વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ 18
‘પુલીસવાલે અમીરજાદા કો કોર્ટ મેં કબ લાનેવાલે હૈ?’
ચેમ્બુરનો ડોન બડા રાજન તેના ખાસ માણસોને પૂછી રહ્યો હતો.
‘અભી પતા લગાતા હું ભાઈ.’ બડા રાજનના ખાસ માણસોમાંના એક ખેપાનીએ કહ્યું. તેણે એક પોલીસ અધિકારીને ફોન લગાવ્યો. તેની સાથે વાત કરીને રિસીવર ક્રેડલ ઉપર ગોઠવતા કહ્યું, ‘ઉસ કો પુલીસ છે સપ્ટેમ્બર કે દિન દોપહર મેં સેશન્સ કોર્ટ મેં લાયેગી, શબ્બીર મર્ડર કેસ મેં.’
‘કોઈ શૂટર કો ઢુંઢના હૈ.’ બડા રાજને કહ્યું.
‘મૈં હૂં ના ભાઈ, ક્યા કરના હૈ? આપ ખાલી બતા દો.’ પેલા ખાસ માણસે કહ્યું.
બડા રાજનના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે કહ્યું, ‘મુઝે માલૂમ હૈ, પર યે તુઝે નહીં કરના હૈ. કોઈ નયે આદમી કો ઢૂંઢના હૈ.’
‘ઠીક હૈ ભાઈ.’ ખાસ માણસે કહ્યું અને બડા રાજન તેને સમજાવવા માંડ્યો.
***
‘અંધા કાનૂન’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કોર્ટમાં જઈ વિલનનું ખૂન કરે છે એ દ્રશ્ય જોઈને રાજન નાયર ઉર્ફે બડા રાજનના દિમાગમાં એક વિચાર ઝબકી ગયો. અત્યાર સુધી એ અમીરજાદાને પોલીસ લોકઅપમાં મોતને ઘાટ ઉતારી દેવાનું વિચારતો રહ્યો પણ એ કામ થોડું મુશ્કેલ લાગતું હતું. ‘અંધા કાનૂન’ જોતા જોતા એને વિચાર આવ્યો કે અમીરજાદાને કોર્ટ રૂમમાં પતાવવાનું સહેલું પડશે. પણ એમ કરવામાં પોલીસના હાથમાં એ જ વખતે ઝડપાઈ જવાય એવી પૂરી શક્યતાઓ હતી. એ વખતે બડા રાજન પાસે રાજેન્દ્ર નિખાલજે નામનો તરવરિયો જુવાન તૈયાર થઈ રહ્યો હતો. એણે આ કામ પાર પડવાની તૈયારી બતાવી. રાજેન્દ્ર નિખાલજે બડા રાજનનો ખાસ માણસ હતો અને એને બડા રાજન મજાકમાં છોટા કહીને બોલાવતો હતો (પાછળથી એનું નામ છોટા રાજન પડી ગયું. એ છોટા રાજન પછી દાઉદનો સૌથી વિશ્વાસુ સાથીદાર બન્યો અને વર્ષોં સુધી તેના પડછાયાની જેમ તેની સાથે રહ્યા પછી તેનો કટ્ટર દુશ્મન બની ગયો. તેની ‘પ્રતિભા’ બડા રાજને ચાર દાયકા અગાઉ જ પારખી લીધી હતી).
રાજેન્દ્ર નિખાલજે ઉર્ફે છોટા રાજન કોર્ટમાં અમીરજાદાનું ખૂન કરવા માટે તૈયાર થયો, પણ બડા રાજન પોતાના માણસને આ મામલામાં સીધો સંડોવીને પોલીસને હવાલે કરવા માગતો નહોતો. એવું કરવાથી બડા રાજનનું નામ જાહેર થઈ જ જાય. અંતે એણે ‘યોગ્ય માણસ’ની શોધ ચલાવી. બડા રાજને પોતાના માણસોને કામે વળગાડી દીધા. એને કોઈ પૈસાની જરૂરવાળો અને હિંમતવાન યુવાન જોઈતો હતો અને એવો યુવાન સરળતાથી મળી ગયો...’
***
કોઈ કાબેલ કથાકારની અદાથી પપ્પુ ટકલા અંડરવર્લ્ડનો ઈતિહાસ કહી રહ્યો હતો. પણ અચાનક અટકીને એણે ઈમ્પોર્ટેડ લાઈટરથી નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી અને પછી અમારી સાથે બેઠેલા પોલીસ ઑફિસર મિત્રને શાબ્દિક ખો આપતો હોય એમ એ બોલ્યો, ‘આગળની વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ એ વાત મારા કરતાં સાહેબ વધુ સારી રીતે કહી શકશે. બડા રાજને અમીરજાદાની હત્યા કરવા જે માણસને રોક્યો હતો એણે કેવા ઠંડા કલેજે કોર્ટમાં જઈને અમીરજાદાની જિંદગી ટૂંકાવી નાંખી હતી એ એમના (પોલીસ ઑફિસર મિત્રના) મોઢે સાંભળવાની તમને મઝા પડશે. એ કેસમાં સાહેબ પણ સંકળાયા હતા. બડા રાજને રોકેલા માણસે પાછળથી પોલીસ ઈન્ટરોગેશનમાં જે વાતો કહી હતી એ વિશે પણ એમને ખ્યાલ છે.’
આગળની વાતોનો હવાલો પોલીસ ઑફિસર મિત્રને આપીને પપ્પુ ટકલા બ્લેક લેબલ વ્હીસ્કીનો નવો પેગ બનાવવામાં વળગી ગયો અને પોલીસ ઑફિસર મિત્રએ વાતનો દોર સાધ્યો:
‘બડા રાજનના માણસોએ ડેવિડ પ્રધાન ઉર્ફે ડેવિડ પરદેશી નામના યુવાનને શોધી કાઢ્યો હતો. ડેવિડ પરદેશી કડકો હતો. એ સામાન્ય ફેરિયો હતો અને પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર હતો. એને બડા રાજન સામે ખડો કરી દેવામાં આવ્યો. બડા રાજને એને ચકાસી જોયો. આ માણસ પાછો નહી પડે એવી ખાતરી થઈ એટલે એને અમીરજાદાની હત્યાનું એસાઈનમેન્ટ આપી દેવાયું. એણે ડેવિડ પરદેશીને અમીરજાદાની હત્યા માટે ૩૦ હજાર આપવાનું ઠરાવ્યું.
ડેવિડ પરદેશી અમીરજાદાની હત્યા માટે તૈયાર તો થઈ ગયો પણ ખાટલે મોટી ખોડ એ હતી કે એણે જિંદગીમાં ક્યારેય પિસ્તોલ કે રિવોલ્વર હાથમાં લીધી નહોતી. ડેવિડ પરદેશીને નિશાનબાજ બનાવવાનું કામ રાજેન્દ્ર ઉર્ફે છોટા રાજન અને બડા રાજનના બે સાથીદારોને સોંપાયું. ડેવિડ પરદેશીને મુંબઈના વાડી બંદરથી લોન્ચમાં બેસાડીને મુંબઈથી ઉરણ લઈ જવાયો. ઉરણના સૂમસામ વિસ્તારમાં ડેવિડ પરદેશીને ગોળી ચલાવવાની તાલીમ અપાઈ. દિવસો સુધી તાલીમ આપ્યા બાદ ડેવિડ પરદેશીને એક ઈમ્પોર્ટેડ રિવોલ્વર અપાઈ. જેનાથી એણે અમીરજાદાનું કામ તમામ કરવાનું હતું.
અમીરજાદા અગાઉ પત્રકાર ઈકબાલ નાતિકની હત્યાના કેસમાં આસાનીથી છટકી ગયો હતો. એ કેસમાં અમીરજાદાને નિર્દોષ છોડાવવા માટે દાઉદ અને શબ્બીરે મદદ કરી હતી. ઈકબાલ નાતિક કેસમાં અમીરજાદા વિરુદ્ધ કોઈ સાક્ષી નહીં આપે એવી ખાતરી દાઉદ અને શબ્બીરે અમીરજાદાને આપી હતી. અમીરજાદા અને આલમઝેબ સાથે કાસકર બંધુઓનું સમાધાન થયું. ત્યારે એ સમાધાન વખતે કાસકર બંધુઓએ આ ખાતરી આપી હતી અને અમીરજાદા પુરાવાના અભાવે નાતિક મર્ડર કેસમાંથી છટકી ગયો હતો. પણ એ પછી શબ્બીર મર્ડર કેસમાં મુંબઈ પોલીસે એની ધરપકડ કરી હતી અને એ પછી બીજા અનેક કેસ પણ એની સામે નોંધાયા હતા અને અમીરજાદાએ લાંબો સમય પોલીસ લોકઅપમાં અને જેલમાં રહેવું પડ્યું.
અમીરજાદા જેલમાં બેઠા બેઠા અને આલમઝેબ ગુજરાતમાં બેઠા-બેઠા દાઉદને પતાવી દેવાની યોજના વિચારી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ચેમ્બુરનો ડોન બડા રાજન અમીરજાદાને ટપકાવી દેવાની સુપારી પેટે દાઉદ પાસેથી મળેલા પાંચ લાખ રૂપિયાની ગરમી અનુભવી રહ્યો હતો!
(ક્રમશ:)