સુખની ડાયરી Khajano Magazine દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખની ડાયરી

શહેરનો મુખ્ય ગણાતો વિસ્તાર એટલે 'ઝંડા ચોક'.આ ચોકના બરાબર કોર્નર પર જ કોર્પોરેશન બેન્કની મુખ્ય બ્રાન્ચ આવેલી છે.આ મુખ્ય બ્રાન્ચમાં મહેશભાઈ પટેલ પટ્ટાવાળા તરીકેની ફરજ બજાવે.તેમનુ કામ એટલે ખરેખર દાદ માંગી લે.સમગ્ર ઓફિસમાં દરેક કર્મચારીનાં તેમજ બેન્ક મેનેજરના પણ મહેશભાઈ સૌથી પ્રિય.તેનુ મુખ્ય કારણ તેમની પોતાના કામ પ્રત્યેની નિષ્ઠાવૃત્તિ અને કાયમી કોઈ ને કોઈ કામમાં પરોવાયેલા રહેવાની આદત.એ સિવાય જ્યારે પણ વચ્ચે વચ્ચે મોકો મળે ત્યારે સતત કામના બોજથી કંટાળેલા કર્મચારી મિત્રો સાથે કોઈ નાનકડી મજાક કરી કર્મચારીઓનાં ચહેરા પરના સ્મિતનું તેઓ કારણ બને.કોઈ વાર એકાદ બે શાયરી કહી સંભળાવે કે પછી કોઈ મુવીના ડાયલોગ કહી કર્મચારીઓનાં ચહેરા પર સ્મિત લઇ આવે.આ કારણે જ તેઓ ઓફિસમાં નોકરી શરૂ થયાના થોડા મહિનાઓમાં જ સૌના પ્રિય બની ગયા હતા.તેમનો આ સ્વભાવ જોઈને ઓફિસના અન્ય પટ્ટાવાળાઓને અને એકાદ બે કર્મચારીઓને પણ અંદરથી તેમનાં પ્રત્યે ઘણીવાર ઈર્ષ્યા ઉત્પન્ન થઈ આવતી.પરંતુ મેનેજર સાહેબને પણ મહેશભાઈના નિષ્ઠાપૂર્વક કામ વિશે અને રમુજવૃત્તિ વિશે પૂરો ખ્યાલ હોવાથી અન્ય પટ્ટાવાળાઓ તેમની કોઈ ચાડી ચુગલી કરતાં તો પણ તેની કોઈ અસર જોવા મળતી નહીં..

મહેશભાઈના દરેક કપડાની પસંદગી તો એકદમ ટોપ કવોલિટીની જ હોય.આકર્ષક પેન્ટ શર્ટ અને તે શર્ટમાં મદમદતિ સુગંધ ધરાવતું પરફ્યુમ લગાવેલું, તેમજ પગમાં પણ આકર્ષક શૂઝ પહેરેલા હોય.હર કોઈને ઘડીક વાર તો વિચારતા કરી મુકે કે ખરેખર આ વ્યક્તિ પટ્ટાવાળા છે કે અમને કોઈ ગલત ફેમી થાય છે? તેવું આકર્ષક તેમનુ વ્યક્તિત્વ.

તેઓ હંમેશા એક જ વાત કહે કે "વિચારો તો ઉંચા જ રાખવાના પછી ભલે તેઓ પૂરા થાય કે પછી તેમને પૂરા કરવામાં લાંબો સમય લાગી જાય પણ વિચારવું તો ઊંચું જ".આ વાત તેમના પિતા પાસેથી શીખવા મળી હતી.

તેમની ઉંમર પાંત્રીસ વર્ષની.બહું વધારે ભણેલા ન હતાં પરંતુ ભણેલા લોકો પણ તેમની પાસે ગોથા ખાઈ જાય તેટલું ગણેલા જરૂર હતાં.નાની ઉંમરે ઘરની અને મા-બાપની જવાબદારી આવી ગઈ હોવાથી ૧૦ મું ધોરણ પુરૂ કરીને અભ્યાસ છોડી દીધો હતો.આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ ૨૧ વર્ષે જ તેમનાં લગ્ન કરી દેવાયા હતાં તેથી જવાબદારીમાં હજુ વધરાનો ઉમેરો થયો.

બેંકમાં પટ્ટાવાળાની નોકરીએ લાગ્યા તેને તો હજુ એક વર્ષ જ થયુ હતુ પરંતુ એક વર્ષમાં તો તેમણે સૌના દિલ જીતી લીધાં હતાં.તેઓ ભલે ૧૦ ધોરણ ભણ્યા હતાં પરંતુ હંમેશા કાંઈક નવું શીખવા માટે ઉત્સાહિત જ રહેતાં.પોતાના કામમાંથી જ્યારે પણ ફુરસદનો સમય મળે એટલે તેઓ બેન્કનાં ક્લાર્ક મેહુલભાઈ પાસે પહોચી જાય અને તેમની પાસે તેઓ કોમપ્યુરમાં શરૂઆતમાં કોમ્પ્યુટર ચાલુ બંધ કરતાં અને થોડુ ટાઈપ કરતાં, પછી ધીરે ધીરે એકસલમાં ડેટા એન્ટરી કરાવાનું પણ શીખતા,તો વળી કોઈ વાર બપોરે લંચ બ્રેકમાં કે પછી સાંજે પણ એકાદ કલાક વધારે રોકાઈને તેઓ કોમ્યુટરમાં હજુ કાઈ નવું નવું શીખતાં કે પછી નવા આવેલા નેહલ મેમ પાસે રોજિંદા વ્યવહારમાં કામમાં આવતું બેઝિક અંગ્રેજી પણ શીખી લેતા.

બેંકમાં આવતાં અન્ય લોકોનાં પણ તેઓ ખૂબ પ્રિય બની ગયા હતાં.હંમેશા તેમનાં ચહેરા પર અન્ય લોકોનું મન મોહી લે તેવું સ્મિત હોય.કોઈ ચિંતા આવી પડે તો પણ તેઓ કહે:"ઉપરવાળો છે ને આપણી સાથે પછી શું ચિંતા કરવાની જરૂર છે?, નિષ્ઠાપૂર્વક કામ કરતા રહીએ ઉપરવાળો જોવે જ છે.તે આપણે કરેલા કામ કરતા હજાર ગણું ફળ આપસે.બસ ક્યારેય તેને છેતરજો નહીં.તમને મળેલું કામ પુરી નિષ્ઠાથી અને તમારુ સર્વસ્વ આપીને કરજો ઉપરવાળો ક્યારેય તમને દુઃખી થવા નહીં દે".તેઓ ભલે ઓછું ભણેલા હતાં પરંતુ ફિલોસોફીમાં તો જાણે P.hD કરી લીધી હોય તેવું લાગતું.તેઓ જે કહેતાં તે કામ કરતાં પણ ખરાં.

એક દિવસ લગ્નની કંકોતરી આપવા માટે બેન્ક મેનેજર ત્રિવેદી સાહેબ અને તેમનાં પત્ની મહેશભાઈનાં ઘરે આવ્યાં ત્યારે મહેશભાઈનાં પત્ની તેમનાં બે નાનકડા જુડવા બાળકો સત્યમ અને શિવમને વાર્તા સંભળાવી અને દરરોજ સવારે ભગવાનને પ્રાર્થનામાં શુ બોલવાનું તે સમજાવી રહ્યાં હતાં.

ત્રિવેદી સાહેબને આવતાં જોઈને જ શરલાબેન બોલી ઉઠ્યા:"અરે આવો આવો સાહેબ.

કેમ છો? બેસો.

બેટા! સત્યમ શિવમ સાહેબને રામ રામ કરો એટલું કહેતા જ બન્ને જૂડવા ભાઈઓ સાહેબને અને તેમની સાથે આવેલા તેમનાં પત્નીને રામ રામ કરી અને પગે લાગ્યા.સાહેબ તો રાજીનાં રેડ થઈ ગયા કે 4 વર્ષના નાનકડા છોકરાઓને આટલી ગજબની સમજણ!સાહેબએ તો બંન્નેને પોતાના ખોળામાં લઈ લીધાં અને રમાડવા લાગી ગયા.અરે મહેશભાઈ ક્યાં ગયા અમે ખાસ તો તેમને મળવા માટે આજે આવ્યાં હતાં.

"એ તો હમણાં તેમનાં એક મિત્ર હોસ્પિટલમાં દાખલ છે તેમને મળવા માટે ગયા છે બસ હવે આવવા જ જોઈએ થોડી વારમાં". મહેશભાઈના પત્ની શરલાબેન એ જવાબ આપ્યો.

"હું તેમને હમણાં જ ફોન કરીને પૂછી લઉ, કેટલી વારમાં ઘરે આવે છે?"

સાહેબ અને તેમના પત્ની ખુરશી પર બેઠા.

"સાહેબ એ તો કહો તમે શું લેશો ચાય કે શરબત?"

"અરે શરલાબેન અત્યારે કાંઈ જ ન બનાવતા, હમણાં જ ઘરેથી ચાય પીને આવ્યાં છીએ."

"અરે ના ના સાહેબ અમારાં ઘરેથી કોઈ ચાય કે શરબત પીધા વગર જાય તો તો પછી અમને બહુ દુ:ખ થાય, તમે ઘરે આવ્યાં છો તો તમારે કંઈક તો લેવું જ પડશે પછી હવે તમે ક્યારે ફરી પાછા આવવાના? શરલાબેનનો આગ્રહ અને મહેમાન પ્રત્યે તેમનો આટલો બધો પ્રેમ જોઈને સાહેબે કહ્યુ:" તો ચલો આજે તમારા હાથનો શરબત પીએ.આમ પણ ઘણાંબધા દિવસોથી ઓફિસમાં ચાય પીને હવે તો કંટાળ્યા છીએ આજે કાંઇક નવું જ કરીએ."

થોડી જ વારમાં શરલાબહેન રસોડામાંથી એક આકર્ષક ડિઝાઈનવાળી ટ્રેમાં લીંબુ નો શરબત ભરેલા સરસ મજાના કાચના ડિઝાઇનવાળા ગ્લાસ લઈને આવ્યાં અને સાહેબને અને તેમનાં પત્નીને લીંબુ શરબત આપ્યો.

"વાહ! આની ડિઝાઈન તો ખૂબ આકર્ષક છે." ત્રિવેદી સાહેબના પત્નિ બોલ્યા.

"મેડમ આ સરસ મજાના ગ્લાસ અને ટ્રે તમારાં ભાઈને તેમનાં એક મુંબઈ રહેતાં મિત્રએ અમારા લગ્ન વખતે ભેટમાં આપ્યાં હતાં." શરલાબેન બોલ્યા.

"એમનો હમણાં જ ફોન આવ્યો હતો કહ્યુ કે બસ થોડીક વારમાં જ આવે છે આ અહિયાં નાકે પહોંચ્યા એવું કીધું એમણે."

"સાહેબ તમારાં ભાઈ, હું અને આ બે બાળકો ખૂબ સુખીથી રહીએ છીએ, એયને મજાની જીંદગી જીવીએ આપણે બીજા કોઈની ઉપાદી જ નહીં કરવાની ને આપણી પોતાની મસ્તીમાં જીવવાનું.બીજાની સાથે સરખામણી કરીએ તો દુઃખી થઈએ ને? કેમ બરાબરને સાહેબ?" શરલાબેન એ સાહેબને પુછ્યું.

સાહેબએ પણ હા માં હા મિલાવી.અને વાત આગળ ચાલી.

"બેન્કમાંથી તમારા ભાઈને મળતા પગારમાંથી અમારુ ઘર ખૂબ સારી રીતે ચાલે છે, મજાનાં ચારેય જણા ખૂબ પ્રેમ થી ન જીવીએ? શા માટે કોઈક જીવે એમ જીવીને ઉપાદી હાથમાં લેવી.ઘર કામ કરીને નવરાશનો સમય મળે એટલે આ બાળકોને નવી નવી વાર્તા સંભળાવું.શિવાજી, સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, ગાંધીજીની વાતો તેમને સંભળાવું અને તેમને સારાં સંસ્કારો વિશે વાત કરુ.તેમને અંગ કસરતનાં દાવ પણ શીખવાળુ."

"લ્યો આવી ગયાં તમારાં ભાઈ."મહેશભાઈને ઘરમાં પ્રવેશ કરતા જોઈને શરલાબેન બોલ્યા.

મહેશભાઈ ઘરમાં આવીને જ પહેલા ત્રિવેદી સાહેબ સાથે હાથ મિલાવ્યો, મેડમને પણ હાથ જોડી રામ રામ કર્યા અને બેસવા માટે આમંત્રણ આપ્યું.

"કેમ છો સાહેબ? આજે અચાનક આ બાજુ નીકળી આવ્યાં?"

"હા.. મારા મોટા છોકરાં મિતુલનાં મેરેજની કંકોતરી આપવા માટે ખાસ તમારા ઘરે આવ્યાં હતાં.તમે એક વ્યક્તિ મને આપણી સમગ્ર ઓફિસમાં મળ્યાં છો કે તમને જોઈને અને તમારી સાથે થોડી વાર પણ વાત કરીને મારો કામનો બધો જ બોજ અને તણાવમાં ઘણી રાહત મળી જાય છે.માટે તમને તો હું ખાસ કંકોતરી અને આમંત્રણ આપવા માટે તમારા ઘરે મારી પત્નીને લઈને આવ્યો છું.તમારી પત્નીનો સ્વભાવ પણ ખૂબ જ સરસ છે, તમારી જેમ તેઓ પણ વાતોડિય સ્વભાવના છે.ખરેખર તમારાં ઘરે આવીને મજા પડી ગઈ."

સાહેબને વિનંતિ કરતા મહેશભાઈએ કહ્યુ "સાહેબ તમને વાંધો ન હોય તો હું દશ મિનીટમાં મારૂ એક નાનકડું કામ પુરુ કરી લઉ આપને મોડું ન થતુ હોય તો?"

"અરે હા! હા! જરૂર મહેશભાઈ બિન્દાસ તમે તમારુ કામ પતાવી લ્યો, આપણે કોઈ જ ઉતાવળ નથી આમેય આજે તો હવે અમે તમારા ઘરે જમીને જ જશું ખરેખર તમારા ઘરે આવીને એક અલગ જ આનંદ મેળવ્યો છે જે લગભગ મારી અત્યાર સુધીની જિંદગીમાં મેં આવો પ્રેમ કોઈના ઘરે નથીં મેળવ્યો."

મહેશભાઈએ ઓસરીનાં દરવાજા પાસે રહેલા એક નાનકડા એવા લાકડાના કબાટમાંથી એક બુક કાઢી તે બુક સાથે લઈ અને ઓરડામાં રહેલી પોતાની ખુરશી પર બેસી એક્દમ નિરાંતે શાંતિથી 5 મિનીટ પોતાની આંખો બંધ કરીને બેઠા રહ્યાં પછી 10 મિનીટ સુધી તેમણે સતત એ બુકમાં કંઈક લખયે રાખ્યું પછી એ ફરી પાછા બે ત્રણ મિનીટ શાંત બેસી રહ્યાં અને પછી તેઓ આ બુક ફરી પાછી તેં લાકડાના કબાટમાં મુકી દીધી.

મેનેજર સાહેબ તો આશ્ચર્યમાં પડી ગયા તેમનાથી પૂછ્યા વગર નાં રહેવાયું એટલે સાહેબે તેમને પૂછી જ લીધુ કે મહેશભાઈ "ઘરમાં આવતાં વેંત જ તમે બુક લઈને તેની અંદર શું લખ્યું ?"

મહેશભાઈ એ ખૂબ શાંતિથી સમજાવ્યું કે" સાહેબ મારા ચહેરા પરનું સ્મિત અને મારા દિલની ખુશી માટેનું તેમજ સૌની સાથેના પ્રેમભર્યા વર્તનનું અને અમારાં પરીવારના બધા જ લોકો ખૂબ ખુશ હાલ રહે છે તેનુ કારણ આ એક જ બુક અને આ પેન છે."

"સાહેબ હું આપની ઓફિસેથી અને બહારના બધા જ કામ પતાવીને ઘરે આવું એટલે પહેલા જ આ બુક અને પેન હાથમાં લઉ છું, પછી મારી ટેબલ પાસે જઇ ખુરશી પર બેસી મેં આખા દિવસ દરમિયાન જે કાંઇ સારુ કામ કર્યું હોય, મારાથી કોઈ ભુલ થઈ ગઇ હોય કોઈને મારા લીધે દુ:ખ થયુ હોય કે મને કોઈનું કોઈ વાત માટે ખોટું લાઞી ગયુ હોય જીવનમાં આવતી બધી જ તકલીફો સુખી પળો દુઃખી પળો યાદગાર ઘટનાઓ દિવસો એ બધુ જ હું ઘરે આવીને આ બુકમાં લખી નાખું છું અને જે કાંઇ પણ ચિંતા દુ:ખ સુખ જે અનુભવ થયા હોય એ બધુ સાંજે ઘરે આવીને આ બુકમાં લખી ને પછી આ કબાટમાં મુકી દઉં એટલે આખા દિવસનો થાક ચિંતા બધુ જ મનમાંથી નીકળી ગયુ પછી ભગવાને આપેલી સુંદર મજાની જીંદગી આ મારા પરિવાર સાથે માણુ છું."

"ફરી સવારે તો પાછું ઓફિસે આવી જાઉં એટલે ત્યાં આપના સ્ટાફનાં બધા જ લોકો સાથે પ્રેમથી કામ કરવાનું."

ત્રિવેદી સાહેબ અને તેમનાં પત્ની મહેશભાઈના પરિવાર સાથે જાણે કે પોતાનો જ પરિવાર હોય તેમ ભળી જઈ રાત્રીનું ભોજન લીધુ.શરલાબહેને ખૂબ પ્રેમથી બધાયને બાજરાનો રોટલો,રીંગણાંનો ઓળો,લસણની ચટણી, અને સરસ મજાની ગાયના દૂધમાંથી તાજી બનાવેલી છાશ પીરસી.જમતી વખતે ત્રિવેદી સાહેબ એકદમ ભાવવિભોર થઈ ગયા અને ગળે ભરાઈ આવેલા ડુમા સાથે તેમણે મહેશભાઈને કહ્યુ :"મહેશભાઈ મે આજ સુધી ક્યારેય કોઈને આ વાત નથી કરી પરંતુ આજે તમારી એક વાત એ મને ઘણુ બધુ શીખવી દીધું એટ્લે હું આપને કહી રહ્યો છું: " હુ ભલે બહારથી ગમે તેટલો ખુશ દેખાતો હોઉં, મારી પાસે ફોર વ્હીલર કાર છે, સરસ મજાનો બંગલો છે, ઘરે નોકર ચાકર છે પરંતું હુ માનસિક રીતે ખૂબ દુઃખી છું."

"ઉપરવાળાનો હું ખૂબ આભારી છું કે તેણે મને સદબુદ્ધિ આપી અને આજે હું તમારાં ઘરે આવ્યો અને ખૂબ બધુ નવું શીખ્યો નવું જાણ્યો.જીવન જીવવાનો એક નવો રસ્તો મળ્યો, મારા પરિવાર જનોને સુખી રાખવાનો એક નવો રસ્તો આપે મને આપ્યો છે.હુ આજથી અને અત્યારથી જ મારા જીવનની નવી શરૂઆત કરૂ છું અને મારા જીવના રોજનું કાર્ય, જીવનનું સુખ દુ:ખ લખવા માટે તમારાં હાથે જ હુ એક કોરી બુક અને એક પેન લઈશ અને તમે આપેલી એ બુક અને પેન વળે હુ મારી નવી જીંદગી વિશે લખવાની અને મસ્ત જીંદગી જીવવાની શરૂઆત કરૂ છું."

- ભાવિક ચૌહાણ

'ખજાનો' મેગેઝીનના અંકો વાંચવા મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com