત્યાથી ધોળકિયા બંધુઓના ‘સામ્રાજ્ય’ને આંચકો લાગ્યો હતો પણ અરવિંદ ધોળકિયાએ તરત જ સ્વસ્થ થઈને વળતા હુમલાની તૈયારી શરુ કરી દીધી. દાઉદના ‘આશીર્વાદ’થી જ મહેશનું ખૂન થયું છે એવી ખબર પડી ત્યારે અરવિંદ ધોળકિયા મરણિયો બનીને દાઉદને હંફાવવા મેદાને પડ્યો હતો. રમા નાઈક અને અરુણ ગવળીને પણ ઠેકાણે પાડી દેવાનું ઝનૂન એના દિમાગમાં સવાર થઇ ગયું હતું. દાઉદ અને રમા નાઈક અને અરુણ ગવળી સામે એણે ખુલ્લી દુશ્મની વહોરી લીધી હતી.

શબ્બીર ઈબ્રાહિમ કાસકર, અમીરઝાદા, સમદ અને આલમઝેબના ખૂન પછી થોડો સમય માટે શાંત પડેલી અંડરવર્લ્ડની ગૅન્ગવોર ફરી ભયંકર રૂપ ધારણ કરી હતી. અને ૧૩ ઓક્ટોબર, ૧૯૮૭ના દિવસે બળતામાં પેટ્રોલ હોમાય એવી એક ઘટના બની!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED