પ્રેમ કે પ્રતિશોધ - 5 Vijay Shihora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે પ્રતિશોધ - 5

પ્રેમ કે પ્રતિશોધ-5

(વર્લ્ડ ફેશન ઓર્ગે.માં થયેલ એક કોલેજીયન શિવાનીની હત્યાનો કેસને ઇન્સ. અર્જુન પુરી લગનથી સોલ્વ કરવાના પ્રયાસો કરે છે. વિનય ઘરે જઈ એક યુવતી જોડે ફોન પર થોડો સંવાદ કરે છે. અર્જુને વૃદ્ધ મહિલાને શોધવા માટે દિનેશ અને રમેશને તે શોપની આજુબાજુના વિસ્તારમાં મોકલ્યા હોય છે.)  

હવે આગળ.................

ખુરશીમાં બેઠા બેઠા વિનયની આંખ લાગી ગઈ.......
લગભગ કલાક પછી વિનયના મોબાઇલની સ્ક્રીન પ્રકાશિત થઈ....અને ફોન રણકી ઉઠ્યું...મોબાઈલના અવાજથી વિનયની ઊંઘમાં ભંગ પડ્યો તેના મુખ પરથી તો એવું લાગતું હતું કે વિનય ફોન કરનાર પર બરાડી ઉઠશે..... મોબાઈલમાં જોયા વગર ફોન રિસીવ કરત તો કદાચ એમ જ થાત. પણ મોબાઈલની સ્ક્રીન પર નામ વાંચીને તેનો બધો આક્રોશ ક્ષણભારમાં પીગળી ગયો.
“હા, હવે કેમ ફોન કર્યો"-ફોન કાન પર લગાવતા વેંત વિનયે કહ્યું
સામેથી એજ યુવતીનો મધુર અવાજ આવી રહ્યો હતો,“ તમને ખબર છે અત્યારે 4 વાગી રહ્યા છે. અને આપણે 5 વાગ્યે મળવાના છીએ. હું ઝેન કેફે શોપમાં તારી રાહ જોઇશ."
આટલું કહી સામેથી ફોન વિચ્છેદ થઈ ગયો.

વિનય મોબાઈલ મૂકી સીધો પોતાના રૂમમાંથી નીકળી એના મમ્મીના રૂમમાં જઈ તેમને કહ્યું,“મમ્મી આરામ કરજે હો, કામ કરવા માટે ઘણા માણસો છે. ડોકટરે કહ્યું છે તને સખત આરામની જરૂર છે."
“તો આમ તમે બધા મારી સામે કામ કરશો અને હું કેમ બેસી રહું, ડોકટર તો કહેતા હોય...."
રૂમના દરવાજામાં પ્રવેશતાં જ હાથમાં રહેલો જ્યુસના ગ્લાસ લઈને આવતી માહીથી બોલ્યા વિના ન રહેવાયું,“મમ્મી ભાઈની વાત સાચી છે, તારે કઈ કામ કરવાની જરૂર નથી. ઘરનું કામ હું સાંભળી લઈશ, અમે બધા છીએ જ એટલે તું બસ આરામ કર...."
થોડીવાર પછી વિનયે કહ્યું,“મમ્મી, મારે થોડું કામ છે. સાંજે ઘરે આવી જઈશ."
“હા પણ, સાંજે વહેલો આવી જજે...."-માહીએ કહ્યું.
“જેવી તમારી આજ્ઞા માતે...."-વિનય માહીની સામે હાથ જોડી બોલ્યો.
બંને ભાઈ-બહેન વચ્ચે આવો સંવાદ તો કદાચ રોજ થતો હશે. વિનયના આમ બોલવાના અંદાજથી આખા રૂમમાં જાણે હાસ્યનું મોજું ફરી વળ્યું.

વિનય ઘરેથી નીકળી યુનિવર્સિટી રોડ પર આવેલા ઝેન કેફે શોપમાં પહોંચ્યો ત્યારે લગભગ 5 વાગીને દસેક મિનિટ થઈ હશે.

તેણે કેફના બધા ટેબલ પર દ્રષ્ટિ ફેરવી........
તેની નજર એક ખૂણામાં રહેલા ટેબલ પર અટકી ત્યાં તેનું ધ્યાન ખુરશી પર એક યુવતી બેઠેલી હતી તેના પર પડ્યું. વિનય અને એ યુવતીની એકબીજા સાથે નજર મળી.

તે યુવતીના ચહેરા પરથી એ અત્યારે અત્યંત ગમગીન અને ચિંતાતુર છે એવું જણાતું હતું પરંતુ તે દેખાવે સુંદર હતી.
ફૂલ જેવા કોમળ ગાલ, સહેજ ભૂખરા રંગની આંખો, ધનુષ્યનું આકાર હોય તેવા હોઠ, પ્રમાણસર ઊંચાઈ અને તેટલું જ સુંદર એનું પહેરવેશ,તેણે આછા પિંક કલરનું ટોપ અને બ્લેક જીન્સ પહેર્યા હતા.
આ યુવતી બીજું કોઈ નહી પણ વિનય સાથે કોલેજમાં અભ્યાસ કરતી રાધી હતી.
રાધી અને વિનયના પિતા એકબીજાના મિત્રો હોવાથી રાધી અને વિનય બંને હાઈસ્કૂલમાં હતા ત્યારથી જ બંને વચ્ચે મિત્રતાનો સબંધ તો બંધાઈ ગયો હતો.
સમય જતાં બંને એ એક જ કોલેજમાં એડમિશન લીધું અને ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિણામી હતી.
હજી માંડ એકાદ વર્ષ પહેલાં વિનયે રાધીને પ્રપોઝ કરી હતી. અને કદાચ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોવાથી બંને ખુદ કરતા એકબીજાને વધારે સમજતા હતા અને પ્રેમ અને વિશ્વાસ પણ એટલો જ!.

વિનય તેના ચહેરાના ભાવ જોઈને જ સમજી ગયો કે શિવાનીનું જે રીતે ખુન થયું છે તેનાથી રાધીને ઊંડો માનસિક આઘાત લાગ્યો છે.

વિનય રાધીની પાસે જઈ ખુરશી પર બેસતાં બેસતાં કહ્યું,“મને કેમ અહીં બોલાવ્યો?"
“બે દિવસ થી તને જોયો નથી, તું પોલીસ સ્ટેશનમાં હતો અને આપણી મિત્ર શિવાનીનું....."આટલું બોલતા તો રાધીની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી.
“રાધી,તું નાહકની ચિંતા ન કર પોલીસ તેનું કામ કરે જ છે ને, ટૂંક સમયમાં તે શિવાનીના ખૂનીને પકડી લેશે."-રાધીને આશ્વાસન આપતા વિનયે કહ્યું.
“શિવાની આપણી મિત્ર હતી. તેની કોઈ સાથે દુશ્મની પણ નહોતી તો પછી કોઈ.....મને તો લાગે છે કે શિવાનીના ખુન પાછળ પેલી ઘટના જવાબદાર છે. અને જો સાચે જ એવું હશે તો?"આટલું બોલતા  રાધીના શરીરમાં ભયની ધ્રુજારી ઉત્તપન્ન થઈ હતી.
વિનય પણ રાધીની વાત સાંભળીને થોડો ભયભીત તો થયો પણ તેણે પોતાના ચહેરા પર કોઈ ભાવ પ્રગટ ન થવા દીધા.
“એતો તારો વહેમ પણ હોઈ શકે ને."
“તો પછી તે ઘટના પછી આપણે તેના વિશે કેમ ક્યારેય કઈ માહિતી ના મળી, કે કોઈ મેસેજ કે ફોન...."આટલું બોલતા રાધી અટકી ગઈ.
“આપણે ક્યાં કયારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે. એટલે તું વિચાર છો એવું કંઈ નથી, તારે કોફી પીવી છે કે બીજું કંઈ મંગાવું?"વિનય અત્યારે રાધીને સાંત્વના આપવાના પ્રયાસો કરી રહ્યો હતો એટલે વાત બદલવાના આશયથી તેણે રાધીને પૂછ્યું.
“કોફી."-રાધી હજી વિચારમગ્ન જ હતી.
વિનયે વેઈટરને બોલાવી બે કોફી ઓર્ડર કરી એટલે થોડીવારમાં વેઈટર તેમના ટેબલ પર કોફી મૂકી જાય છે.
“આપણે આપણાં ફ્રેન્ડને આ વિશે વાત કરીએ તો?"રાધીએ કોફી પીતાં પીતાં વિનયને પ્રશ્ન કર્યો.
“બધા કઈ કારણ વગર ટેંશનમાં આવી જશે, એવું લાગશે તો પછી વાત કરીશું"-વિનયે રાધીના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું.
થોડીવાર બાદ વિનય કોફીનું બિલ ચૂકવી બંને કોફી શોપમાંથી રાધીનું સ્કુટર જ્યાં પાર્ક કરેલું ત્યાં આવે છે.
“ખોટી ચિંતા કરજે નહીં, અને હા ઘરે પહોંચીને ફોન કરી દેજે....."વિનયના સ્વરમાં રાધી પ્રત્યેની ચિંતા અને લાગણી છલકતી હતી.
“ok, કાલે કોલેજે મળીએ."-આટલું કહી રાધી સ્કૂટર સ્ટાર્ટ કરી પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે.
અને વિનય પણ પોતાના ઘર તરફના રસ્તે રવાનો થાય છે.
પણ અચાનક તેના પગ થંભી જાય છે. તેને કંઈક ઝબકારો થયો હોય એમ કંઈક યાદ આવ્યું. 
તે દોડીને કેફમાં જાય છે રાધી સાથે પોતે જે ટેબલ પર બેઠો હતો બરાબર તેની પાછળની લાઇનના લાસ્ટ ટેબલ બાજુ કોઈને શોધતો હોય તેમ, આમ તેમ દ્રષ્ટિ ફેરવે છે.
તેને જેની અપેક્ષા હોય તેવું કોઈ નજરે ના ચડતા વેઇટરને બોલાવીને પુછે છે,“હમણાં આ ટેબલ પર કોઈ બેઠું હતું, તે ક્યાં ગયા?"
“તમે નીકળ્યા ત્યારે તમારી પાછળ જ......"વેઈટર હજી પુરી વાત જણાવે તે પહેલાં વિનય દોડીને રોડ પર આમતેમ નજર ફેરવે છે.
ત્યાં અચાનક...................

વધુ આવતા અંકે......

શિવાનીના ખુન સાથે કોલેજની કઈ ઘટના જોડાયેલી છે?
શું વિનયે કોફી શોપમાં કોઈ જાણીતી વ્યક્તિને જોઈ હતી?
અર્જુન શિવાનીના ખૂની સુધી કેવી રીતે પહોંચશે?
તેમજ કેવી રીતે શરૂ થઈ વિનય અને રાધીની લવ સ્ટોરી?

જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.........
********

આ મારી પ્રથમ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ જણાય તો સલાહ સુચન અવશ્ય આપશો......

આ સિવાય મારા મોટા ભાઈ દિપકભાઈ રાજગોરની હોરર નવલકથા અધુરો પ્રેમ આત્માનો તમે માતૃભારતી પર વાંચી શકો છો.

આભાર.
વિજય શિહોરા-6353553470