No return-2 Last Part books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૯૭ અંતિમ અધ્યાય

નો રીટર્ન-૨

ભાગ-૯૭

અનેરી અને એના અપાર વિસ્મયથી મને જોઇ રહ્યાં. તે બન્ને એમ કે હું મજાક કરું છું. જે ખજાનાની ખોજમાં અમે કેટલાય દિવસોથી આ જંગલમાં ભટકતાં હતાં એ ખજાનો અમારાં પગ નીચે જ હતો એ વાત તેઓ માની જ શકતાં નહોતાં.

“ આ મજાકનો સમય નથી પવન, પ્લીઝ ટેલ મી.. વ્હેર ઇસ ધ ટ્રીઝર...? “ એના બોલી ઉઠી. તેને એમ કે રાઇફલ હાથમાં આવી ગઇ એટલે હું તેને ઉઠા ભણાવું છું.

“ એ તો મારે પણ જાણવું છે કે ખજાનો ક્યાં છે...? અને તને કેમ ખબર કે આપણે જ્યાં ઉભા છીએ તેની નીચે ખજાનો દટાયેલો છે..? “ અનેરીએ પણ એનાનો સાથ પૂરાવ્યો.

“ અરે... હું મજાક નથી કરતો. જરાક ધ્યાનથી નીચે ઓટલાની રચના જૂઓ. તેમાં તીરાડો પડેલી છે એ જૂઓ..! અને પછી હમણાં આદીવાસીઓનાં સરદારે જે ત્વરાથી આપણને તાસક ભરીને ઝવેરાત બતાવ્યાં તેનું અનુસંધાન તેની સાથે જોડો એટલે બધું જ સ્પષ્ટ સમજાઇ જશે. આપણને બંદી બનાવીને અહી લાવ્યાં ત્યારે જ મને આ ઓટલાની બનાવટ થોડી વિચિત્ર લાગી હતી. એ લોકો આપણને ત્યાં જ ખતમ કરી શકયાં હોત, છતાં શું કામ અહી સુધી લઇને આવ્યાં...? અને એ ઝવેરાત શું કામ બતાવ્યું...? એવું કરવાની કોઇ જરૂરીયાત નહોતી છતાં આપણને જીવિત રાખીને એ ખજાનાનાં અંશો આપણને બતાવ્યાં. કેમ...? “ એ બન્ને તરફ જોતાં મેં પ્રશ્ન પુંછયો. છોકરીઓ મોઢું વકાસીને મને જોઇ રહી. હજું તેમને બરાબર સમજાયું નહોતું કે હું શું કહેવા માગું છું.

“ જૂઓ, હું તમને વિસ્તારથી સમજાવું. જે આદીવાસીઓએ આપણને બંદી બનાવ્યાં હતાં એ લોકો જાણી ગયાં હતાં કે આપણે ખજાના પાછળ અહી સુધી આવ્યાં છીએ. તેમણે આપણને મારતાં પહેલાં એ જતાવવાની કોશિશ કરી કે ચાહવાં છતાં તમે ખજાનો પામી શકશો નહી કારણકે એ ખજાનો તેમનાં સંરક્ષણ હેઠળ સુરક્ષીત છે. સમજાય છે મારી વાત...! એટલે જ આપણો ઉપહાસ ઉડાવતાં હોય એમ ખજાનાનો એક નાનો હિસ્સો આપણી સમક્ષ પેશ કર્યો હતો. પરંતુ... એ સમયે જ મને સમજાયું હતું કે ખજાનો ક્યાં હોવો જોઇએ...! તેમની બેવકૂફી ભરી હરકતે ક્ષણભરમાં ખજાનાનું રહસ્ય ઉજાગર કરી નાખ્યું હતું. મને ઓટલાની બનાવટ અંગે સંશય તો ઉદભવ્યો જ હતો. તેમાં આટલી જલ્દી તાસક ભરીને ઝવેરાત પેશ થયું એટલે મારું માથું ઠનક્યું હતું અને તુરંત મને સમજાયું હતું કે ચોક્કસ ખજાનો આજૂબાજૂમાં જ ક્યાંક દટાયેલો હોવો જોઇએ. અને એ જગ્યા ઓટલાનાં ભૂગર્ભથી બેહતર હોઇ જ ન શકે. અને... ઓટલામાં દેખાતી તિરાડો સ્પષ્ટ કહે છે કે ઓટલા નીચે પોલાણ વાળી જગ્યા છે. “ હું ખામોશ થયો. એ બન્ને હૈરતથી મને તાકી રહી. હું આટલો હોંશીયાર નિવડીશ એનો અંદેશો કદાચ તેમને નહોતો. મારી વાત તેમનાં ગળે ઉતરી હતી. મને હાશ થઇ કારણકે અમારે ઉતાવળ કરવી પડે એમ હતી. અહીની ભયાનક પરિસ્થિતિ ક્યારે બદલાય અને પેલા આદીવાસીઓ ફરીથી ક્યારે અમારી ઉપર ત્રાટકી પડે એનો કોઇ ભરોસો નહોતો. અમારે જેમ બને તેમ જલ્દી ખજાનાનો પત્તો મેળવવાનો હતો.

“ તારાં કહેવા પ્રમાણે ઓટલાની અંદર જો ખજાનો હોય તો અંદર જવાનો રસ્તો શોધવો પડશે ...! “ અનેરીએ મને કહયું.

“ રસ્તો મને ખ્યાલ છે..” ફરીથી મેં ધડાકો કર્યો. એ બન્ને ભયાનક આશ્વર્યથી મને જોઇ રહી.

“ તને જ્યારે બધી જ ખબર છે તો રાહ કોની જૂએ છે..? ચાલ, અમને ખજાના સુધી લઇ જા. “ અનેરી બોલી ઉઠી. હું તેનાથી વાત છુપાવું છું એ તેને જરાય પસંદ આવ્યું નહોતું.

“ ખ્યાલ છે મતલબ, એક અંદાજ લગાવી શકું છું કે અંદર ઉતરવાનો રસ્તો ક્યાં હોઇ શકે. “

“ તો જલ્દી કહેતો કેમ નથી. ક્યાં છે એ રસ્તો..? “

“ તને યાદ છે, ઇન્દ્રગઢની સીમમાં એક ઝરુખો હતો...? “ મેં સામો પ્રશ્ન કર્યો.

“ હશે, પણ અત્યારે એનું શું છે..? “ સાવ અસબંધ પ્રશ્ન સાંભળીને તેનાં ભવા સંકોચાયા હતાં.

“ એ ઝરુખાની નીચે એક ભોયરું છે. તેમાં ઉતરવાનો એક દરવાજો તેની દિવાલમાં છે. મને લાગે છે કે અહી પણ એવું જ હોવું જોઇએ. આ ઓટલાની દિવાલમાં ક્યાંક તો દરવાજો હશે જ.. ” મેં વિસ્તારથી વર્ણન કર્યું.

“ માય ગોડ પવન... તો તું ક્યારનો સમય શું કામ બગાડે છે...! ચાલ જલ્દી...” અનેરીએ મારો હાથ પકડયો અને લગભગ ખેંચતી હોય એમ દાદર ઉતરી ગઇ. એના અમારી પાછળ આવી.

અંધકાર ભર્યા ખૌફનાક માહોલમાં જ અમારું સર્ચ ઓપરેશન શરૂ થયું. રાત ક્યારની ઢળી ચૂકી હતી. અંધારું એટલું ગેહરું હતું કે એક હાથને બીજો હાથ દેખાતો નહોતો. અમે ત્રણે જણાંએ આખા ઓટલાનો ચકરાવો મારી લીધો છતાં તેમાં કોઇ બાકોરું કે દરવાજો હોય એવું જણાયું નહી. કાર્લોસ અમારી સાથે નહોતો. એના તેને એક સ્થળે બેસાડીને આવી હતી. તેનાં ઘાવ ઉપરથી લાગતું હતું કે એ વધું જીવશે નહી. છતાં કોણ જાણે કઇ જીજીવિષાથી એ શ્વાસ લઇ રહ્યો હતો એ સમજાતું નહોતું. તેને ખજાનાનો મોહ હતો... એક એવો ખજાનો જે તેને મોતની કગાર ઉપર લઇ આવ્યો હતો.

આમ તો અમે બધાં જ જાણતાં હતાં કે કદાચ ખજાનો મળી જાય તો પણ તેને અહીથી લઇ કેવી રીતે જઇશું એ મુશ્કેલી મોં ફાડીને અમારી સામે ઉભી હતી. જંગલમાંથી બહાર નિકળવાનો રસ્તો કોઇ જાણતું નહોતું. વળી, બહારની દુનિયા સાથે સંપર્કનાં પણ કોઇ સાધનો અમારી પાસે નહોતાં. દરેક દિશાઓમાં મુશ્કેલી સીવાય બીજું કંઇ દેખાતું નહોતું. છતાં... લાલસા માણસને વધું વિચારવા દેતી નથી. એ ન્યાયે અમે પણ પછી શું કરીશું એ ફીકર છોડીને ખજાનાની તલાશમાં લાગી પડયાં હતાં. બધી દિશાએથી સમ- ચોરસ ઓટલો ગલભગ અમારાં માથોડા જેટલો ઉંચો હતો. સમયની બેરહમ થપાટોએ ઓટલાની બહારી સપાટી ખરબચડી કરી નાંખી હતી. તેની ઉપર હાથ ફંફોસતા રીતસરનાં માટીનાં પોપડા ખરતાં હતાં. અમે આદીવાસીઓની મશાલો લઇ આવ્યાં હતાં. એ મશાલોનાં માંદા પ્રકાશમાં ઘડીભરમાં તો અમે ચારેકોર ફરી વળ્યાં હતાં. ત્યાં.. એ દીવાલોમાં કોઇ દરવાજો હતો નહી. કોણ જાણે ક્યાંથી પેલી આદીવાસી ઔરત ખજાનો ભરેલી તાસક લઇને પ્રગટ થઇ હતી..? મને ખ્યાલ હતો ત્યાં સુધી તો અમને બાંધવામાં આવ્યાં ત્યારે તેનાં હાથમાં કંઇ નહોતું એ મેં જોયું હતું કારણકે તે મુખીયાની બરાબર સાથે જ ચાલતી હતી. થોડીવાર પછી મુખીયાએ જ્યારે હુકમ કર્યો ત્યારે અચાનક ક્યાંકથી તે પ્રગટ થઇ હતી અને ત્યારે તેનાં હાથમાં તાસક હતું. મતલબ સાફ હતો કે ચોક્કસ આટલામાં ક્યાંકથી જ એ ઝવેરાત લઇ આવી હતી. અમારે એ સ્ત્રોત શોધવાનો હતો. મને વિશ્વાસ હતો કે એ સ્ત્રોત મળશે જ.

વળી ફરી એકવાર ઝનૂનથી અમે લાગી પડયાં. અને... આ વખતે કામીયાબી મળી. હું એ દિવાલની ઇંચે ઇંચ જગ્યા તપાસતો આગળ વધતો હતો. તેમાં એક જગ્યાએ અચાનક મારો હાથ અટકયો. એવું લાગ્યું જાણે એક ગોખલો છે... એકાદો પથ્થર દિવાલમાંથી નિકળી ગયો છે. એ ગોખલામાં મારો હાથ ભરાયો અને... હું ઉછળી પડયો. ભારે આશ્વર્યની વચ્ચે ગોખલાની અંદર એક આગળીયા જેવું કંઇક મારી આંગળીઓનાં ટેરવે અનૂભવ્યું. મારી ધડકનોમાં ધડબડાટી વ્યાપી ગઇ. જોર કરીને એ આગળીયા જેવો ખાટકો મેં ખોલી નાંખ્યો. દિવાલમાં કશીક હલચલ મચી અને પછી જોતજોતામાં સહેજે અવાજ વગર દિવાલ પાછળની તરફ ખસી. ત્યાં એક માણસ જઇ શકે એવડી જગ્યા થઇ. તાજ્જૂબીથી હું એ રચના જોઇ રહ્યો. દિવાલમાં પૂરાતન કાળમાં બનેલો પથ્થરોનો જ એક દરવાજો કોઇ જ અવાજ વગર ખૂલ્યો હતો અને અંદર એક ગલીયારા જેવું મારી નજરમાં આવ્યું હતું. મશાલની ફગફગતી રોશનીમાં ભારે આશ્વર્ય અને વિસ્મયથી હું એ ગલીયારાને જોઇ રહ્યો. ત્યાં અંદર નીચે તરફ જતાં પગથીયા પણ દેખાતાં હતાં. મતલબ કે હું યોગ્ય રસ્તે આવી ચડયો હતો. અનેરી મારી પાછળ જ હતી. સીસકારો કરીને મેં બોલાવી એટલે તે અને એના બન્ને મારી નજીક આવ્યાં. અને.... છક્ થઇને દિવાલમાં દેખાતો દરવાજો અને અંદર તરફ ઉતરતાં દાદરા જોઇ રહ્યાં. ઉત્તેજનાનાં માર્યા અનેરીએ મારી બાહું પકડી લીધી હતી.

“ ઓહ ગોડ પવન, આ તો કરીશ્મા છે. “ તે બોલી અને હું કંઇ કહું એ પહેલાં આગળ વધીને દરવાજાની અંદર સમાઇ ગઇ. તેનાં હાથમાં પણ મશાલ હતી. તેની પીઠ પાછળ રેલાતાં મશાલનાં પ્રકાશમાં હું તેની પાછળ ચાલ્યો. એના સૌથી પાછળ આવી. એ ગલીયારી સાવ સાંકડી નાળ જેવી હતી. માંડ એક વ્યક્તિ ઘસાઇને અંદર જઇ શકે એટલી સાંકડી. પંદરેક કદમની ગલીયારી વટાવ્યાં પછી નીચે... અંદર ભોયરામાં જતાં દાદર શરૂ થતાં હતાં. લાગતું હતું કે કદાચ વર્ષોથી અહી કોઇ આવ્યું નહી હોય. એકદમ બંધીયાર વાસ અમારા નાકમાં ઘૂસી ગઇ હતી. નીચે પથરાયેલી ધૂળમાં થોડા તાજા પડેલાં પગલાં દેખાતાં હતાં. શક્યતહઃ એ પેલી આદીવાસી ઔરતનાં હતાં જેનાં હાથમાં ઝવેરાતનો તાસક હતો. મને તાળો મળી ગયો... એ ઔરત અહીથી જ આવી હશે. અને તેનો મતલબ એ હતો કે ખજાના વિશે મેં જે અનુમાન બાંધ્યું હતું એ એકદમ યોગ્ય હતું. ખજાનો આ ઓટલાનાં ભૂગર્ભમાં જ છે એ હકીકત સત્ય સાબીત થઇ રહી હતી. “ હે ભગવાન... “ અચાનક જ મારાં ખૂનમાં તેજી ભળી હતી. ખજાનાની અમે સાવ નજદીક આવી પહોંચ્યાં હતાં એ હકીકત જાણીને મને એક ન સમજાય એવી લાગણી ઘેરી વળી હતી. તો શું અમે એક એવું રહસ્ય ઉજાગર કરવાં તરફ આગળ વધતાં હતાં જે રહસ્ય સદીઓથી આ પર્વતમાળામાં દફન હતું...? જેને પામવા કંઇ- કેટલાયે મરહટ્ટાઓએ પોતાનાં જાનની કુરબાનીઓ આપી હતી. જેનાં વિશે કંઇ કેટલીય કિવદંતીઓ પ્રસરેલી હતી..! એક એવો ખજાનો જે શાપીત ગણાતો હતો અને તેની પાછળ આવતો માનવી ક્યારેય જીવતો રહેતો નહી. અમે એ ખજાનાની એકદમ નજીક આવી પહોચ્યાં હતાં. મને તો એમ જ લાગતું હતું કે જેવા અમે આ દાદરો ઉતરીને અંદર પહોચીશું કે અમારી નજરો સમક્ષ અઢળક ખજાનો વેરાયેલો દેખાશે. પણ શું ખરેખર એવું હતું...?

@@@@@@@@@@@@

કાર્લોસ મહા મહેનતે ઉભો થયો. એનાએ તેને અહી જ રહેવાનું કહ્યું હતું અને ક્યાંક ચાલી ગઇ હતી. તે શું કરતી હતી એ ખબર નહોતી પડતી. આવી પરિસ્થિતિ ક્યારેય તેને મંજૂર આવતી નહી. તે પોતાની રીતે નિર્ણયો લેવા ટેવાયેલો વ્યક્તિ હતો. ભલે અત્યારે તે ઘાયલ થયો હોય છતાં તેનો ગરૂર સલામત હતો. તેનાં પગમાં ચાલવાની તાકત બચી નહોતી છતાં તે ઉભો થયો અને એના જે દિશામાં ગઇ હતી એ દિશામાં ચાલ્યો. અહી શું થઇ રહ્યુ છે એ તેને જાણવું હતું. પરંતુ થોડું ચાલતાં જ તેનાં પગે જવાબ આપી દીધો. પગની પીંડીઓમાં ભયાનક દર્દ ઉઠયું અને તે ત્યાં જ ફસડાઇ પડયો.

@@@@@@@@@@@

ઘોર અંધકારમાં મશાલોની રોશની એક નાનકડા વર્તુળમાં આવીને સમાઇ જતી હતી. સૌથી આગળ અનેરી ચાલતી હતી. પથ્થરોનાં બનેલાં પગથીયા ઉતરીને વળી એક દરવાજા આગળ આવીને તે અટકી હતી.

“ શું થયું...? કેમ ઉભી રહી ગઇ..? “ એકાએક તેને અટકતાં જોઇને મેં પુછયું.

“ અહી પણ એક દરવાજો છે... “ તે બોલી.

“ જોવા દે મને... “ તેને પાછળ ખસેડીને હું એ દરવાજા સામે આવ્યો. મને તાજ્જૂબી થઇ. વળી એક દરવાજાનો શું મતલબ હોઇ શકે...? આજ સુધી અહી કોઇ પહોચ્યું જ નથી તો ખજાનાને આટલાં બધાં સુરક્ષા ઘેરામાં રાખવાનો શું મતલબ...? શું આદીવાસીઓએ આવી વ્યવસ્થા ગોઠવી હશે..? કેમ...? એ સમજાતું નહોતું.

હકીકતે તો અમને ખબર જ નહોતી કે વર્ષોથી... સદીઓથી દફન કોઇ ખજાનો કેમ આજ દીન સુધી અછૂતો રહી શકયો હતો...? એક થીયરી મારાં જહેનમાં ઉદભવતી હતી કે અહી જે આદીવાસીઓ રહેતાં હતાં એ કબીલાનાં લોકો જ આ ખજાનાની રક્ષા કરતાં હતાં, અને ખજાનાની ખોજમાં આવનાર તમામ વ્યક્તિઓને તેમણે જ મોતને ઘાટ ઉતારી નાખ્યાં હતાં. આ એક પરફેક્ટ થીયરી જણાતી હતી. તો જ ખજાનો અને આ જગ્યાં સમસ્ત દુનિયાથી અલગ થલગ રહી શકી હોય. જો કે અત્યારે આ બાબતે વિશ્લેષણ કરવાનો મારી પાસે સમય નહોતો. મારે એ ખજાનો ક્યાં છે, તેમાં શું શું છે એ જાણવું હતું.

બળ કરીને એ દરવાજો પણ મેં ખોલી નાંખ્યો. અંદર ઘોર અંધકાર હતો અને સાથોસાથ એક વિચિત્ર પ્રકારની બદબૂં અમને વિંટળાઇ પડી. અનાયાસે મારો હાથ નાક તરફ ગયો. એ બદબૂં એકદમ તીવ્ર અને જલદ હતી. કોઇએ ઘણી બધી બામની બાટલીઓ એકસાથે ઢોળી દીધી હોય એવી ખતરનાક તીવ્ર વાસ અંદર ચો તરફ ફેલાયેલી હતી. એ નીલગીરીનાં તેલની વાસ હતી જેની મને પછીથી ખબર પડી હતી. પરંતુ અત્યારે એ વાસથી પરેશાન થતાં અમે કમરાની અંદર પ્રવેશ્યાં. અંદર કંઇ દેખાતું નહોતું. અમારી મશાલોની રોશની જાણે એક નાના ટપકા સમાન બની ગઇ હતી કારણકે એ કમરો બહું વિશાળ પરિધમાં ફેલાયેલો હોય એવું મને લાગ્યું. અચાનક... સાવ એકાએક એક દ્રશ્ય મારાં જહેનમાં ઉભર્યું અને હું ઉત્તેજીત થઇ ઉઠયો. યસ્સ... હોલીવુડની એક ફિલ્મનો સીન કોઇ ઝબકારાની જેમ મને યાદ આવ્યો. ફિલ્મનું નામ તો યાદ આવ્યું નહી પણ તેમાં આ પ્રકારની જ પરિસ્થિતિ બખૂબી રીતે ફિલ્માવાઇ હતી. અને... એ સાથે જ અહી ફેલાયેલી તીવ્ર વાસનો તાળો પણ મને મળી ગયો હતો. એ વાસ જરૂર નીલગીરીનાં તેલની જ હતી... અને એ તેલની વાસ અહી શું કામ હોઇ શકે એ પણ ક્ષણભરમાં મને સમજાયું હતું. મારી મશાલ લગભગ બૂજાવા આવી હતી એટલે હું અનેરી તરફ ફર્યો.

“ તારી મશાલ લાવ તો...” મેં તેને કહ્યું. તેણે મશાલ મારાં હાથમાં થમાવી.

“ તું કરવા શું માંગે છે...? “ આટલી વિકટ સ્થિતિમાં પણ તેનાં પ્રશ્નો ખૂટતાં નહોતાં.

“ મારી પાછળ આવ.... “ મેં કહ્યું અને અમે આગળ વધ્યાં. મારા ડાબા હાથ તરફ એ તીવ્ર ગંધનું ઉદગમ સ્થાન હતું કારણકે એ દિશાએથી જ વધું ગંધ ફેલાતી હતી. એ તરફ કમરાની દીવાલ હતી. એ દીવાલે હું હાથ પસવારતો જતો હતો. અચાનક મારાં હાથની આંગળીઓમાં ચીકાશ ધરાવતાં એક પ્રવાહીનો સ્પર્શ થયો. મારાં જીગરમાં આનંદની લહેરખી દોડી ગઇ. તુરંત એ ચીકાશ યુક્ત પ્રવાહીમાં મશાલની જ્વાળા વડે મેં આગ લગાડી. તેલ સાથે અગ્નીનો સંપર્ક થતાં જ ભડ ભડ કરતી આગ પ્રજ્વલીત થઇ ઉઠી. મારું અનુમાન એકદમ બરાબર હતું. મેં એ ફિલ્મમાં આવું જ કંઇક જોયું હતું. તેમાં હીરો આવા જ એક મોટા કમરામાં પ્રવેશે છે અને ત્યાં નાળીમાં વહેતાં તેલને સળગાવીને કમરામાં રોશની કરે છે. સાવ અનાયાસે જ મને એ યાદ આવ્યું હતું અને મારો કીમીયો કારગત નિવડયો હતો. અહી પણ એવી જ રચનાં હતી. કમરાની દિવાલમાં નીલગીરીનાં તેલની એક નીક બનાવેલી હતી. એ નીકમાં એકાએક અગ્ની પ્રજ્વલીત થયો અને આખો કમરો પ્રકાશથી હળહળ થઇ ઉઠયો. ખરેખર તો એ નીક કમરાનાં આ ખૂણેથી લઇને આખાં કમરાનો આટો મારીને અમારી જમણી બાજુ સુધી લંબાયેલી હતી. તેમાં અગ્ની સળગતાં કમરાની અંદરનું સંપૂર્ણ દ્રશ્ય ઉજાગર થયું હતું.

અને... અમારી આંખો સામે... એક અદભૂત... અવિશ્વસનિય... અકલ્પનીય... દિલ ધડક... રોમ રોમમાં ઉત્તેજના પેદા કરતું દ્રશ્ય દેખાયું. હું, અનેરી અને એના એક જ લાઇનમાં ઉભા હતાં. અમારા ત્રણેયનાં હદયમાં ભયંકર રીતે ઉથલ પાથલ મચી હતી. જાણે કોઇ સાંપ સુંઘી ગયો હોય એમ સ્તબ્ધ બનીને, ફાટી આંખોએ સામેનો નજારો નિહાળતાં સાવ સ્થિર... પથ્થરનાં પુતળા બનીને અમે ઉભા હતાં. કમરો અમારી ધારણા કરતાંય ઘણો મોટો હતો. ઉપર જે ઓટલો ચણાયેલો હતો એના કરતાં તો લગભગ ચાર ગણી મોટી જગ્યાં નીચે હતી. એવું સમજોને કે આ પર્વતની ટોચનો આખો સમથળ ભાગ કોઇએ અંદરથી ખોખલો કરીને તેમાં આ કમરો બનાવ્યો હતો. હું અભીભૂત બનીને સામે દેખાતું દ્રશ્ય જોઇ રહ્યો. મને તો વિશ્વાસ થતો નહોતો કે હું જે જોઇ રહ્યો છું એ સત્ય છે કે કોઇ ભ્રમ...! મારી જેવી જ હોલલ બન્ને છોકરીઓની હતી. તેઓ પણ ખૂલ્લા મોઢે... શ્વાસ થંભાવીને એ નજારો જોઇ રહ્યાં.

અમારી નજરો સમક્ષ... એક બહુ મૂલ્ય ખજાનો વિખરાયેલો પડયો હતો. જી હાં... એ જ ખજાનો જેની તલાશમાં અમે ધણાં દિવસોથી આ ભયાનક જંગલની ખાક છાની રહ્યાં હતાં. અમારા કેટલાય સાથીઓ આ ખજાનાની ખોજમાં મરાયાં હતાં. એ ખજાનો અત્યારે અમારી સામે પડયો હતો.

@@@@@@@@@@@@@@@

અમારાં પગ પાસે બે પગથીયા જેવું હતું. એ પગથીયા ઉતરતાં નીચે જમીન ઉપર મજબુત ઝાડની છાલમાથી બનાવ્યો હોય એવો એક કોથળો સાવ જર્જરીત અવસ્થામાં પડયો હતો. એ કોથળો આખો... છલોછલ... સોનાનાં બહુમૂલ્ય દાગીનાઓથી ભરેલો હતો. સમયની થપાટા ખાઇ ખાઇને ફાટી ચૂકેલા એ કોથળામાંથી આભૂષણો ઢોળાઇને ફર્શ ઉપર પણ પથરાયેલાં દેખાતાં હતાં. અને... એવા તો કેથલાંય કોથળા આખા કમરામાં પડયાં હતાં. અમે આભા બની ગયાં. કમરામાં ફેલાયેલી આછી રોશનીનાં રેળાતાં પડછાયામાં આખો ખંડ બેસૂમાર દોલતથી ઉભરાતો હતો. ગણતરી ન થઇ શકે એટલાં કોથળા મોઢે હીરા, ઝવેરાત અને એવી તો કેટલીય બહુમુલ્ય ઝણસોનો અંબાર અમારી સમક્ષ હીલોળા લઇ રહ્યો હતો. અમે સ્તબ્ધ બનીને એ ખજાનાને નિહાળતાં ક્યાંય સુધી એમ જ ઉભા રહ્યાં. મારું તો મગજ બહેર મારી ગયું હતું. ખજાના વાળી વાત સત્ય હતી એ કેમેય કરીને મારાં ગળે ઉતરતું નહોતું. પરંતુ સામે દેખાતું દ્રશ્ય મને આભો બનાવી રહ્યું હતું.

“ ઓહ.. વાઉ.. ઓહ... પવન... આ જો... “ અનેરી તો લગભગ નાચવા જ લાગી હતી અને ત્યાં પડેલાં કોથળામાંથી આભૂષણો અને હીરા મોતી હાથમાં લઇ- લઇને મારી પાસે આવી મને બતાવતી હતી. તેનાં ગળામાંથી હર્ષ મિશ્વિત ઉદગારો નિકળતાં હતાં. તેને અપરંપાર આશ્ચર્ય થતું હતું. આટલો મબલખ ખજાનો ખરેખર અસ્તિત્વ ધરાવતો હતો એ બાબત તેનાં જીગરમાં આનંદનાં થડકારા પેદા કરતો હતો. તેણે મારો હાથ પકડયો હતો અને મને ખેંચીને અંદર... કમરાની મધ્યમાં લઇ આવી હતી. ત્યાં મધ્યમાં કેટલીક અલંકારીત મૂર્તિઓ પડી હતી. તેનાં ઉપર ધૂળનાં પડ જામેલાં હતાં છતાં તેની અદભૂત કારીગરી સ્પષ્ટ નજરે ચઢતી હતાં. એ મૂર્તિઓમાં મોટેભાગે સ્ત્રીઓની મૂર્તિઓ વધું હતી. સદીઓ પહેલાં બનેલી એ મૂર્તિઓની એન્ટિક બજારમાં હાલની કિંમત ગણો તો પણ કરોડો ઉપજે એવું લાગતું હતું. પરંતુ... અહી જે ખજાનો હતો તેમાં મને સૌથી મોંઘી વસ્તું પેલાં કોથળામાં ભરેલા હીરા, મોતી, માણેક જ લાગતાં હતાં. અબજો નહી... ખર્વો રૂપિયાનો બહુંમુલ્ય ખજાનો અમે ખોળી કાઢયો હતો. એ આનંદથી મારું જીગર ફાટ- ફાટ થતું હતું. હું અને અનેરી લગભગ આખા ખંડમાં ફરી વળ્યાં હતાં.

કોથળા મોઢે સોનાનાં સિક્કાઓ, મબલખ ઝવેરાત, ઢગલાબંધ રુબી અને પન્ના, અસંખ્ય સોના ચાંદીનાં વાસણો, કિંમતી ફર્નિચર, પહેલાનાં જમાનામાં વપરાતાં હથિયારો, સ્ત્રીઓનાં મોંઘાદાટ શૃંગારનાં સાધનો, અસંખ્ય કલાત્મક નાની મોટી મૂર્તિઓ, તામ્રપત્ર જેવા કાગળોમાં લખાયેલાં ઢગલાબંધ દસ્તાવેજો, અમૂલ્ય કહી શકાય એવા તૈલી ચિત્રો, અને એવી તો કેટલીય ચીજો અમારી આસપાસ નજરે ચડતી હતી. મેં અને અનેરીએ તો લગભગ પાગલોની જેમ એ દરેકે દરેક ચીજોને હાથમાં લઇને જોવાનું શરૂ કર્યું હતું. એ ચીજો અમારું દિલ ધડકાવતી હતી. એક વિશાળ રજવાડું નભી શકે એટલી દૌલત આ કમરામાં ભરી હતી. આના માટે એક જ શબ્દ વાપરી શકાય તેમ હતો. અદભૂત અને અકલ્પનીય. જે ક્યારેય વિચાર્યુ પણ ન હોય એવું સ્વપ્ન સાકાર થતાં જેવી લાગણી ઉદભવે એવી જ લાગણીઓ અત્યારે મને ઘેરી વળી હતી. અનેરીની પણ એવી જ હાલત હતી. અને એના...! એ ક્યાં છે...?

કમરામાં મેં નજર ઘૂમાવી. એ ક્યાંય નહોતી. મારું હદય એક ધબકારો ચૂકી ગયું.

@@@@@@@@

એના છટકી ગઇ હતી. આભૂષણો ભરેલો કમરો જોવામાં અમે એટલાં વ્યસ્ત બની ગયાં હતાં કે એના તરફ અમારું બીલકુલ ધ્યાન રહ્યું નહોતું. તેણે એ બાબતનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. ખજાનો તેની નજરો સમક્ષ હતો અને હવે તેને અમારી કોઇ જરૂર નહોતી. તે બ્રાઝિલની સૌથી ખૂંખાર ઔરત હતી અને તેને ખ્યાલ હતો કે તે અહી શું કામ આવી છે...! બે- હિસાબ દૌલત જોઇને તેની આંખો ચમકી ઉઠી હતી. જો તેની પાસે આ ખજાનો આવી જાય તો આખી દુનીયા પર તે હુકુમત કરી શકે તેમ હતી.

કમરાની બહાર નિકળીને તે કાર્લોસ પાસે પહોંચી હતી. કાર્લોસ અધ-મરેલી હાલતમાં નીચે પડયો હતો. તે બહું જલ્દી ગુજરી જવાનો હતો એની ખાતરી એનાને હતી જ. હવે તેને સાથે રાખીને પણ કોઇ ફાયદો નહોતો, છતાં તે તેનો બોસ હતો એટલે નીચા નમીને કાર્લોસને ઢંઢોળ્યો.

“ કાર્લોસ... તું સાંભળે છે..? “ લગભગ હડબડાવતાં તે બોલી. કાર્લોસે તેની બૂજાતી જતી આંખો ખોલીને ઉપર જોયું. અહીનાં વાતાવરણમાં તેનાથી બરાબર શ્વાસ પણ લેવાતો નહોતો. પર્વત ઉપર ચઢતી વખતે જ તેનો દમ નિકળી ગયો હતો. સૌથી વધારે દુખાવો તેનાં પેટમાં થતો હતો. રોગન સાથે થયેલી મૂઠભેડમાં તે ખાસ્સો એવો ઘાયલ થયો હતો અને ત્યારથી જ તેની પનોતી બેઠી હતી. તે ખુદ જાણી ગયો હતો કે હવે જાજું જીવશે નહી.પણ.. ખજાનાની લાલચ તેને મરવા દેતી નહોતી.

કાર્લોસ કંઇ બોલ્યો નહી એટલે એના વિચારમાં પડી. હવે તેનો બોસ કંઇ કામનો નહોતો. તેનો ભાર વેંઢારીને જવામાં બહું ફાયદો નહોતો એટલે કાર્લોસને ત્યાં જ રહેવા દેવાનું મન બનાવ્યું અને આગળ શું કરવું એ વિચારમાં પરોવાઇ.

@@@@@@@@@@

“ ધડામ... ધૂમ.... ધડામ.... “ અચાનક ક્યાંકથી ભયંકર ધડાકાઓનાં અવાજ અમારા કાને અફળાયાં. ભારે ગડગડાહટ અને મોટા અવાજે થતાં ધમાકાઓએ ઘડીભરમાં તો સમગ્ર ઇલાકાને બાનમાં લઇ લીધો. હું અને અનેરી ચોંકીને અવાજો કઇ દિશાએથી આવે છે એ જોવા લાગ્યાં. અમને સનજાયું નહી કે અચાનક શું થયું...? ભેદી ધમાકાઓથી જાણે આખો પર્વત ધ્રૂજી રહ્યો હોય એવું કંપન પ્રસર્યું હતું. અમે બન્ને હજું ખજાના વાળા કમરામાં જ હતાં અને એના ક્યાં ગઇ હશે એ વિશે વિચારી રહ્યાં હતાં કે એકાએક અમને એ ધમાકાઓ સંભળાયા હતાં અને અમારાં માથે હતી એ કમરાની છતમાં તીરાડો પડવા લાગી હતી. એ ભયાનક હતું. જો છત તૂટીને અમારી ઉપર આવી પડે તો અમારી કબરો અહી જ ચણાઇ જાય. “ ચાલ જલ્દી, અહીથી નિકળવું પડશે.. ” અનેરીનો હાથ પકડીને મેં કહ્યું અને દરવાજા તરફ લપકયો. એ ભયાનલ પળ હતી. ખજાનો આમ નોધારો મુકીને જતાં મારો જીવ ચાલતો નહોતો અને ઉપરથી ખળભળી રહેલી છત અહી રહેવામાં જોખમ છે એવો વર્તારો આપતી હતી. અમે દરવાજા તરફ ભાગ્યાં તો ખરાં પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂક્યું હતું.

વાત એમ બની હતી કે... એનાએ અમને છોડાવવાં ભયાનક ગોળીબાર કરીને તીરંદાજ આદીવાસીઓને મારી નાંખ્યાં હતાં. એ દરમ્યાન આદીવાસીઓનો સરદાર ત્યાંથી છટકીને ભાગી ગયો હતો. તે પોતાનાં સાથીઓનાં મોતથી ભયંકર ક્રોધે ભરાયો હતો. બંદૂકની સામે તે લાચાર હતો એટલે અમારો સામનો કરવાં તેણે બીજો રસ્તો અપનાવ્યો. તેણે અમને ભોંયરામાં ઉતરતાં જોયાં હતાં. આ જ લાગ હતો જ્યારે તે કશુંક કરી શકે તેમ હતો. તેની પાસે પશુ- પંખીઓનો શિકાર કરવા માટેનો દેશી દારૂગોળાનો મોટો જથ્થો હતો જે ખજાનાની ખોજમાં અહી આવતાં લોકો પાસેથી તેણે એકઠો કર્યો હતો. તે એ લઇ આવ્યો અને ઓટલાની ફરતે એ દારૂગોળાઓ ફેકવાં લાગ્યો હતો. ખજાનો આતાતાઇઓનાં હાથમાં પડે એ તેને કોઇ કાળે મંજૂર નહોતું. એ ધમાકાઓએ આખો પર્વત ખળભળાવી મૂકયો હતો અને જાણે કોઇ ભયાનક ધરતીકંપ આવ્યો હોય એવો માહોલ રચાયો હતો. ધમાકાઓથી એ વિશાળ ઓટલાનાં કાંગરાઓ ખરીને ધરતી ઉપર પડવા લાગ્યાં હતાં. ઘડીભરમાં તો એ નાનકડી અમથી જગ્યામાં અફરા તફરીનો માહાલ જામી ગયો. ધૂળ અને પથ્થરોનાં અસંખ્ય ટૂકડાઓ હવામાં ઉછળીને ચોમેર પ્રસરવા લાગ્યાં હતાં.

બરાબર એ સમયે જ એના કાર્લોસને પડતો મૂકીને ઓટલા તરફ આવી હતી. તેણે આદીવાસીઓનાં સરદારને ચારેકોર દારૂગોળો ઉડાડતો જોયો. “ કમબખ્ત કરવા શું માંગે છે...? “ તે બબડી અને પછી તેની તરફ લપકી. થોડીવારમાં તેને સમજાયું હતું કે સરદાર આખો ઓટલો જ નષ્ટ કરી નાંખવા માંગે છે જેથી કરીને અંદરનો ખજાનો કોઇનાં હાથમાં ન આવે અને સાથોસાથ કમરામાં ઘૂસેલાં લોકો પણ દબાઇને મરી જાય. આ તેની દોહરી ચાલ હતી. પરંતુ તેને ખ્યાલ નહોતો કે એના બરાબર તેની પાછળ આવી પહોંચી છે. એ તો પોતાની ધૂનમાં આંધાધૂંધ ગોળાઓ ફેંકી રહ્યો હતો.

એના પાસે કોઇ હથીયાર નહોતું એટલે હાથો હાથની લડાઇ સીવાય બીજો કોઇ વિકલ્પ તેની પાસે નહોતો. પેલા સરદારની પીઠ આ તરફ હતી અને તે બેખબર પણ હતો. એનાએ લાગ જોઇને તેની ઉપર કુદકો લગાવી દીધો. ખજાનો આવી રીતે બરબાદ થઇ જાય એ એનાને કોઇ કાળે મંજૂર નહોતું. તે સીધી જ સરદાર ઉપર ખાબકી અને પાછળથી તેનાં ગળે વળગી. એકદમ જ હુમલો થતાં સરદાર ગભરાઇ ગયો અને ગળે વળગેલી માયાથી છટકવા તેણે પોતાનાં શરીરને એક ઝટકો આપ્યો. એ ગડમથલ દરમ્યાન તેનાં હાથમાંથી બારૂદનો ગોળો છટકીને થોડે દૂર જમીન ઉપર પડયો. “ ધડામ..... “ એક ભયંકર અવાજ કરતો ધમાકો થયો અને તે બન્નેનાં શરીરો હવામાં ઉછળીને દૂર ફેંકાઇ ગયાં. ક્ષણનાં ચોથા ભાગમાં એ ઘટના બની ગઇ હતી. એના પેલા સરદારને રોકવા માંગતી હતી. જે ખજાના માટે તેણે આટલી જદ્દો જહેદ ખેડી હતી એ ખજાનો સાવ આવી બાલીશ રીતે નષ્ટ પામે એ તેનાથી સહન થાય તેમ નહોતું. તેને રોકવાં જે તે સરદાર ઉપર કુદી હતી પરંતુ હડબડાહટમાં સરદારનાં હાથમાંથી બારૂદ છટકીને નીચે પડયો હતો. એ ધમાકામાં તે બન્ને બહું ખરાબ રીતે ઘાયલ થયાં. એનાનો આખો ચહેરો બારૂદની ઝપટમાં આવી ગયો હતો. તેનાં ખૂબસુરત ચહેરાની ચામડીનાં તો જાણ પરખચ્ચા ઉડી ગયાં હતાં. કપાળેથી લઇને છેક ગરદન સુધીનો ભાગ કાળોમેશ પડી ગયો હતો. ગાલની ચામડી તો રીતસરની સળગીને ફાટી ગઇ હતી. તેમાં લાંબા કાપો પડયો હતો અને અંદરનું હાડકું બહાર દેખાવાં લાગ્યું હતું. તેનો દેખાવ ભયંકર રીતે બિભત્સ બન્યો હતો. તે ચીખી રહી હતી. તેનાં ચહેરા અને શરીરમાં ગરમ લ્હાઇ બળતી હતી. કોઇએ હાથમાં બ્લેડ લઇને ચહેરા ઉપર બેરહમીથી કાપા પાડયાં હોય એવી બળતરા તેને ઉપડી હતી. તે પોતાની સાન ભાન ભૂલી ગઇ હતી અને બળતરાથી બળતાં ચહેરાને કોઇ ઠંડુ પાણી આપે તો ધોવા માંગતી હતી. પણ અહી કોઇ તેની મદદે આવવાનું નહોતું. આ મરૂભૂમી હતી. એક એવું દોઝખ, કે જ્યાં મોત સીવાય કોઇનું રાજ્ય ચાલતું નહી.

થોડું તરફડીને તે શાંત પડી ગઇ. એક એવી ચીર નિંદરમાં તે પોઢી ગઇ કે જ્યાંથી આજ સુધી કોઇ પાછું આવ્યું જ નહોતું. બહું જલ્દી બની ગયું એ બધું. કંઇ વિચારવાનો કે કશુંક કરવાનો સમય પણ એનાને મળ્યો નહોતો. અને પેલો સરદાર... બે ટૂકડામાં વિભાજીત થઇને તેનું શરીર થોડે દૂર ધરતી ઉપર પડયું હતું. તેનાં શરીરનાં ક્ષપ્ત- વિક્ષીપ્ત ટૂકડાઓ પર્વતની ટોચે વિખારાયા હતાં. એ કેમ કરતાં થયું એ ભયાનક આશ્વર્યની વાત હતી કારણકે દેશી બારૂદથી માણસ મરી જરૂર શકે પરંતુ તેનાં ટૂકડા ન થાય. પરંતુ આ ધરતી સતત આંચકાઓ આપતી હતી. અસંભવ લાગતી ઘટનાઓ ચપટી વગાડતાં બની જતી. સરદાર સાથે પણ એવું જ બન્યું હતું. બારૂદનો ધમાકો થયો અને એ ધમાકામાં એક તીક્ષ્ણ અણીદાર પથ્થરનો ટૂકડો ઉડીને સીધો જ તેની કમરનાં ભાગે અફળાયો હતો. એ પથ્થર કોઇ કરવતની જેમ તેનાં શરીરનાં બે ટૂકડા કરીને બીજી તરફ નિકળી ગયો હતો. એ એક હૈરત અંગેજ ઘટના હતી. જો કોઇએ પોતાની સગ્ગી આંખોએ જોયું ન હોય તો ક્યારેય તે આવું બની શકે એની કલ્પનાં પણ કરી શકે નહી.

એક સાથે બે લાશો પડી હતી. એક એનાની અને બીજી પેલા સરદારની. એક ખજાનાનાં લોભમાં મરી હતી જ્યારે બીજો ખજાનાને બચાવતાં માર્યો ગયો હતો. આદીવાસી સરદાર માટે આ ખજાનો તેની આસ્થાનો અને દેવતાઓનાં વરદાનનો પ્રશ્ન હતો. ખબર નહી કેટલાય વર્ષોથી... કેટલીય પેઢીઓથી તેઓ આ ખજાનાની દેખભાળ અને રક્ષા કરતાં આવ્યાં હશે...! તેનાં બાપા, દાદા અને તેનાં પણ પરદાદાની પેઢીઓએ અહી વિખેરાયેલો ખજાનો એકઠો કરીને પર્વતની ટોચે એક ભોંયરું બનાવી તેમાં ખજાનો સુરક્ષીત રીતે મૂકયો હતો. તેની ઉપર એક મોટો ઓટલો ચણ્યો હતો અને ખજાનાની ખોજમાં આવતાં તમામ લોકોને અહી સુધી આવતાં અટકાવવાં મોતને ઘાટ ઉતાર્યાં હતાં. વર્ષોથી આ સીલસીલો અણનમ રીતે ચાલતો આવતો હતો, પરંતુ આજે પહેલી વાર એવું બન્યું હતું કે કોઇ ખજાના સુધી પહોંચી ગયું હતું. માત્ર પહોંચી નહોતું ગયું, એ ખજાનો તેમનાં હાથમાં આવી ગયો હતો. મોટેભાગે તો ટીલા અને તેની આસપાસ જ અજનબી આગંતુકોને આદીવાસીઓની પહેલી ટૂકડી ખતમ કરી નાંખતી હતી. આ પર્વત સુધી ભાગ્યે જ કોઇ પહોંચી શકયું હતું, અને જે લોકો અહી સુધી આવી ધમકતાં તેમને અહીનાં આદીવાસીઓ ખતમ કરી નાંખતાં હતાં. આમ... હજું સુધી ખજાનો અછૂત જ રહ્યો હતો. પરંતુ આધૂનિક હથીયારો સામે આદીવાસીઓની પીછેહઠ થઇ હતી અને ધમાસાણ યુધ્ધમાં જીવીત બચેલાં અમે ચાર વ્યક્તિઓ ખજાના સુધી પહોંચી ગયાં હતાં.

એના બહું ખરાબ રીતે મરાઇ હતી. એ સાવ અનઅપેક્ષીત ઘટનાં હતી. તેની સાથે આદીવાસીઓનો સરદાર પણ મરાયો હતો. તે બન્નેનાં ક્ષપ્ત- વિક્ષીપ્ત શવ પર્વતની મરૂભૂમીની ધરતીમાં રગદોળાઇને પડયાં હતાં. એ નજારો ભયંકર હતો. આકાશમાં છવાયેલો કાળો ઘેરો અંધકાર કોઇ પિચાશી વાતાવરણનાં આગમનની છડી પોકારતો હતો. ચો- તરફ તહસ- નહસ થઇને ઉડેલાં ઓટલાનાં પથ્થરોમાંથી આગ અને ધૂમાડાનાં ગોટેગોટ ઉઠતાં હતાં. એવું લાગતું હતું કે જાણે યમરાજ સ્વયં અહી મોતનું તાંડવ ખેલી રહ્યાં છે. આ ક્ષેત્ર એક એવી રણભૂમી બની ગયું હતું જ્યાં ડગલેને પગલે ભયાનક મોત સાથે બાથ ભીડવાની થતી હતી.

@@@@@@@@@

એક ધમાકા સાથે છતમાંથી મોટો જબરો પથ્થર તૂટીને દરવાજાની બીલકુલ નજીક ખલાયો. અનેરીનો હાથ પકડીને હું દરવાજાની બહાર નિકળવાની ફીરાકમાં જ હતો કે ઉપરથી પડેલાં પથ્થરે અમારો માર્ગ અવરોધ્યો. અમારી અને દરવાજાની બરોબર મધ્યમાં જ એ પથ્થર ખાબક્યો હતો જેનાથી બહાર નિકળવાનો માર્ગ લગભગ બંધ થઇ ચૂક્યો હતો. જો અમે ઠઠકીને ઉભા રહ્યાં ન હોત તો ચોક્કસ એ પથ્થર અમારી ઉપર આવી પડયો હતો અને અમે એ પથ્થર હેઠે દબાઇ ગયાં હોત. એ પથ્થર એવી રીતે પડયો કે આખો દરવાજો તેની પાછળ દટાઇ ગયો હતો અને માત્ર ઉપર થોડી જગ્યાં બચી હતી. અમે ત્યાંથી બહાર નિકળી શકીએ તેમ હતાં પણ એ કામ ભારોભાર જોખમી હતી કારણકે અમારી પાછળની તરફ ભયાનક ગડગડાહટ સાથે ભોંયરાની છત તૂટી અને નીચે પડી રહી હતી. એવું લાગતું હતું કે હમણાં જ આખો કમરો ખળભળીને... ભૂક્કો થઇને અમારી ઉપર આવી પડશે. જો અમે ઉતાવળ ન કરી તો અહીં જ દફન થઇ જવાનાં હતાં એ નિર્વિવાદીત સત્ય હતું.

“ અનેરી... તારો પગ અહી મૂક અને ઉપર ચડી જા. “ મેં મારાં બન્ને હાથ આપસમાં ભેગા કરતાં કહ્યું એટલે અનેરીએ સમય ગુમાવ્યાં વગર તેનો એક પગ મારી હથેળીઓ વચ્ચે મુકયો અને પથ્થર વચ્ચે ધૂસી ગઇ. પથ્થર અને કમરાની છત વચ્ચે માંડ દોઢથી બે ફૂટની જગ્યા હશે. તે એમાં સરકતી.. ઘસાતી પેલી બાજું નિકળી ગઇ. એ બહું જોખમી કામ હતું. જો એ વખતે જ છત તૂટી પડી હોત તો અનેરીનું શરીર ચોક્કસ પથ્થર અને છત વચ્ચે સેન્ડવીચ બની ગયું હોત. પરંતુ તે સલામત બહાર નિકળી હતી એટલે મને ભયાનક રાહત ઉદભવી હતી. હવે મારો વારો હતો. મેં એક નજર પાછળ દેખતાં ખજાના ઉપર નાંખી. આ ખજાનાને પામવા અમે કેટલી જદ્દોજહેદ કરી હતી..! એમેઝોનનાં ભયાનક અને વિકરાળ જંગલોને વીંધીને... કેટલાય સાથીઓનાં મોત ઉપર થઇને... આદીવાસીઓ સામે ભયંકર અને દિલ દહેલાવનારાં જીવ સટોસટીનાં યુધ્ધો ખેલીને... મોતને હથેળીમાં રમાડતાં અમે અહી સુધી પહોંચ્યાં હતાં. એ ખજાનો અત્યારે મારી નજરો સમક્ષ હતો છતાં હું તેને લઇ શકું તેમ નહોતો. એ દર્દ, એ પીડા, એ લાગણી હું શબ્દોમાં વર્ણવી શકવા અસમર્થ બન્યો હતો. મને ખજાનાની લાલસા નહોતી એમ કહું તો એ મિથ્યાં અભીમાન ગણાશે. નો ડાઉટ કે અહી સુધી પહોંચવાનું મારું પ્રેરક બળ અનેરી હતી છતાં મનનાં કોઇ ખૂણે આ બે- હિસાબ દૌલત પામવાની લાલસા પણ એટલી જ જવાબદાર હતી. હવે જ્યારે એ મબલખ ખજાનો મારી નજરો સામે પડયો હતો... હું તેનો માલીક થઇ શકું તેમ હતો... ત્યારે હાલત એવી ઉત્પન્ન થઇ હતી કે ભર- દરીયે અમારે પ્યાસાં પાછા ફરવું પડે એમ હતું. જે રીતે ભોંયરાની છત ખળભળીને તૂટી રહી હતી એ જોતાં લાગતું હતું કે બસ હવે સેકન્ડોમાં આ કમરો ધરતીમાં સમાઇ જવાનો છે. મને ખબર નહોતી કે આ ધમાકાઓ શેનાં છે અને અચાનક કેમ કરતાં ચાલું થયાં હતાં. પણ જે થઇ રહ્યું હતું એ ભયંકર હતું અને અમારાં અરમાનો ઉપર કરવતની જેમ ફરતું હતું. એક નામોશી, એક ગ્લાની ભર્યો અફસોસ મારાં જીગર ઉપર છવાયો હતો. મન કહેતું હતું કે હજું એક કોશિશ કરીને ખજાનો બચાવી લઉં પરંતુ હવે એ મારાં એકલાંથી શક્ય બનવાનું નહોતું. અફસોસ ભરી છેલ્લી એક નજર ખજાના ઉપર નાંખીને હું પથ્થર ઉપર ચઢવાની કોશિશમાં પરોવાયો. મહા મુસીબતે હું બીજી તરફ નિકળ્યો. અનેરી મારી જ રાહ જોઇને ઉભી હતી. મેં તેની તરફ સ્મીત કર્યું. હવે એ જ મારો બહુમૂલ્ય ખજાનો હતી. મેં ફરીવાર તેનો હાથ પકડયો અને ઓટલાનો દરવાજો વળોટી અમે બહાર નિકળી આવ્યાં. બરાબર એ ક્ષણે જ એક ભેદી અને ભયાનક ધડાકો થયો. અમારી નજરો સામે જોતજોતામાં આખો ઓટલો તૂટીને જમીનની અંદર ધસી પડયો. અમે ગહેરા આઘાત અને અપાર આશ્વર્યથી એ નજારો જોઇ રહ્યાં. ઓટલો રીતસરનો બે ભાગમાં ફાટયો હતો. તેને ચણવામાં વપરાયેલાં પથ્થરો ગડગડાહટ ભેર અંદર લૂઢક્યાં હતાં. ધૂળનો એક મોટો ગોટ ઉપર આકાશ તરફ ઉઠયો અને ભયાનક અવાજ સાથે આખો ઓટલો અને તેની આસપાસની જમીન ધરતીમાં સમાઇ ગઇ હતી. ધરતીની અંદરથી જાણે કોઇએ એક મોટા વેક્યુમ મશીન વડે ઉપરની જમીનનો ભાગ શોષી લીધી હોય એમ એક મોટો ગોળ ખોડો સર્જાયો હતો અને ઉપર જે કંઇ પણ હતું એ બધું જ ખાડામાં સમાઇ ગયું હતું. ખજાનો પણ એ ખાડામાં જ દફન થઇ ગયો હતો. અમારી નજરો સામે જ બધું તહસ- નહસ થઇ ગયું. સ્તબ્ધ આંખોએ અમે એ જોઇ રહ્યાં હતાં અને ખજાનો કેટલાંય ફૂટ અંદર જમીનમાં ધરબાઇ ગયો હતો. અને... આટલું ઓછું હોય એમ એ સમયે જ વાદળોમાં ભયંકર ગડગડાહટ શરૂ યો હતો અને થોડી જ વારમાં જોતજોતામાં મૂશળધાર વરસાદ પડવા લાગ્યો. તમામ કુદરતી આફતો એકસાથે ત્રાટકવા લાગી હતી.

બહાર ચો- તરફ ધૂળ ધૂમાડાં યુક્ત ધૂંધળું વાતાવરણ હતું. જ્યાં જૂઓ ત્યાં અગ્નિની લપટો ઉઠતી દેખાતી હતી. ઘોર અંધકાર યુકત બીહામણું વાતાવરણ અમને ડારી રહ્યું હતું. એ વાતાવરણમાં કુદરત પણ જાણે કોપાઇમાન બની હોય એમ જોરદાર વરસાદ પડવો શરૂ થયો હતો. અમને બન્નેને સમજ નહોતી પડતી કે આવી હાલતમાં શું કરવું જોઇએ..? અમે તો બસ.. ખામોશી ઓઢીને ઉભા હતાં. સ્તબ્ધ અને નિશબ્દ...! હવે શું કરવું એ સમજાતું નહોતું. એના ક્યાંય દેખાતી નહોતી અને કાર્લોસનું હવે કોઇ કામ નહોતું. પેલાં સરદારની પણ હવે બીક રહી નહોતી. જો કે આ સમયે અમને નહોતી ખબર કે આ બધું એ સરદારનાં કારણે જ થયું છે. એ થોડીવાર પછી મને સમજાયું હતું.

ત્યાં દુર કોઇ પડયું હતું. વરસાદનાં કારણે બૂઝાતી જતી અગ્નિની જ્વાળાઓમાં કોઇનું શરીર જમીન ઉપર પડેલું દેખાતું હતું. અમે એ તરફ ચાલ્યાં અને એકદમ નજીક જઇને ઉભા રહ્યાં.

“ ઓહ ગોડ... “ એકાએક જ અનેરીનાં ગળામાંથી ચીખ નિકળી હતી અને તે મને વળગી પડી. જમીન ઉપર આદીવાસી સરદારનું અડધું અંગ પડયું હતું. તેનો કમર નીચેનો ભાગ અહી હતો જ્યારે ઉપરનું શરીર થોડે આઘે પડેલું દેખાતું હતું. મારાં પેટમાં પણ એ ભયાનક દ્રશ્ય જોઇને ચૂંથારો ઉપડયો. સરદારની ડેડબોડી પાસે દેશી હાથ બોંમ્બ વેરાયેલાં હતાં. એ જોઇને એકાએક જ મને ધમાકાઓનો તાળો મળ્યો હતો. જરૂર સરદારે જ આ ધમાકાઓ કર્યાં હોવાં જોઇએ. એ ધમાકાઓમાં ભૂલથી કોઇ બોંમ્બની ઝપેટમાં તે ખુદ આવી ગયો હશે અને તેનાં પરખચ્ચાં ઉડી ગયાં હશે. આખો માજરો ક્ષણભરમાં સમજાયો હતો અને સરદારને મેં મોટી મોટી ગાળો ભાંડી હતી.

“ પવન... ત્યાં પણ કોઇક છે... “ અનેરીએ સરદારની બોડીથી થોડે આઘે અંગળી ચીંધી. ધડકતાં હદયે અમે એ તરફ ચાલ્યાં. કંઇક અજૂગતું જોવાની ધારણાં અમને કંપાવતી હતી. તે એના હતી... ધૂળ મિશ્રિત તેનું શરીર આખું કાળુ પડી ચૂકયું હતું. તેનાં શ્વાસોશ્વાસ શાંત હતાં. મતલબ કે તે મરી ચૂકી હતી. એક વધું મોત આ ધરતી ઉપર થયું હતું. એનાને મરેલી જોઇને મારાં મનમાં કંઇક અકળ લાગણીઓ જન્મી હતી. હવે એવું લાગતું હતું કે મોત સાથે અમારે રોજનો પનારો થઇ પડયો છે. જે સ્વર્ગની કલ્પનામાં અમે અહી આવ્યાં હતાં એ સ્વર્ગ હકીકતમાં તો નર્કથી પણ બદતર હતું. ખજાના સુધી કોઇ પહોંચ્યું નથી એ તો બધાં જ જાણતાં હતાં પરંતુ એવું કેમ હતું એ ભયંકર સત્ય અમે નજરો નજર નિહાળ્યું હતું. આ કોઇ રમત નહોતી, અમે સાક્ષાત મોતનું તાંડવ થતું જોયું હતું. એના એ તાંડવની આખરી કડી હતી જે અત્યારે અમારી નજરો સમક્ષ મૃત પડી હતી. હવે...? એક સનાતન પ્રશ્ન અમારી સામે ખડો હતો. મને લાગતું હતું કે અહી બધું સમાપ્ત થઇ ગયું છે.

ખજાનો અમારી નજરો સમક્ષ હતો અને જોત જોતામાં ધરતીમાં સમાઇ ગયો હતો. હાથ સુધી આવેલો કોળીયો મોઢા સુધી પહોંચ્યો નહોતો.

“ પવન... હવે શું કરીશું...? “ અનેરીએ મને પુછયું. તે ક્યારની એના સામું જોઇ રહી હતી. મને એ સુંવાળી છોકરીની દયા ઉપજતી હતી. ખ્યાલ નહોતો આવતો કે તે શું વિચારી રહી છે પરંતુ એટલું ચોક્કસ હતું કે તેનાં મનમાં ભયાનક ગડમથલ ચાલતી હશે. હજું તે મારો હાથ પકડીને જ ઉભા હતી. ધીરેથી મેં તેને નજીક સેરવી અને મારી બાહુંમાં સમાવી લીધી.

“ હવે કંઇ જ નથી કરવાનું. આપણે અહીથી નીચે જઇશું અને આ જંગલ પાર કરી ફરી આપણી દુનીયામાં ચાલ્યાં જઇશું. “

“ અને કાર્લોસ...! એનું શું...? “

“ એને તેની કિસ્મત ઉપર છોડવો રહ્યો. આમ પણ તે જાજું જીવશે નહી. તેનાં જખ્મો એટલાં ગહેરા છે કે ચાહવાં છતાં આપણે તેને બચાવી નહી શકીએ.. “

“ ઓહહ.. “ અનેરીએ એક નિશ્વાસ નાંખ્યો. “ અને... “ તે અટકી. એક પ્રશ્ન તેનાં ગળામાં આવીને અટકયો હતો. તાજ્જૂબી એ હતી કે એનો જવાબ ઓલરેડી તે જાણતી હતી.

“ અને... શું અનેરી.. ! “ તેને છાતી સરસી ચાંપેલી રાખીને જ મેં પુંછયું.

“ આ ખજાનાનું શું...? શું આપણે ખાલી હાથે પાછા જવું પડશે...? “ એક અનંત આશાએ માથું ઉંચકીને તેણે મારી આંખોમાં જાંકયું. એ આંખોમાં તારલીયા ચમકતાં હતાં. હું જવાબ દેવાની જગ્યાએ તેની આંખોનાં ઉંડાણમાં ડૂબતો ગયો. “ બોલને પવન...! ખજાનો આપણને નહી મળે...? કે તેનાં માટે ફરીથી આવવું પડશે...? “

“ આ ખજાનો કુદરતની અમાનત હતો અને કુદરતે જ પાછો પોતાનામાં સમાવી લીધો છે. જો કોઇનાં હાથમાં ખજાનો આવવાનો હોત તો અત્યાર સુધીમાં આવી ગયો હોત. આ જગ્યાં સદીઓથી “ નો રીટર્ન “ પોઇન્ટ તરીકે ઓળખાતી આવી છે અને હજુ પણ એ નામે જ ઓળખાશે. આપણે અહી સુધી પહોચ્યાં અને જીવીત પાછી ફરીએ છીએ એ કોઇ ખજાનાથી કમ તો નથી જ. અને... મારો અસલી ખજાનો તો તું છે. હવે મને બીજા કોઇ ખજાનાની લાલસા નથી. “ મારાં હદયની ગહેરાઇથી એ શબ્દો નિકળ્યાં હતાં. અનેરી ડોક ઉચી કરીને મારી સામું જોઇ રહી. તેનાં પરવાળા સા મુલાયમ હોઠ મને આહ્વાન આપી રહ્યાં હતાં. હું ઝૂકયો અને તેનાં હોઠ ઉપર મારાં હોઠ ચાંપી દીધા. સમય એ ઘડીએ જ થંભી ગયો. મૂશળધાર વરસતાં વરસાદ હેઠળ... ભયંકર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલાં બે માસૂમ જીવ એકબીજામાં એકાકાર થવાં મથતાં હતાં. અમે ભૂલી ગયાં હતાં કે અત્યારે અમે ક્યાં ઉભા છીએ અને કેવી સ્થિતિમાં છીએ...! ખબર હતી તો બસ એટલી જ કે અમે બન્ને એકબીજા માટે જ સર્જાયા છીએ અને આ દુનિયાનાં અનંત કાળ સુધી સાથે જ રહીશું. કાલુપુરનાં રેલ્વે સ્ટેશને શરૂ થયેલી અમારી કહાનીનો આ આખરી મુકામ હતો.

અડધી રાત વીતી ચૂકી હતી. પર્વત ઉપર એકધારો મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. ધમાકાઓનાં કારણે ઉડતી ધૂળની ડમરીઓ વરસાદનાં પાણીમાં શાંત પડતી જતી હતી. ક્યાંક ક્યાંક આગ હજું પણ લપકારા લેતી હતી. ઓટલો અને તેની આસપાસનો લગભગ અડધો કીમીનો વિસ્તાર એક ઉંડા ખાડામાં તબદીલ થઇ ચૂકયો હતો અને એ ખાડામાં વરસાદનું પાણી ભરાવું શરૂ થયું હતું. લાગતું હતું કે જ્યાં ઓટલો હતો ત્યાં થોડીવારમાં એક તળાવ સર્જાશે જે અનંત સમય સુધી તેની નીચે ધરબાયેલાં ખજાનાને રહસ્યમય રીતે પોતાની નીચે છૂપાવી રાખશે. એ ખજાનો સદીઓથી અછૂત હતો અને કદાચ હવે પછી પણ સદીઓ સુધી અછૂત જ રહેવાનો હતો. હું અને અનેરી... અમે બે વ્યક્તિ જ જાણતાં હતાં કે ખજાનો ક્યાં છે..! અને અહી સુધી પહોંચવાનો રસ્તો શું છે...!

પરંતુ... મને લાગતું નહોતું કે અમે કોઇને હવે આ ખજાના વીશે જણાવીશું...! જે ખૂનામરકી અમે જોઇ હતી, જે ભયાનક પરિસ્થિતિઓમાંથી અમે પસાર થયાં હતાં... અને જેવી રીતે હાથમાં આવેલો ખજાનો ક્ષણભરમાં અમે ખોઇ બેઠાં હતાં, એ તમામ બાબતો એ તરફ ઇશારો કરતી હતી કે કુદરત પણ નથી ચાહતી કે આ ખજાનો ક્યારેય કોઇનાં હાથમાં આવે. ઉપરાંત... આ પર્વત ઉપર હજું પણ આદીવાસીઓ જીવીત હતાં. આ તેમની દુનીયા હતી. ભલે ગમે તેવી સ્થિતિમાં તેઓ જીવતાં હોય, પરંતુ અહી તેમની આસ્થા હતી, તેમનું જીવન હતું. બહારની દુનીયા સાથે તેમને કોઇ મતલબ નહોતો. અમારાં અહીથી ગયાં પછી ચોક્કસ આ કબીલાનો નવો સરદાર નિમાશે. જે ફરી પાછાં ખજાનાની ખોજમાં આવતાં લોકોનો સંહાર કરશે. એક નવો સીલસીલો ફરી શરૂ થશે. અને... ખજાનો ક્યારેય કોઇનાં હાથમાં નહી આવે. મતલબ સાફ હતો કે આ જગ્યાં હંમેશાં બહારની દુનીયા માટે “ અ નો રીટર્ન પોઇન્ટ “ જ બની રહેવાની હતી.

અમે પર્વત ઉતરવાનું શરૂ કર્યું ત્યારે પણ વરસાદ ફૂલ ફોર્સથી વરસતો હતો. કાર્લોસ પણ મરી ચૂકયો હતો. અમે તેની પાસે પહોચ્યાં ત્યારે તેની ખૂલ્લી આંખો ઉપર આકાશ તરફ તકાયેલી હતી. તેને જીવતો અહી છોડીને જવામાં ચોક્કસ અમારાં પગ ભારે થયાં હોત, પરંતુ હવે તે ગુજરી ચૂકયો હતો એટલે દીલ ઉપર કોઇ ભાર રહેવાનો નહોતો. તે બેહદ તકલીફમાં મર્યો હોવો જોઇએ. ભયાનક દર્દથી તરડાયેલો નિષ્તેજ ચહેરો તેની આખરી પળોની ચાડી ખાતો હતો. મેં નજદીક જઇને તેની આંખો બંધ કરી હતી અને પછી નીચે ઉતરવાનું શરૂ કર્યું હતું.

લગભગ સવાર પડતાં સુધીમાં અમે નીચે ઉતરી આવ્યાં હતાં. ભયાનક વરસાદ... ગડગડાહટ કરતાં વાદળો... પર્વતની હિમાચ્છાદીત ટોચ... અને ઘેઘૂર જંગલ વટાવીને અમે પર્વતની તળેટીમાં આવી પહોચ્યાં. અમારાં ભયંકર આશ્વર્ય વચ્ચે અમે જ્યાં અમારો ઘોડો બાંધ્યો હતો એ ઘોડો ત્યાં જ હતો. ઉપરાંત બીજો પણ એક ઘોડો ત્યાં બંધાયેલો હતો. જરૂર એ એનાનો ઘોડો હોવો જોઇએ. અમે આનંદથી નાચી ઉઠયાં. અહીથી પાછા ફરવાની મુશ્ક્લી અડધી તો એ ઘોડાઓને જોતાં જ હલ થઇ ગઇ હતી. અને...

હું અનેરી તરફ ફર્યો. તેનાં હાથ મારાં હાથમાં લીધાં. પાછલાં દીવસોમાં જે ભયાનક હાડમારીઓ અમે વેઠી હતી તેમાથી હવે અમે સંપૂર્ણપણે મુક્ત હતાં. અહીથી પાછા ફરીને અમારે ફરીથી અમારી દુનીયામાં જવાનું હતું. એક એવી દુનીયામાં જે અનેરીનાં સાથ વગર અધૂરી હતી. મેં તેને મારી નજદીક લીધી. તેનાં શરીરમાંથી વરસાદનાં પાણીની મહેક ઉઠતી હતી. તેનાં ચહેરાની સ્નિગ્ધ ત્વચામાં સવારની તાજગી ચમકતી હતી. તેનાં ટૂંકા વાળ આછા વહેતાં પવનમાં લહેરાતાં હતાં. તેની આંખોની ભૂખરી કીકીઓમાં સમંદર હીલોળા લેતો હતો. તેનાં બદનમાંથી ઉઠતી આહલાદક ખુશ્બું મને પાગલ બનાવી રહી હતી. હું તેનાં ચહેરા ઉપર ઝૂક્યો. અનેરી મારી લાગણીઓનો પડઘો પાડતી હોય એમ તેનાં પગની પાનીઓ ઉપર ઉંચી થઇ. બન્ને હાથ મેં તેની પીઠ પાછળ ભીડયા અને મારાં પૌરુષી હોઠ તેનાં કોમળ હોઠો ઉપર છવાયાં.

છતાં... એક પ્રશ્ન હજું અનૂત્તર હતો. કે... મારાં દાદા અને અનેરીનાં દાદાએ અહીનો નકશો કેવી રીતે બનાવ્યો હશે...? શું તેઓ અહી સુધી પહોચ્યાં હતા...?

( સમાપ્ત )

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

મિત્રો... નો રીટર્ન-૨ ની લગભગ સવા વર્ષ સુધી ચાલેલી જર્ની અહી સમાપ્ત થાય છે. આ સફરમાં સાથ નિભાવવા બદલ આપ સહુનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કોઇ નવી સફરમાં... ત્યાં સુધી આવજો મિત્રો.

ધન્યવાદ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED