'સરપ્રાઈઝ ગિફ્ટ'
એ નાનકડી જેલમાં હું અસહ્ય પિડાથી તડપી રહ્યો હતો. મને ખૂબજ માર મારવામાં આવ્યો હતો. સતત ચાર કલાક સુધી મારા પર ડંડાથી પ્રહાર કરવામાં આવ્યો હતો. મારા શરીરે યેનકેન પ્રકારે આ પ્રહારો ઝીલ્યા હતાં. શરીરના મોટાભાગના અંગો પર ડંડાના લાલ નિશાન અર્ધો ઇંચ જેટલા ઊંડા પડી ગયા હતા. આ પિડા અસહ્ય હતી. આ પિડાદાયક પ્રહારો પણ મારા મુખેથી એક શબ્દ પણ બોલાવી શક્યા ન હતા. છેલ્લા ચાર દિવસથી આ રોજનો ક્રમ બની ગયો હતો. મારી પાસેથી માહિતી મેળવવા અને કબૂલાત કરાવવા માટે મને મારવામાં આવતો, ટોર્ચર કરવામાં આવતો, પણ હું એક હરફ પણ ન ઉચારતો !
મે હત્યા કરી હતી, હું હત્યાનો આરોપી હતો. મને હત્યાના સ્થળેથી રંગેહાથ પકડવામાં આવ્યો હતો. મે ઠંડા કલેજે મારી પ્રેમિકાની હત્યા કરી હતી. મે એ જ પ્રેમિકાની હત્યા કરી હતી જેની સાથે હું છેલ્લા બે વરસથી સંબંધમાં હતો. વર્તમાનપત્રોમાં અમારા લીવ ઇન રિલેસનમાં હોવાની ચર્ચાઓ પણ થતી હતી. હું એને ખૂબ જ પ્રેમ કરતો હતો, હા ખૂબ જ !
સૌ પ્રથમ સાહિત્યના એક એવોર્ડ સમારોહમાં મને જ્યારે યુવા સાહિત્યકાર તરીકે એવોર્ડ મળ્યો હતો ત્યારે એ જ સમારોહમાં એ મારી પાસે મારો ઓટોગ્રાફ લેવા આવેલી. એનો ગોળ સુંદર ચહેરો એ જ સમયે મારી આંખોમાં વસી ગયેલો. એ મુલાકાત દરમિયાન મે મારી એવોર્ડ વિનિંગ નવલકથા એને ભેટરૂપે આપી હતી. એ પછી મારા નંબર પર એના મેસેજીસનો સિલસિલો અને અમુક સમય બાદ એના ફોન કોલ્સનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. થોડા દિવસો બાદ અમારી મુલાકાતો થઈ અને છેવટે અમારી વચ્ચે પ્રેમનો ઈઝહાર થયો અને અમે એક સાથે એક જ ફ્લેટમાં રહેવા લાગ્યા. એ મારા લખાણની ચાહક હતી. મારી દરરેક વાર્તાઓ અને બુક્સ એણે વાંચી હતી. એને પણ લખવાનો શોખ હતો અને એ મારી પાસેથી એ માટે શિખતી. એની ધગશ અને ઉત્સાહ જોઈને હું પણ મારો અમુક વરસનો અનુભવ શેર કરતો અને એને પ્રેમથી શીખવાડતો. અમારો સંબંધ અને પ્રેમ દિવસે ને દિવસે ગાઢ બની ગયો હતો.
હું એને મારવા માંગતો ન હતો, મેં મારી જાતને ઘણી રોકી હતી, સમજાવી હતી. અમારા સાથે જીવવા મરવાના વચનો યાદ કર્યા હતાં, અમે સાથે વિતાવેલી પ્રેમભરી ક્ષણો યાદ કરી હતી, પરંતુ એણે કર્યું જ એવું હતું કે એને મારવાનો નિર્ણય અમુક અવઢવ પછી મક્કમ થઈ ગયો હતો. એણે મારી નવલકથા ચોરી હતી. હા, મારી પ્રેમિકા એ મારી નવલકથા ચોરીને પોતાની બુક પ્રકાશિત કરવાનું આયોજન કર્યું હતું. જે મારા માટે અસહ્ય હતું અત્યારે થતાં ટોર્ચર કરતા પણ તે અસહ્ય લાગ્યું હતું. એ વાતની મને ખબર ત્યારે પડી જ્યારે એ એક પ્રકાશક સાથે ફોનમાં વાત કરી રહી હતી અને મારી વાર્તાનો સાર કહી રહી હતી, એ સમયે એણે એ પ્રકાશકને એ નવલકથા પ્રકાશિત કરવા ખૂબજ મનાવ્યાં હતાં. એની આ વિનવણી એ મારા ગુસ્સામાં વધારો કર્યો હતો. એને એવી શું જરૂર હતી ?
એ નવલકથામાં મારી હતી, એ મારી લખેલી વાર્તા હતી. જેમ કોઈ મહિલા પ્રસૂતિની પિડા સહન કર્યા બાદ નવ મહિને બાળકને જન્મ આપે છે એવી જ રીતે મેં બે વરસની આકરી તપસ્યા, તનતોડ મહેનત કરીને એ વાર્તાને જન્મ આપ્યો હતો. હું એ વાર્તા લખવા માટે દેશનાં ખુણે ખુણે ફર્યો હતો. એ વાર્તાના પાત્રોને મેં ઘણી મહેનત પછી સર્જન કર્યું હતું. એ દરરેક પાત્રોના ચહેરા શબ્દો દ્વારા સર્જ્યા હતાં. એ દરરેક પાત્રોને મારી કાલ્પનિક દુનિયામાં જીવંત કર્યા હતાં. મારા પાત્રોને મેં દુનિયા દેખાડી હતી, મેં એ પાત્રોને નિષ્ફળ કરી રોવડાવ્યા હતાં અને સફળ બનાવી હસાવ્યા હતા. એ ખાલી વાર્તા ન હતી, એક સપનું હતું. એ સપનું અચાનક તૂટી ગયું હતું, એને તોડનાર બીજું કોઈ નઈ પણ મારી પ્રેમિકા હતી. જે મારા માટે અવિશ્વસનીય હતું. એનાં માટે હું સઘળું લૂંટાવી શકતો, મારું દરરેક લખાણ એના નામે કરી દેતો પરંતુ એણે પ્રેમથી એ માંગવું જોઈતું હતું, એણે એવું ન કર્યું, એણે દગો કર્યો હતો. એનો દગો એની મોતનું કારણ બન્યો હતો.
એને મારવું એ ક્ષણિક આવેશમાં આવીને કરેલું કૃત્ય ન હતું , એ ખૂબજ આયોજનબધ્ધ કરવામાં આવેલું કૃત્ય હતું. એ રાત્રે મેં અમારા રૂમને શણગારીને એને સરપ્રાઈઝ આપી હતી. એના માટે આછા વાદળી રંગનો ટ્રાન્સપરન્ટ ડ્રેસ લાવ્યો હતો. એ ડ્રેસ એને પહેરવા માટે મનાવી હતી. એ ડ્રેસમાં એની સફેદ કાયા વધુ સુંદર લાગી રહી હતી. કેન્ડલ લાઈટ ડિનરનું ઘરમાં જ આયોજન કર્યું હતું. એ રાત્રે મેં એની સાથે વધુમાં વધુ સમય પસાર કરવાનું નક્કી કર્યું હતું. આખરે તો એ મારી પ્રેમિકા હતી, એને મારવું સહેલુંતો ન જ હતું ને! હું એ સમયે એનો ચહેરો જોતો અને મનમાં વિચારતો કાશ એણે એ વાર્તા મારી પાસે માંગી લીધી હોત.
એ રાત્રે મેં એની સાથે એની મંજૂરીથી શારિરીક સંબંધ બાંધ્યો હતો, ખરાં અર્થમાં ત્યારે એક પ્રચલિત લેખક લિવ ઇન સંબંધમાં પ્રવેશ્યો હતો. એ સમયે સઘળા આવરણો અમારી વચ્ચે તૂટી ગયા ! અમે એ દરરેક અફવાઓને સાચી પાડી હતી જેની ચર્ચા ન્યૂઝપેપરમાં અને સોસિયલ મીડિયા પર અમારા સંબંધ વિશે થતી હતી.
મોડી રાત્રે અમે લોન્ગ ડ્રાઈવ પર ગયા, એ મારા આ વર્તનથી ખુશ હતી. આ રાત્રી અને આ સરપ્રાઈઝે એને ખુબજ ખુશ કરી હતી, એ આનંદ એના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. એ ચહેરો એટલો જ ખુશ હતો જેટલોએ અન્ય એક દિવસે પ્રકાશક સાથે વાત કરતી વખતે હતો. મને ખબર હતી કે એ ખુશી લાંબો સમય ટકવાની ન હતી, એ હકીકતથી અજાણ હતી કે એ એના જીવનની છેલ્લી ક્ષણો હતી.
એક સુમસાન જગ્યાએ મેં ગાડી રોકી અને એને ફરી ગળે લગાવી, ફરી એકવખત કારમાં ગરમ શ્વાસોશ્વાસની આપ લે થઈ, બે યુવાન શરીર એક થયા. એ ખુશ હતી, હું ખુશ હતો. આખરે મેં એક છેલ્લું આલિંગન આપ્યું અને આંખો બંધ કરીને એની પીઠમાં જ આયોજન મુજબ લાવેલ છરો ભોંકી દીધો. છરો ભોંકતા જ એની આંખો પહોળી થઈ ગઈ. એ આશ્ચર્યજનક દ્રષ્ટિથી મને જોઈ રહી. એ પિડાથી કણસી ઉઠી હતી. એને પિડામાં જોઈને મને પણ દુઃખ થતું હતું પણ એની એ તકલીફ મારી તકલીફ સામે કંઈ જ ન હતી. એની સવાલભરી નજરોને જોઈને હું ખાલી એટલું જ બોલ્યો કે મારું સઘળું તારૂ જ હતું ને કાશ તે માંગી લીધું હોત ! એ જેમ મારી દરરેક વાતને સમજતી એમ હવે મારી આ વાતને પણ સમજી ગઈ હતી અને એણે મને ઇશારાથી એના પર્સને ખોલવા માટે કહ્યું. એની આંખોમાં હજુ પણ મારા પ્રત્યે એ જ પ્રેમ હતો જે પ્રેમ પહેલી મુલાકાત વખતે મને દેખાયો હતો. એની નજરોમાં મારા પ્રત્યે એ જ સન્માન દેખાઈ રહ્યું હતું. મેં એની સૂચના મુજબ પર્સ ખોલ્યું એ પર્સમાં એક પત્ર હતો. એ પત્ર એક વિદેશી પ્રકાશક પાસેથી આવ્યો હતો. એ વાંચતા મને સમજાયું કે તેણે મારી વાર્તાનું અંગ્રેજી અનુવાદ કર્યું હતું જેથી મારી બે વરસની મહેનત વધુમાં વધુ લોકો સુધી દેશ વિદેશમાં પણ પહોંચી શકે. એણે મારી નવલકથાનો શ્રેય મને જ આપ્યો હતો. આ અનુવાદક બુક એનાં દ્વારા મારા આવનારા જન્મદિવસ માટેનું એક ગિફ્ટ હતી, જે એ મારાથી છુપાઈને મારા માટે તૈયાર કરી રહી હતી. એ મને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. હું એ સમજી શક્યો ન હતો. હવે ખૂબજ મોડું થઈ ચૂક્યું હતું. ધીમે ધીમે એની આંખો બંધ થઈ રહી હતી, મેં એનું માથું મારા ખોળામાં ઢાળી દીધું. એના કપાળે વ્હાલથી હાથ ફેરવ્યો. એને આંખો બંધ ન કરવા વિનંતી કરી. ડોકટરને ફોન લગાવવાના પ્રયત્નો કર્યા પણ કદાચ અમે શહેરથી એટલાં દૂર નીકળી ગયા હતાં કે નેટવર્ક મળવું મુશ્કેલ બની ગયું હતું. આખરે એ પ્રેમાળ આંખો મારા ખોળામાં જ બંધ થઈ ચૂકી હતી.
મને મારા પર ગુસ્સો આવી રહ્યો હતો, એક ગેરસમજણના કારણે મેં એને 'સરપ્રાઈઝ ગિફ્ટ' રૂપે મોત આપી દીધું હતું.
~સમાપ્ત~