શ્રદ્ધાનો રંગ. NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રદ્ધાનો રંગ.

શ્રદ્ધાનો રંગ.

========

એના લબડતા હાથમાં અડધી સિગરેટ ધુમાડા ઉડાડી રહી હતી. બીજા હાથમાં અડધો ગ્લાસ એને માંડમાંડ ઉઠાવી હળવેથી આંખ ખોલી એક નાનકડો ઘૂંટડો ઉતારી એને ગ્લાસ ઉપર નજર કરી. એની સામે બેઠલા અન્ય ત્રણ મિત્રોનો હળવો હળવો બબડાટ એના કાને અફળાયો.

“માઈકલ! તું પ્રચાર કરવા આવીશ ને?.....”

“ના હું રીયાઝ અને અમિત સાથે યાદી ચકાસવા જવાનો છું,”

“અમિત બાકીની બોટલો ક્યાં રાખી?”

“ગાડીમાં જ ડીક્કીમાં રાખી છે...”

“આવતી કાલ માટે પણ જોઇશે ને?” હા હા હા...

થોડીવાર પછી એણે ફરી આંખ ખોલી બીજા ઘૂંટડામાં બાકી રહેલું પ્રવાહી પેટમાં ઉતારી ગયો. માથામાં એક ઝણઝણાટી ઉપડી એને માથું હલાવવા પ્રયત્ન કરી એને ફરી આંખો બંધ કરી. થોડીવાર પછી એણે ફરી આંખ ખોલીને સામે બેઠેલા મિત્રો ઉપર નજર કરી. માઈકલ અને અમિત ટેબલ ઉપર માથું ટેકવીને પડ્યા હતા જયારે રીયાઝ ખુરસી ઉપર માથું ટેકવીને પડ્યો હતો. ટેબલ ઉપર પડેલા ચીકન લેગ પીસ ઉપર માખીઓ બણબણી રહી હતી.

******

એણે જોયું સામેથી માણસોનું મોટું ટોળું આવી રહ્યું હતું. કોઈના હાથમાં મશાલ હતી, કોઈના હાથમાં મીણબત્તીતો કોઈના હાથમાં પેટ્રોલથી ભરેલા કેન હતા. અમુકના હાથમાં ટોર્ચ પણ! મશાલ મીણબત્તી અને ટોર્ચનો પ્રકાશ એની આંખોમાં પડ્યો.

ટોળાના શોર બકોરથી માઈકલ, અમિત અને રિયાજ ત્રણેય મિત્રો ઉભા થઇ ગયા.

ટોળું હવે સાવ નજીક આવી ગયું હતું. માઈકલ અમિત અને રીયાઝ ટોળાની સામે ઉભા રહી ગયા. એણે ઉભા થવા કોશિશ કરી પણ એનો શ્વાસ રૂંધાતો હતો. અકળામણ થતી હતી. એ કશું બોલવા પ્રયત્ન કરી રહ્યો હતો પણ મોમાંથી અવાજ નહોતો નીકળતો. એણે એના પગ હલાવવા પ્રયત્ન કર્યો. હાથ હલાવવા પ્રયત્ન કર્યો પણ એ ઉભો ન થઇ શક્યો. એણે એનો એક હાથ બોટલ ઉપર ટેકવી અને બોટલના ટેકે ઉભો થયો.

તે હવે માઈકલ અમિત અને રીયાઝની સાથે ઉભો રહી ગયો હતો..

ચારેય જણાને એકસાથે જોઈ માણસોનું ટોળું પણ સામે આવીને ઉભું રહી ગયું હતું...

ચારેય જણાએ એકસાથે ટોળા સામે જોઇને કહ્યું.

“બેસી જાવ.”

ટોળામાં સામેલ બધા જ બેસી ગયા. જે મશાલ લઈને આવ્યા હતા એમણે મશાલ જમીનમાં ખોપી દીદી. જે લોકો મીણબત્તી લઈને આવ્યા હતા એમણે મીણબત્તી બાજુમાં મૂકી દીધી. જે લોકો પેટ્રોલના કેન લાવ્યા હતા એ લોકો પોતપોતાના કેન ખોળામાં રાખી બેસી ગયા. અમુક તો સુઈ પણ ગયા!

અમિતે ટેબલ ઉપરથી બોટલ ઉઠાવી સામેં રાખી લોકોને સંબોધન કરતા કહ્યું..

“આ બોટલ ખાલી છે પણ જો તમે આ બોટલમાં ફૂંક મારસો તો આ બોટલ જાદુઈ થઇ જશે. તમે જે માંગણી કરશો એ આ બોટલમાંથી નીકળતો જીન્ન પૂરી કરશે.”

અમિતની બોટલની બાજુમાં જ માઈકલે પોતાની ખાલી બોટલ મુક્તા કહ્યું.

“ખોટી વાત, આ બોટલમાં ફૂંક મારો. આ બોટલ વધારે બળવાન છે.”

બંનેની વાત સાંભળી રિયાઝે પણ પોતાની બોટલ ઉઠાવી અને સામે પડેલી બે બોટલની હરોળમાં મુક્તા કહ્યું..

“આ બંને ખોટા છે.. આ બોટલની વાત કરો. આ બોટલ સૌથી વધારે માંગણી પૂરી કરી શકશે.”

ત્રણેયની વાત સાંભળી રામુના હાથમાં સળવળાટ થવા લાગ્યો. એના હાથ ધ્રુજવા લાગ્યા. પોતાની બોટલ ઉઠાવી એ લથડીયા ખાતો આગળ આવ્યો અને કહ્યું..

હું મારી બોટલ અહિ રાખું છું, જો તમને મારામાં અને તમારામાં શ્રદ્ધા હોય તો આ બોટલમાં ફૂંક મારજો...

અને પછી ચારેય જણા પોત પોતાની ખુરસી ઉપર જઈને બેસી ગયા. બાકી રહેલ ચીકન લેગ પીસ ખાવા લાગ્યા. થોડીવાર પછી ટોળામાં રહેલો એક આગેવાન ટેબલ પાસે આવ્યો અને કહ્યું..

“લોકોને જેમ મજા આવે એમ બોટલમાં ફૂંક મારી છે. ચારેય બોટલ ભરાઈ ગઈ છે. હવે અમે જઈ શકીએ?”

“હા હવે તમારું કશું જ કામ નથી.”

થોડીવારમાં સુતેલા લોકો ઉભા થઈને ચાલ્યા ગયા. મશાલ અને મીણબત્તીનું અંજવાળું ગાયબ થઇ ગયું.

ચારેય જણા પોતપોતાની બોટલ પાસે આવીને ઉભા રહ્યા. લોકોની ફૂંકથી બોટલનો રંગ બદલાઈ ગયો. સ્થાન પણ.

માઈકલે ઉતાવળે બ્લુ રંગની બોટલ ઉઠાવી લીધી, અમિતે કેશરી રંગની અને રિયાઝે લીલા રંગની..

એક બોટલ જેમની તેમ પડી પડી સફેદ પડી ગઈ હતી તે રામુએ ઉઠાવી લીધી.

અમિતે તેની બોટલ ઉપર હાથ ઘસ્યો, કોઈ પ્રતિક્રિયા જોવા ન મળી, ત્યારબાદ એ ગુસ્સામાં બોટલને પગથી કચડવા લાગ્યો. થોડીવારમાં એ બોટલમાંથી એક જીન્ન પ્રગટ થયો અને કહ્યું..

“હુકમ માલિક હું તમારી શું સેવા કરી શકું છું.”

એ ચારેય જોઈ રહ્યા, તે જીન્ન કેશરી રંગના વાદળા જેવો હતો, તેની પૂછડી તીક્ષ્ણ હતી. જાણે હવામાં કોઈ ફુગ્ગો ન ઉડતો હોય!

અમિત ખડખડાટ હસી પડ્યો અને કહ્યું..

“હે જીન્ન મારા આખા દેશનો રંગ કેશરી થઇ જાય. જેમ ઉદયપુર અને જયપુર ગુલાબી નગરીથી ઓળખાય છે એમ મારો આખો દેશ કેશરી દેશથી ઓળખાય એવું કૈંક કરો.”

“તથાસ્તુ” કહેતા જીન્ન બોટલની અંદર પ્રવેશી ગયો. બોટલ હવામાં ઉછળી અને ફાટી, આખા દેશનો રંગ કેશરી થઇ ગયો..

રીયાઝ અને માઈકલ પણ એની બોટલને કચડવા લાગ્યા.. રીયાઝની બોટલમાંથી લીલા રંગનો જીન્ન બહાર આવ્યો.

“હુકુમ માલિક હું તમારી શું સેવા કરી શકું?”

“હે જીન્ન આ દેશનો રંગ કેશરી કેમ થઇ ગયો? આ રંગ બદલી નાખો. એને લીલા રંગનો બનાવી દો.”

“જેવી આપની આજ્ઞા માલિક.”

કહેતો જીન્ન બોટલમાં ઘુસી ગયાની સાથે જ બોટલ હવામાં ઉછળી અને ફાટી ગઈ. કેશરી રંગ ઉપર લીલા રંગનું લીપણ થઇ ગયું. લીલા રંગના કારણે તે કેશરી રંગ આછો કાળાસ પડતો થઇ ગયો...

માઈકલની બોટલમાંથી બ્લુ કલરનો જીન્ન બહાર આવી ગયો હતો..

“હુકમ માલિક.”

“આ રંગ કેમ કાળાસ પડતો થઇ ગયો? દેશનો રંગ તો બ્લુ હોવો જોઈએ. બ્લુ રંગ કરી દો.”

“જેવી આપની આજ્ઞા.”

આમ આછા કાળા રંગ ઉપર બ્લુ રંગ લાગતા તે રંગ વધારે કાળો થઇ ગયો..

રામુ ક્યારનો એની બોટલને ખુંદી રહ્યો હતો પણ તેમાંથી કોઈ જીન્ન બહાર નહોતો નીકળતો.. અંતે ગુસ્સામાં રામુએ બોટલને હવામાં ઉછાળી. તે બોટલ ઉંચે વાદળોમાં જઈને ફાટી અને ઓગળી ગઈ.

એક પોલીસ કર્મચારીએ ટેબલ ઉપર ડંડો પછાડ્યો અને રામુ ઊંઘમાંથી ઉઠી ગયો. રામુના હાથમાં રહેલી સિગરેટનું ફિલ્ટર સળગી રહ્યું હતું. ચીકન લેગપીસ ઉપર બણબણતી માખીઓ એના હોઠ ઉપર આવી ગઈ હતી..

“એય છોકરાઓ! ખબર નથી પડતી? ગામમાં કર્ફ્યું લગાડવામાં આવ્યો છે. ગામમાં હિંસા ફાટી નીકળી છે! તોફાનો થયા છે. આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. રાતના બાર વાગ્યા છે. ચાલો ઘરે જાઓ.”

માઈકલ અમિત અને રીયાઝ ત્રણેય સફાળા ઉભા થઇ કારમાં બેસી ગયા. રામુ કાર તરફ જતા જતા પાછું વળી વળીને ટેબલ ઉપર પડેલી ખાલી બોટલોને જોઈ રહ્યો હતો.

રામુએ રસ્તામાં પણ જોયું, દીવાલ ઉપર લાગેલા લાલ ડાઘા અને ખાબોચિયા કાળા પડી રહ્યા હતા.

=======

સમાપ્ત..

નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯