"રે... વા..." હું આ લખી રહ્યો છું ત્યારે મારા રોમ રોમમાં આ એક જ સ્વર ગુંજી રહ્યો છે અને મારાં પ્રત્યેક રુંવાડા 'રેવામય' થઈને ધન્યતા અનુભવી રહ્યા છે! 'પર'થી 'સ્વ' સુધીની આત્મખોજ કરાવતી આ માત્ર એક ફિલ્મ નહિ પણ ફિલ્મથી વિશેષ એક સફરનો આહલાદ્ક અનુભવ બની રહે છે!
જે આપણે બહાર શોધતાં ફરીએ છીએ એ આપણી અંદરથી મળે તો? નર્મદા વિશે, તેની પરિક્રમા વિશે નાનપણમાં પાઠ્યપુસ્તકમાં વાંચેલું, વડીલોનાં મોઢે સાંભળેલું, પરીક્ષામાં ગોખેલું અને પૂછાયેલા નિબંધમાં લખેલું પણ અનુભવ્યું નહોતું! નર્મદાની પરિક્રમાનો અને એમને પામવાનો અનુભવ તો એમની કૃપા વિના ક્યાં શક્ય છે! પણ એમની અનુકંપાની ઝલક મને 'રેવા'માં મળી! ધાર્મિક દલીલોનાં સચોટ જવાબ 'રેવા'માં મળી જાય છે! 'રેવા'એ મને મારી 'ઓળખ' કરાવી!
વિશ્વની મહાન સંસ્કૃતિ નદી કિનારે વિકસી છે એટલેજ કદાચ લોકો નદીને માતા તરીકે પૂજતાં થયાં હશે. પ્રકૃતિની કૃતિ જોઈને મનમાં ઉદ્દભવતા સવાલોનાં જવાબ જયારે નથી મળતાં તો વ્યક્તિ રઘવાયો બની શંકા-કુશંકા કરે છે અને જયારે ખુદને એ અનુભવ થાય ત્યારે એની દરેક ધારણાનો ભાંગીને ભૂક્કો થઈ જાય છે!
પથ્થર પર પડેલા ભૂખ્યા દાઢીધારી શરીરની પીડા, 2 રૂ.ના સિક્કા દ્વારા થતાં સાબિત થતી શ્રધ્ધા, નર્મદાઘાટનાં જીવંત દ્રશ્યો, સ્વાર્થ અને શ્રદ્ધા વચ્ચેની દુવિધા, ખડકો અને કોતરો વચ્ચે વહેતી નાવડી, સંપૂર્ણ ભારતીય પરિધાનમાં સજ્જ નિર્મળ પરોપકારી છોકરી, જંગલનાં આદીવાસીની રીતભાત, મંદિરો અને તેમાં ગવાતાં દુહા અને ભજનો, ઘાટ પર થતી આરતી, ખુદનાં અસ્તિત્વનાં કારણનો ધીમે ધીમે થતો દિવ્ય અહેસાસ, આશ્રમવાસી-પરિક્રમાવાસીઓની શ્રદ્ધા બધુંજ આબેહૂબ ઉભરી આવે છે!
ગુંબજ વગરનાં મંદિરમાંથી બ્રહ્માંડની ઝલક હોય કે મા રેવાને સાડી પહેરાવતું દ્રશ્ય કે પછી મા રેવાનાં ખોળે ડૂબકી લગાવી બ્રહ્માંડ સાથે તાદમ્ય સાધી 'સ્વાર્થી'માંથી 'પરમાર્થી' બની દિવ્યતાનો અનુભવ કરતો નાયક... અદ્દભૂત અને અલૌકિક છે! રૂંવાડા ઉભા થઇ જાય છે, દોસ્ત!
अलक्षलक्षलक्षपापलक्षसारसायुधं સાંભળતાં નસ નસમાં લોહી નહીં પણ રેવાનું પાણી ધસમસતું હોય એવો આભાસ થાય છે!
ફિલ્મનું સંગીત એવું છે કે જાણે એનો તમને કેફ ચઢે! વાર્તા ધીરે ધીરે આગળ વધે છે અને અંત સુધીમાં આપણે 'રેવામય' થઈ ગયાના અહેસાસ સાથે નર્મદા પરિક્રમામાં જવા માટે મન તડપવા લાગે છે!
ચેતન ધાનાણી Chetan Dhanani (કરણ)એ પોતાનાં અભિનયથી લોકોને રીતસરના નોંધ લેવા મજબૂર કરી દીધાં છે! મોનલ ગજ્જર M Monal Gajjar (સુપ્રિયા ભારતીય) સહજ અભિનયથી ભારતીય નારીની ગરીમા સુંદર રીતે પ્રસ્તુત કરે છે અને સાથે એ સાંપ્રત હિરોઈનને અભિનયની પરિપક્વતાનાં પાઠ ભણાવી જાય છે! યતિન કાર્યકર Karyekar Yateen (શાસ્ત્રીજી), પ્રશાંત બારોટ Prashant Barot (ગુપ્તાજી), અતુલ મ્હાલે-અભિનય બૅન્કર Atul Mahale Abhinay Banker (બીત્તુ-બંગા)નું પાત્રાલેખન અને અભિનય સહજ હોવાને લીધે સરસ છે! રૂપા બોરગાંવકર Rupa Borgaonkar(પુરીયા) અને દયાશંકર પાંડે (ગંડું ફકીર)નાં પ્રભાવશાળી અભિનય લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે!
પ્રોડ્યુસર Paresh Vora પરેશ વોરાની હિંમતને દાદ દેવી પડે કે તેમણે આ ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું. રાહુલ ભોલે Rahul Bhole અને Vinit Kanojia વિનીત કનોજીયાનું ડાયરેક્શન સુપર્બ છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો એક સાથે અન્ય કામમાં પણ પોતાનું ઓજસ પાથરવામાં સફળ થયા છે. Director અહિં Writer અને Editor પણ છે. ચેતન ધાનાણી co-writer અને lyricist પણ છે. મ્યુઝીક ડાયરેકટર Amar Khandha અમર ખંધાને લોકો શ્રેષ્ઠ મ્યુઝીક માટે ક્યારેય નહીં ભૂલે!
ધ્રુવ ભટ્ટની 'તત્વમસિ'ને ક્રિએટિવિટી ફ્રીડમ સાથે મૂળ તત્વોને જાળવી રાખીને ખૂબજ સરળ અને સુંદર રીતે ફિલ્મ સ્વરૂપે રજૂ કરવા બદલ તથા "આ સંસારમાં જે વિનમ્ર, જિજ્ઞાસુ, દયાળુ, અપરિગ્રહી, પવિત્ર, શાંત, સંતુલિત અને એકતા વધારનારા છે તે જ મોક્ષનાં અધિકારી છે." આ સંદેશ બહુજ સરળતાથી સમજાવવા સમગ્ર 'રેવા' ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ!
જલ્દી જાઓ અને પ્રકૃતિ સાથે માનવજાતના વિશેષ સંબંધોનો સાક્ષાત અનુભવ કરાવતી ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત ધ્રુવ ભટ્ટ લિખિત 'તત્વમસિ' પરથી બનેલી આ ફિલ્મ 'રેવા'ને અને એ દરેક લોકોને જોવા જવાનું કહો જેમને એવું લાગે છે કે સારી ગુજરાતી ફિલ્મ બનતી નથી! લખી રાખજો ... આવતાં અવૉર્ડ ફંક્શનમાં 'રેવા' છવાઈ જશે!
'ઉઠ...જાગ... મુસાફિર' 'કાળા ભમ્મરિયા'નાં 'સંગીત જલસા'માં ખોવાઈને 'ખળખળ વહેતાં' 'મા રેવા'નાં નિર્મળ પાણીમાં 'નમામિ દેવી નર્મદે' બોલી ડૂબકી લગાવ...
નર્મદે હર..!
-હાર્દિક સોલંકી