નથણી ખોવાણી - પ્રકરણ - ૩

    ગુલમહોર ના  ઝાડ માં થી  પસાર  થતી સુરજ ની  આછી-આછી  કિરણો  આકાંક્ષા ના ચહેરા પર પડી રહી હતી. કોયલ નું કૂહૂ , મોર નાં ટહુકા અને  પંખી ઓ નાં કલરવ થી આકાંક્ષા થોડી થોડી જાગૃત થઈ રહી હતી. આંખ ખોલી ને જોયુ તો પ્રથા ઉઠી ગયી હતી. આકાંક્ષા પણ જલ્દી થી ઉઠી ને નીચે ગઈ. 
      મહેમાનો વારા ફરતી ચા- નાસ્તો કરી તૈયાર થવા માટે સગવડ કરી રહ્યા હતા. કેટલાક ને અગવડ પણ પડી રહી હતી. ઘણા લોકો ની એ ખુબી હોય છે, પોતાના ઘર માં  ભલે અગવડ હોય પણ મહેમાન તરીકે જાય ત્યારે કોઈ અગવડતા પડવી ના જોઈએ. આ તો જોઈએ જ, આ ના  વગર ના ચાલે,  આવું જ જોઈએ, અત્યારે વ્યવસ્થા થાય તો સારું વગેરે વગેરે.. અને પછી પણ  આતિથ્ય  માં ખામી રહી ગયા ની ફરિયાદ તો ખરી જ ! અને એટલે જ કદાચ  ભલે ને રસોઈ માટે  રસૌયા અને  ઇતર પ્રવૃતિઓ માટે માણસો રાખ્યા હોય પણ  યજમાન ને  માનસિક ભાર ખૂબ લાગતો હોય છે ! અને એમાં પણ દિકરી ના પ્રસંગ માં ખાસ...
        ગ્રહશાંતિ ની તૈયારી ઓ ચાલુ થઈ ગઈ હતી. માંડવા મુહૂર્ત અને પછી  પીઠી .. બ્રાહ્મણે બધા ને વિધિ માટે બોલાવ્યા. આકાંક્ષા ને   બાજઠ પર  બેેેસાડી  પીઠી   ચોળવા ની તૈયારી કરવા માં આવી. પીઠી ચોળવા ની   વિધિ;  ખૂબ જ હ્રદય ભીની   વિધિ .એ સમયે  આકાંક્ષા  ને એ વાત નો સખત અહેસાસ  થતો હતો કે   હવે આ ઘર માં એ  ફક્ત થોડા કલાક ની   મહેેમાન બની ને રહી ગઈ હતી.  પીઠી ચોળતા ચોળતા સગાં સંબંધીઓ ની સાથે સાથે આડોશી-પાડોશી ઓ નાં આંખ માં પણ પાણી આવી ગયા.  એ તો આવે જ ને! એ વિધિ છે જ એવી..
      પીઠી આમ તો કન્યા ને ઉબટણ સ્વરૂપે લગાવવા માં આવે છે, જેના થી કલાકો સુધી શરીર મહેકતું રહે અને લાલીમા રહે. એ વાત નાં સંકેત સાથે કે હવે થી  તારે તારુ શરીર  તારા પતિ માટે સજાવા નું છે, મહેકાવાનુ છે અને  તારા પતિ ને સમર્પિત કરવા નું છે.  બીજા શબ્દોમાં કહીએ તો  પોતાનું  'અસ્તિત્વ' સમર્પિત કરી  દેવાનું.  
         વાજતે - ગાજતે  મામેરૂ આવી  ગયું . અને પછી  ગ્રહશાંતિ નો પ્રસંગ ધામધૂમ થી પૂરો થયો. પ્રથા ગમગીન આકાંક્ષા ને જોઈ રહી. આકાંક્ષા એ જમવા માટે થાળી તો લીધી‌ હતી પણ માંડ માંડ ગળે થી કોળિયો ઉતારી રહી હતી. એટલા માં બધા સગાં સંબંધીઓ અને સખીઓ આજુબાજુ આવી ને ટોળું વળી ગયા અને જાત જાતની ઠઠ્ઠામશ્કરી  કરવા માંડ્યા. આકાંક્ષા પણ બધું ભૂલી વાતો કરવા લાગી, હસવા લાગી. કદાચ એને પણ એ પળ સુંદર લાગતી હતી અને કોને ના ગમે? બહું ઓછી એવી પળો માણવા માટે હોય છે જિંદગી માં જ્યાં બધે હસી ખુશી થી એક બીજા સાથે વાતો કરે એવો માહોલ હોય. પહેલા નાં લગ્ન પ્રસંગની એ એક ખુબી કહી શકાય. અને પ્રસંગે ભેગા થવા થી બધાં  ને એક જ જગ્યાએ મળી  પણ લેવાય.
       બધાં સાથે વાતો કરતા કરતા  આકાંક્ષા એ ભુલી જ ગઈ કે સાંજે જાન આવવા ની છે . ઉનાળા ની ગરમી થી બચવા લગ્ન સાંજ ના રાખવા આગ્રહ રહેતો. આકાંક્ષા ને તૈયાર થવા  બ્યુટી પાર્લર માં જવાનું હતું . અને દુલ્હન ને તૈયાર થવા માટે ત્રણ - ચાર કલાક તો સામાન્ય રીતે જ લાગી જાય.  બ્યુટીશિયન  સમજી ને પાર્લર પર બોલાવતી જેથી દુલ્હન ને વ્યવસ્થિત તૈયાર કરાય. નહિ તો આવેલા મહેમાનો વારંવાર   ખલેલ પહોંચાડે. કોઈ સાડી વ્યવસ્થિત કરાવવા આવે તો કોઈ સેફ્ટી પીન શોધતું અને વળી કોઈ વધારે શોખીન હોય તો મેક-અપ કરાવવા માટે પણ આવી જાય. અને  મહેમાનગતિ ની આમન્યા રાખવી તો પડે !  એટલે જ એક ધર્મ- સંકટ  બચવા બ્યુટીશિયન પાર્લર માં આવવા નો આગ્રહ રાખતી.  આકાંક્ષા ફટાફટ તૈયાર થવા  પાનેતર અને ઘરેણાં  લઈ બહાર આવી. કાકા નો દિકરો ‌ વિજય  એને પાર્લર મુકવા ગયો. અને આકાંક્ષા   માટે  છેલ્લે એ  પળ આવી  જ  ગયી ... દુલ્હન બનવા ની પળ....

                                                            (ક્રમશઃ)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sudhirbhai Patel 1 માસ પહેલા

Verified icon

Heena Solanki 3 માસ પહેલા

Verified icon

Shabnam Sumra 4 માસ પહેલા

Verified icon

mili 4 માસ પહેલા

Verified icon

Jagruti Godhani 11 માસ પહેલા