વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ – 6
‘અબ આગે કી બાત કલ કરતે હૈં.’
જમણા હાથના કાંડા ઉપર બાંધેલી હીરાજડિત ઘડિયાળ પર નજર રાખીને પપ્પુ ટકલાએ કહ્યું.
કોઈ સસ્પેન્સ સિરિયલ જોતા હોઈએ એ જ વખતે ટીવી સ્કીન પર ‘ટુ બી કન્ટિન્યુડ’ શબ્દો આંખને ખૂંચે એ રીતે પપ્પુ ટકલાના શબ્દો અમારા કાનને ખૂંચ્યા. પણ પપ્પુ ટકલાની ઓળખાણ કરાવનારા અમારા પોલીસ ઑફિસર મિત્રએ અગાઉથી જ ટકલા વિશે કહ્યું હતું કે આ માણસ ઊંધી ખોપરીનો છે. એ એના મૂડ પ્રમાણે જ વાતો કરશે. અંડરવર્લ્ડના ઈતિહાસ વિશે અને દાયકાઓથી ચાલતી અંડરવર્લ્ડ ગેંગવોર વિશે ઝીણી-ઝીણી વિગતો સાથેની તમામ વાતો અમને કહેવા માટે મારા પોલીસ ઑફિસર મિત્રએ એને તૈયાર કર્યો હતો.
પપ્પુ ટકલાએ રસભંગ કરીને વાત અધવચ્ચે છોડી દીધી, પણ એમ છતાં એણે પહેલી જ બેઠકમાં ખાસ્સો મસાલો પૂરો પાડ્યો હતો એટલે અકળાવાનો કોઈ અર્થ નહોતો. બીજે દિવસે ફરીવાર પપ્પુ ટકલાને એના વરલી સ્થિત નિવાસસ્થાને મળવાનું નક્કી કરીને છુટા પડ્યા.
પપ્પુ ટકલાની ઉંમર પચાસથી પંચાવન વર્ષની હશે. પોલીસ ઑફિસર ફ્રેન્ડે એની સાથે પહેલી મુલાકાત કરાવી ત્યારે એને જોઈને મને આશ્ચર્ય થયું હતું. પોલીસ ઑફિસર ફ્રેન્ડે અગાઉથી ટકલા વિશે વાતો કરી ન હોત તો હું એવું જ માની લેત કે મુંબઈમાં ઘણા શેખીખોરો પોતાને અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાની બડાસ હાંકતા હોય છે. એ જ રીતે આ માણસ પણ શેખી મારતો હશે. એને પહેલી નજરે જુઓ તો એ વેપારી જેવો લાગે. એની ટાલ સિવાય બીજી કોઈ ખાસિયત એનામાં દેખાય નહીં કે જેના કારણે કોઈ એવું માને કે આ માણસ ક્યારેય અંડરવર્લ્ડનો કીડો હશે.
અમારા પોલીસ ઑફિસર ફ્રેન્ડે કહ્યું હતું કે પપ્પુ ટકલા એક જમાનામાં અંડરવર્લ્ડનો રીઢો ખેલાડી હતો. પોલીસ લોકઅપ, જેલ અને ઘરમાં એને બહુ ફરક લાગતો નહોતો એટલો એ રીઢો થઈ ગયો હતો. પોલીસ અધિકારીઓ અને ઘણી વાર અંડરવર્લ્ડના ભાઈલોગના હાથે એણે બેફામ માર ખાધો હતો. મુંબઈનાં અંડરવર્લ્ડના ખેરખાંઓની કારકિર્દીના ઉદય અને કેટલાકના અસ્તનો પણ એ સાક્ષી હતો. હાજી મસ્તાન, કરીમલાલા, અને વરદરાજન મુદલિયારની ચડતી-પડતી એણે જોઈ હતી. એવા ધુંરધરોથી માંડીને છોટા રાજન અને છોટા શકીલ જેવા વર્તમાન સમયના ડૉનના આડાઅવળા ધંધાનો એ સાક્ષી રહી ચૂક્યો હતો.
જોકે અંડરવર્લ્ડની ગેંગવોરના સાક્ષી બનવાની એણે આકરી કિંમત ચૂકવવી પડી હતી. હાજી મસ્તાન જેવા કુખ્યાત દાણચોરના અનેક ક્ન્સાઇમેન્ટ પાર પાડીને દાયકાઓ અગાઉ યુવાનીમાં જ લાખોપતિ થઈ ગયેલા પપ્પુ ટકલાને અંડરવર્લ્ડની ગેંગવોરમાં પોતાનો એક જુવાનજોધ દીકરો ગુમાવવો પડ્યો એ પછી એણે અંડરવર્લ્ડને અલવિદા કહી દીધું હતું.
‘કોઈ ગુંડો અંડરવર્લ્ડમાંથી, એમાંય મુમ્બૈયા અંડરવર્લ્ડમાંથી આવી રીતે અચાનક બહાર નીકળી જાય તો તે જેની સાથે કામ કરતો હોય એવો ગૅંગ લીડર તેને જીવતો જવા દે ખરો?’ અમે પોલીસ ઑફિસર મિત્રને પૂછ્યું હતું.
પોલીસ ઑફિસર ફ્રેન્ડે હસતા-હસતા જવાબ વાળ્યો હતો કે ‘મોટે ભાગે અંડરવર્લ્ડમાં ગયા પછી ગુંડાઓ પોતે જ બહાર આવવા માગતા નથી હોતા. જો કે કેટલાક ગુંડાઓને સંજોગો પણ સાથ નથી આપતા. પણ આપણે હિન્દી ફિલ્મોમાં જોઈએ છીએ એ રીતે અંડરવર્લ્ડમાં માત્ર વન-વે જ નથી, જ્યાં માણસ પ્રવેશી શકે પણ પાછા નીકળવા માટે એને રસ્તો મળે જ નહીં! બિચારા ફિલ્મરાઈટર્સને અંડરવર્લ્ડના રીઢા ગુંડા સરદારોને નજીકથી જાણવાનો મોકો મળે તો આ વાત સમજાય. દાઉદને હાથે મરતા-મરતા બચી ગયેલો ઐયુબ લાલા અંડરવર્લ્ડમાંથી નિવૃત્તિ લઈ શક્યો હતો, નહીંતર એ તો સૈયદ બાટલાની ગેંગમાં નંબર ટુનું સ્થાન ધરાવતો હતો. એવી રીતે કરીમલાલાએ પણ અનેક દુશ્મનો ઊભા કર્યા હતાં. છતાં જિંદગીના છેલ્લા બે દાયકા એણે શાંતિથી વિતાવ્યા હતા. બીજા પણ ઘણા ગુંડાઓ અંડરવર્લ્ડ છોડીને જતા હોય છે. જોકે અંડરવર્લ્ડ છોડવા માગતા બધા ગુંડા એવું કરી શકતા નથી એ પણ હકીકત છે.’
***
બીજી રાતે અમે પોલીસ ઑફિસર ફ્રેન્ડ સાથે પપ્પુ ટકલાને મળવા પહોંચ્યા. પપ્પુ ટકલાના વરલી સી ફેસ વિસ્તારની એક પોશ સોસાયટીના ટૉપ ફલોર પરના લકઝુરિયસ ફ્લેટની બાલકનીમાં ગોઠવાયા પછી આતુરતાપૂર્વક અમે એની સામે તાકી રહ્યાં. એણે ફાઈવફાઈવફાઈવ સિગરેટ સળગાવી અને પછી બ્લૅક લેબલ વ્હીસ્કીની નવી બોટલનાં ઢાકણાંની સાથે સસ્પેન્સ ખોલવાનું શરૂ કર્યું.
***
દાઉદ બાટલાના જમણા ખભા ઉપર છરો ઝીંકવા જતો હતો ત્યાં જ એનો હાથ કોઈએ પકડી લીધો. દાઉદે પાછળ ફરીને જોયું તો હાજી મસ્તાન ઊભો હતો. એક ક્ષણ માટે દાઉદ થીજી ગયો, પણ બીજી જ ક્ષણે અકળાઈને એણે પોતાનો હાથ છોડાવ્યો અને છરો એક બાજુ ફેંકી દીધો. દાઉદે મનમાં હાજી મસ્તાનને પણ મણ એકની ગાળ ચોપડાવી. પણ એ વખતે હાજી મસ્તાનની ‘કારકિર્દી’નો સૂરજ મધ્યાહ્નને હતો એટલે એણે એનું ‘માન’ રાખીને બાટલાને જીવતો જવા દીધો. જોકે એણે દાંત ભીંસીને બાટલાની સામે ખુન્નસપૂર્વક જોતા-જોતા હાજી મસ્તાનને કહ્યું, ‘યે કમીના આજ આપકી વજહ સે જિન્દા જા રહા હૈ. અગર ફિર કભી સામને આયા તો વહ ઉસકા આખરી દિન હોગા!’
***
દાઉદ ઈબ્રાહીમ સૈયદ બાટલાને ચોપાટીની ઈરાની રેસ્ટોરંટમાંથી ઉપાડ્યો ત્યારે તેનો સાથીદાર પાન ખાવા બહાર નીકળ્યો હતો. એણે જોયું કે દાઉદ ઈરાની રેસ્ટોરાંમાં પ્રવેશી રહ્યો છે. એ સાથે જ એણે ઉંધી દિશામાં આધળી દોટ મૂકી હતી. તેણે દૂરથી જોયું હતું કે દાઉદ અને એના માણસો બાટલાને ઊંચકી ગયા છે. એણે ફોન શોધીને પહેલા હાજી મસ્તાન અને પછી અમીરજાદા અને આલમઝેબને જાણ કરી કે દાઉદ બાટલાને ઉપાડી ગયો છે.
અમીરજાદા અને આલમઝેબ તો દાઉદના અડ્ડા પર હુમલો કરીને બાટલાને છોડાવવાની વેતરણમાં પડી ગયા હતા. પણ હાજી મસ્તાને એમને વાર્યા. મસ્તાનને ખબર હતી કે બાટલાએ દાઉદના દોસ્ત ઈકબાલ નાતિકને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો હતો અને એવું કરવા માટે અમીરજાદા અને આલમઝેબે બાટલાને પાનો ચડાવ્યો હતો. ખુદ મસ્તાનને પણ ઈકબાલ નાતિક સાથે બહુ સારું બનતું હતું, પણ એક પત્રકારના મોતને કારણે લાગણીવશ બનીને ‘ધંધા’ને નુકસાન થાય એવું કોઈ પગલું ન ભરાય એવું એ માનતો હતો.
***
‘આજ મસ્તાનભાઈ બીચ મેં આ ગયે નહીં તો મૈં સાલે કો જિન્દા નહીં છોડનેવાલા થા.’ દાઉદ બમ્બૈયા અંડરવર્લ્ડની ભાષામાં તેના ભાઈ શબ્બીરને કહી રહ્યો હતો.
સૈયદ બાટલાને જીવતો જવા દેવો પડ્યો એનો અફસોસ તેને સતાવી રહ્યો હતો.
‘ઠીક હૈ, બાદ મેં દેખ લેગે.’ શબ્બીરે કહ્યું.
‘અગલી બાર મૈ મસ્તાનભાઈ કી ભી બાત સુનનેવાલા નહીં હૂં. મૈને બોલ દિયા હૈ કિ યે કમીના આજ આપકી વજહ સે જિન્દા જા રહા હૈ લેકિન ફિર મેરે સામને આ ગયા તો મૈ ઉસકો છોડૂંગા નહીં!’
‘અચ્છા કિયા.’ શબ્બીરે દાઉદને પાનો ચડાવતા કહ્યું.
જોકે એ વખતે એ બેય ભાઈઓને કલ્પના નહોતી કે સૈયદ બાટલા બીજે જ દિવસે તેમની સામે આવશે અને તેની સાથે આલમઝેબ અને અમીરજાદા પણ હશે અને બાટલા બે ફૂટ સામે ઊભો હોવા છતાં તેઓ તેનું કશું જ બગાડી નહીં શકે!
(ક્રમશ:)