Itihas bani gayeli bharatni sevanivrut submarin vishe janva jevu - 1 books and stories free download online pdf in Gujarati

ઇતિહાસ બની ગયેલી ભારતની સેવા નિવૃત્ત સબમરીન્સ વિશે જાણવા જેવું : ભાગ - ૧

કોઈ પણ દેશના નૌકાદળનું સૌથી અગત્યનું કોઈ પાસું હોય તો એ સબમરીન છે. દિવસનો અજવાસ હોય કે રાત્રિનો અંધકાર, શિયાળાની કડકડતી ઠંડી હોય કે તાપ ઓકતો ઊનાળો હોય, ગમે તેટલું વિકટ વાતાવરણ હોય, સબમરીનને લગીરે નડતું નથી. ગુમનામ અને છૂપા સાયાની જેમ એ દુશ્મન સુધી લપાતી છૂપાતી પહોંચે અને દુશ્મનને એની ગંધ આવતાં સુધીમાં તો કામ પૂરું ! સબમરીનના વછૂટેલા ‘ટોરપીડો’એ દુશ્મનના દાંત ખાટા કરી નાંખ્યા હોય. નૌકાદળનાં તમામ શસ્ત્રોના મુકાબલે કદાચ એટલે જ સબમરીનનું સ્થાન ઊંચેરું છે.

આજે આપણે ભારતની કેટલીક સબમરીનો વિશે ગોષ્ઠી માંડીશું કે જે અત્યારે ઈતિહાસ બની ચૂકી છે. તેઓ સેવાનિવૃત્ત થઈ ચૂકી છે અથવા નિષ્ક્રિય છે. ભૂતકાળમાં દેશ ખાતર અનેક સિક્રેટ ઓપરેશનો અને ક્લાસિફાઈડ મિશનો પાર પાડી ચૂકેલી આપણી સબમરીન્સ વિશે ‘નોલેજ સ્ટેશન’ અંતર્ગત આજે જાણીએ.

મથાળામાં ‘ભારતની’ શબ્દ લખ્યો એટલે જરૂરી નહિ કે સબમરીનો ‘મેઈડ ઇન ઈન્ડિયા’ હશે. લગભગ બધી ખરીદેલી છે, પરંતુ ભારત માટે કામ કરતી હતી એટલે એક જાતનો ઋણાનુબંધ બંધાય એ સ્વાભાવિક છે.

(૧) INS કલ્વરી (S-23):

આ આઈ.એન.એસ. કલ્વરીને રખે હાલમાં મૂકાયેલી કલ્વરી સમજી લેતા. તાજેતરમાં જ ૧૪ ડીસેમ્બર, ૨૦૧૭ ના રોજ વડાપ્રધાન શ્રીના હસ્તે જેનું ઉદ્દઘાટન થયું અને ઇન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવી એનું નામ બેશક કલ્વરી છે, પરંતુ તે જુદા ક્લાસની છે. તે ‘સ્કોર્પિયન’ ક્લાસની સબમરીન છે, જ્યારે આજથી ૫૦ વર્ષ પહેલાં ઇન્ડિયન નેવીમાં સ્થાન પામેલી કલ્વરી ‘કલ્વરી’ ક્લાસની હતી. વળી, બંનેના નામની પાછળ લાગતાં કોડ નંબર્સ/pennant numbers પણ જુદા છે. હાલની કલ્વરીનો કોડ S-21 છે, તત્કાલીન કલ્વરીનો કોડ હતો – S-23. તફાવત સમજ્યા ? તો હવે આગળ વધીએ.

૮ ડીસેમ્બર, ૧૯૬૭ ના દિવસે ‘ઓફિશિયલી’ કામે લાગી ચૂકેલી કલ્વરી ભારતની સૌપહેલી સબમરીન હતી. અલબત્ત, ભારત તેનું ‘બર્થ પ્લેસ’ નહોતું એ ખરું, પરંતુ ભારતે એને પૂરેપૂરી રીતે પોતાની બનાવી લીધી હતી. વાસ્તવમાં કલ્વરી સોવિયેત બનાવટની હતી. એટલે સોવિયેત નેવીની પ્રણાલી મુજબ એ ‘ફોકસટ્રોટ’ ક્લાસની હતી અને તેમના કોડનંબરના ધારાધોરણો મુજબ એનો કોડ હતો B-51. જુલાઈ, ૧૯૬૮માં એનું પણ પરિવર્તન થઈ ગયું અને ઇન્ડિયન સિસ્ટમ પ્રમાણે S-23 રાખવામાં આવ્યું. તેના ફર્સ્ટ કમાન્ડિંગ ઓફિસર હતા કે.એસ. સુબ્રમણ્ય.

કલ્વરી એ મલયાલમ શબ્દ છે જેનો અર્થ ‘ટાઈગર શાર્ક’ થાય છે. કદાચ ટાઈગર શાર્કનાં ખૂંખાર લક્ષણો પરથી જ આ સબમરીનનું નામ રખાયું હશે. કલ્વરી ડીઝલ-ઇલેક્ટ્રિક પેટ્રોલ સબમરીન હતી. હંકારવાના આ ત્રણ ઓપ્શનને કારણે પણ તેનું મહત્વ હતું. તો સામે છેડે ગેરલાભ એ પણ હતો કે તે જૂનવાણી ડીઝાઈનની હોવાથી તેના તૂતકનો મોટો ભાગ ઇલેક્ટ્રિક બેટરીઓએ રોક્યો હોય એટલે એટલી જગ્યાની બાદબાકી થઈ જાય. વધારામાં સમુદ્રની અંદર લગભગ ૧૫ knots/nautical miles એટલે કે ૨૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી કલ્વરી તેની પીઠ પર લાદેલી વધારાની બેટરીઓના ભારને કારણે ધીમી પડી જતી. લગભગ ૨ knots જેટલી ધીમી પડતી. જો કે આ બંને નકારાત્મકતાને બાદ કરીએ તો ભારતની આ સૌ પ્રથમ સબમરીન બીજી એકેય બાબતે ઉણી ઉતરે તેમ નહોતું. ૯૧.૯ મીટર/૨૯૯ ફીટ લાંબી શાર્ક સમી કલ્વરી ૮૨૦ ફીટ જેટલી ઊંડાઈએ જઈ શકતી હતી એ વળી એની બીજી મોટી ક્ષમતા !

લગભગ ૨૯ વર્ષ સુધી સેવામાં રહેલી કલ્વરીએ અનેક છૂપા મિશનો અને યુદ્ધોમાં ભાગ લીધો હશે. (નેવીની કેટલીક વિગતો કોન્ફીડેન્શીયલ/જાહેર ન થતી હોઈ અમુક બાબતો ટૂંકી જાણકારી સુધી જ સીમિત રહેતી હોય છે.) ૨૯ વર્ષ બાદ ૩૧ મેં, ૧૯૯૬ના દિવસે કલ્વરીને ઓફિશિયલ રીટાયરમેન્ટ આપવામાં આવ્યું. હાલ એક ભવ્ય ભૂતકાળને સમાવતી આ સબમરીન વિશાખાપટ્ટનમના આર.કે. બીચ પર અવશેષરૂપે સચવાયેલી છે અને નવી પેઢીને પોતાના ભૂતકાળની ઝાંખી કરાવી રહી છે.

(૨) INS કરંજ (S-21):

આ S-21 કોડ પરથી કંઈ યાદ આવ્યું ? જરા દિમાગને કસીને કહો કે તાજેતરમાં ક્યાં જોયેલું ? ચાલો હિન્ટ આપી – એક હાઈ ક્લાસ્ડ ઇન્ડિયન અંદરવોટર ફિલ્મ ! કઈ ? જો હજુ પકડી ન શક્યા હો તો ફોડ પાડીએ. ફિલ્મ હતી ‘ધી ગાઝી એટેક !’ ઉત્સુકતાથી જોનાર વર્ગ હશે એણે તરત જ કોડ પર ફોકસ થયું હશે. ગયા વર્ષે રીલીઝ થયેલી આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ પર આધારિત હતી. ફિલ્મની કથા મહદઅંશે સાચી, પરંતુ ફિલ્મની મુખ્ય ‘હિરોઈન’ S-21 કોડ ધરાવતી કરંજ હરગીઝ નહોતી. સત્ય ઘટના મુજબ પાકિસ્તાની સબમરીન ગાઝીને દરિયાતળે મોકલનાર સબમરીન નહિ, પણ એક ફ્રિગેટ/મનવારો હતી ! થયું આશ્ચર્ય ? પરંતુ હકીકત આ જ છે.

ખેર, INS કરંજ ઉપર આવીએ તો કરંજ પણ પેલી કલ્વરી મુજબની જ સોવિયેત નેવી દ્વારા નિર્મિત ‘ફોકસટ્રોટ’ ક્લાસની સબમરીન હતી. કરંજનાં ઘણાં ખરાં લક્ષણો કલ્વરીને મળતાં આવતાં હોવાથી તેને કલ્વરીની ‘જોડિયા બહેન’ કહીએ તો ચાલે. બંનેની લંબાઈ સરખી, બંનેનું વજન લગભગ સરખું, બંનેની ઝડપ સુદ્ધાં એકસરખી.

સોવિયેત નેવી પાસેથી ખરીદીને ભારતે જાણે કલ્વરીની પ્રતિકૃતિ જ કાર્યાન્વિત કરી હતી. આટલાં બધાં ફીચર્સ સરખાં હતાં છતાં પણ સરકારે ખરીદી એનું કારણ શું હતું એ તો કોણ જાણે, પરંતુ કરંજ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે હુકમના એક્કો બની હતી. અલબત્ત તેની સાથે અન્ય તત્કાલીન સબમરીનોએ પણ યુદ્ધમાં ઓછા-વત્તા અંશે ભાગ લીધો હોય એ દેખીતી વાત છે.

છત્રપતિ શિવાજી મહારાજના એક ગઢનું નામ કરંજ હતું અને તેના પરથી આ સબમરીનનું નામ પણ કરંજ રાખવામાં આવ્યું હતું. ‘કરંજ’ મરાઠી શબ્દ છે જેનો અર્થ થાય આતશબાજી ! ફટાકડાની આતશબાજીની જેમ જ દુશ્મનોની આતશબાજી કરવામાં કદાચ કરંજનું નામ પંકાતું હશે એટલે જ આ નામકરણ થયું હશે !

કરંજને પણ ભારત લવાયા બાદ જરૂરી ફેરફારો કરીને પાછળથી ‘કલ્વરી’ ક્લાસમાં શામેલ કરી દેવામાં આવી હતી. INS કલ્વરીના ડ્યુટી પર આવ્યા પછીના બીજા જ વર્ષે INS કરંજ પણ ફરજ પર આવી ચૂકી. તારીખ હતી ૪ સપ્ટેમ્બર, ૧૯૬૯. કરંજ પણ, આગળ કહ્યું એમ, કલ્વરીની જેમ જ ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન હતી. અહીં પેટ્રોલનો એક બાધ હતો એ દ્રષ્ટિએ જુદી પડતી હતી. એ પણ લગભગ ૮૨૦ ફીટ ઊંડાઈને આંબી શકતી. અંદરની રચના પ્રમાણે રહેવા-કરવાના સામાન અને ૮ ઓફિસરો સહીત કુલ ૭૫ નાવિકો સમાઈ શકે તેવી વ્યવસ્થા હતી.

કરંજ અને કલ્વરી ક્લાસની બાકીની ત્રણેય સબમરીનો (કલ્વરી, ખંડેરી અને કુરશુરા) એ સમયે વિશાખાપટ્ટનમના INS વીરબાહુ સબમરીન બેઝ પરથી ઓપરેટ થતી. કરંજનો કમાન્ડ સૌ પ્રથમ કમાન્ડર એમ.એન.આર. સામંતના હસ્તક હતો.

૩૩ વર્ષનાં ખાસ્સા લાંબા કાર્યકાળ બાદ કરંજને ૧ ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ સેવાનિવૃત્ત કરી દેવામાં આવી. હાલ આ ભૂતકાલીન સબમરીનના અવશેષો કેવી સ્થિતિમાં છે અથવા તો મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે કે કેમ એ વિશેનો ઉત્તર અત્યાર સુધી કોરો રહ્યો છે. ભવિષ્યમાં કદાચ એના પર પ્રકાશ પથરાય એ બનવાજોગ ખરું.

ચાલુ વર્ષે, ૩૧ જાન્યુઆરીએ ભારતે લોન્ચ કરેલી સ્વદેશી બનાવટની ‘સ્કોર્પિયન ક્લાસ’ સબમરીનનું નામ પણ કરંજ રાખવામાં આવ્યું છે. આ નવી ઢબની કરંજ પાસે કેટલી શક્તિઓ છે એ પણ ફરી ક્યારેક જોઈશું.

(૩) INS ચક્ર (K-43):

INS ચક્ર ઉપરની બંને સબમરીનો (કલ્વરી અને કરંજ) કરતાં મુઠ્ઠી ઉંચેરી અને ચઢિયાતી કહેવાય, કેમ કે તેનાં sophisticated features/આધુનિક વિશિષ્ટતાઓ તેને ઊંચાઈ બક્ષતાં હતાં.

INS ચક્ર પર પણ ‘મેઈડ ઇન ઇન્ડિયા’ની મહોર નથી. તે પણ સોવિયેત નેવી/રશિયા પાસેથી ખરીદવામાં આવી હતી. તેનો ક્લાસ પણ કલ્વરી અને કરંજ કરતાં તદ્દન જુદો – ચાર્લી ક્લાસ હતો. સોવિયેત નેવીમાં તે વખતે આ ચાર્લી ક્લાસની દરેક સબમરીન ન્યુક્લિયર પાવર્ડ હતી અને ક્રૂઝ મિસાઈલ સિસ્ટમ ધરાવતી હતી.

‘ચક્ર’ને ભારત સરકારે ખરીદ નહોતી કરી, પણ તેને રશિયા પાસેથી ૧૦ વર્ષના ભાડાપટ્ટે લીધી હતી. અલબત્ત આ કરાર એક રીતે અત્યંત ફાયદાકારક હતો કેમ,કે ચક્ર અત્યંત ઘાતક કહી શકાય તેવી સબમરીન હતી. ન્યુક્લિયર પાવર્ડ હતી એ જ એનો પહેલો મોટો ગુણ હતો. ૧ સપ્ટેમ્બર, ૧૯૮૭ એ ભારતને તે ભાડાપટ્ટે સોંપવામાં આવી અને ૩ નવેમ્બર, ૧૯૮૮ના દિવસે વિશાખાપટ્ટનમથી તેણે કાર્યભાર સંભાળ્યો.

ભારતીય નેવી માટે એ વખતે ન્યુક્લિયર ક્રૂઝ મિસાઈલ ધરાવતી સબમરીન એ એક કૌતુક હતું. ન્યુક્લિયર સિસ્ટમથી ભારતીય નેવી બહુ ઓછી માહિતગાર હતી. એટલે ‛ચક્ર’નું આગમન થયું એનો બીજો મોટો ફાયદો આ હતો કે ન્યુક્લિયર પાવર બેઝ્ડ સબમરીનના ‛ઘરઆંગણે’ આવવાથી નેવી સંપૂર્ણરીતે તે સિસ્ટમથી માહિતગાર થઈ જવાની હતી. સોવિયેત નેવીના જણાવ્યા અનુસાર ચક્રનો કરાર ભારતીય નૌકાદળને તાલીમ આપવાના ભગીરથ કાર્ય અર્થે કરવામાં આવ્યો હતો. આથી ચક્ર જ્યારથી ફરજ પર લાગી એ દિવસથી તેમાં ભારતીય ઓફિસરોની સાથે સોવિયેત નેવીના ઓફિસરો પણ તેમની તાલીમાર્થે મોજૂદ રહેતા હતા. ખરું જોતાં INS ચક્રની મળતી તાલીમથી ભારતને સૌથી મોટો ફાયદો એ થયો કે ઈજનેરોએ ચક્રથી પ્રેરાઈને ભારતની સૌ પ્રથમ ઘરેલુ ઉત્પાદન જેવી INS અરિહંતનો આવિષ્કાર કર્યો જે સમય જતાં ભારતની ઉત્તમ સિદ્ધિ બની.

૧૦ વર્ષનો કરાર માત્ર ૪ વર્ષે અમુક કારણોસર પૂરો થયો અને ૩૦ જુલાઈ, ૧૯૯૨ ના દિવસે ‛ચક્ર’ને નિવૃત્ત કરવામાં આવી અને ત્યાર બાદ સોવિયેત નેવીને પરત મોકલી દેવામાં આવી. એનો કાર્યકાળ ભલે આટલો સિમિત રહ્યો હતો, પરંતુ આટલા ઓછા સમયમાં તેને લીધે ભારતીય નેવીને ઘણું શીખવા મળ્યું અને અનુભવો મળ્યા. સોવિયેત નેવીને સોંપાયા બાદ એક વર્ષે તેને સ્ક્રેપ તરીકે વેંચી દેવામાં આવી.

હવે ચાર્લી ક્લાસની ‛ચક્ર’ને નિવૃત્ત કર્યાના બરાબર વીસ વર્ષે ફરી એ જ નામે (INS Chakra 2) નવા અવતારને ૪ એપ્રિલ, ૨૦૧૨થી ઇન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવી છે અને બીજી ચમકાવનારી વાત એ કે આ ‛ચક્ર’ને પણ રશિયા પાસેથી ૧૦ વર્ષના ભાડાપટ્ટે લેવામાં આવી છે ! હવે જોઈએ, જૂની ચક્રની આ બહેન થકી આપણને કેટલોક લાભ સાંપડે છે.

- પરમ દેસાઈ

આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર માણવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED