વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ 19
દાઉદ ઈબ્રાહિમના ભાઈ શબ્બીરના ખૂન પછી અમીરજાદા અને આલમઝેબ વધુ પાવરફુલ બની ગયા હતાં અને દાઉદ કરતાં તેમની તાકાત ઘણી વધી ગઈ હતી. દાઉદ હવે એકલો પડી ગયો છે અને અમારું કંઈ નહીં બગાડી શકે એવા વહેમમાં તેઓ રાચતા હતા ત્યારે બીજી બાજુ દાઉદે ચેમ્બુરના ડોન બડા રાજનની મદદ લીધી હતી.
***
શબ્બીર કાસકર મર્ડર કેસની સુનાવણીમાં હાજર રાખવા માટે અમીરજાદાને મુંબઈની સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ ચાલી રહી હતી. અડધા કલાક અગાઉ જ કોર્ટનું કામ શરૂ થયું હોવા છતાં કોર્ટમાં નોંધપાત્ર સંખ્યામાં લોકોની હાજરી વર્તાતી હતી.
અમીરજાદા પોલીસ ટીમથી ઘેરાયેલો હતો. એની પાછળ અને બાજુમાં ચાર પોલીસ કર્મચારી તહેનાત હતાં. એ કોર્ટની શુષ્ક કાર્યવાહી જોઈ રહ્યો હતો. એ વખતે બીજા કોઈ મર્ડર કેસમાં બેદરકારી દાખવવા બદલ મુંબઈ પોલીસ વતી સરકારી વકીલ કોર્ટની માફી માગી રહ્યા હતા. અચાનક એક યુવાન સામે અમીરજાદાની નજર પડી હતી.
એ યુવાન જે રીતે અમીરજાદા સામે જોઈ રહ્યો હતો એથી અમીરજાદાના દિમાગમાં ઝબકારો થયો હતો. પણ એ બીજું કંઈ વિચારે એ અગાઉ પેલા યુવાને પોઈન્ટ થર્ટી સિક્સ રિવોલ્વર કાઢીને અમીરજાદા પર ગોળીબાર શરૂ કર્યો. પહેલી ગોળી અમીરજાદાના ચહેરા પર વાગી, બીજી ગોળી એના છાતીના ડાબા હિસ્સામાં ખુંપી ગઈ, ત્રીજી ગોળી એની ગરદનમાં વાગી અને ચોથી ગોળી નિશાન ચૂકી ગઈ, પણ એ ચોથી ગોળીની જરૂર જ નહોતી. થોડાં તરફડિયાં માર્યા પછી માફિયા સરદાર અમીરજાદા નવાબખાનનો દેહ નિશ્ચેતન બની ગયો હતો. અમીરજાદાનું ખૂન થતું જોનારાઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
ડેવિડ પરદેશીએ અમીરજાદાને ગોળીએ દીધો એ પછી પોલીસ કર્મચારીઓ ડેવિડ પરદેશી તરફ ધસી ગયા હતા. પરદેશીએ સેશન્સ કોર્ટમાં પહેલાં માળેથી કૂદકો મારીને નાસી છૂટવાની કોશિશ કરી પણ એક પોલીસ અધિકારીએ એના પગમાં ગોળી મારીને એને નાસી જતા અટકાવ્યો. ડેવિડ પરદેશી પોલીસના હાથમાં ઝડપાઈ ગયો. જો કે કોર્ટમાં અમીરજાદાને મારી નાખવાની હિંમત કરનારો ડેવિડ પરદેશી થોડા કલાકોમાં તો અંડરવર્લ્ડનો હીરો બની ગયો હતો.
ડેવિડ પરદેશીએ કોર્ટમાં જઈને જે રીતે ઠંડે કલેજે અમીરજાદાની હત્યા કરી એથી મુંબઈ પોલીસ ચોંકી ઉઠી હતી. કોર્ટ રૂમમાં પોલીસ ટીમ અને જજની હાજરીમાં થયેલા ખૂનથી મુંબઈ પોલીસનું નાક મૂળમાંથી કપાઈ ગયું હતું. અમીરજાદા મુંબઈ પોલીસ માટે માથાના દુખાવા સમો હતો એટલે એની હત્યાથી મુંબઈ પોલીસને રાજી થવા જેવું હતું. નડતી ડોશી જેવો અમીરજાદા કમોતે મરી ગયો એનો મુંબઈ પોલીસને વસવસો નહોતો પણ અંડરવર્લ્ડના જમ જેવા શૂટર્સ કોર્ટરૂમ જેવું ઘર ભાળી ગયા એની ચિંતા મુંબઈ પોલીસને સતાવી રહી હતી. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એ માટે મુંબઈ પોલીસ મથી રહી હતી. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એવી કલ્પના નહોતી કરી કે ફરી વાર ગણતરીના દિવસોમાં તેમનું નાક કપાઈ જાય એવી ઘટના બનશે. ડેવિડ પરદેશીએ અમીરજાદાના આયખાનો અંત આણીને મુંબૈયા અંડરવર્લ્ડની ગેંગવોરને ટોપ ગિયરમાં મૂકી દીધી હતી અને પખવાડિયા પછી વળી મુંબઈ પોલીસને એક વધુ આંચકો લાગવાનો હતો!
***
બડા રાજને દાઉદ ઈબ્રાહીમ પાસેથી રૂપિયા પાંચ લાખની સુપારી લઈને અમીરજાદાનું ખૂન કરી નાખ્યું એ પછી કાસકર બંધુઓ ટેસમાં આવી ગયા હતા. અને આલમઝેબ તથા સમદ સ્તબ્ધ થઈ ગયા હતા. અમીરજાદાના કમોતથી કરીમલાલા છાવણીને ભારે ફટકો પડ્યો હતો પણ કળ વળી એટલે આલમઝેબ અને સમદ ખાને વળતા ઘાની તૈયારી આદરી લીધી હતી. બડા રાજને દાઉદ પાસેથી રૂપિયા પાંચ લાખ લઈને ડેવિડ પરદેશીને રૂપિયા ત્રીસ હજાર આપીને અને એને ગન ચલાવવાની તાલીમ અને રિવોલ્વર આપવા પાછળ બીજા રૂપિયા એકાદ લાખ ખર્ચીને અમીરજાદાને મુંબઈની સેશન્સ કોર્ટમાં મરાવી નાખ્યો હતો. કોન્ટ્રેકટ કિલર તરીકે પંકાયેલા બડા રાજનને આ સુપારીથી પોણાચાર લાખ જેવી તગડી રકમ ચોખ્ખા નફાપેટે મળી હતી. એટલે એ ખુશ થઈ ગયો હતો. પણ એને ખબર નહોતી કે એની ખુશી લાંબો સમય ટકવાની નહોતી.
***
સેશન્સ જજ એસ. વાય. જોશીની હાજરીમાં કોર્ટરૂમમાં અમીરજાદાની હત્યાથી ચોંકી ઉઠેલી મુંબઈ પોલીસે ડેવિડ પરદેશી સામે ત્રીજું નેત્ર ખોલીને થર્ડ ડિગ્રી અજમાવી હતી અને પરદેશીએ પોલીસ પાસે વટાણા વેરી દીધા હતા. પોલીસ અધિકારીઓને એવી ધારણા હતી કે ડેવિડ પરદેશી દાઉદ ઈબ્રાહિમનું નામ આપશે. પણ ડેવિડે કહ્યું હતું કે અમીરજાદાને મારી નાખવા માટે મને બડા રાજને કામ સોંપ્યું હતું.
ડેવિડ પરદેશીની એ કબૂલાત પછી ગણતરીના કલાકોમાં બડા રાજન પોલીસ લોકઅપમાં ધકેલાઈ ગયો હતો. બડા રાજને જાતે ડેવિડ પરદેશીને ચકાસી જોયો હતો. એ પોતાનું નામ પોલીસ સામે ઓકી નાખશે એવી બડા રાજને ધારણા રાખી નહોતી એટલે બડા રાજનને આંચકો લાગ્યો હતો. બડા રાજનને પોલીસનો ડર નહોતો, પણ સમદ અને આલમઝેબ હવે પોતાને છોડશે નહીં એ વિચારથી બડા રાજન ચિંતિત બની ગયો હતો.
ડેવિડ પરદેશી પોતાનું નામ પોલીસને નહીં આપે એવી બડા રાજનની ધારણા એના કમનસીબે ખોટી પડી હતી. ડેવિડ પરદેશીએ જોકે પાછળથી અલી અબ્દુલ અંતુલે અને દાઉદ ઈબ્રાહિમના નામ પણ પોલીસને આપ્યા હતાં. પણ દાઉદની તો અમીરજાદા અને આલમઝેબ તથા સમદ સામે ખુલ્લંખુલ્લા દુશ્મની હતી જ. પોતાને અમીરજાદાની સુપારી ભારે પડવાની શક્યતા જોઈને બડા રાજન ગભરાયો હતો. ત્યારે બીજી બાજુ આલમઝેબે ડેરડેવિલ ગણાતા ગેંગસ્ટર અબ્દુલ કુંજુ સાથે હાથ મિલાવ્યા હતા.
અબ્દુલ કુંજુ અગાઉ બડા રાજનની સાથે જ કામ કરતો હતો. પણ પછી એ બડા રાજનની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમમાં પડ્યો હતો. બડા રાજનની ગર્લફ્રેન્ડ સુચિત્રા પણ અબ્દુલ કુંજુ તરફ આકર્ષાઈ હતી અને બંને પરણી ગયા હતાં. ઉશ્કેરાયેલા બડા રાજને સુચિત્રાનું અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
પણ એ વખતે બડા રાજનને અંદાજ સુદ્ધાં નહોતો કે તેની ભૂતપૂર્વ બની ગયેલી ગર્લફ્રેન્ડ સુચિત્રાને અબ્દુલ કુંજુ પાસેથી છીનવવા જતા તેના પર કેવડી મોટી આફત આવી પડવાની હતી!
(ક્રમશ:)