Dariyai varta - Bhaibandhi books and stories free download online pdf in Gujarati

દરિયાઈ વાર્તા - ભાઈબંધી

દૂર ઘૂઘવતા મહાસાગરમાં સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. લાલ ચટાકેદાર રંગે રંગાયેલ સૂર્ય હમણાં સમુદ્રમાં ગળકાવ થઈ જશે એવું લાગતું હતું. સમગ્ર આકાશમાં ફેલાયેલી લાલીમાને લીધે દરિયો રક્તવર્ણો લાગી રહ્યો હતો. મીઠા, ઠંડા પવનને લીધે દલપતનું વહાણ ઊછળતું કૂદતું આગળ વધી રહ્યું. રોજ કરતા આજે પવન થોડો ઓછો હોય તેમ લાગ્યું એટલે દલપતને ચિંતા ઓછી હતી. તે મોરા આગળ બેસી સૂર્યાસ્તના આ અલૌકિક દૃશ્યને માણી રહ્યો. આમતો, દલપત પોતાના વહાણનું સુકાન બીજા કોઈને ક્યારેય ન સોપે. ગમે તેવા ભયંકર, તોફાની વાતાવરણમાં પણ તે વહાણનું સુકાન બાહોશ લીડરની અદાથી સંભાળી લેતો.

તેના વહાલા વહાણનું નામ ‘સમુદ્રમંથન.’ એટલે ક્યારેક હળવા મજાકમાં તે લોકોને કેહતો ખરો: “ આ સમુદ્રમંથન છે હો ભાઈ, સાગરને વલોવીને પણ માછલા લઈ આવે .....”

ગામ આખામાં દલપત એક સાહસિક અને તોફાનો સામે ટક્કર ઝીલનારા બહોશ ખારવા તરીખેની છાપ ધરાવતો. ગમે તેવા કપળા સંજોગોમાં પણ તે તેના વહાલા વહાણને કિનારે પોહચાડી દેતો. ખલાસીઓ પણ ‘સમુદ્રમંથન'માં ધંધો કરવા પડા પડી કરતા કારણ કે, દલપત પોતે વહાણમાં સુકાની તરીખે રેહતો. દિલનો ભોળો, શરીરમાં ઊંચો પણ હિંમત તેના બાપની. જ્યારે તોફાનના ડરથી બીજા વહાણો કિનારે પડ્યા હોય ત્યારે સમુદ્રમંથન ભરપૂર ફિસિંગ લઈને આવે, ત્યારે જોનારા ચકિત થઈ જાય અને ઈર્ષાળુ બળીને બેઠા થાઈ !!

દસ વર્ષ પહેલા દલપતે જ્યારે આ વહાણ લીધું ત્યારે ગામના બધા જ ઠેકડી કરતા: “દલપત આ હું ગાંડપણ કર્યુ ? હાથે કરીને કુહાડી પગ ઉપર મારી !! મારા ભાઈ વહાણની હાલત તો જો. એક વીર* પણ નહિ હાલે આ. કોઈને પૂછતો હોય તો ભલા મા’ણા.” બિચારો દલપત નીરાશ થઈ જતો. ધીમા કરમાયેલા અવાજે માંડ બોલી શક્તો.

’’હવે, મારા નસીબ ભાઈ... બીજુ હું ?”

કિનારે લાંગરેલા તે ભંગાર જેવા લાગતા વહાણના મોરા આગળ લખેલ ‘સમુદ્રમંથન’ નામ પર તેણે હળવેકથી હાથ ફેળવેલો અને મન મક્ક્મ કરી મનોમન સંકલ્પ કરી લીધો: “હવે દરિયાદેવ કરે ઈ હાસુ....’’

પછી તો એક સામાન્ય ખલાસીમાંથી દલપત ક્યારે સારા સારા ટંડેલોની હરોળમાં આવી ગયો તેની ખબર જ ન પડી. સમયચક્ર ફરતું રહ્યું અને દરિયાદેવની મહેર થતી રહી. દલપતને ખુદને હવે દરિયો ખેડવાની કાંઈ જરુર નહોતી પણ પોતાના વહાણ પ્રત્યે જોડાયેલી તેની ‘ભાઈબંધી’ તેને વહાણમાંથી ઊતરવા નોહતી દેતી. મધદરિયે હિલ્લોળા લેતું સમુદ્રમંથન પહાડી મોજા પર પછડાતું ત્યારે દલપતને લાગતું જાણે તેનો મિત્ર તેને હિચકો નાખતો ન હોય !! મનમાં સહેજે ડરનો અહેસાસ ન થાય કે, મારુ વહાણ પછડાટથી પાણીમાં માથું મારી જસે તો ? અથવા આ પહાડી મોજો વહાણમાં ચઢી જશે તો? પોતાના વહાણ પરનો દૃઢ વિશ્વાસ તેને તોફાનો સામે ઝઝૂમવાની શક્તિ આપતું.

રાતના અંધારા ચારેકોરથી ઊતરી રહ્યા. જોત જોતામાં ચોમેર ઊછળતા મોજા અને કુવાસ્તંભ પર ફરકતી વાવટીના અવાજો સિવાય બધુ શાંત થઈ ગયું. વહાણની ગતિમાં પણ વધારે થયો. દલપતના માનસપટ પર ભજવાતા ભુતકાળના દૃશ્યો હજી સમપ્ત થાય ત્યાંતો બોયું* આવી ગયું. ખલાસી બધા તૈયારીમાં લાગ્યા.

“ચાલો...હેરિયા* કાઢો.” સુકાન મરોડતા દલપતે ખલાસીને સુચના આપી.

પાણીના પ્રવાહનો વેગ ખુબ જ તેજ ગતિથી વધી રહ્યો હતો. ખલાસીના મનમાં પણ થોડો ગભરાહટ સર્જાયો.

”ઊતાવર કરો બધી, પાણી બહુ લાગેશ..” દલપતના અવાજમાં થોડો ગુસ્સો ભર્યો હોય તેમ લાગ્યું. તે ઉતાવળે પગલે સુકાન મૂકી આગળ આવ્યો. ખલાસી સાથે જાળને પાણીમાં નાખવા લાગી ગયો. બધા તેના ઈશારે કામ કરતા રહ્યા. જાળ સાથે બાંધેલા મજબુત દોરડા સડસડાટી કરતા પ્રવાહ સાથે તણાંતા હતા. એકાએક દલપતના મુખમાંથી ચીસ નીકળી ગઈ. એક જોરદાર આંચકા સાથે તે પાણીમાં પટકાયો. જાળ સાથે ખેંચાતા દોરડામાં તેનો પગ અટવાયો અને પાણીના પ્રવાહ સાથે પળવારમાં તે દૂર ફંગોળાઈ ગયો. અંધારી રાતના આછા ટમટમતા તારલાથી ઝબૂકતા આકાશ નીચે, દલપત પ્રચંડ મોજાઓ પર તરતો રહ્યો. ખલાસીના મુખમાંથી આહ નીકળી ગઈ. જોતજોતામાં દલપત ખૂબ દૂર તણાઈ ગયો. તેની એકાદ ચીસ સંભળાઈ ન સંભળાઈ ત્યાં તો તે અફાટ મહાસાગરમાં દેખાતો બંધ થઈ ગયો. વહાણમાં અફરાતફરી મચી ગઈ. દરેકનો જીવ તાળવે ચોટી ગયો. બીજા એક બાહોશ ખલાસીએ સુકાન સંભાળી લીધું. દલપતની દિશા તરફ ત્વરાથી વહાણ મારી મૂક્યું પરંતુ અફસોસ કે, ઘોર અંધારી રાતમાં દલપતનું કાંઈ એંધાણ ન મળ્યું.

દલપત દરિયામાં ઊછળ્યો તે સાથે જ બને એટલી સ્ફુર્તીથી પગમાં વિટળાયેલું દોરડું કાઢી નાખ્યું. વેગવંતા પાણીના પ્રવાહ સાથે ત્યાં સુધીમાં તો તે ખૂબ દૂર નીકળી ગયો. પરિસ્થિતિની ગંભીરતા હજી મગજમાં ઊતરે ત્યાં તો વહાણની લાઈટો ઝાંખી થવા લાગી ! દલપતના દર્દીલા ચીસકારા ખારા પાણીમાં જ ગરકાવ થવા લાગ્યા. તેણે પહેરેલું સ્વેટર કાઢી હવામાં ઊછાળ્યું. ઠંડાગાર પાણીને લીધે શરીર ઠૂઠવાતું લાગ્યું. ‘સમુદ્રમંથન’ પરના ગભરાયેલા ખલાસી, અધ્ધર જીવે હાથબત્તીથી ચારેકોર પ્રકાશના સેરડા પાડતા રહ્યા. ઊછળતા મોજા પર તણખલા જેમ વલખાં મારતો દલપત કોઈની નજરમાં ન ચઢ્યો. દરેકના જીવ તાળવે ચોટ્યા, પળભરમાં સન્નાટો છવાય ગયો. ખૂબ જ શોધખોળ પછી દલપતની ભાળ મળી પણ અફસોસ....!!!! તેના શરીરમાં ચેતનાનો સંચાર નોહતો થતો, તેનું ખડતલ શરીર હવે લાશ બની ચૂક્યું હતું. સૌના હૈયા વલોવાઈ ગયા. દલપતના મૃત શરીરને તેન પ્રાણપ્યારા વહાણના સથા* ઉપર સુવડાવવામાં આવ્યું. ખલાસીના હૈયાફાટ રુદન સાથે ‘સમુદ્રમંથને’ બંદરની વાટ પકડી.

વાયરલેશથી બંદરમાં જાણ કરવામાં આવી. કિનારે અસંખ્ય ખારવાઓના ટોળે ટોળા ઊમટી પડ્યા હતા. પોતાના વહાણને પોતાનો ‘ભાઈબંધ’ કેહનાર દલપતના મૃત શરીરને લઈને તેનું વહાલું વહાણ આજે કિનારે આવ્યુ હતું. ઊછાળા મારતો દરિયો પણ ધ્રુજી જાય તેમ પરીવાર જનો આક્રંદ કરી રહ્યા. વહાણનો મોરો* આજે પાણીમાં વધુ ડૂબી જતો હોય તેમ લાગ્યું. ભાઈબંધના મૃત્યુ માટે ખુદ જવાબદાર હોય તેમ વિકરાળ મોજા પર વહાણ આપમેળે પછડાટ લઈ જાણે હૈયાવરાળ ઠાલવતું હતું.

“ પહેલા જ કીધુતું દલપતને, આ વા’ણ તને નહિ હદે. પણ માન્યો જ નહિ...’’ દલપતના એક સબંધીએ વેદના ઠાલવી.

“ મારી નજર હામે સળગાવી દીયો એને...મારા ધણીને ભરખી ગયું ગોઝારૂ..” આક્રંદ કરતી દલપતની પત્ની ચિત્કાર કરી રહી. આંખો સામે અન્ધારા ઊભરાયા હોય તેમ તે અર્ધબેભાન અવસ્થામાં ઢળી પડી. પંદર વર્ષંનો વિમલ માતાના આંચલમાં આંસુ સારી રહ્યો. સમુદ્રમંથનના સથા પર નિષ્કિર્ય પડેલા પિતાના મૃત શરીરને જોતા તેના પગ ધુજી ગયા.

મહિનાઓ સુધી વહાણ કિનારે પડતર હાલતમાં પડી રહ્યું. વહેમી લોકો વહાણમાં ચઢવા પણ તૈયાર થતા નહિ. દલપતના મોત પછી બધાના મનમાં વહેમ ઘર કરી ગયો કે, ‘આ વહાણે જ દલપતનો ભોગ લીધો, હવે તેમા કોણ ધંધો કરે ?’ સમયની સાથે અવાવરું બનેલું સમુદ્રમંથન બધાને ભયાનક અને ડરામણું લાગવા માંડ્યું. દિવસો પસાર થતા રહ્યા, વહાણનો ભુતકાળ લોકોમાં ડર ફેલાવતો રહ્યો, સમયચક્ર ફરતું રહ્યું અને લગભગ બે વર્ષમાં તે વહાણ ભેંકાર અને ભંગાર બની ગયું. તેની આસપાસ હવે કોઈ બાળક સુધ્ધા ફરકતું નહિ. કોઈ કોઈ તો વળી ત્યાં સુધીની અફવા ચલાવી કે, ‘રાતે વહાણમાં દલપતના ડરામણા અને ભયાનક અવાજો આવે છે...!!’ દલપતની પત્ની તો વહાણને જોવા સુધ્ધા રાજી ન હતી. વિમલ પણ વહાણને ‘ગોઝારૂ’ ગણતો !!

ગામમાં તો વહાણને કોઈ ખરીદે તેની સંભાવના નહિવત હતી. સગા-સબંધીના ઘણા પ્રયાસો પછી બાજુના બંદરના કોઈ અજાણ્યા શખ્સે વહાણને સસ્તા ભાવે ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો: “ હાસ, સારું થયું ઈ ગોઝારું વા’ણ આપણા ગામમાંથી તો ગયું !!”

વિમલ હવે યુવાન થયો હતો. ખારવાનો દીકરો એટલે દરીયા સાથે તો લગાવ હોય જ. જોકે, પૈસે ટકે તો પરિસ્થિતિ સારી હતી પણ તેની માએ વહાણમાં ચઢવાના આગ્રહ કરતા મક્કમતા દાખવી: “ બેટા, તારા બાપને તો ઈ વા’ણ અને દરીયો ભરખી ગયું.... પન મારે હજી જોવું છે કે ઈ દરિયોપીર મારી અને મારા દીકરાની કીવી કસોટી કરે છે !” ગળામાં અટવાતા શબ્દો માંડ નીકળ્યા અને તેમનાથી ઊંડો નિસાસો નખાય ગયો. ભુતકાળનો તે ઘાવ હજી તાજો જ હોય તેમ નસો નસમાં લોહી ઊકળી ઉઠયું. તેણે દૃઢતાથી ઉત્તર આપ્યો: “મા, હું આ વરસે જ વા’ણમાં ચઢી જાઈશ” થોડીવાર અટકી તેણે ખુમારીથી ઉમેર્યુ: “ મારા બાપની સમાધી પર ફૂલ ચઢાવવા, મારે દરીયામાં તો જાવું જ પડશે”

“ મારા દીકરા. મા સિકોતર તારા રખોપા કરશે. આપણે તો ખારા પાણીના મા’ણા, દરિયા વગર તો હાલે જ નહીં !!”

વિમલ ખલાસી તરીખે વહાણમાં ચઢ્યો ત્યારે ઘણાએ ટીકા કરી: “ શું જરુર છે દીકરાને વા’ણમાં મોકલવાની ? દલપત તો હાલ્યો ગ્યો બીચારો. આ એકનો એક દીકરો પન વા’લો નથી લાગતો બાઈને !”

વિમલ પણ બાપ જેવો જ હિંમતવાન અને સાહસી. દરીયાદેવ પણ જીદે ચઢ્યા હોય તેમ, એક દિવસ ઓચિતું વિમલના વહાણમાં પાણી ભરાતું હોય તેમ લાગ્યું. સવારના સોનેરી કિરણો હજી માંડ આકાશમાંથી ફૂટયા હતા ત્યાં અણધારી આ ઘટના આકાર લઈ રહી. વહાણમાં ઊભરાતું પાણી સતત વધતું રહ્યું. કદાવર મોજાની પછડાટથી વહાણની નીચેનું એક પાટિયું તૂટી ગયુ હતું. આસપાસ કોઈ મદદ માટે કોઈ અન્ય વહાણ પણ ન દેખાયું. ખલાસી બધા પાણીને રોકવાના વ્યર્થ પ્રયાસમાં લાગ્યા હતા પરંતુ પાણીને રોકવું હવે અશક્ય જેવુ લાગ્યું. વાયરલેશ પર સુકાનીએ સન્દેશો વેહતો કર્યો. તરત કોઈ વહાણ મદદ માટે આવી પહોંચે તેવા સંકેત તો હતા જ નહીં. હવે શું કરવું ? જોતજોતામાં અડધું વહાણ પાણીથી ભરાઈ ગયું. જીવ બચાવવા હવે ક્યાં જવું ? સર્વત્ર ઘુઘવતો મહાસાગર વિકરાળ મુખ ફાડી બેઠો હોય તેમ લાગી રહ્યો. દરીયાના પાણી ઊંડાણમાં કંઈક કાવતરૂં ઘડતા હોય તેમ ગહેરી શાંતિમાં ડૂબી ગયા. ગભરાયેલા ખલાસી મનોમન ભગવાને પ્રાર્થના કરવા લાગ્યા. બધાના જીવ તાળવે ચોટી ગયા ! જે હાથમાં આવ્યું તેનો સહારો લઈ બધા જ કુદરત ભરોસે પાણીમાં કૂદી પડ્યા. એકબીજાનો હાથ પકડી, પોતાના ડૂબતા વહાણને અનિમેષ નજરે તાક્તા રહ્યા. છુટોછવાયો સામન જ્યાં ત્યાં તરતો રહ્યો. એકબીજાને હિંમત અપતા તેઓ તરતા રહ્યા. કલાક....બે કલાક...સાત કલાક.... અને હિંમત અને ધીરજ ખુટતી ગઈ. વિમલ પણ અફાટ મહાસાગરમાં એકલો અટુલો ડૂબકા લેતો રહ્યો. સુર્યાસ્ત સાથે કેટલીય જીંદગી અસ્ત પામી ! મોજાની સાથે ખારું પાણી પી જતો વિમલ હવે અંદરથી હવે તુટી રહ્યો. પળભર તેને પોતાના પિતાની સ્થિતિ વિષે કલ્પના કરતા આંખો બંધ કરી. રાતના અંધારા ઢગલે ઢગલા ઠલવાય રહ્યા.

દૂર કોઈ વહાણની આછી લાઈટોનો આભાસ વિમલને થયો. પગમાં એકાએક હિંમત આવી ગઈ ! તેણે હિંમતપુર્વક રાડો પાડવી શરૂ કરી. મજબૂત લાકડાના સહારે તે તરતો રહ્યો એટલીવારમાં તે વહાણ નજીક આવી ગયું.

“અરે, જો દેખાય. તાં કોઈ છે !” પેલા વહાણના ખલાસીએ બૂમો પાડી.

વિમલનું હૈયુ અસ્તવ્યસત ધડકારાથી ધબકતું રહ્યુ. બીજા બે ચાર ખલાસીએ ડૂબકી મારી વિમલને વહાણમાં ચઢાવી લીધો. અત્યાર સુધી સાચવી રાખેલી ધીરજ એકાએક ખુટી પડી અને તે બેભાન જેવો બની ગયો. આસપાસ ખૂબ શોધખોળ પછી વહાણ બંદર તરફ રવાના થયું.

કિનારે ઊમટેલા કેટલાક લોકોના ચહેરા પર આછી ખુશીની લહેરખી ઉપસી આવેલી, જ્યારે મોટા ભાગના લોકોના ચહેરા દયામણા અને કરમાયેલા લાગ્યા કારણ કે, અન્ય ખલાસી હજી પણ લાપતા હતા.

“મારા દીકરા...!!” માતાની છાતી ભરાઈ આવી. વહાણમાંથી ઊતરતા વિમલને તેમણે છાતી સરસો ચાંપી દીધો. વારે વારે ધડકારા ચૂકી જતું તેમનું હૈયુ હવે ટાઢું હિમ થયું. દીકરો દરિયાને માત કરી હેમખેમ પાછો અવ્યો હતો તેથી માનું હ્રદય ગર્વથી ફૂલી રહ્યુ. તેમણે ખુમારી અને ગર્વિલ અદાથી એક નજર દરિયા તરફ કરી, ઊછળા મારતો દરિયો આજે શાંત લાગ્યો. તેમની ફરતી નજર ત્યાં અચાનક સ્થિર થઈ ગઈ !!! વિમલનો જીવ બચાવી એને હેમખેમ કિનારે લાવનાર વહાણ પર તેમની નજર ચોટી ગઈ. મોરામાં ઝાંખા પડી ગયેલા અક્ષરો વંચાયા “સમુદ્રમંથન” અને તેમના હ્રદયમાં એકાએક ઊભરો આવ્યો. તેમની આંખો આશ્ચર્યથી ફાટી રહિ ગઈ. તે વહાણ ઓરખી ગઈ, એ જ વહાણ, તેના પતિનો ‘ભાઈબંધ’. તેની આંખો હર્ષથી ઊભરાઈ આવી. જાણે વિમલનો બાપ જ તેના પુત્રને બચાવીને લાવ્યો હોય તેવી લાગણીથી આંખો છલકી ઊઠી. મા-દીકરાએ ફરી એકવાર સમુદ્રમંથન તરફ નજર કરી ત્યારે વહાણનો સહેજ ઊંચો થઈ ગયો અને મા-દીકરાએ ઘરની વાટ પકડી જ્યારે વહાણે પોતાના બંદરની.

- વિષ્ણુ ભાલિયા

કલરફૂલ પાનાંમાં સચિત્ર વાંચન માટે આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED