meri namni pari books and stories free download online pdf in Gujarati

મેરી નામની પરી

આ વાર્તાને કોપી કરવીએ ગુનો બનશે.
**************************
મેરી નામની પરી.
*************

વિવેકની રજાઓ મંજુર થઈ હતી તેથી તે ખુશ હતો. તેણે લેટિસ્યાને આ બાબત જણાવતો ફોન પણ કરી દીધેલો. વિવેકની રજા અરજી મંજુર થઈ તેના બે દિવસ પહેલા બોર્ડરના કાયદાઓનો ભંગ કરી દુષ્મન દેશના સિપાહીઓ દ્વારા ગોળીબાર થયો હતો. આવા સમયે રજા મળી જવી એ મોટી વાત હતી.
***************
વિવેક આર્મીમાં ફરજ બજાવે છે. ઘર પરિવાર સાથેનું જીવન તો આમ અલપ ઝલપ માણવા મળે. વિવેકના પિતા આર્મીમાંજ હતા. ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને અટકાવવા જતા તેમનું મૃત્યુ થયેલું. ત્યારબાદ વિવેક અને તેની માતા સુલોચના એકલવાયું જીવન જીવતાં. વખત જતાં વિવેકને પણ આર્મીમાં જોબ મળી અને બદલતાં પોસ્ટિંગ સાથેની નોકરીમાં તે તેની માતા સાથે રહી શકે એ શક્ય ન હોવાથી સુલોચનાએ તેને લગ્નમાટે દબાણ કર્યું. વિવેક હજુ વિચારે તે પહેલાજ તેના સાથી કમાન્ડો એવા ડેનિયલનું બોર્ડર પર રક્ષણ કરતી વખતે ઘૂસણખોર આતંકવાદીઓના અચાનક થયેલ હુમલામાં મૃત્યુ થયું. ડેનિયલની પત્ની લેટિસ્યા ત્યારે ગર્ભવતી હતી. તેમનું કોઈ અન્ય સગું હતું નહીં. નિરાધાર લેટિસ્યાને એ વખતે આધાર આપવા વિવેકે તેની સાથે વિવાહ કર્યા. લેટિસ્યાને શરૂઆતમાં હિન્દૂ ધર્મના આ સાસરિયાંમાં તકલીફ થતી પણ સુલોચના બેનના માયાળુ સ્વભાવે તેને દુઃખ ભૂલી આ નવા સંસારમાં સ્થિર થવા મદદ કરી. લેટિસ્યાને આગલા પતિ ડેનિયલ થકી એક પુત્ર થયો જેનું નામ જોસેફ પાડ્યું. સુલોચના બેન અને લેટિસ્યાએ મળીને જોસેફને ખૂબ સુંદર તાલીમ આપી હતી સાથે બન્ને ધર્મના સંસ્કાર પણ!

વિવેકમાટે આ વખતની ઘરની મુલાકાત વિશેષ હતી કારણકે આટલો સમય વીત્યા બાદ હવે તેની અને લેટિસ્યા વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા હતા. લેટિસ્યા ડેનિયલને ભુલિતો નહતી ,પણ તેને વિવેક પ્રત્યે હવે આદરથી વધુ કઈક લાગણી થઈ હતી. તે વારંવાર વિવેકને ફોન કરતી, ઘરની નાનામાનાની વાત તેને કહેતી અને ક્યારેક પોતે વિવેક વગર એકલું અનુભવે છે એવું પણ કહેતી. વિવેક પ્રત્યે લેટિસ્યાને આમ ઢળાવ થતાં વિવેકને પણ પ્રેમ સ્ફુર્યો અને તેણે આર્મી ઓફિસમાં રજાની માંગણી કરી. વિવેકની ત્રણ મહિનાની રજા મંજુર પણ થઈ ગઈ.
*************
વિવેક રાતની ટ્રેનમાં મુસાફરી કરી પોતાના શહેર પહોચ્યો અને બાર વાગતાં સુધીમાં તો એ ઘરે પહોંચી ગયો. જોસેફ સમજણો અને બોલતો થયો ત્યાર પછી પહેલી વખત વિવેક તેને મળી રહ્યો હતો, પણ જોસેફ તો જાણે રાત્રેજ પિતાના પડખામાં ભરાઈને ઊંઘીને ઉઠ્યો હોય એટલી સહજતા સાથે તેને પપ્પા કહી વળગી પડ્યો! અને બોલ્યો “ પપ્પા દાદી કહેતા હતા કે તારા પપ્પા તારી માટે મોટી મશીનગન લાવવાના છે તો શું તમે મારી માટે એ લાવ્યા છો? “ આ પહેલા ફોન પર પણ ક્યારેય જોસેફને પોતાની સાથે વાત કરતાં સાંભળ્યો ન હતો , કારણ તેની પોસ્ટિંગ એવા વિસ્તારમાં થતી જયાંથી માંડ સંપર્કમાં રહી શકાય, જ્યારે તે ઘરે ફોન કરે કે ઘરેથી ફોન આવે ત્યારે જોસેફ સૂતો હોય. ને બાળકની ઊંઘ બગાડવી નહિ એવું સુલોચના બેન દ્રઢપણે માનતા.
અચાનક પપ્પા જેવું સંબોધન સાંભળી વિવેક અવાચક થઈ ગયો . જોસેફ તો વિવેકની આંગળી પકડી તેની સાથે વાતો કરવામાં મશગુલ થઈ ગયો. અને વિવેક તેની કાલુડી ભાષામાં ડૂબતો ગયો. પપ્પા…. પપ્પા થી શરૂ થતી એકપણ વાત વિવેકને સ્પર્શતી ન હતી સિવાયકે પપ્પા શબ્દ! લેટિસ્યા પાણી લઈને આવી. .સુલોચના બેન જોસેફને લઈને પોતાના શયનખંડ તરફ ગયા. જોસેફની વાતોતો હજુએ ચાલુજ હતી. લેટિસ્યાએ વિવેકને પાણી આપ્યું. બન્ને એ પ્રથમ વખત એક પતિ પત્ની તરીકે એકબીજા સામે સૂચક જોયું. વિવેક માટે આ ક્ષણ ખુશીઓનો ખજાનો હતી એ પોતાની ખુશી વ્યક્ત કરી શકે એ પહેલા લેટિસ્યા તેને વળગીને રડી પડી ચપોચપ થયેલ એ બહુપાશની જકડ વિવેકને ગમતી હતી પણ લેટીસ્યાના આંસુ તેના ખભ્ભાને પલાળી રહયા હતાં તેથી તેણે લેટિસ્યાને પોતાનાથી અળગી કરી તેના આંસુ લૂછયાં અને તેના કપાળને ચૂમીને કહ્યું મારા જીવનમાં તમારા બન્નેનું સ્થાન કાયમ છે. હું તને સ્વીકારું છું દરેક અવસ્થામાં. લેટિસ્યાએ સમર્પણનો ભાવ દેખાડ્યો. તે ફરી વિવેકને વળગી પડી.
બપોરનાં ભોજન બાદ જોસેફ દાદી પાસે તેમના શયનખંડમાં રમતો હતો. દાદી તેને પરીઓની વાર્તા રોજ કહેતા અને આજે પણ તેઓનો એજ કાર્યક્રમ હતો .પણ વિવેકના મગજમાં કઈક જુદું રમતું હતું . તેણે જોસેફને તેડી લીધો અને પોતાના શયનખંડમાં લઈ ગયો. જોસેફ ખૂબ હોશિયાર બાળક અને ચતુર પણ! માત્ર છ વર્ષની ઉંમરમાં તે ખૂબ બધી વાતો જાણતો કારણકે તે દાદી અને પોતાની મમ્મી પાસે અવનવી વાર્તા , ધાર્મિક વાતો અને ટીવીમાં આવતા સમાચાર વિશે સાંભળ્યા કરતો. તેથી સાવ નાનકડી ઉંમરમાં એ ઘણું જાણતો.
વિવેકે જોસેફને પલંગ પર બેસાડ્યો . જોસેફ વિવેક સાથે વાતો કરવા લાગ્યો, પપ્પા દાદી કહેતા હતા કે કૃષ્ણ દરેકના હ્ર્દયમાં વસે છે. તમને ખબર છે દાદી કહે છે કે, સારા ખરાબ બધા માણસના હૃદયમાં કૃષ્ણ હોયજ છે. તો હે ?પપ્પા શુ આતંકવાદીના હ્ર્દયમાં કૃષ્ણ નહોતાં? તેઓ નિર્દોષ લોકોને કેમ મારે છે?
વિવેક ડરી ગયો! એક આર્મી ઓફિસર ડરી ગયો! કદાચ પહેલીવાર આ પ્રેમ નામની માયાએ તેની ઉપર કબ્જો કર્યો એટલે. તેને ક્ષણવાર માટે એવું લાગ્યું જાણે જોસેફ તેના સાચા પિતા વિશે માહિતગાર છે. તે જોસેફ સાંમુ તાકી રહ્યો.
પપ્પા ….ઓ પપ્પા ક્યાં ખોવાઈ ગયા. કહો ને આતંકવાદી કેવા હોય? મેં ટીવીમાં તેમની વિશે સાંભળ્યું અને જોયું છે. તમે તો તેમને નજીકથી જોયા હશેને? અચાનક વિવેકને જાણે થયુકે આ બાળકને સાચી માહિતી આપવી જોઈએ પણ એ માહિતી માટે તેની ઉંમર નાની છે. પણ હા આ મોકો છે ડેનિયલ વિશે તેને વાત કરવાનો. તેણે પોતાના કબાટમાંથી જૂનો આલ્બમ કાઢયો અને ડેનિયલનો ફોટો બતાવતાં કહ્યું “જોસેફ તું ઓળખે છે આ બ્રેવમેન ને?” આ તારા પિતા છે. થોડીવાર ચૂપ રહયા પછી જોસેફ બોલ્યો “ હા હું જાણું છું. આ મારા પિતાજી છે. પણ તેઓ ઈશ્વરના ઘરે ગયા છે.” તેઓ ફરી આવશે ત્યારે આપણો પરિવાર પૂરો થશે એવું મમ્મી એ કહ્યું છે. ખબર છે મમ્મી તો એમપણ કહેતા હતા કે મેરી નામની પરીને ત્યાં મારા પપ્પા બાળક બનીને રહે છે. મેરી પરી મારા પિતાને ખૂબ વ્હાલ કરે છે તેમના પોતાના બાળક ઈસુની જેમ. અને મેરી પરી એકદિવસ એ બાળક આપણને આપશે, એ બાળક બીજું કોઈ નહિ મારા પિતાજી હશે. દાદી પણ કહેતા હતા જે લોકો મરી જાય છે એ ઈશ્વરના ઘરે જાય છે. ઈશ્વર તેમને પોતાની માનીતી પરી મેરી પરી પાસે મોકલે તે પરી તેમને ખૂબ વ્હાલ કરે , પછી જ્યારે ધરતી ઉપર જગ્યા થાય ત્યારે બાળક બનાવી ફરી મોકલી આપે. આપણી બાજુવાળા મોતીલાલ કાકા પણ ઈશ્વરના ઘરે ગયાં હતાં પછી તેઓ બાળક બનીને મોહિની આંટીને ત્યાં આવ્યા . બધા લોકો તેમને મોતીલાલ કાકાનો બીજો જન્મ છે એવુંજ કહે છે. મમ્મી કહે છે આપણે ત્યાં પણ મેરી પરી તારા પપ્પાને બાળક બનાવી મોકલશે . પણ એ માટે આપણે રાહ જોવાની છે. હું તો કેટલાય દિવસોથી તમારી અને મારા બાળક બનીને આવનાર પિતાજીની રાહ જોઉં છું”
વિવેક આ બાળકની તોતડી ભાષામાં ખોવાઈ ગયો! અને તેની સાથે રમતા રમતા સુઈ ગયો. એ સાંજે ઉઠ્યો ત્યારે જોસેફને લઈ બગીચામાં ફરવા ગયો. ત્યાં તે બન્નેએ ખૂબ મસ્તી કરી. હવે વિવેકના હ્ર્દયમાં એક વસ્તુએ ઘર કરી લીધી મેરી પરી પાસેથી બાળક સ્વરૂપે જોસેફના પપ્પાને લઈ આવવા. એ દિવસે તેણે એ માટે તૈયારીઓ પણ કરી. વિવેકની રજાઓ પુરી થવામાં હતી ને તેની આદરેલી તૈયારી પણ. લેટિસ્યાંએ તેને કાનમાં મીઠા અવાજે એક ખુશખબરી આપી કે મેરી પરી તેની અને જોસેફ માટે એક સુંદર ભેટ લઈને ટૂંક સમયમાં અવવાવાની છે.
સમય વીતતો ચાલ્યો અને એક સાંજે વિવેકનો મોબાઈલ રણક્યો જોસેફ ખૂબ ઉત્સાહ સાથે બોલી રહ્યો હતો . “ પપ્પા મેરી પરી પોતે બાળક બનીને આપણે ત્યાં આવી છે. ખબર છે દાદીએ જ કહ્યું છે આ” “અને દાદીએ તેનું નામ પણ મેરી પાડી દીધું છે. પણ હું તો એને મેરી પરીજ કહીશ હો. ” “અને હા મેરી પરી હવે કદાચ બીજી વખત મારા પિતાજીને પણ મોકલશે.” આટલું બોલી જોસેફ ફોન મૂકી વિવેકના આવવાની રાહ જોઈ રહ્યો અને વિવેક ફરી રજા મળે તેની.
સમાપ્ત.
ચિંતલ જોશી.

બીજા રસપ્રદ વિકલ્પો