પ્રેમ કે પ્રતિશોધ - 11 Vijay Shihora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે પ્રતિશોધ - 11

પ્રેમ કે પ્રતિશોધ-11


( આગળના ભાગમાં તમે જોયું કે વિનય રાધીને વિકેન્ડના તેમના બહાર જવાના પ્લાન માટે મનાવી લે છે. તેમજ અર્જુન હવે શિવાની હત્યાનું કેસ એક અલગ કોણ થી તપાસવાનું શરૂ કરે છે)

હવે આગળ......

બીજા દિવસે સવારે કોલેજની બ્રેક પડતાં બધા પિકનિક ની પ્લાનિંગ કરવા માટે એકઠા થયાં.
“તો કોઈએ વિચાર્યું ક્યાં જવું છે?"દિવ્યાએ પૂછ્યું.
“આપણે અમદાવાદની બહાર તો ના જઈ શકીએ!"સુનિલે કહ્યું.
નિખિલે તેની સામે જોઇને કહ્યું,“હા, એતો ખબર છે. અમદાવાદમાં પણ ક્યાં ઓછા સ્થળો છે?"
“રિવરફ્રન્ટ!"અજયે અચાનક કહ્યું.
“બીજું કંઈ વિચારને ભાઈ"નિખિલે કહ્યું.
“મારી પાંસે એક આઈડિયા છે!"સુનીલે ઉત્સુકતાથી કહ્યું.
“હા, એમ તો મારી પાંસે આઈડિયા પણ છે અને એરટેલ પણ છે. પણ એનાથી શું થશે?"સુનીલને ચીડવવાના આશયથી નિખિલે કહ્યું.
તેની વાત સાંભળીને બધા ખડખડાટ હસવા લાગ્યા.
સુનિલ બધાને હસતાં જોઈને બોલ્યો,“તમને અત્યારે મસ્તી સૂઝે છે. તો મારે હવે કંઈ નથી બોલવું"
“હવે બીજું કોઈ વચ્ચે નહીં બોલે, તારા આઈડિયાને એક્સપ્લોર કર!"વિનયે સુનિલને કહ્યું.
“તો હું એમ કહેતો હતો કે....."સુનિલ આટલું બોલીને અટકી ગયો.
“એ ભાઈ, ટૂંકમાં પતાવને?"નિખિલે કહ્યું.
“અમદાવાદમાં કેટલા સ્થળો હશે ફરવા લાયક?"સુનિલે પ્રશ્ન કર્યો.
“એક કામ કર તું લિસ્ટ બનાવી લે, ત્યાં તો અમે પિકનિક કરીને પરત આવી જઈશું!"હવે અજયે પણ મસ્તી ભર્યા અંદાજથી કહ્યું.
“તમારે કોઈએ મારી વાત તો સાંભળવી જ નથી ને?"સુનિલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો.
“શાંત સ્વામીજી શાંત, આ અજ્ઞાની બાળકો તમારી વાત નથી સમજી શકતાં, એમને ક્ષમા કરો!"દિવ્યાએ પણ ઝંપલાવ્યું.
દિવ્યાએ હાથ જોડીને જે એક્સપ્રેશન આપ્યા તેનાંથી બધાને હસવું આવ્યું. સુનિલ પણ બધાની સામે જોઇને હસવા લાગ્યો.
અત્યાર સુધી શાંત બેસેલી રાધીએ સુનીલની તરફેણમાં કહ્યું,“તમે યાર, એક તક નથી છોડતાં સુનીલને હેરાન કરવામાં!"

“હવે આપણે મેઈન મુદ્દા પર આવશું?"સુનિલે કહ્યું.
“હમ્મ"દિવ્યાએ કહ્યું.
“તો અમદાવાદમાં આટલાં બધા સ્થળો છે અને બધાના વિચારો પ્રમાણે અલગ અલગ સ્થળ મગજમાં હશે જ?"સુનિલે આટલું કહી બધા સામે પ્રશ્ન સૂચક નજરે જોયું.
“હાં, આગળ...."અજયે કહ્યું.
“હવે એક કામ કરીએ, બધા એકબીજાને કહ્યા વગર એક પેજ લઈ તેમાં તમારા મત મુજબ જે સ્થળે જવું હોય તેનું નામ લખો. જે સ્થળનું નામ વધારે......"આટલું કહી સુનિલ અટકી ગયો.
ત્યાં તો નિખિલે વેઇટરને બોલાવી એક પેજ લઈ તેના સરખી સાઈઝના નાના ટુકડાં કરી બધાને એક એક આપ્યો.
આગળ શું કરવાનું છે તે તો બધા જાણતાં જ હતા.
એક પછી એક બધાએ પેજમાં એક એક સ્થળનું નામ લખી અને એ પેજનાં ટુકડા(કાપલી)ને ફોલ્ડ કરી ટેબલ પર મૂક્યાં.
 અત્યારે કુલ 7 મિત્રો હાજર હતા.
વિનય,રાધી,દિવ્યા,નિખિલ,અજય,વિકાસ અને સુનિલ.
સુનિલે એક પછી એક એમ નામ વાંચીને ટેબલ પર ગોઠવવા લાગ્યો.
સાત માંથી ત્રણ રિવરફ્રન્ટ અને ચાર કાંકરિયા......
સુનિલે વાંચીને બધી કાપલીઓ ટેબલ પર મૂકી એટલે નિખિલે કહ્યું,“ok, તો હવે ફાઈનલ કાંકરિયા...."
સુનિલે બધા સમક્ષ પોતાનો પ્રશ્ન મુક્તા કહ્યું,“પણ જવાનું કેવી રીતે રાખીશું."
તેનો જવાબ આપતાં નિખિલે કહ્યું,“આપણે વિદેશ નથી જવાનું ભાઈ!, એમાં ક્યાં મોટો પ્રશ્ન છે રવિવારે સવારે જવું છે એટલે સવારમાં બધા એકબીજાનો કોન્ટેક્ટ કરી સીધા કાંકરિયા જ મળશું."
વિકાસે કહ્યું,“નિખિલની વાત બરાબર જ છે."
“ok, પણ તું તો હોસ્ટેલમાં રહે છે.   તો કેવી રીતે આવીશ?"સુનિલે દિવ્યાને પૂછ્યું.
“હું આવી જઈશ, તું ચિંતા ના કર હો"દિવ્યાએ સુનીલના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું.
“ભાઈ,જમવાની ને વ્યવસ્થા કરવી પડશે કે?"સુનિલે નિખિલ સામે જોઈને પૂછ્યું.
અજયે રાધી સામે જોઇને કહ્યું,“અમને આવી તક આ ભાઈ ખુદ જ આપે છે, અને તારું કહેવું છે કે અમે આને હેરાન કરીએ છીએ"

“મારે કંઈ નથી પૂછવું બસ."સુનિલે પોતાનું સ્થાન બદલતા કહ્યું. અત્યાર સુધી તે નિખિલ અને અજયની વચ્ચે બેઠો હતો. હવે વિકાસ પાસે જઈને સ્ટૂલ પર બેસે છે.
“હું અજય અને દિવ્યાને રસ્તામાંથી પિક કરી લઈશ"નિખિલે કહ્યું.
“હું અને સુનિલ મારી બાઇક લઈને આવશું"વિકાસે સુનિલ સામે જોઇને કહ્યું.
વિકાસની વાત સાંભળીને સુનિલે કહ્યું,“પણ બાઈકની સ્પીડ વધવી ના જોઈએ, નહીંતર હું રસ્તામાં જ ઉતરી જઈશ!"
વિનય અને રાધી આ બધાની વાત જ ન સાંભળતાં હોય તેમ એકબીજામાં ખોવાયેલા હતા.
“હવે આ બંનેને તો પૂંછવાની જરૂર જ નથી!"દિવ્યાએ રાધીને જોઈને કહ્યું.
દિવ્યાએ રાધીના માથાં પર ટાપલી મારી જેનાથી રાધી જાણે કોઈ અલગ દુનિયામાંથી જ અચાનક વર્તમાનમાં આવી હોય તેમ રાધીએ પ્રતિભાવ આપ્યો.
“હં......" 
“આ ધરતી પર આવી ગયા તમે? કે હજી આમ વિચારોમાં જ ......"દિવ્યા આટલું બોલી અટકી ગઈ.
“એવું કંઈ નથી...."રાધીએ નીચે જોઈને મંદ મંદ હસતાં કહ્યું.
 વિનયે સ્વસ્થ થઈ ને કહ્યું,“ચાલો ત્યારે હવે રવિવારનું રવિવારે અત્યારે કોલેજમાં જે કરવાનું છે તે કરીએ. વાતો વાતોમાં આજે બેલ પડી ગયો તેને પણ 20 મિનિટ થઈ ગઈ."
ત્યાંથી બધા મિત્રો કલાસ તરફ ચાલ્યા....
***************

આ બાજુ અર્જુન શિવાનીના ખૂની સુધી પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યો હતો પરંતુ દર વખતે તેને માત્ર નિરાશા જ હાથ લાગતી હતી.
અત્યાર સુધી શિવાનીની હત્યા ક્યાં કારણોસર થઈ હશે તે જાણવામાં પણ અર્જુન નિષ્ફળ નીવડ્યો હતો.
અને એનાથી વિશેષ ખૂની ખુદ ટાઈપ કરેલી ચિઠ્ઠી દ્વારા અર્જુનને પડકાર પણ આપી ચુક્યો હતો.
અત્યાર સુધીમાં અર્જુન એટલું તો સમજી ગયો હતો કે તેનો સામનો એક અત્યંત ચાલાક વ્યક્તિ સાથે થવાનો છે. જેને પકડવામાં હાલ સુધી તો અર્જુન અસમર્થ હતો.

વધુ આવતા અંકે.........

*****

શું અર્જુનને આગળ વધવા માટે કોઈ રસ્તો મળશે? કેવી રહેશે વિનય અને તેના મિત્રોની પિકનિક? હવે પછી ખૂનીનો નવો ટાર્ગેટ કોણ હશે?

જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર...


 મારી દ્વારા લખાયેલી આ પ્રથમ નવલકથા છે અને આ નવલકથા વાંચીને,વાંચક મિત્રોએ જે સહકાર આપ્યો તે બદલ ખુબ ખુબ આભાર.
આમ જ આપનો સહકાર મળશે તેવા આશય સાથે........
ધન્યવાદ.......

વિજય શિહોરા-6353553470