નથણી ખોવાણી - પ્રકરણ - ૨૭ Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૭

ગૌતમ  રુમ‌ માં જવા  જતો જ હતો કે દમયંતી બહેને  એને  રોકતા પૂછ્યું  , "  ગૌતમ ! તને આ વાત ની ખબર હતી ! હેં …ને ?  તો મેં જ્યારે સગાઈ ની વાત કરી  હતી  ત્યારે કેમ   કંઈ  ના કહ્યું ? " 

    ગૌતમ મૌન રહ્યો . દમયંતીબહેન સોફા પર ફસડાઈ  પડ્યા .  અમોલ  તરફ  જોયું અને કહ્યું , "  આપણા વચ્ચે પહેલાં જ વાત થઈ હતી કે તન્વી અને  ગૌતમ  ની સગાઇ કરવા ની છે.  અને  આટલી સરસ પત્ની છે તારી  ! તો આ બધું કરતાં પહેલાં થોડોકેય વિચાર નાં આવ્યો ?  આમ સાવ ..આવું  ! તેં આકાંક્ષા સાથે આવા સમયે  અન્યાય કર્યો ?  તું આટલો સ્વાર્થી ક્યાંથી  થઈ ગયો ? સમાજ માં અમારી શું ઈજ્જત રહી જશે ?  આકાંક્ષા ને  શું  કહીશું ?" 

      " મમ્મી ! બસ !!!!! ! હવે એ એક ની એક વાત ચગોળયા ના કર ??????  " કહી અમોલ ગુસ્સા માં  એની રુમ માં જતો રહ્યો .  

" જોયું ! સાચું સંભળાતું નથી  એટલે મને ચૂપ કરાવે છે . પોતાનો વાંક દેખાતો નથી  એને !  મને તો વિશ્વાસ જ નથી બેસતો ,   આ એ જ અમોલ છે ?  " દમયંતી બહેને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું . 

 " ફોઈ ! શાંત થઈ જાવ ! આપણે બધાં એ પોતપોતાની રીતે એને સમજાવવા નાં તમામ પ્રયત્ન કરી જોયા  . એના થી વધુ આપણે કશું નથી કરી શકતા .  " 

   " હું તો તન્વી ને સમજદાર ગણતો હતો .   અત્યારે બે માં થી એકેય વાત સમજવા તૈયાર નથી . ક્યારે સમજશે  એ લોકો  શું ખબર  ??? " ભરતભાઈ  બોલ્યા . 

               
                    *.              *.                 *


" સમજાતું નથી કે ભૂલ ક્યાં થઇ ?  કમી ક્યાં રહી ગઈ ?  ચૂકી ગઈ… તો …  શું ચૂકી  ગઈ ??? " આકાંક્ષા એ જયાબહેન આગળ ઉભરો ઠાલવતા કહ્યું . 


    "   કમી તારા તરફ થી રહી હોય એવું જરૂરી નથી . ઘણી  વાર સારા હોવા ની પણ સજા મળે છે . કહેવાય છે ને કે  ' સીધા વૃક્ષ પહેલાં કપાય '  એમ ...   પણ એ કહે કે   એ શું  બીજા લગ્ન  કરવા નું કહે છે  ? " જયાબહને પૂછ્યું  . 

" ના ! લીવ ઈન  રીલેશનશીપ ! એટલે …!!! " આકાંક્ષા  એ શબ્દ સમજાવવા જ જતી હતી કે ત્યાં જયાબહેન બોલ્યા ,  " ખબર છે ? કોર્ટ ની પરવાનગી…  સાથે રહેવા માટે ..  હક બધાં ફરજ કોઈ નહીં .  મિલ્કત પર પણ હક નહીં . ખબર છે મને ?   આ પેલી  હેમા એવીરીતે તો રહે છે વર્ષો થી..  પણ એવું જીવવું કપરું કહેવાય બધાંય માટે .. બહુ ધીરજ થી કામ લેવું પડે !  " 

"   ધીરજ  જ  ખૂટી જાય  છે  ને બેન  !!! . શું કરવા નું  ?"  આકાંક્ષા એ કહ્યું .

" ના ખૂટવા  દઈશ !!!  ધીરજેય નહીં અને હિંમતેય નહીં ….  નહીં તો કાચ ની જેમ તુટી જઈશ .    બસ !  તારું ધ્યાન બાળકો માં પરોવી દેજે અને જોજે બધુંય ઠીક થઈ જશે. " જયાબહેન આકાંક્ષા ને બળ  આપવા ની કોશિશ કરી રહ્યા હતા. 

" હા ! બેન !  તમારી વાત હું કેમ ટાળુ ?   હવે હું નીકળું . મમ્મી રાહ જોતી હશે . " કહી આકાંક્ષા ઘર તરફ ગઈ .  ઘરે મહેમાન આવી ને બેઠા હતાં .  કંકોતરી આપવા આવ્યા હતા  ,  એમની દિકરી શીતલ  નાં લગ્ન ની …  આકાંક્ષા ને ચાલી ને થાક લાગી ગયો  હતો તેથી એ વરંડા માં જરા વાર બેઠી.  અંદર ની વાતો સ્પષ્ટ સંભળાતી હતી .  " પેલા કમળા બેન ની  વર્ષા પાછી આવી ગઈ  ખબર છે ? મેં તો શીતલ ને   સમજાઈ   દીધું ,  એ પેલી વર્ષા જેવુ અમે નહીં ચલાવીએ હો !!!   સલાહય  આપી  કે સાસરી વાળા ને સાચવી લેવા , નહીં તો પતિ નો પ્રેમ‌ ગુમાવવા નો વારો આવે !   સર્વગુણ સંપન્ન સ્ત્રી હઈયે તો સહુ પ્રેમ થી સ્વીકારે . અને પિયરનુંય  નાક ઊંચું રહે  "  

       આકાંક્ષા મનોમન વિચારી રહી , '  આમ જોવા જઈએ તો એ વાત ખોટી  નથી;     પરંતુ સાચી પણ નથી . સર્વગુણ સંપન્ન સ્ત્રી  એટલે   શું ?  પોતાનું અસ્તિત્વ ચૂર થઈ જાય અને તો પણ ઊફ શુદ્ધા ના ઉચ્ચારે  એ ?   માણસ  ગુણો અને  ખામીઓ થી ભરેલો‌ હોય છે  ;  એ  તો  સૌ જાણે છે ;  પરંતુ  એ વાત પછી  સ્ત્રી માટે કેમ‌ નહી  ?  સ્ત્રી ની ખામી ઓ કેમ સહજતા થી નથી સ્વીકારાતી???  ' 

          થાક ઉતરી ગયો એટલે ઉઠી ને અંદર ગઈ . મહેમાન ને મળી અને સોફા પર બેઠી .  " જોડકાં આવવા નાં લાગે છે !  તમારી આકાંક્ષા તો ખરેખર  નસીબદાર હો.. ! આ છેક... બોમ્બે !  અમે તો  ટી. વી માં જોઈએ   .  તે !… દરિયે રોજ જાવ ! " 

" ના ! રોજ જવા નો થોડો સમય‌  હોય  !!! કોઈ વાર જઈએ !" આકાંક્ષા એ હસી ને જવાબ આપ્યો . 

" એકટરો જોવા મળતા હશે નૈ  ?  " જિજ્ઞાસા થી પૂછ્યું .

" હા ! ઘણી વાર !!!   " આકાંક્ષા એ ટૂંક માં જવાબ આપ્યો . 

          આમ જ ઘણી  વાતો કરી ને‌ મહેમાન ઊઠ્યા .  રસોઈ  બનાવી  રાત નું જમણ લીધું ,  થોડી વાર  ભેગા બેસી ને  વાતો કરી અને પછી  સૂવા ની તૈયારી !!!.   પરંતુ  આકાંક્ષા નાં મન માં થી વિચારો  નું વમળ ઉભરાયું હતું. …..

       '   મેં  ઘર નાં દરેક  વ્યક્તિ ને   સાચવવા નો પ્રયત્ન કર્યો ;   પરંતુ ક્યાંક તો ચૂકી હોઈશ  , તેથી  જ  તો  આજે મારો પતિ મારો જ ના રહ્યો . પરંતુ બેન ની વાત સાચી છે . આ સમય‌ થોડી ધીરજ થી કાઢવો પડશે . પછી બધું જ ઠીક થઈ જશે . જેમ આ સુરજ અત્યારે ડૂબી ગયો  ,  ને અંધારું છવાઈ  ગયું .….   સવારે ફરી   ઉગશે  અને પ્રકાશ ફેલાવશે  ; નવી આશાઓ સાથે …. '    આકાશ માં   ચાંદો    ઉગ્યો હતો  ; થોડો લાલાશ પડતો …    મન માં ફરી  વિચાર આવ્યો , ,'  અમોલ  શું કરતાં હશે ? એમને મારી યાદ તો આવતી હશે ને  આ ચાંદ ને જોઈ ને  !!!!  '  એમ  જાત જાત ના વિચારો કરતાં કરતાં મહાપરાણે મોડી રાત પસાર કરી   .

       સવારે   બારી માં થી સુરજ ની કિરણો  એના  ચહેરા પર પડી રહી હતી .    આંખ ખોલી પરંતુ  આંખો પર ઘણો   ભાર લાગી રહ્યો હતો .  ઉઠી ,  બહાર ગઈ .  આંગણા  માં  જાત જાત ના   ફુલ - છોડ  નો નાનકડો બાગ હતો. આકાંક્ષા જઈ  ને  છોડ ને  પાણી પીવડાવવા લાગી  . એના મુખ પર એક સ્મિત પ્રસરી રહી હતી .   નાની હતી ત્યારે પણ આમ જ સવારે ઊઠતાં ની સાથે  છોડવા ને પાણી છાંટવા નો એને અનેરો જ  આનંદ મળતો હતો .   નાના નાજુકડા   છોડ ને  પાણી છંટકાવ માં  એનું મન  એટલું તો પરોવાઈ ગયું કે એ બીજી દુનિયા અસ્તિત્વ માં છે એ  ભૂલી જ ગઈ .… 

         સવારે ઉઠી ને નાનકડા  છોડવા ને  પાણી નો છંટકાવ અને  નાના - સા- બાગ ને સંવારવો ;  એનો નિત્યક્રમ બની ગયો હતો . આકાંક્ષા એ  દમયંતીબહેન આગળ પોતાના પિયર માં જ રોકાવા ની ઈચ્છા દર્શાવી. અને દમયંતીબહેન પણ એ વાત થી સહમત હતાં. દિવસો   પસાર  થઈ રહ્યા હતા  અને આકાંક્ષા એ બે બાળકો - એક દિકરો અને એક દિકરી ને જન્મ આપ્યો . 

        ખુશી ઓ વધાવવા સઘળો પરિવાર  મુંબઈ થી આવી પહોંચ્યો  . કોઈ નો હરખ સમાતો નહોતો .  આકાંક્ષા નું    બાળકો નાં આગમન થી જાણે  વિશ્વ જ બદલાઈ ગયું હતું .  જોડકાં હોવા થી  એને ઘડીભર આરામ નહોતો મળતો   પરંતુ આકાંક્ષા  પણ બાળકો માં અટવાઈ રહેવા ની ખુશી માણતી  હતી . 

           ત્રણ મહિના બાદ  અમોલ અને દમયંતીબહેન આકાંક્ષા ને  બાળકો સાથે  લેવા આવ્યા . સાથે સાથે નામકરણ વિધિ નું  આમંત્રણ પણ  આપ્યું .  મુંબઈ પહોંચ્યા . વિધિવત્ આકાંક્ષા અને બાળકો ને આવકાર અપાયો.  બાળકો ની કીકીયારીઓ થી ઘર ભર્યું ભર્યું થઈ ગયું . 

         નામકરણ વિધિ નો દિવસ આવી ગયો .  ખૂબ જ સુંદર રીતે ફૂલો થી શણગારેલા  ઝૂલા   ;  વિધિ પ્રમાણે ફોઈ એટલે કે કૃતિ એ વારાફરતી  બાળકો ને  ઝુલાવી ને નામ પાડ્યાં ,  ' મોક્ષ ' અને ' મોક્ષા ' . બધાં એ તાલી ઓ થી નામ વધાવ્યા .  આકાંક્ષા દ્ધારા    હલ્દી - કુમકુમ  વિધિ  માટે  સૌભાગ્યવતી  સ્ત્રીઓ ને   મોગરા  ની વેણી અને ભેટ  આપી ને  દિપાવવા  માં  આવી .  

(ક્રમશઃ )