આકાંક્ષા પ્રથા નાં ઘરે ગઈ , એ વખતે ઘર માં પ્રથાની નાની બહેન પૂર્વા અને એના મમ્મી જોશના બેન હતા. આકાંક્ષા જઈને પૂર્વા ને ભેટી ને રડી પડી અને રડતાં રડતાં જોશનાબહેન ને પૂછ્યું,
" માસી ! પ્રથા એ આવું કેમ કર્યું ? "
" શું કરીએ બકા ! જો ને આપણને બધાને છોડીને ચાલી ગઈ એ! " જોશના બહેન રડતાં રડતાં બોલ્યા અને ઉમેર્યું ,
" એણે કેટલીક વાર કહ્યું હતું કે મારે પાછા આવવું છે પણ પૂર્વા અને એના ભાઈ ના લગ્ન બાકી છે જ ચેવીરીતે પાછી લાઈયે? જોશનાબહેન ની બોલવા ની લઢણ થોડી અલગ હતી.
" તમારા માટે સમાજ વધારે મહત્ત્વનો હતો મારી બહેન કરતાં !". પૂર્વા ગુસ્સા માં બોલી.
" તું ચુપ બેસ ! તને શું ખબર પડે છે ? મોટી થઇ ત્યારે સમજાશે કે એમ આપણી મરજી નું કશું ના થાય .જેમ સમાજ માં ચીલો ચાલતો હોય એમ જ થાય." જોશનાબહેન બોલ્યા.
" ચીલો પાડનાર કોણ છે? આપણે જ ને? "
પૂર્વા નાં અવાજ માં તરુણાવસ્થા નું જોશ બોલતું હતું.
" માસી ! પોલીસ કેસ કર્યો ?" આકાંક્ષા એ તદ્દન ઠંડા અવાજ માં પૂછ્યું.
" બધાં એ તો કહ્યું પણ અમારે આ બધા ઝમેલામાં નથી પડવું. એના થી મારી દિકરી થોડી પાછી આવશે ? બસ બધું સમય પર છોડ્યું છે. સઘળાં ઘા રુઝાશે. અમારે અમર ( પ્રથા નો ભાઈ) નું સગપણ નૈ કરવું પડે ? ? તો પછી ? સમય બધુંય ભુલાવી દેશે."
જોશના બહેન બસ બધું ભૂલવા ની રટણ લઈને બેઠા હતા.
આકાંક્ષા મન માં વિચારી રહી , ' બધી ખબર હોવા છતાં કોઈ એ કશું કેમ ના કર્યુ ? સમાજ તો માનવતા નાં ઉદ્ધાર માટે હોય છે ને ? પણ અહીં તો ઊલટું જ થઈ રહ્યું છે .'
" રહેવા દો ને આકાંક્ષા બહેન! આ લોકોને સમજાવવું એટલે ભેંસ આગળ ભાગવત કરવું. કાલે સવારે મને પણ હોમી દેશે !" પૂર્વા નાસીપાસ થઈ ને બોલી રહી હતી.
" આ છોકરી ની તો જીભડી બહુ જ લાંબી છે! શી ખબર તને તો સાસરીવાળા સંઘરશે કે કેમ ? જોશનાબહેન માથે હાથ દઈને બોલ્યા.
" નહિ સંઘરે તો વાંધો નહીં , કમસેકમ પ્રથા દીદી જેવી તો દશા નહીં થાય ને?" પૂર્વા એ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું.
અને જોશનાબહેન નો મગજ નો પીત્તો ગયો અને એમણે પૂર્વા ને એક જોર થી લાફો લગાવી દીધો. પૂર્વા રડતાં રડતાં અંદર રુમ માં જતી રહી.
" કેટલું બોલે છે આ છોકરી ! કોઈ શું કહેશે કે એની મા એ એને સંસ્કાર નથી આપ્યા કે શું ?" જોશનાબહેન ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા.
" જવા દો ને માસી ! હજી નાની છે એ ? કહી આકાંક્ષા એ વાત વાળવા ની કોશિશ કરી અને પૂર્વા ને મનાવવા રુમ માં ગયી.
પૂર્વા એ પ્રથા નો લખેલો પત્ર બતાવ્યો.
' મારા વ્હાલા પ્રિયજનો,
આ પત્ર તમને મળ્યો હશે ત્યાં સુધી તો હું આ દુનિયા છોડીને ચાલી ગઈ હઈશ. તમારા લોકો થી કશું જ છુપું નથી . છેલ્લા કેટલાય દિવસથી ઘર નું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. મને હંમેશા ડર લાગ્યા કરે છે, ફોઈ ને જેમ એમના સાસરી વાળા એ બાળી મુક્યાં હતા એવું મારી સાથે તો નહીં થાય ને ? તમે તો જાણો જ છો મને દાઝવા થી બહુ ડર લાગે છે! વધારે લખવા ની ઈચ્છા નથી થતી.
આ જિંદગી હવે નહીં જીરવાય. તેથી જ મેં આ દુનિયા છોડી ને જવા નો નિર્ણય લીધો છે. થઈ શકે તો મને માફ કરજો.
મારા અંતિમ પ્રણામ સ્વીકાર કરજો.
તમારી વ્હાલી પ્રથા. '
આકાંક્ષા એ પત્ર વાળી ને પૂર્વા ને પાછો આપી દીધો. 'જય શ્રી કૃષ્ણ' કહી ભરેલી આંખો સાથે ઘર તરફ ચાલી નીકળી. મન માં વિચારતી રહી…
' પ્રથા તે આ ઠીક ના કર્યું . મને આ જરાય મંજૂર નથી . એક વખત ' બી પોઝીટીવ ' અને ' આકાંક્ષા આપ પળ માણી લે ' એવું બોલનારી પ્રથા આવી રીતે હિંમત હારી જાય એવું કેવી રીતે શક્ય છે?
આમ નાસીપાસ થઈને આવુ પગલું લેવાતુ હશે ? તે કોઈનો વિચાર ના કર્યો ? પણ પૂર્વા નો વિચાર કરવો જોઈતો હતો ? એના પર કેવું વીતતું હશે? અને કાકા ! એમને પણ કેટલું દુઃખ થયું હશે ? પહેલા પોતાની બહેન અને હવે દીકરી !! આવા ઘા ઝીલીને કોઈ વ્યક્તિએ જીવવાનું ??? તારી બધી વાતો મંજૂર હતી પણ આ કદાપિ નહીં . તે બહુ જ ખોટું કર્યું ! આ પગલું લઈ ને!!! '
' પ્રથા ને મનોજ સાથે લગ્ન કરવા હતા પણ નાત નાં કારણે એના ઘર નાં એ ના પાડી હતી. તો શું કદાચ મનોજ સાથે લગ્ન કર્યા હોત તો પ્રથા અત્યારે જીવતી હોત ? હે! પ્રભુ ! પ્રથા ની આત્મા ને શાંતિ આપજો !
કદાચ આવતા જન્મે એની જિંદગી માં બધું ઠીક થઈ જાય. '
પોતાનું ઘર આવી ગયું હતું દરવાજો ખોલી અને અંદર પ્રવેશી અને ઓટલા ઉપર જ બેસી ગઈ . એટલામાં એના મમ્મી બહાર આવ્યા અને કહ્યું, " વિજય આવતો જ હશે! સાથે જમીએ, બરાબર ને?"
" વિજયને કેમ અત્યારે બોલાવ્યો ? એને કામ હશે ને? " આકાંક્ષા એ કહ્યું.
" ના ! એણે જ કહ્યું હતું એ અત્યારે જમવા આવશે. આકાંક્ષા નાં મમ્મી બોલ્યા.
" મને ખબર છે તે જ ને બોલાવ્યો હશે . પ્રથા ના સમાચાર પછી તને મારા વિશે ડર લાગે છે ને ? પણ હું ખૂબ ખુશ છું મમ્મી !!! મને બહુ જ પ્રેમથી રાખે છે બધાં. ખૂબ જ પ્રેમાળ છે ઘર માં બધાં જ. મને કશું જ પ્રોબ્લેમ નથી. સાચું કહું છું. " આકાંક્ષા એ વિમળાબેન ને આશ્વાસન આપતા કહ્યું.
" હા ! બેટા , અમે આટલે દૂર જોવા થોડા આવી શકીએ? તો જે હોય તે ખુલ્લા મનથી કહેજે. " વિમળાબેને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
એટલામાં વિજય આવ્યો.
" કેમ છે બહેન!"
" મજા માં ભાઈલા!" આકાંક્ષા એ જરા મજાક માં કહ્યું.
" સેટ થઈ ગઈ બોમ્બે માં, અહીં કરતાં ઘણું અલગ લાગતું હશે??" વિજયે પૂછ્યું.
" હા ! ત્યાં ની રહેણી- કરણી અહીં કરતાં તદ્દન અલગ છે. પણ હવે હું બરાબર સેટ થઈ ગઈ. ખબર છે ? અમે ફરવા સિંગાપોર ગયા હતા.!!!" આકાંક્ષા એ ખુશ થઈ ને કહ્યું. અને આકાંક્ષા મુંબઈ અને સિંગાપોર ની વાતો કરવા લાગી. અને એની વાતો સાંભળી ને વિમળાબેન ને હાશકારો થયો.
*. *. *
થોડા દિવસ રહી ને ગૌતમ નો ફોન આવ્યો કે રિઝર્વેશન થઈ ગયું છે.
આકાંક્ષા એ ગૌતમ ને લેવા આવવા માટે તકલીફ ના લેવા કહ્યું અને એ બેગ પેક કરીને વડોદરા તરફ રવાના થઇ. બન્ને રેલવે સ્ટેશન પર મળ્યા. ટ્રેન નો ડબ્બા નંબર શોધી ને ટ્રેનમાં બેઠા અને ટ્રેન મુંબઈ તરફ રવાના થવા માટે ઉપડી.
" હવે તુ ઠીક લાગું છું !" ગૌતમે પૂછ્યું.
આકાંક્ષા એ ફક્ત સ્મિત આપ્યું.
" મતલબ તું હજી ઠીક નથી ? " ગૌતમ ફરી બોલ્યો.
આકાંક્ષા એ ફરી સ્મિત આપ્યું. અને બોલી, "કેમ એવું કહો છો ?"
" નહીં તો શું ? ખાલી સ્મિત આપ્યા કરું છું ! કંઈક બોલ તો ખરી ? કોઈ અજાણી વ્યક્તિ ની બાજુમાં બેઠી છું?" ગૌતમે નારાજગી વ્યક્ત કરતા કહ્યું.
" પહેલાં કરતાં ઠીક છું. તમારે કેવું રહ્યું ? કામ પતી ગયા બધા તમારા?" આકાંક્ષા એ પૂછ્યું.
" હા !
આકાંક્ષા ! પણ હું થોડો દ્વિધા માં છું કે મારે મુંબઈમાં નોકરી કરવી જોઈએ કે વડોદરા પાછુ આવી જવું જોઈએ." ગૌતમે પૂછ્યું.
" મારી સલાહ માનો તો મુંબઈ એ જ રહેવું જોઈએ વડોદરામાં તમે પાછા અમી ની યાદ માં ખોવાઈ જશો .જેમ અત્યારે ખોવાઈ ગયા એમ!.તમારે હવે બધું ભૂલીને આગળ વધવું જોઈએ . શું ખબર તમને કદાચ એનાથી પણ વધારે પ્રેમ કરનારી છોકરી મળી જાય !" આકાંક્ષા એ આશા વ્યક્ત કરતાં કહ્યું.
ગૌતમ બારીની બહાર જોતો રહ્યો જાણે આકાંક્ષાની વાત ની ઉપેક્ષા કરતો હોય , પછી થોડીવાર રહીને કહ્યું ,
" અત્યારે મારે થોડી રિસ્કી જોબ છે અને હવે મારે અલગ અલગ જગ્યાએ જવું પડશે . માટે જોબ ફર્સ્ટ ! જેની સાથે સંબંધ કરીશ એને સમય ના આપી શકુ તો પછી શું કરવાનું ? અને તેથી જ મારે અત્યારે લગ્ન વિશે વિચારવું જ નથી . અને જો સમય જ બધું નક્કી કરે છે તો પછી સમય ને જ કરવા દે હું શું કામ અત્યારે વિચારું? ગૌતમે ચાલાકી થી વાત ને ટાળી દીધી. અને તેથી જ આકાંક્ષા ના હોઠ પર અમસ્તું જ સ્મિત ફરકી ગયું.
ગૌતમની આંખ લાગી અને એ સુઈ ગયો. આકાંક્ષા બારીમાંથી બહાર સુંદર દ્રશ્યો માણતી હતી . મુસાફરોની વાતોથી ટ્રેનમાં કલબલાટ થતો હતો . કોઈ વ્યક્તિ નર્મદા નદી માં પૈસા ફેંકી રહ્યું હતું તો કોઈ હાથ જોડી પ્રાર્થના કરી રહ્યું હતું. ટ્રેન નાં સડસડાટ જવા નો એક લય બંધાઈ રહ્યો હતો.
સુરત આવી ગયું. ગૌતમ ની આંખો ખુલી ગઈ. અને 'હું આવું છું ' કહીને લટાર મારવા ગયો. આકાંક્ષા પ્લેટફોર્મ પર નાં લોકો ની ચહલપહલ જોઈ રહી હતી. ટ્રેન માં ચઢેલા મુસાફરો એમના સીટ નંબર શોધી સામાન ગોઠવી રહ્યા હતા. અને એટલા માં ટ્રેન ઉપડી. આકાંક્ષા ને ગૌતમ ક્યાંય દેખાયો નહીં. અને આકાંક્ષા ના પેટ માં ફાળ પડી.એક સેકન્ડ નો પણ વિચાર કર્યા વગર એ સીધી દરવાજા તરફ દોડી.
આકાંક્ષા એ જોયું તો ગૌતમ હસી હસી ને કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો. આકાંક્ષા એ હાશકારો અનુભવ્યો . એટલા માં ગૌતમ ની નજર આકાંક્ષા પર પડી.
" શું થયું કેમ ગભરાયેલી લાગું છું?"
" તમે દેખાયા નહીં તો !!!…" આકાંક્ષા થોડા ખચકાટ સાથે બોલી.
" હું આ બટાટા વડા લેવા ગયો ત્યાં વાર લાગી અને પછી..
અરે! તમારી ઓળખાણ કરાવું .આ છે ડૉક્ટર સિદ્ધાર્થ અને આ મારા ભાભી .. હજી ગૌતમ ઓળખાણ આપે એ પહેલાં જ સિદ્ધાર્થ સ્મિત સાથે બોલ્યો, ' આકાંક્ષા !!!'
(ક્રમશઃ)
નોંધઃ
મેસેજ બોક્સ માં તમારા પ્રતિભાવ લખી શકો છો. મારી રચનાઓ વિશે વધુ માહિતી માટે એમાં મેસેજ કરી શકો છો.