Hasyvarta - mojma rahevu books and stories free download online pdf in Gujarati

હાસ્યવાર્તા : મોજમાં રહેવું !

વિવેકે જયારે આંખો ખોલી ત્યારે સફેદ પ્રકાશે તેની આંખો આંજી નાખી. તેની આંખો જયારે સફેદ પ્રકાશથી ટેવાઈ ત્યારે તેણે આસપાસ નજર કરી. આસપાસ બધું જ સફેદ રંગે રંગાયેલું હતું. તેને લાગ્યું જાણે તે કોઈ રંગો બનાવવા વાળી કંપનીની જાહેરાતનો ભાગ હોય.

તેણે પોતાના કપડા પર નજર કરી તો એ પણ સફેદ રંગના હતા. તેની આસપાસના લોકો પણ સફેદ કપડા પહેરીને તેની જેમ જ પથારીમાં પડ્યા હતા. કેટલાક કારણ વગર રાડો પાડી રહ્યા હતા. તેણે પોતે છેલ્લે ક્યાં હતો તે યાદ કરવા પ્રયત્ન કર્યો. તેને યાદ આવ્યું કે તે રાત્રે પથારીમાં સૂતો હતો . તેને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપાડ્યો. તેને છેલ્લે પોતાનો શ્વાસ રૂંધાતો હોય એમ લાગ્યું હતું. તેના પછી તે સીધો જ આ સફેદ વિશ્વમાં ઉઠ્યો હતો. તેનો મતલબ એક જ હતો કાં તે મૃત્યુ પામીને દેવલોકમાં પોહચી ગયો હતો અથવા તો તે સપનું જોઈ રહ્યો હતો.

"તમે સાચે જ મૃત્યુ પામ્યા છો." અવાજ વિવેકની પથારી પાસેથી આવ્યો. ત્યાં કાળો સૂટ પહેરેલો માણસ ઉભો હતો.

"તમે કોણ છો ?" વિવેકે ગભરાઈને પૂછ્યું.

"હું દેવલોક એન્ટરપ્રાઇઝનો કર્મચારી નંબર સુડતાલીસ. મારું કામ તમને મૃત્યુના આઘાતમાંથી બહાર લાવીને આગળની પ્રક્રિયા માટે તૈયાર કરવાનું છે." તે એક સેલ્સમેનની જેમ બોલી ગયો.

"આગળની પ્રક્રિયા?" વિવેકને આશ્ચ્રર્ય થયું.

"હાં, આગળની પ્રક્રિયા. આ તમારો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર છે." તે એક કાર્ડ આપતા બોલ્યો."તમારે તેને તમારું અહીંનું આધાર કાર્ડ સમજી લેવાનું."

વિવેક હજુ આઘાતમાં જ હતો. તેણે ધ્રુજતા હાથે કાર્ડ હાથમાં લીધું. તેના પર બાર આંકડાનો નંબર હતો.

"ચાલો, હવે તમે ઉભા થાવ અને બહાર લાઈનમાં ઉભા રહી જાવ." પેલો કાળાસૂટ વાળો બોલ્યો.

વિવેક ચુપચાપ ઉભો થયો. તેણે પગ નીચે જમીનને બદલે વાદળો જોયા. તે સમજી ગયો તે સાચે જ મરી ચુક્યો છે. તેને પોતાનું જાડું શરીર યાદ આવ્યું. કાશ તેણે પોતાનું પ્રિય જંકફૂડ ઓછું ઝાપટ્યું હોત તો કદાચ તે અહીંયા થોડો મોડો આવ્યો હોત.

તે વાદળો પર ચાલતો ચાલતો એક લાંબી લાઈનમાં ઉભો રહી ગયો. તેના આશ્ચ્રર્ય વચ્ચે ત્યાં બધી બાજુ ડીજીટલ સાઈનબોર્ડ મરેલા હતા જેના પર થોડી થોડી વારે નંબરો ચમકી રહ્યા હતા. તે બાર આંકડાના નંબરો હતા. દરેક નંબર સામે એક બુથ નંબર લખેલો આવતો. યુનિક આઇડેન્ટિફિકેશન નંબર પ્રમાણે જે તે બુથ પર જવાનું રહેતું.

વિવેક પોતાનો બુથ નંબર શોધીને ત્યાં પહોંચી ગયો. તેની સામે ફરી એક કાળા સૂટવાળો વ્યક્તિ બેઠો હતો.

"લાવો તમારું કાર્ડ." તે વિવેક સામે નજર નાખ્યા વગર બોલ્યો. વિવેકે કાર્ડ આપ્યું. તેણે કોઈ મશીનમાં કાર્ડ સ્વાઇપ કર્યું અને એક કાગળ વિવેકને આપ્યો.

"જાઓ, બુથ નંબર ચાર પર જાઓ." વિવેક બુથ નંબર ચારની સામે રહેલી લાંબી લાઈનમાં જોડાઈ ગયો. તેને લાગ્યું કે હવે કદાચ આ પ્રક્રિયા ઝડપી થશે. કદાચ આ પ્રક્રિયા કોને સ્વર્ગમાં મોકલવા અને કોને નર્કમાં એ માટેની હશે ! થોડીવાર પછી તેનો વારો આવ્યો. તે ફરી એક કાળાસૂટ પહેરેલા માણસ સામે ઉભો હતો. આ વ્યક્તિ બધા કરતા અલગ હતો. તેનો ચહેરો સખ્ત હતો.

"લાવો, કાગળ આપો." વિવેકે કાગળ આપ્યો અને પૂછ્યું, "તમે ચિત્રગુપ્ત છો?"

જવાબમાં પેલો જોરથી હસ્યો. તેનો અવાજ સાંભળીને કેટલીક જીવાત્માઓ બી ગઈ.

તેનું હસવાનું બંધ થયું ત્યારે તે વિવેક તરફ જોઈને બોલ્યો, "તમે જયારે ટાટા કંપનીના શો રૂમમાં જાવ ત્યારે તમને ત્યાં રતન ટાટા ડેસ્ક પર બેઠેલા મળે છે? નહીં ને? તો આવા વાહિયાત સવાલ શા માટે પુછો છો? આ કાગળ લો અને સામેની કેબીનમાં ચાલ્યા જાવ."

વિવેક ચુપચાપ તે કેબિનમાં ઘુસ્યો. સામે ફરી બે કાળાસૂટવાળા લેપટોપ લઈને બેઠા હતા. ફરી તેનું કાર્ડ માંગવામાં આવ્યું. ફરી કોઈ મશીનમાં સ્વાઇપ કરવામાં આવ્યું. કાળાસૂટવાળામાંથી એક પોતાની સામે રહેલી લેપટોપની સ્ક્રીન સામે ગંભીરતાથી જોવા લાગ્યો.

"હાં, તો મિસ્ટર વિવેક ભટ્ટાચાર્ય, તમે આડત્રીસ વર્ષે હૃદયરોગનો હુમલો આવવાથી મૃત્યુ પામ્યા. હવે અમે નક્કી કરીશું કે તમારે સ્વર્ગમાં જવાનું છે કે નર્કમાં !" દેવદૂત યંત્રવત બોલ્યો.

"એક વાત પૂછું ? તમારા મુગટ અને ચોપડાઓ ક્યાં છે ?" વિવેકે થોડું ગભરાઈને પૂછ્યું.

પેલો દેવદૂત ખડખડાટ હસવા લાગ્યો.

"લાગે છે તમે ધાર્મિક સિરિયલો વધુ જોઈ છે. દેવલોક એન્ટરપ્રાઇઝની સ્થાપના બ્રહ્માજીએ કરી હતી. અમે પણ અમારી ટેકનોલોજીઓ અપગ્રેડ કરતા રહીએ છીએ. મુગટ અને ચોપડાઓ તો અમે પણ ક્યારેય નથી જોયા. લાસ્ટ અપગ્રેડ પૃથ્વી પર જયારે કોમ્પ્યુટર શોધાયું ત્યારે થયું હતું."

"પણ અમે તો એમ માનીએ છીએ કે..."

"એ તો અમને ખબર છે. તમે એમ માનો છો કે અહીં બધું હજું જુનવાણી પરંપરા પ્રમાણે ચાલતું હશે. તમને ખબર છે અહીં મોબાઈલ સેવાઓ પણ ઉપલબ્ધ છે. સ્ટીવભાઈએ હમણાં થોડા સમય પેહલા જ નવો આઈફોન પણ લોન્ચ કર્યો છે. એ તો ગાંધીજી એ સત્યાગ્રહ ન કર્યો હોત તો અત્યારે અન્ડર પ્રોડક્સન પણ હોત."

"પણ ગાંધીજી કેમ..."

"અરે, આઈફોન બનાવવાની ફેકટરીમાં આત્માઓના રાઇટ્સનું પાલન નોહતું થતું એટલે ગાંધીજી કેટલીક જીવાત્માઓ સાથે ઉપવાસ પર બેસી ગયા હતા." દેવદૂત શાંતિથી બોલ્યો.

"અહીંયા પણ હ્યુમન રાઈટસ..."

"એ બધું જવા દો. મેં તમારો ડેટા અમારા કોમ્પ્યુટરમાં નાખ્યો અને અમારી પોઇન્ટસ સિસ્ટમ પ્રમાણે તમારે નર્કમાં જવાનું થાય છે." દેવદૂત શાંતિથી બોલ્યો.

વિવેક આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ ખોટું કામ નોહતું કર્યું. તે આખી જિંદગી સીધા રસ્તે ચાલ્યો હતો. તેમ છતાં તેને નર્કમાં જવાનું હતું ?

"તમારી ભૂલ થતી લાગે છે. મેં મારી જિંદગીમાં કોઈ જ ખોટા કામ નથી કર્યા. "

"ખોટા કામ એટલે શું ?" દેવદૂત એક યંત્રની જેમ બોલ્યો.

"ખોટા કામ એટલે કોઈનું લઇ લેવું. ખોટી રીતે ધન ભેગું કરવું..." વિવેક બોલતો રહ્યો.

"એસ.પી.સી.ના કાયદા પ્રમાણે આ બધું ખોટા કામમાં આવે ખરું !" દેવદૂત વિચારીને બોલ્યો.

"એસ.પી.સી. ?"

"સ્વર્ગીય પીનલ કોડ."

"એટલે અહીંયા પણ કાયદો છે."

"કેમ ન હોય ? ચાલો, હું તમને અમારી પોઇન્ટસ સિસ્ટમ સમજાવું. તમે ખરાબ કામો કરો તો તમારા પોઇન્ટસ કપાય અને સારા કામો કરો તો પોઇન્ટસ મળે. તમારા સારા કામો ઘણા છે માટે તેના પોઇન્ટસ પણ ઘણા છે. ખરાબ કામોનું ખાતું ઓલમોસ્ટ ઝીરો છે માટે તેના પોઇન્ટસ પણ ઝીરો છે." દેવદૂત શાંતિથી લેપટોપમાં જોઈને બોલ્યો.

"તો મને સ્વર્ગમાં સ્થાન મળવું જોઈએ ને?"

"એક ત્રીજું પણ ખાતું છે. જેમાં તમારો સ્કોર ખરાબ છે. એ ખાતું ખુબ મહત્વનું છે. તેમાં જેનો સ્કોર ઝીરો હોય તેને સ્વર્ગમાં જવા ન મળે. તેમાં તમારા પોઇન્ટસ ઝીરો છે."

"પાપ અને પુણ્ય સિવાય ત્રીજું કયું ખાતું?"

"મોજ-મજાનું. તમેં જીવનમાં મોજ મજા નથી કરી. જીવન તમને મોજ કરવા માટે જ આપવામાં આવ્યું હતું. તમે સારા કામો કર્યા પણ મોજ ન કરી. તમારી આત્માને આનંદ ન આપ્યો માટે તમે નર્કના અધિકારી છો." દેવદૂત શાંતિથી બોલ્યો.

"પણ મને તો અમારા ગુરુજી એ કહ્યું હતું કે સંસારમાં બધી મોહ માયાનો ત્યાગ કરો તો પરલોકમાં તમે સુખ પામશો." વિવેક બોલ્યો.

દેવદૂત તેની સામે હસ્યો.

"એ ગુરુજી પાસે ડોક્યુમેન્ટ નંબર ઝીરો નહીં હોય." દેવદૂતે પૂછ્યું.

"ડોક્યુમેન્ટ નંબર ઝીરો??"

દેવદૂતે તરત એક ફાઈલ કાઢીને વિવેકના હાથમાં પકડાવી. તેના પર મોટા અક્ષરે ડોક્યુમેન્ટ નંબર ઝીરો લખેલું હતું. એ ફાઈલમાં એક જ કાગળ હતો. પુરા કાગળની વચ્ચે માત્ર એક જ લીંટી લખેલી હતી.

"જીવનનો એક માત્ર ઉદ્દેશ્ય આનંદ મેળવવાનો અને આનંદ આપવાનો છે - લી.ભગવાન." લીંટી પુરી થઇ કે તરત નીચે બે સ્માઈલી હતા.

છેલ્લું સ્માઈલી વિવેક સામે આંખ મારી રહ્યું હતું. તેને પૃથ્વી પર આંખ મારવા માટે પ્રખ્યાત થયેલી એક છોકરી યાદ આવી ગઈ.

વિવેકને બેકગ્રાઉન્ડમાં "મોજમાં રેવું, મોજમાં રેવું..." ગીત સંભળાતું હોય એમ લાગ્યું.

તો મિત્રો, ડોક્યુમેન્ટ નંબર ઝીરોમાં ભગવાને લખેલી વાત માનો અને મોજ કરીને તમારા આત્માને આનંદ આપો નહીંતર વિવેક જેવા હાલ થશે.

(નોંધ : આ કથા રોજ બે વખત વાંચવાથી તમારા સારા કામોના પોઈન્ટસમાં વધારો થશે. કેમ, કે અમે દેવલોક એન્ટરપ્રાઇઝ સાથે ધંધાકીય રીતે જોડાયેલા છીએ. ખાતરી કરવી હોય તો ઉપર પહોંચીને ખાતરી કરી શકો છો.)

- નરેન્દ્રસિંહ રાણા

મેગેઝીનના અંકો વાંચવા આજે જ અમારા બ્લોગની મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED