शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं।” -आचार्य चाणक्य
ચાણક્યનાં આ વાક્ય વિશે કદી ગંભીર નોંધ લીધી છે? તમારાં જીવનમાં આવેલા કોઈ સારા કે ખરાબ શિક્ષક તમને યાદ છે? જો તમે ખુદ એક શિક્ષક હો તો ચાણક્યનાં આ વાક્યની ઘેરી અસર તમારાં પર હોવી જોઈએ. અને ન હોય તો તમે શિક્ષક જ નથી!
રાષ્ટ્રનું ભવિષ્ય એવાં ભૂલકાઓને જો શિક્ષકો જ સાચું અને સારું શિક્ષક ન આપી શકે તો એ દેશનું પતન નક્કી છે! એવી પણ કેટલીક ફરિયાદો છે કે શિક્ષકો પર ભણાવવા સિવાયનાં વધારાનાં બોજને કારણે આપણું શિક્ષણ તળીયે જઇ બેઠું છે.
આ બધી વાત એટલે કરું છું કે આપણે બહુ કાગારોળ મચાવી રહ્યાં છીએ કે આપણી શિક્ષણ વ્યવસ્થા નવાં નવાં અખતરા કરવાને કારણે સાવ નંખાઈ ગઈ છે! પણ, બરાડા પાડવાથી સમસ્યા સુધરી જશે? ના. તો એ સમસ્યાનું સમાધાન ક્યાં?
ગુજરાતી સિનેમા દિન-પ્રતિદિન કન્ટેન્ટ બાબતે સજાગ અને સમૃદ્ધ થતું જાય છે. આ પહેલાં શિક્ષણ વ્યવસ્થા પર ચાબખા ઝીંકતી ફિલ્મ 'રોલ નં.૫૬', બોર્ડની પરીક્ષાનાં પ્રેશરની વાત કહેતી 'બૅસ્ટ ઑફ લક લાલુ!', પરીક્ષાનાં 'હાઉ' દૂર કરવા જાદુગરની મદદ લેવા મથતાં બાળકોની, નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'ઢ' અને ભણતરથી ભાગીને આત્મજ્ઞાન પછી પાછા ફરનાર બાળકની સફર દર્શાવતી 'બેક બેન્ચર' આવી ચૂકી છે.
'ટીચર ઑફ ધ યર' ફિલ્મની શરૂઆત થાય છે એક આદર્શ 'ગુરુકુલમ'થી જે જોયાં પછી દરેક વાલીને પોતાનાં સંતાનને ત્યાંજ ભણાવવાની ઈચ્છા થયા વિના ન રહે!
શિક્ષકો માટે 'ટીચર ઑફ ધ યર' સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં વિવિધ જગ્યાએથી નોમિનેશન બાદ સિલેકટેડ ટીચર્સની એન્ટ્રી થાય છે. આ સ્પર્ધાનું આયોજન કરનાર સ્કૂલમાં વિદ્યાર્થીઓ ટીચરની જુદી-જુદી પરીક્ષા લે છે અને એક મનોરંજક શૉની શરૂઆત થાય છે!
જીવનમાં હંમેશા જીત થાય એ જરૂરી નથી અને આકસ્મિક પરાજયથી પણ હતાશ ન થવાની શીખ આપતી ફિલ્મ 'છીછોરે' પણ ચાલી જ રહી છે એ સમયે શિક્ષણને વ્યાપાર બનાવનારી સંસ્થાઓ પ્રત્યે લોકો સજાગ થાય તો આવનારાં સમયમાં જરૂર ફરક દેખાશે.
દરેક સ્કૂલમાં કેટલીક તોફાની ગેંગ હોય છે અને અહીં ડસ્ટર ગેંગ છે અને એનાં લીડરની સામંતની સામંત-શાહી (સ્ટાઇલ)થી લોકો ત્રસ્ત છે.
ફિલ્મમાં જડસુ પ્રિન્સિપાલનાં અહમ અને આદર્શ શિક્ષકનાં મૂલ્યો વચ્ચે જબ્બરદસ્ત ટકરાવ થાય છે! આવા પ્રિન્સિપલ દરેક શિક્ષણક્ષેત્રે જોવા મળે છે જે પોતાનાં અહમને સંતોષવામાં કોઈ કસર બાકી નથી રાખતા. (એકવાર આંખ બંધ કરી ખુદનાં પ્રિન્સિપલ યાદ કરો)
આ ફિલ્મ ધણી જૂની યાદો તાજા કરી દેશે. પી.ટી.કલાસમાં થતી મસ્તી, ડાન્સ ક્લાસની ધમાલ, પોપટીયાં શિક્ષકો, ઇલેક્ટ્રિક શોક, સૂતળી બૉમ્બ કે ખુરશી પર ઈંડા મૂકી શિક્ષકોને પરેશાન કરતા ક્લાસનાં વિદ્યાર્થીઓનાં તોફાનો, સૂ-સૂ બ્રેક કે "છોકરી વચ્ચે છોકરો, બે પૈસાનો વોકળો" જેવી સજા, લખોટી કે કબડ્ડી જેવી પારંપરિક રમતોની યાદ મમળાવવી ગમશે.
ગણિત એ જાદુનો વિષય છે એ સાબિત કરતો પ્રયોગ અને ફૂલનું મેથ્સ ગજબ છે. ફિઝિક્સનો ગોળો અહીં પ્રેમ અને વિશ્વાસનો રૂપક બની લોલક જેમ ઝૂલ્યા કરે છે!
આદર્શ શિક્ષકનાં ભૂતકાળનાં બનાવો ક્યાંક આપણાં પોતાનાં હોવાનો અહેસાસ થાય છે. એક ગુનેગાર બનવાની કગાર પર ઉભેલા બાળકનું જીવન તેનાં જીવનમાં આવેલાં આદર્શ શિક્ષકને કારણે ધરમૂળથી બદલી જાય છે. ફિલ્મમાં રસોઈ બનાવતી ગૃહિણી અને શિક્ષકને ચંપલ શેકી સન્માન આપતી એક માતા તરીકે સ્ત્રીનું અનેરું રૂપ સુંદર રીતે ઝળકી ઉઠ્યું છે. ફી વિના ભણાવનાર શિક્ષક આજે કેટલાં છે?
ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર એવા ઇકબાલ શેખ (રાગી જાની) બે ચાસણી ચડે તેવા શિક્ષક છે, જ્યારે ડાન્સ ટીચર માસૂમ (પાર્થ રાવલ)ની માસૂમિયત લોકોને 'સ્પર્શી' જાય છે. મ્યુઝિક ટીચર (પ્રણય મેહતા)ની નિખાલસતા અને સાદગી શાસ્ત્રીય મૂલ્યોને ઉજાગર કરે છે. પી.ટી. ટીચર હિંમતસિંહ (પરમેશ્વર)ને ખમવાની હિંમત રાખશો તો દિવાળીનાં ધડાકા પણ ભારે નહીં લાગે! (ચોખવટ: અહીં સુરતમાં થતી પાદ સ્પર્ધા સાથે કોઈ લેવા દેવા નથી!?) રેખા મુખર્જી તમને સરળ અંગ્રેજી શીખવી દેશે અને જમા ઉધાર શંકર સર (પ્રેમલ યાજ્ઞિક)!
આદર્શ મૂલ્યોની સરવાણી સમાન ગૌરી શંકર સાહેબ (નિશુ બાબા) શિક્ષકો માટે પ્રેરણા સમાન બની રહેશે. ફિઝિક્સ ટીચર રેવા (અલીશા) લોકોને યાદ તો રહેશે જ.
ફિલ્મમાં જો કોઈએ જીવ રેડી દીધો હોય તો એ છે પાર્થ ટાંક અને પ્રોફેસર શાસ્ત્રી (મેહુલ બૂચ)! શાસ્ત્રીજી ખુદને ત્રીજા પુરુષ એકવચનમાં સંબોધે છે અને એની જીદ અને અહમ જે રીતે ભાંગીને ભૂક્કો થાય છે એ જોવાની બહુ મજા પડે છે!
પાર્થ સર દરેકને ગમી જાય એવા આદર્શ સર! શિક્ષણ માત્ર પુસ્તિકયું જ્ઞાન ન બની રહે અને વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે એવી પદ્ધતિઓ અપનાવનાર તેમનાં જેવા શિક્ષકો કેટલાં? ગરીબ બાળકોને ભણાવી પગભર બનાવે અને જુવાનીના જોશમાં રાહ ભટકેલાંને માર્ગ દેખાડનાર શિક્ષકો કેટલાં? ક્યારેય સિલેબસથી પર થઈને જીવનમૂલ્યો શીખવનાર ટીચર જોયાં? જોયા હશે તો એ શિક્ષણ સંસ્થામાં લાબું નહિ ટક્યા હોય અથવા ટકવા નહીં દેવાયા હોય!
કલાકાર Shounak Vyas અને Mehul Buch નો અભિનય આ ફિલ્મને ખરેખર નવી ઊંચાઈઓ બક્ષે છે. ટોપ A+ ગ્રેડ અભિનય!
રોનક કામદાર એન્કર તરીકે પરફેક્ટ છે. ગુરુકુલમની બાળ સંચાલક બુલબુલ (જીયા ભટ્ટ), ડસ્ટર ગેંગનાં લીડર અંકિત ગજેરા, જશ ઠક્કર, અંતરા ઠક્કર અને સૂટ્ટાભાઈ તરીકે જીતેન્દ્ર ઠક્કર લોકોનાં દિલમાં અલાયદું સ્થાન બનાવી લે છે.
ફિલ્મનું મેકિંગ અને ગીત પણ સરસ છે. દિગ્દર્શક વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસની મહેનત જરૂર રંગ લાવશે. પ્રોડ્યુસર જયંતીભાઈ અને પાર્થ ટાંકને ઘણી ખમ્મા!
કેટલાંક યાદગાર સંવાદ:
"તમે તમારા ઈશ્વર છો",
"ભણવા માટે ધગશ જોઈએ પૈસા નહીં",
"આંગણામાં તુલસી સંસ્કૃતિ, મોઢામાં તુલસી વિકૃતિ"
"ભણવું પડે એ માટે નહીં, ભણવું ગમે એ માટે ભણો"
ફિલ્મ બધી જ રીતે માણવાલાયક બની છે. જે લોકો 'ગુજરાતી ફિલ્મ સારી નથી બનતી'નાં રોદણાં રડયા રાખે છે એ દરેક લોકોને આ ફિલ્મ મારી મચડીને દેખાડવી જોઈએ અને 'સારી ફિલ્મ નથી બનતી' વાળી તેમની માનસિક વિકલાંગતા જડમૂળથી ન બદલી જાય ત્યાં સુધી દેખાડવી જોઈએ!
અને જે શિક્ષણ સંસ્થાને આદર્શ અને નીતિવાન શિક્ષકોની જરૂર છે એ દરેક સંસ્થાએ આ ફિલ્મ ખાસ જોવી રહી.જો ફિલ્મનાં કારણે મૂલ્યવાન શિક્ષકોમાં વધારો થતો હોય તો એ દેશ માટે લાંબા ગાળે ફાયદાની વાત છે!
આદર્શ શિક્ષણ વ્યવસ્થા અને સાંપ્રત સમસ્યાનાં સમાધાન સાથેની આહલાદક ગુજરાતી ફિલ્મ 'ટીચર ઑફ ધ યર' દરેક શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને જોવા માટે હું એક શિક્ષક તરીકે સહુને અનુરોધ કરું છું.
It's not 'Teacher of The Year', it is 'FILM OF THE YEAR'!
-Hardik Solanki