વન્સ અપોન અ ટાઈમ - 11 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 11

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 11

અનીસ અને મોહમ્મદ સાહિલની જિંદગી લાંબી હશે એટલે એ બંને ભાગી છૂટવામાં સફળ થયા હતા. સમદ-અમીરજાદા અને એમના માણસો હાથ ઘસતા રહી ગયા હતા. એમણે બેફામ ગોળીબાર કર્યો હતો, પણ અનીસ અને સાહિલ બાલબાલ બચી ગયા હતા.

સમદ અને અમીરજાદાની હિંમત જોઈને દાઉદ અને શબ્બીર સડક થઇ ગયા હતા. સમદ, આલમઝેબ અને અમીરજાદાની પઠાણ ગેંગે ગેંગવોર ડિક્લેર કરી દીધી હતી. દાઉદ-શબ્બીરે વળતો હુમલો કરવાનો નિશ્ચય કર્યો. દાઉદ અને શબ્બીરે સમદ, અમીરજાદા અને આલમઝેબને પતાવી દેવા માટે એક મહિનામાં ત્રણ વાર યોજના બનાવી પણ સમદ, અમીરજાદા કે આલમઝેબ એમના હાથમાં આવ્યા નહીં.

બીજી બાજુ અનીસનું ખૂન કરવામાં નિષ્ફળ ગયેલા સમદ અને અમીરજાદા તથા આલમઝેબે દાઉદ-શબ્બીરની ગેંગને ખતમ કરવાના પ્રયત્નો વધારી દીધા હતા. દાઉદનો દાણચોરીનો માલ પકડાવી દેવાથી માંડીને દાઉદના ગુંડાઓને પોલીસના હાથમાં પહોંચાડી દેવા જેવા ખેલ તેમને શરૂ કરી દીધા હતા. સામે દાઉદ-શબ્બીર પણ ચૂપ બેસી રહ્યા નહોતા. સમદની પઠાણ ગેંગનું નેટવર્ક તોડવા માટે એમણે પૂરી તાકાત અજમાવી દીધી હતી. કરીમલાલા અને હાજી મસ્તાનની આંખની શરમ છૂટી ગઈ હતી. અને સમદ-શબ્બીરની પઠાણ ગેંગ સાથેની દુશ્મની દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધી રહી હતી.

***

‘હું તમને એક લવસ્ટોરી કહીશ.’

જમણા હાથે સિગારેટ એશ ટ્રેમાં બુઝાવીને પછી ડાબો હાથ ચળકતા ટકલા ઉપર ફેરવતા પપ્પુ ટકલા બોલ્યો.

‘અંડરવર્લ્ડની કહાની કહેતા આને વળી પ્રણયકથા કહેવાનું ક્યાંથી સુઝ્યું?’ અમે વિચાર્યું.

અમારા ચહેરા પર આ સવાલ વાંચીને ટકલો હસ્યો. તેણે કહ્યું, ‘ઓફ કોર્સ, અંડરવર્લ્ડની લવસ્ટોરી જ હું કહેવાનો છું. તમારે એક વાત ખાસ લખવા જેવી છે કે અંડરવર્લ્ડમાં પ્રેમિકાઓની ભૂમિકા પણ ગજબનાક રહી છે. અત્યારે એવી જ એક સ્ટોરી તમને કહીશ.’

નવી સિગરેટ સળગાવીને પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડની સૌપ્રથમ રોમાંચક, ઘાતક અને સસ્પેન્સફુલ પ્રેમકહાની કહેવાની શરૂઆત કરી.

***

‘તુઝ સે ખૂબસૂરત લડકી મૈંને જિંદગી મેં નહીં દેખી.’

ડબલબેડમાં પોતાની બાજુમાં સૂતેલી રૂપાળી પ્રિયતમાના ગાલ ઉપર હાથ ફેરવતા પ્રેમીએ કહ્યું.

‘તુમ તો બસ યું હી રોજ જૂઠી તારીફ કરતે રહેતો હો, જૈસે મુઝ સે કોઈ હસીન લડકી ઈસ જમાને મેં હો હી નહીં,’ મીઠો છણકો કરતા યુવતી બોલી.

‘મુઝ પર ભરોસા ન હોતો આયના દેખ લો. મેં જૂઠ બોલુંગા, આયના તો જુઠ નહીં બોલેગા,’ કહેતા પ્રેમીએ પ્રેયસીની ગરદન પર હળવું ચુંબન કર્યું.

‘બસ બસ બહુત તારીફ કર લી, તારીફ કરના તો કોઈ આપ સે શીખે. મીઠી મીઠી બાતે કરને મેં આપ ઉસ્તાદ હૈ પર મહેબૂબા કો કહીં લે જાના હો તો આપકો પરેશાની હોતી હૈ.’ પ્રિયતમા ફરિયાદ ના સૂરમાં બોલી.

પ્રેમિકાના ટોણાથી યુવાનની દુખતી રગ દબાઈ ગઈ. અને એણે જરા અકળાઈને કહ્યું, ‘તુમ સમજતી નહીં હો, યે વક્ત ઐસે તુમ્હારે સાથ અકેલે ઘૂમને કા નહીં હે. મેરા તો જો હોના હૈ હોગા, તુમ્હારી જાન ખામખાં ચલી જાયેગી.’

‘તુમ્હારે સાથ રહને મેં જાન ચલી જાતી હૈ તો ભલે હી ચલી જાયે. તુમ્હારા સાથ પાને કે લિયે મૈં એક નહીં સો સો જિંદગી કુરબાન કર સકતી હૂં.’ પ્રિયતમાએ અકળાયેલા પ્રેમી સાથે લાડ કરતા કહ્યું.

‘મૈં ભી તુમ્હારે લિયે જાન પે ખેલને કો તૈયાર હું…’ યુવાન ભાવાવેશમાં આવીને બોલ્યો.

એનું વાક્ય પૂરું થાય એ અગાઉ જ યુવતીએ એનો હાથ પકડીને કહ્યું, ‘તો ફિર ચલો. ક્યું ન હમ જિંદગી કી મજા લે. આજ મુઝે જુહૂ બીચ જાના હૈ, લે ચલતે હો કી નહીં?’

પ્રેયસીની જીદ સામે પ્રેમીએ નમતું જોખ્યું. એ કપડાં પહેરીને તૈયાર થયો. યુવતીએ પ્રેમીની પસંદગીનો ડ્રેસ પહેર્યો. યુવાન બાથરૂમમાં ગયો એ દરમિયાન યુવતીએ ફોનનું રિસિવર ઊંચકીને કોઈને કોલ કર્યો.

પ્રેમી તૈયાર થઈની આવ્યો એટલે બંને બહાર નીકળ્યા અને કારમાં ગોઠવાયા. તેમની કાર દક્ષિણ મુંબઈથી ઉત્તર તરફ દોડવા માંડી. બાજુમાં પ્રેમિકા મીઠી વાતો કરતી હતી. યુવાન એની વાતોમાં યંત્રવત રીતે હોંકારો ભણી રહ્યો હતો. જો કે પ્રેમિકા એના તરફ સરકીને એના પડખામાં ભરાઈને બેઠી પછી એના સ્પર્શથી યુવાન ફરી વાર રોમેન્ટીક મૂડમાં આવી ગયો. યુવાનને યાદ આવ્યું કે કારમાં પેટ્રોલ ભરાવવાનું છે. એણે પ્રભાદેવી પેટ્રોલ પમ્પ પાસે એણે કાર થોભાવી.

‘ટેન્ક ફૂલ કર દો.’ પેટ્રોલ પંપના કર્મચારીને એણે કહ્યું. બરાબર એ જ વખતે બે કાર રોંગ સાઈડથી એની કારની સામે આવીને ઊભી રહી ગઈ!

ચોંકી ગયેલો યુવાન કારમાંથી બહાર નીકળ્યો. એ જ વખતે સામે આવેલી બંને કારમાંથી હટ્ટાકટા માણસો બહાર નીકળ્યા. તેમને જોઇને યુવાનની આંખ આશ્ચર્ય અને આઘાતથી પહોળી થઈ ગઈ. એ કંઈ વિચારે એ અગાઉ સામેથી ગોળીબાર શરૂ થઈ ગયો. પહેલી ગોળી એના જમણા ખભામાં ખૂંપી ગઈ. યુવાને મરણિયા બનીને કમરપટ્ટામાં ભરાવેલી પિસ્તોલ ખેંચી કાઢી. પણ એ પિસ્તોલનું ટ્રીગર દબાવે એ પહેલા એમ્બેસેડરમાં આવેલા માણસોમાંથી એક યુવાને કૂકરીથી એનું કાંડું કાપી નાખ્યું. એ પછી બીજી જ ક્ષણે એક ગોળી યુવાનની છાતીમાં ઘુસી ગઈ. કપાયેલા કાંડા સાથે યુવાન નીચે પડી ગયો. એ પછી પણ એના પર ગોળીબાર ચાલુ રહ્યો. એનું શરીર તરફડિયાં મારી રહ્યું હતું. ગણતરીની ક્ષણોમાં એના તરફડિયાં બંધ થઈ ગયા.

બ્લૅક એમ્બેસેડરમાં આવેલા માણસોએ યુવાન મરી ગયો એની ખાતરી કરી.

પ્રેમીને નજર સામે મરતો જોઈ રહેલી પ્રિયતમા કારમાંથી બહાર નીકળી. તેની નજર અમીરજાદા સાથે મળી. અમીરજાદાએ એને શાબાશી આપતું સ્મિત વેર્યું અને તેને આલિંગન આપ્યું. વળતી પળે એ યુવતી અમીરજાદા સાથે કારમાં ગોઠવાઈ. અમીરજાદાના ગુંડાઓ પણ બીજી કારમાં ગોઠવાઈ ગયા અને એ બધા ત્યાંથી રફુચક્કર થઈ ગયા!

પ્રભાદેવી પર લોહીના ખબોચિયા વચ્ચે જે લાશ પડી હતી એ દાઉદ ઈબ્રાહિમના ભાઈ શબ્બીરની હતી!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 2 અઠવાડિયા પહેલા

jaydip

jaydip 4 અઠવાડિયા પહેલા

Nimisha Patel

Nimisha Patel 10 માસ પહેલા

Ritesh Shah

Ritesh Shah 1 વર્ષ પહેલા

Divya Shah

Divya Shah 2 વર્ષ પહેલા