Interesting facts about declassified Indian submarines - part 2 books and stories free download online pdf in Gujarati

ઇતિહાસ બની ગયેલી ભારતની સેવાનિવૃત્ત સબમરીન્સ વિશે જાણવા જેવું : ભાગ - ૨

ગયા અંકમાં આપણે હાલ રીટાયરમેન્ટ ભોગવી રહેલી અથવા હવે અસ્તિત્વમાં જ નથી રહી એવી, ભારતીય નૌકાદળમાં મોભાપાત્ર કાર્ય બજાવી ચૂકેલી ત્રણ ખૂંખાર સબમરીન્સ કલ્વરી, કરંજ અને ચક્ર સાથે રૂબરૂ થયા. તેમની આંતરિક રચના વિશે બ્રિફ નોલેજ મેળવ્યું. કાર્યપ્રણાલી જાણી અને થોડી વાતો જાણી.

હવે એવી જ બીજી નિવૃત્ત સબમરીન્સ અંગેનો આ ભાગ બીજો અત્રે પ્રસ્તુત છે. શરૂઆત કરીએ સૌપ્રથમ સબમરીન ‘કુરશુરા’થી.

(૪) INS કુરશુરા (S-20) :

INS કુરશુરા/Kursura નું નામ ભારતીય ઈતિહાસ સાથે ભવ્ય રીતે જોડાયેલું છે. અલબત્ત, ગયા અંકની ત્રણેય સબમરીનોને આંટી જાય એવી ફરજો કુરશુરા બજાવી ચૂકી છે. રોમાંચ પૂરતું માત્ર એક વાક્ય જોવું હોય તો વાંચો. ભારત-પાકિસ્તાનના, 1971ના યુદ્ધ વખતે ‘કુરશુરા’એ ખૂબ મહત્વની ફરજ બજાવી હતી ! સતત આઠ દિવસો સુધી તેણે સમુદ્રતળે રહીને માહિતીઓ એકઠી કરી હતી. તેને અરબ સાગરમાં ચોક્કસ સ્થળે પેટ્રોલિંગ કરવાનું હતું. બરાબર યુદ્ધનો સમય હતો અને કુરશુરા જાણે નીકળી પડી હતી કોઈનીયે ફિકર કર્યા વગર.

તેને ખરેખર તો દરિયાતળે સુરંગો/Sea-Mines ગોઠવવાનું જબ્બર કાર્ય સોંપાયું હતું, પણ પછી અમુક સંજોગોવશાત્ કાર્ય કેન્સલ થયું હતું.

ખેર, હાલ યુદ્ધની વાતે ન ચડતાં ‘કુરશુરા’નો બાયોડેટા તપાસીએ. કુરશુરા પણ કલ્વરી અને કરંજ ની જેમ ‘કલ્વરી ક્લાસ’ની સબમરીન છે. તેનો પેનેન્ટ નંબર S-20 છે. ‘કલ્વરી’ ક્લાસની, તત્કાલીન આખરી અને ચોથી સબમરીન કુરશુરા છે. લગભગ આગલી દરેક સબમરીનોનું જે ‘મેટરનિટી હોમ’ છે તે સોવિયેત યુનિયન/રશિયાની બનાવટની આ સબમરીન INS કરંજની બિલકુલ બહેનસમી કહેવાય, કારણ કે બંનેમાં ઘણું બધું સામ્ય છે.

૧૮ ડીસેમ્બર, ૧૯૬૯ ના દિવસે તે ઓફિશિયલી સોવિયેત યુનિયન તરફથી ‘જોબ’ પર આવી. પછી આગલી બધી સબમરીનોમાં થયું છે એમ ભારત સરકારે જાણે એક પછી એક બધાં રસગુલ્લા મોંમાં પધરાવતી હોય એમ કુરશુરાને ભારતીય ‘બનાવી’ દીધી. જો કે અસલી નામ જુદું હશે, પણ ભારત સાથે જોડાતાં જ નામકરણ કુરુશા કર્યું. પેનેન્ટ નંબર નવો આપ્યો. સરકારે કુરુશા અને કરંજને લગભગ એકસાથે નૌકાદળમાં લેવાનું નક્કી કર્યું હતું. અને લીધી પણ હતી.

૯૩.૩ મીટર/૩૦૦ ફીટ લંબાઈ ધરાવતી કુરશુરાની ઝડપ ૧૫ દરિયાઈ માઈલ/Nautical Miles હતી. એટલે લગભગ એની ‘સિસ્ટર કન્સર્ન’ કરંજ જેટલી જ. આ થઈ તેની સમુદ્રી ઝડપ. તેની ઓન સરફેસ/સપાટી પરની ઝડપ ૧૬ દરિયાઈ માઈલ.

કુરુશા ત્યાર પછી કરંજ સાથે ભારતીય નૌકાદળના Western Naval Command દ્વારા ઓપરેટ થતી હતી. શરૂઆતી તબક્કે ભારત-પાક યુદ્ધમાં અને ત્યાર પછી અન્ય નાનામોટા ઓપરેશન્સ કર્યા બાદ અમુક કારણોસર ૧૯૮૦થી ૧૯૮૨ ના સમયગાળા વચ્ચે તેને સ્પેરપાર્ટ્સ બદલવા માટે અને મરામત માટે સોવિયેત યુનિયનને અપાઈ હતી. ૧૯૮૫માં ‘રફ એન્ડ ટફ’ થઈ ગયા બાદ કુરશુરા ફરી પાછી ભારતીય નૌકાદળની સેવામાં હાજર થઈ ગઈ હતી.

ત્યાર બાદ પોર્ટ બ્લ્યેરના સમુદ્રમાં યોજાયેલી મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ કવાયત Anti-Submarine Warfare ટ્રેઈનિંગ વખતે કુરશુરાએ અન્ય ભારતીય સબમરીન INS તારાગિરી સાથે ભારતનું પ્રતિનિધિત્વ સંભાળ્યું હતું. આ કવાયત અંતર્ગત કુરશુરા-તારાગિરીએ સિંગાપોરની Corvett/યુદ્ધનૌકા RSS Victory સાથે સંયુક્ત અભ્યાસ કર્યો હતો. એ પછી ફરી બીજી વખત યોજાયેલા Anti-Submarine Warfare વખતે પણ કુરુશાએ જ ભારતનો મુખ્ય હવાલો સંભાળ્યો હતો. બબ્બે વખત ASWમાં ભારતની પ્રતિનિધિ તરીકે ગયેલી કુરશુરાએ એ રીતે પણ નામના મેળવી હતી.

આખરે ૩૧ વર્ષની અજોડ સેવા આપીને કુરશુરા ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ ના રોજ નિવૃત્ત થઈ. પરંતુ એને માત્ર નિવૃત્તિ જ નહીં મળતાં નેવીની ‘Dressing Ship’ નો ખિતાબ મળ્યો છે જે સામાન્ય રીતે એક્ટીવ સબમરીનને જ મળતો હોય છે !

ખેર, કુરશુરાના પરાક્રમો તો લખીએ એટલાં ઓછાં છે, પણ અહીં વિષયવસ્તુને વળગી રહીને હવે હાલમાં કુરશુરા ક્યાં છે એ જોઈ લઈએ. વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ મિશન બીચ પર ‘કુરશુરા મ્યુઝીઅમ’ની ફરજ અદા કરી રહી છે ! બિલકુલ સરસ વાત છે. ભંગારમાં તૂટવા કરતાં ‘સ્વસ્થ’ રહીને દેશને પોતાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવવી બહેતર !

(૫) INS વાગ્લી (S-42) :

લાંબા સમય સુધી ભારતીય નૌકાદળમાં ફરજ બજાવનાર સબમરીનોમાં INS વાગ્લી પણ માતબર સ્થાન પામે છે. ૩૬ વર્ષ સુધી તેણે નૌકાદળમાં ડેરો જમાવેલો રાખ્યો હતો.

મૂળભૂત રીતે ‘ફોક્સટ્રોટ ક્લાસ’ ની વાગ્લી રશિયન બનાવટની હતી. પાછળથી જ્યારે તેને ‘હંમેશા’ ચાલી આવતી પ્રણાલી મુજબ ભારતીય નેવીમાં સ્થાન આપવામાં આવ્યું ત્યારે તેનો ક્લાસ બદલીને ‘વેલા-ક્લાસ’ અંતર્ગત સ્થાન આપવામાં આવ્યું. આ વેલા-ક્લાસ એ રશિયન ફોક્સટ્રોટ ક્લાસનો Variant/જુદું સ્વરૂપ, એટલે આ ક્લાસમાં આવતી સબમરીનો મહદઅંશે ફોક્સટ્રોટ જેવી.

વાગ્લીની વાત કરીએ તો વાગ્લીને ઇન્ડિયન નેવી તરફથી S-42 પેનેન્ટ નંબર આપવામાં આવ્યો હતો. ૯૦ મીટરની લંબાઈ ધરાવતી વાગ્લી ડીઝલ-ઇલેક્ટ્રિક કાર્ય પ્રણાલીથી સજ્જ હતી. ૧૦ ઓગસ્ટ, ૧૯૭૪ ના દિવસે તેને ભારત માટેનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. અલબત્ત એ વખતે તે લેટીવ્યાના રીગા શહેરમાં હતી.

ઝડપની વાત કરીએ તો આગળની લગભગ બધી સબમરીનો જેટલી જ – ૧૬ Knots/દરિયાઈ માઈલ સરફેસ પર અને ૧૫ દરિયાઈ માઈલ સમુદ્રમાં. જો કે સમુદ્રમાં ઊંડાઈએ જવાની બાબતે વાગ્લી કોઈ દીપડીથી કમ નહોતી. લગભગ ૮૨૦ ફીટ જેટલી ઊંડી તે જઈ શકતી ! એ સમયે આ અંતર અધધ કહેવાય. INS વાગ્લી વેલા-ક્લાસની ૪ સબમરીનોમાં સૌથી છેલ્લે રીટાયર્ડ થઈ હતી. નૌકાદળ તરફથી વાગ્લી અંગેની લગભગ માહિતીઓ ક્લાસિફાઈડ છે એટલે આપણે જાણી ન શકીએ.

૯ ડીસેમ્બર, ૨૦૧૦ ના રોજ વિશાખાપટ્ટનમમાં વાગ્લીને રીટાયરમેન્ટ આપવામાં આવ્યું. તેને પણ કુરશુરાની જેમ મ્યુઝીઅમ બનાવવા માટે તમિલનાડુના મામલ્લપુરમ ખાતે લાવવામાં આવી હતી. એ પહેલાં તે ઘણાં વર્ષો સુધી ચેન્નાઈના દરિયાકિનારે પડી રહી હતી. તમિલનાડુની સરકારે સ્ટેટમેન્ટ આપેલું કે – સબમરીનને મ્યુઝીઅમમાં રૂપાંતરિત કરવાનું કાર્ય લોઢાનાં ચણા ચાવવા જેટલું કઠીન છે. એને માત્ર નૌકાદળ જ તૈયાર કરી શકશે, અન્ય કોઈ પ્રાઇવેટ કંપની નહીં કરી શકે.

છેલ્લા સમયમાં એવી અટકળો ચાલી રહી હતી કે વાગ્લીને તેનાં મૂળ માલિક (રશિયા)ને પરત કરી દેવામાં આવે એવી શક્યતાઓ છે. હાલ શક્યતા હજુ પણ શક્યતા જ રહી છે કે પછી વાગ્લીને પરત ‘સ્વદેશ’ મોકલી દેવામાં આવી છે એનો પત્તો લાગ્યો નથી. ક્લાસિફાઈ ઇન્ફોર્મેશન, યુ નો !

લેખક: પરમ દેસાઈ (તંત્રી અને સંપાદક, ખજાનો મેગેઝિન)

(આ લેખને કલરફૂલ પાનાંમાં ફોટો સહિત વાંચવા મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED