લવની ભવાઈ- ફિલ્મ રીવ્યુ Hardik Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવની ભવાઈ- ફિલ્મ રીવ્યુ

દરેકને પોતાની લાગે એવી બ્લેક કોફીની વરાળ સાથે રચાતા મીઠી યોદોંનાં મેઘધનુષ્ય જેવી આ ફ્રેશ ફિલ્મમાં એ બધુજ છે જે આજનાં યુવાવર્ગને આકર્ષી શકે છે!  જે લોકો એવું કહે છે કે ગુજરાતી ફિલ્મમાં દમ નથી હોતો એમને હું કહેવા માંગીશ કે 'ફિલ્મની એમની ચોઈસમાં દમ નથી  હોતો!' 


ડાયરેક્ટર સંદીપ પટેલ 'મોતીના ચોક રે સપનામાં દીઠા', 'ગગો કે દા'ડાનું પૈણું પૈણું કરતો'તો' જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ 12 વર્ષ બાદ 'લવની ભવાઈ' લઈને આવ્યા છે જે નખશીખ ગુજરાતી ફિલ્મ છે! મેં જ કહેલું છે ઘણીવાર કે ગુજરાતી ફિલ્મમાં હિરોઈનના ભાગે બહુ ઓછું કામ આવે છે પણ આ ફિલ્મને આરોહી વિના કલ્પી જ ન શકાય! એક્ટિંગમાં 'પવન'થી 'અંતરા' સુધીમાં તો આરોહી આલિયા ભટ્ટ જેમ 'સ્ટુડન્ટ ઑફ ધ યર' થી 'હાઈવે' જેટલી મૅચ્યોર થઇ ગઈ! અને આ ફિલ્મથી આરોહી યુવાવર્ગની ધડકન બની જશે એ પાક્કું ! આમ સખત સ્માઈલ આપેને ત્યારે દિલ ધબકારા ચૂકી જાય બોસ! અભિનય સાથે અભિનયમાં ઊંડાણ પણ હોવું જરૂરી છે જે આરોહીએ પોતાના હાવભાવ સાથે સાબિત કર્યું છે! લોકો સામે બિન્દાસ પણ અંતર્મુખી એવી આરોહી રેડીઓ પર બધાના પ્રોબ્લેમ સોલ્વ તો કરી લે છે અને પણ પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આજનાં યુવા જેમજ કન્ફ્યુઝડ છે! 


પ્રેમ કોને કહેવાય? ક્યારે થયો કહેવાય? થાય તો શું કરવાનું? એના લક્ષણો શું? એમાં શું ધ્યાનમાં રાખવું અને ન રાખવું? (અરે પ્રેમ કઈં રોગ છે કે?) અરે આ બધી થિયરીમાં પડશો તો પ્રેક્ટિકલમાં ફેઈલ થઇ જશો! એ બધું સમજવા માટે 'લવની ભવાઈ' જોવી-સમજવી પડે! ફિલ્મમાં અનેક જાણીતા ચહેરા અને જાણીતી જગ્યાઓ છે જે ફિલ્મને વધુ ખાસ બનાવે છે કેમકે જયારે તમને કોઈ ગમે ને, ત્યારે તમને બધુ જ ગમવા લાગે!
'લવ યુ રે મારી સવાર' કહી વારંવાર કાનમાં મધુર સંગીત 'અથડાયા કરે છે' ! 'વાલમ આવો ને'ની તો  'ધૂન લાગી' જ ગઈ છે! 


એક્ટિંગનાં બે મહારથી (મલ્હાર અને પ્રતીક) ને એક જ  ફિલ્મમાં સાથે લાવવાનું સંપૂર્ણ શ્રેય સંદીપ સરને જાય છે! અને જયારે એકજ સીનમાં બંને આમને સામને હોય તો રીતસરના તણખાં ઝરે છે સલમાન-આમિર જેમ! આદિત્ય (પ્રતિક ગાંધી)નું  વ્યક્તિત્વ મર્યાદા પુરુષોત્તમ રામ જેવું શાંત અને સાગર (મલ્હાર)નું કૃષ્ણ જેવું ચંચળ! એક બધાંને અજવાળતો આદિત્ય અને બીજો ધસમસતો સાગર! સાગર, અંતરા અને આદિત્યની પોતાની અલગ લાક્ષણિકતાઓ છે જે પાત્રને મજબૂતી બક્ષે છે! કોઈ પ્રોપર પ્લાનિંગમાં માને છે કોઈ ઍડ્વેન્ચરમાં તો કોઈ સાદગીમાં! કોઈને મેગી, કોઈને બ્લેક કોફી તો કોઈને પસંદ છે ભૂરાની ચા! વૃક્ષો વચ્ચેથી જગ્યા કરીને આવતાં પ્રકાશવાળું દ્રશ્ય હોય કે સમુદ્રકાંઠે ઉગતા સૂરજ સીન કે દીવ-અમદાવાદનાં ડ્રોન વ્યૂ સુપર્બ! વાહ વાહ..!


નિસર્ગ ત્રિવેદી અને રૂપા દિવેટિયાને પડદા પર અભિનય કરતા  જોવા એ એક અનોખો અવસર છે ! મૌલિકને જોઈને પ્રેક્ષકોને તો જલસો જ જલસો છે! એક એક સીનમાં આ ભાઈ બોલે કે ના બોલે તોય પ્રેક્ષકોને જલસો કરાવ્યો છે! આરતી મેડમનાં અભિનયમાં અનુભવોનો નિચોડ છે! અંતરા સાથેનું તેમનું કાઉન્સેલિંગ, અંતરાનાં બેકબોન સમા બોસને સાડીની ખરીદી સમયે આંખોમાં આવતાં ઝળહળીયા અને એમના દરેક સંવાદોમાં આપતી જિંદગી જીવવાની ટીપ્સ સખત છે દોસ્ત! ક્યાંક હાસ્યનો હુલ્લડ તો ક્યાંક લાગણીઓની ઊડતી છોળ, ક્યાંક સંગીતથી દિલની ખેંચાતી દોર અને પ્રેમ ચારેકોર! ક્યાંક થેપલાંનો સ્વાદ તો ક્યાંક અંતરાની મીઠાશ! ક્યાંક આદિત્યની ઊંચાઈ તો ક્યાંક સાગરની ભવાઈ! 


સહ પરિવાર આ ફિલ્મ જોઈને રાજશ્રી પ્રોડક્શનની પારિવારિક ફિલ્મ જોતા હોઈએ એવો કૌટુંબિક અનુભવ કરી ખુદને પ્રેમથી ભરી લેશો તો તમને પણ ચાહનારું કોઈ ને કોઈ જરૂર મળી રહેશે ! 
દોસ્તો, શરૂઆત થઇ ગઈ છે તમારાં લવની ભવાઈની?