વન્સ અપોન અ ટાઈમ - 24 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 24

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 24

પપ્પુ ટકલાએ થોડીવાર પોઝ લઈને સિગરેટનો ઊંડો કસ લીધો. પછી મોંમાંથી રિંગ આકારનો ધુમાડો બહાર કાઢીને ધુમાડાના વલયમાંથી જાણે આગળની ઘટનાનો તાળો મેળવતો હોય એમ એ ધુમ્રવલય સામે તાકી રહ્યો. અડધી મિનિટના પોઝ પછી એણે અંડરવર્લ્ડનો ઈતિહાસ આગળ ધપાવ્યો.

સમદ કમોતે મર્યો ત્યારે આલમઝેબ મુંબઈ બહાર હતો. પણ આલમઝેબની ગેંગમાં નંબર ટુનું સ્થાન ધરાવતા મહમ્મદ કાલિયાને સમદના ખૂનની ખબર પડી ત્યારે એ અડધો ડઝન શૂટરને લઈને દાઉદને ખતમ કરવા ઝનૂનપૂર્વક નીકળી પડ્યો હતો. દાઉદ તો એના હાથમાં નહોતો આવ્યો પણ દાઉદના નજીકના માણસ શાહિદને ટપકાવી દીધો હતો. શાહિદને ઘણા સમયથી અંડરવર્લ્ડ સાથે છેડો ફાડી નાખ્યો હતો. પણ દાઉદ સાથે એનો સબંધ સારો હતો. એનો ભાઈ ઝહીદ દાઉદ સાથે કામ કરતો હતો. શાહિદને ખતમ કરીને મહમ્મદ કાલિયાનો રોષ થોડો ઓછો થયો હતો, પણ ત્યારે એને ખબર નહોતી કે શાહિદને ખતમ કરીને તેણે પોતાની કબર નાખી છે!

***

આલમઝેબ અને દાઉદ એકબીજાનું અસ્તિત્વ ભૂંસી નાખવા માટે મરણિયા બની ગયા હતા. એ વખતે બીજી બાજુ ચેમ્બુરમાં દાદો બની ગયેલો છોટા રાજન એના ગુરુ બડા રાજનના ખૂનનો બદલો લેવાનો મોકો શોધી રહ્યો હતો. છોટા રાજનનું નિશાન અબ્દુલ કુંજુ હતો. અબ્દુલ કુંજુએ બડા રાજનને કમોતે મરાવ્યો હતો. અબ્દુલ કુંજુને કાસકર બંધુઓ (દાઉદ ગેંગ)ની અમીરજાદા, આલમઝેબ, સમદ સાથેની ગેંગવોરમાં બિલકુલ રસ નહોતો. અબ્દુલ કુંજુ અગાઉ ચેમ્બુરના તિલકનગર વિસ્તારમાં રિક્ષાચાલકો અને નાના-નાના દુકાનદારો પાસેથી ખંડણી ઉઘરાવીને પોતાનું ‘ગુજરાન’ ચલાવતો હતો. અબ્દુલ કુંજુએ થોડ સમય સુધી બડા રાજનના હાથ નીચે કામ કર્યા પછી પોતાનું નાનકડું પણ સ્વતંત્ર નેટવર્ક વિકસાવ્યું હતું. પછી એને બડા રાજન સાથે વાંધો પડ્યો હતો અને એ બડા રાજનની આખી ગેંગનો સફાયો કરવા આતુર બન્યો હતો

બડા રાજન અને અબ્દુલ કુંજુની ગેંગ વચ્ચે નાનાં-મોટાં છમકલાં થતાં રહેતા હતાં. પણ અબ્દુલ કુંજુ બડા રાજન પાસે નાનો પડતો હતો. જો કે અમીરજાદા મર્ડર કેસમાં બડા રાજનની ધરપકડ થઈ અને એ પોલીસનો મહેમાન બન્યો ત્યારે અબ્દુલ કુંજુને ચેમ્બુર વિસ્તારમાં મોકળું મેદાન મળી ગયું હતું. બડા રાજનની ગેંગમાં નંબર ટુ ગણાતા છોટા રાજને બોસની ગેરહાજરીમાં ગેંગનું સુકાન સંભાળી લીધું હતું. પણ અબ્દુલ કુંજુ છોટા રાજનનું વર્ચસ્વ જામવા દેવામાં અવરોધરૂપ બની રહ્યો હતો. .

એ દરમિયાન સમદ ખાન અને આલમઝેબે અબ્દુલ કુંજુનો સંપર્ક સાધ્યો હતો. સમદ અને આલમઝેબે બડા રાજનનો કાંટો કાઢવાની વાત કરી ત્યારે અબ્દુલ કુંજુને તો ‘દોડવું’તું ને ઢાળ મળ્યો’ જેવી મજા પડી ગઈ. એને તો બડા રાજન સામે આમ પણ બદલો લેવો હતો. સમદ અને આલમઝેબ જેવા ખેલાડીઓનું પીઠબળ મળવાથી એની હિંમત વધી ગઈ હતી અને એથીય વધુ તો એને એ વાતનો રોમાંચ થયો કે પોતાના દુશ્મનનું કાટલું કાઢવા માટે એને પૈસા પણ મળવાના હતા! બડા રાજનના ખૂન પછી એને ‘સાચવી’ લેવાની ખાતરી પણ સમદ ખાને આપી હતી. અબ્દુલ કુંજુએ બડા રાજનની હત્યા માટે રિક્ષાચાલક ચંદ્રશેખર સફલિકાને તૈયાર કર્યો હતો. ચંદ્રશેખરને નેવી ઑફિસરનો યુનિફોર્મ પહેરાવીને કોર્ટમાં મોકલવાનું કારસ્તાન એણે રચ્યું હતું. બધું સમુસુતરું પાર પડ્યું હતું. બડા રાજને જેમના કહેવાથી અમીરજાદાની હત્યા કરાવી હતી એ કાસકર બંધુઓએ પોતાનું કામ પતી ગયા પછી બડા રાજનને કોરાણે મૂકી દીધો હતો એટલે અબ્દુલ કુંજુને બડા રાજનનું કામ તમામ કરવાનું સહેલું લાગ્યું હતું.

અબ્દુલ કુંજુની તમામ ગણતરી સાચી પડી હતી. ચંદ્રશેખર સફલિકા કોર્ટમાં બડા રાજનને ગોળીએ દેવામાં સફળ રહ્યો હતો. બડા રાજનની હત્યા પછી કાસકર બંધુઓ ઊંચા-નીચા થયા નહોતા અને બડા રાજનની હત્યા માટે સમદ અને આલમઝેબ તરફથી મોં માગી રકમ મળી ગઈ હતી. અબ્દુલ કુંજુએ તમામ ગણતરી માંડી હતી, પણ એક વાત એ ભૂલી ગયો હતો કે બડા રાજન ગેંગનો નવો લીડર છોટા રાજન એના બોસની હત્યાનો બદલો લેવાની કોશિશ કરશે. અબ્દુલ કુંજુ થાપ ખાઈ ગયો હતો. છોટા રાજને પરિણામની ચિંતા કર્યા વગર આખી ગેંગને અબ્દુલ કુંજુની પાછળ લગાવી દીધી હતી. અબ્દુલ કુંજુ જ્યાં જતો હતો ત્યાં છોટા રાજનના માણસો એનો પીછો કરતા પહોંચી જતા. અંતે છોટા રાજનથી બચવા એણે પોલીસના શરણે જવાનો નિર્ણય કર્યો. અબ્દુલ કુંજુએ સામે ચાલીને ધરપકડ વહોરી લીધી. સમદ ખાન કે આલમઝેબે તેને અબ્દુલ કુંજુને છોટા રાજનથી બચાવવા માટે કોઈ તકલીફ લીધી નહોતી.

પોલીસના શરણે ગયા પછી અબ્દુલ કુંજુ સલામતી અનુભવી રહ્યો હતો. પણ બડા રાજન મર્ડર કેસમાં અબ્દુલ કુંજુને વિક્રોલી કોર્ટમાં લઈ જવાયો ત્યારે છોટા રાજનના માણસોએ પોલીસ વૅન આંતરીને એમાં બેઠેલા અબ્દુલ કુંજુ પર હુમલો કર્યો. અબ્દુલ કુંજુના ખભામાં એક ગોળી ઘૂસી ગઈ, પણ એ બચી ગયો હતો. પછી જેલમાં રહીને અબ્દુલ કુંજુ કંટાળ્યો ત્યારે તે સારવારના બહાને મુંબઈની સરકારી જે. જે. માર્ગ હોસ્પિટલમાં એડમિશન દાખલ થઈ ગયો. જે. જે. માર્ગ હોસ્પિટલ ગુંડાઓ માટે સ્વર્ગ સમાન હતી. જે. જે. માર્ગ હોસ્પિટલના ઘણા ડૉક્ટર્સ અંડરવર્લ્ડ સાથે સંબંધ રાખીને ચિક્કાર સાઈડ ઈન્કમ કરતા હતા (હજી પણ સમયાંતરે આ મુદ્દો મીડિયામાં ચમકે છે, પણ સર જે. જે. માર્ગ હોસ્પિટલના કેટલાક ભ્રષ્ટ ડૉક્ટર્સ એવા વિવાદની પરવા કરતા નથી).

જે. જે. માર્ગ હૉસ્પિટલમાં ‘સારવાર’ માટે ગયેલો અબ્દુલ કુંજુ એક ડૉક્ટરની કેબિનમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે તેને ધોળે દિવસે તારા દેખાઈ ગયા!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

munir anmol

munir anmol 4 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 4 માસ પહેલા

Pramod Rajpura

Pramod Rajpura 6 માસ પહેલા

Santosh Solanki

Santosh Solanki 1 વર્ષ પહેલા

Nimisha Patel

Nimisha Patel 1 વર્ષ પહેલા