swapna books and stories free download online pdf in Gujarati

સ્વપ્ન


સ્વપ્ન.
?????
નિરવ રસ્તાપર એક પણ વાહનની કે, કોઈ વ્યક્તિની અવર- જવર ન્હોતી, શાંત રાત્રી બેધડક વધી રહી હતી પવન મંદ સ્નિગ્ધ ! ધીમી ગતિએ વ્હાતો હતો, અંધારામાં વૃક્ષો ઘેરા દિશતા હતા, રસ્તાની બન્નેબાજુ લેમ્પપોસ્ટ હતા; પણ ત્યાં લાઈટની ગેરહાજરી હોવાથી ભયાવહ અંધારું મને અકળાવી રહ્યું હતું, ચિબરીનો અને કંસારી અવાજ ડરને વધારતો હતો, ક્યાંક આઘેથી ભૂખ્યા કુતરાનો રોવાનો અવાજ સ્પષ્ટ અને ગંભીરતાથી સાંભળી શકાય તેવો આવતો હતો, હું ધીમા પગલે મક્કમ ગતિએ ઘર તરફ જઈ રહ્યો હતો, પાકી સડક પુરી થઈ ને એક બન્ને બાજુ ઘેઘુર વૃક્ષો વાળો કાચો કેડીદાર રસ્તો આવ્યો હું એ ઉબળ ખાબળ રસ્તે ભય સાથે ચાલ્યે જવ છું, ડરને દબાવીને અને કાન આંખને સતેજ ખુલ્લા રાખીને.
અચાનક કઈક અવાજ આવ્યો જાણે મારી પાછળ રસ્તાની ડાબી બાજુના વૃક્ષ ઉપરથી સરકીને કઈક નીચે ઉતર્યું હોય તેવો!! મને ડર લાગ્યો, સાપ હશે? કે પછી કોઈ લૂંટ મચાવનાર કોઈ વ્યક્તિ? પ્રશ્નો થયા મનમાં , થાય જ ને; એક તો અંધારું ઉપરથી કાચો નિર્જન એકમાર્ગીય રસ્તો! કાળી રાત, ને મારી એકલતા બધું ભય ઉપજાવે તેવુજ હતું, હા! ભય જ તો! બીજું શું? એકલામાં એ નબળાય સ્વીકારી લીધી ને સ્વીકારવા સિવાય બીજું ક્યાં કઈ હતું? કપાળે પરસેવો આવી ગયો, હાથ પગ ધ્રુજી ગયા સત્વરે પાછળ જોયું તો કઈ ન હતું! માત્ર અંધારું ને નિર્જનતા.

ખાતરી કરી કઈ નથી છતાં ડર અકબંધ હતો, પણ ચાલતો રહ્યો થોડે દુર ગયો ત્યારે લાગ્યું કોઈ પાછળ પાછળ લગભગ લગોલગ ચાલી રહ્યું છે, આટલું ભાન થયું ત્યાં બંગડી અને પાયલ નો અવાજ આવ્યો, હું ધ્રુજી ગયો ત્વરાથી પાછળ જોયું મારી પાસે રહેલ ગેસ લાઈટરના ઉજાસમાં , એ ઉજાસમાં જોયું તો એક સુંદર સ્ત્રી લગભગ મને લગોલગ ઉભી હતી, રૂપાળી! સપ્રમાણ ઘાટીલા દેહ વાળી! કાળી ને મોટી આંખોમાં કાજલ લગાવીને વધુ કાળી ઘેરી ને કામણ પીરસતી બનાવી હતી, સુડોળ ને સ્વસ્થ ઉરોજ તેના ઘાટીલા દેહની શોભા વધારતા હતા એની ચપોચપ સુંદર ગોળાકાર ગળાવાળી લાલ ચટક ચોળી માંથી ઉરોજ નો ઉભાર ઉપસી ને આવતો હતો, લાંબા વાળ નો ગુથેલ ચોટલો કમર ને પસવારતો આગળ તરફ જૂકેલો ને કપાળ ને ગાલ પર લટકતી કાળી ભરાવદાર લટોને જાણીજોઈને મરોડદાર રીતે સજાવીને રાખી હોય એવું લાગ્યું ને કદાચ એનાથી એનો રૂપાળો ચહેરો વધુ આકર્ષક લાગતો હતો, બે ભ્રમરોની વચ્ચે મોટો કુમકુમનો ચાંદલો જરા નીચેથી રેલાયેલો હતો, લાંબુ અણીદાર નાક એક સુવર્ણની પાતળી વાળીને છેડે લટકતા મોતી થી શોભતું હતું, હોઠ થોડા ભરાવદાર અણિયાળા, ને લાલ લાલી વડે શોભતા, ને હડપચીએ એક ખાડો પડતો હતો એટલે એ વધુ નમણી લાગતી હતી, મારી દ્રષ્ટિ એની પાતળી દેહલતા પર ફરતી ફરતી તેના કટી ભાગ સુધી પહોંચી ગઈ! આહ! કેટલી કમનીય! પાતળી કમર , મારા મ્હોંમાંથી આહ શબ્દ સરી પડ્યો. પારદર્શક સાડીમાંથી અંધારામાં પણ આ લાઈટરના ઓછા અને પીળા પ્રકાશમાં એનો રૂપાળો દેહ અડધો પડઘો દિશતો હતો, નાભિથી નીચેથી વ્યવસ્થિત પાટલી વાળીને પહેરેલી સાડી એની વ્યવસ્થિતતા સૂચવી ગઈ, ને ત્યાં નજર જાણે ચોટી ગઈ! સફેદ સાડીમાં લાલ ફૂમતા વાળી સોનેરી કોરમાં ક્યાંક ક્યાંક મોતી અને સોનેરી ઘુઘરી લટકતી હતી, એ જાણે કોઈ અપ્સરા હોય એવી લાગતી હતી. મારા ગળેથી થૂંકનો ઘૂંટડો ઉતરી ગયો ને છેક પેટમાં જઇ વળ્યો, આંખોમાં આશ્ચર્ય અને વાસના એકસાથે આવ્યા પણ કાબુ કરી શકું એટલો સક્ષમ તો હું હતો.

એણે મારા ખભ્ભે હાથ મુક્યો ને પાતળી આંગળીઓને ખભ્ભે રમાડતા એ બોલી તમે ગામ તરફ જાવ છો? “ મેં કહ્યું હા. હું ગામ તરફ જાવ છું. “ એ ફરી બોલી, “ઓહ! તો હું તમારી સાથે સાથે ચાલુ? ” એના પ્રશ્નથી મન ખુશ થઈ ગયું ભાવતું ભોજન થાળીમાં હોય તેવી લાગણી થઈ આવી, મેં કહ્યું , “ હા , જરૂર આવો, હું એકલોજ છું તમે સાથે હશો તો જલ્દી રસ્તો કપાશે નય! “ “તમારે ઉતાવળ છે? “ એ બોલી, “ મેં કહ્યું હા આ અંધારી રાતે ઘરની બહાર વધુ રહેવું કોને ગમે? જલ્દી ઘરે પહોચી જઈએ તો સારું.
એ હસી ખળખડાટ હસી!!! હું જોઈ રહ્યો એ હજુએ હસતી હતી, હવે એનું હાસ્ય ભયભીત કરતું હતું, એ જોરથી બોલી ક્યાં જઈશ? એ અવાજ ઘોઘરો હતો ભય મિશ્રિત! મને ડર લાગ્યો હું એકટશ એની સામે જોઈ રહ્યો તેની આંખોની કિકી અચાનક લાલ થઈ ગઈ ને તેના હોઠના ખૂણા ખોલીને રાક્ષી દાંત બહાર આવી ગયા તેના નખ લાંબા તેના ઘૂંટણ સુધી પહોંચવા લાગ્યા અચાનક મારી નજર તેના પગપર પડી તેના પગ હતાજ નહિ! તેનું અડધું શરીર હવામાં ફરફરતું હતું જાણે ધૂમ્રશેર ઊડતી હોય તેમ ફરફરી રહ્યું હતું તે બે હાથ લંબાવતી આગળ ઝુકીને મારી ઉપર ઘસી આવતી દેખાઈ ત્યાં ગળામાંથી ચીસ નીકળી ગઈ રસ્તાની બન્ને બાજુએ ઉગેલા ઘેઘુર વૃક્ષોમાંથી ચિબરીઓ ઊડતી ઊડતી શોર કરવા લાગી અચાનક આગીયાઓનું ટોળું મારા કાન પાસે કર્કશ અવાજે ઘૂમી વળ્યું મેં ફરી જોરથી ચીસ પાડી ત્યાં!ત્યાં મને કોઈ નાજુક હાથ ઢંઢોળી રહ્યા હોય એવું લાગ્યું, કોઈ મીઠા અવાજે બોલતું સાંભળાયું ‘’શુ? થયું?” અરે! બોલો કેમ ? પરસેવે રેબઝેબ થઈ ગયા? ને ચીસ કેમ પાડો છો? મારી આંખ સત્વરે ઉઘડી ગઈ તો સામે મારી પ્રેમાળ પત્ની ગભરાયેલી હરણી જેવી મને પૂછતી બેબાકળી ઉભી હતી.
મારુ ભયાનક સ્વપ્ન એણે તોડ્યું ને ભયાનક પરણિત સત્ય એટલેકે હકીકતી દુનિયામાં લાવતા બોલી ઉઠો કેટલું મોડું થયું જુઓ ! બસ આરામ કરાવો આમની પાસે એટલે બસ એમ બબડતી એ રસોડા તરફ સરકતી હતી ને હું એને વિસ્ફારીત નયનોથી જોઈ રહ્યો હતો.
ચિંતલ જોશી.

બીજા રસપ્રદ વિકલ્પો