NOTICE PERIOD books and stories free download online pdf in Gujarati

નોટિસ પિરિયડ

'નોટિસ પિરિયડ'

નાટકનું છેલ્લું દ્રશ્ય યાદગાર હોવું જોઈએ, છેલ્લા ડાયલોગ્સ લોકોના દિલોદિમાગ પર છવાઈ જવા જોઈએ, એવું ક્યાંક સાંભળેલું યાદ આવે છે. છેલ્લા દિવસોમાં આવું થવું સ્વાભાવિક છે. મારા છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, એટલે આવા ચિત્ર વિચિત્ર વિચારો આવવા સ્વાભાવિક છે. અરે, મને કોઈ ગંભીર બીમારી નથી, ડોન્ટ વરી. હું એક એમ્પ્લોયી છું. પ્રાઇવેટ કંપનીમાં કામ કરનાર એમ્પ્લોયી. અમે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતાં લોકો અવારનવાર કૂદાકૂદ કરતાં હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી, ત્રીજી થી ચોથી અને ચોથી થી.... ચાલ્યાં જ કરે છે. સામાન્યતઃ અમારી મનુષ્યજાતમાં જ ગણતરી થતી હોય છે પરંતુ ક્યારેક ગળામાં પહેરેલ ટાઈ કુતરાના ગળામાં રહેલ પટ્ટા જેવી અમને અનુભૂતિ આપ્યાં કરે છે.


હા, છેલ્લા દિવસો અને કૂદાકૂદથી મારો મતલબ નોકરી બદલવાથી હતો. હું નોકરી બદલી રહ્યો છું. મારો નોટિસ પિરિયડ ચાલી રહ્યો છે. નોકરી બદલતી વખતેના છેલ્લા દિવસો, મતલબ કે છેલ્લો મહિનો 'નોટિસ પિરિયડ' તરીકે ઓળખાય છે. આ એવો સમયગાળો હોય છે જે દરમિયાન તમારી જગ્યા લેનાર તમારા વારસદારને(?) બધો કારોભાર હસ્તક કરવાનો હોય છે. જેમ સાસરે જતી દિકરીને વૃધ્ધ માતા સલાહ સુચન આપે છે એવી જ રીતે તમારે એ 'નવા'ને બધી નાની નાની બાબતો સમજાવવાની હોય છે. તમારે દરરેક વસ્તું એને જણાવવી પડે છે, બસ એટલું નથી કહેવાનું કે 'બોસ ખડુંસ છે' કે બોસ સેલેરીનાં બદલે નીચોવી નાખે છે કે એની 'ડોગ વોચ'થી ઇરિટેઇટ થઈને તમે નોકરી છોડી રહ્યા છો, અમુક વસ્તુ સ્વાનુભવે પણ શિખવું પડે કે નહીં?


હું ઓફિસમાં બેઠો છું, પ્રિયંકા અમારી અકાઉન્ટન્ટ આજે પીળો, લીલો,લાલ રંગના કોમ્બિનેશનવાળો ડ્રેસ પહેરીને આવી છે, અને એની રોજિંદી પ્રવૃત્તિમાં બિઝી છે, હા એ સેલ્ફી લઈ રહી છે. ખબર નહીં કેમ પણ એને જોઈને મને મારા ઘરેથી ખોવાયેલી કે ચોરી થયેલી સેમ કલર કોમ્બિનેશનવાળી 'ચાદર' યાદ આવે છે. અમારો અગિયાર વ્યક્તિનો સ્ટાફ કંઈક ને કંઈક કામ કરે છે. એક પોતાનું પી.સી સીસીટીવીમાં ન આવે એ રીતે પી.સીની નિયત દિશા બદલી કોઈ જોબ પોર્ટલમાં વ્યસ્ત છે, બીજો એટલું ઝડપથી ટાઈપ કરી રહ્યો છે કે એનો ટક ટકનો અવાજ મને એની નીચે રેલો આવ્યો હોય એવું પ્રતિત કરાવે છે. ત્રીજી વ્યક્તિ મોનિકા ત્યાં દૂરથી આરપાર કાચમાંથી મને દયામણી નજરે જોઈ રહી છે, મારા જવાથી એ દુઃખી છે કે મારા પર એને દયા આવે છે કશું જ સમજાતું નથી, ચોથો એક વ્યક્તિ ઇમેઇલમાં સ્ટારમાર્ક કરી રહ્યો છે અને ઘણી વખત મિનિમાઇઝ કરીને એનું પી.સી રિફ્રેશ કરી રહ્યો છે, એ કામ ચાલું કરતાં પહેલાં ઓફિસમાં આવતી 'ચા'ની અને ચા ના સમયે જ આવતાં બોસનાં આવવાની રાહ જોઈ રહ્યો છે. અમારી ઓફિસમાં 'ડોગ વોચ' સવાર સવારમાં નથી હોતી, પણ ક્યારેક ક્યારેક નવા આવેલ એમ્પ્લોયી ડોગવોચની કમી મહેસુસ થવા નથી દેતાં હોતા, મારે આ બાજુમાં બેઠેલા બબૂચકને બધું સમજાવવાનું છે, હું એને અવારનવાર ટાળી ચારેતરફ ડાફોળીયા મારી લઉં છું. પ્રિયંકા હવે સેલ્ફી નથી લેતી, કદાચ સો પ્રયત્નો પછી એનું 'પાઉટ' પરફેક્ટ આવી ગયું છે પરંતુ એનો ચિંતાતુર ચહેરો એ જણાવે છે કે એણે 'પરફેક્ટ પાઉટ' વાળો ફોટો અપલોડ કર્યાના દશ મિનિટ પછી પણ પૂરતી લાઈક નથી કમાઈ રહ્યો.


અગિયાર વાગ્યાના ટકોરે ચા આવે છે અને એ જ સમયે એક નવયુગલ અને એક અમુક અંશે વૃધ્ધ કહી શકાય એવી સ્ત્રી ઓફિસમાં પ્રવેશે છે. એ પ્રવેશતા જ મોનિકાને કહે છે


'એકસપોર્ટ ડિપાર્ટમેન્ટમાં હાર્દિક ને મળવું છે'


મોનિકાને મારી તરફ જોવાનું એક વધું બહાનું મળે છે, એ કાચની આરપાર એ લોકોને મારા તરફનો રસ્તો ડાયરેક્ટ કરી રહેલી મને દેખાય છે. મારા ચહેરા પર કંટાળાનો ભાવ ચોખ્ખો જણાઈ આવે છે, 'શાંતિથી ચા તો ગળચવા દો, મારા છેલ્લા દિવસોમાં તો મને આરામ આપો' મારી અંદર રહેલો ગુસ્સો મનમાં જ ભભૂકી ઉઠે છે અને હું આવા શબ્દો મનમાં બોલી નાખું છું, પરંતુ આ સરકારી ઓફિસ ન હતી કે હું ગ્રાહકને ટાળીને ચા નો આસ્વાદ માણી શકું. ચા ના નસીબમાં હું નથી એમ માની મારી તરફ આવતા એ લોકોને આવકારું છું, બેસવા માટેનો ઈશારો કરું છું. ચા નો કપ ટેબલની સાઈડમાં મૂકી એને ઠરવાનો પૂરતો સમય આપું છું.


"હા, હું હાર્દિક" હું બોલું છું


"?" પ્રશ્નાર્થભરેલી એ ત્રણેય આંખો મને જોઈ રહી છે.


"હાર્દિક પંડ્યા, હાર્દિક પટેલ કે હાર્દિક રાવલ નથી પણ હું જ હાર્દિક છું બોલો" હું તેમનાં આશ્ચર્યને સમજયા વગર બોલ્યો, મને લાગ્યું કે એ કદાચ હાર્દિક નામની પાછળ કોઈ 'હાઈ ફાઈ' પર્સનાલીટી હશે તેમ માની ને આવ્યા હશે અને મને જોતાં એમનો એ વહેમ દૂર થયો હશે.


"મંદિર લેવું છે અને એને અમેરિકા મોકલવું છે" પહેલી વૃધ્ધ સ્ત્રી બોલે છે.


"હા, મંદિર ઉધરઈચ મતલબ યહીચ મતલબ હમ હી બનાયેંગે" મારી અંદરનો કોઈ ખૂણે લલકાર થયો પરંતુ શાંતિથી મેં વળતા પ્રશ્ન કર્યો.


"સાગમાં બનાવવું છે કે સેવનવુડમાં, કઈ સાઈઝમાં જોઈએ છે?"


"ઉપર શોરૂમમાં અમે મંદિર જોયા પણ અમારે કસ્ટમાઇઝ બનાવવું છે" બે સ્ત્રીની વચ્ચે ફસાયેલો મતલબ બેઠેલો 'પુરુષ' ધીરા અવાજે બોલ્યો. એ ધીરો અવાજ મોટાભાગની પરણિત પુરૂષની પરિસ્થિતિ રજુ કરતો હોય એવું પ્રતિત થતું હતું.


"સેવનવુડમાં જોઈએ" વહુરૂપી સ્ત્રી બોલી


"સાગમાં જોઈએ' સાસુરૂપી સ્ત્રી બોલી.


આ કોઈ ભયંકર યુધ્ધનો આગાઝ તો નથીને ! મેં પતિ તરફ પ્રશ્નભરી દ્રષ્ટિથી જોયું. એ પતિએ એની મમ્મી તરફ જોઈને કહ્યું.


"મમ્મી, સેવનના લાકડામાં લક્ષ્મીનો વાસ હોય છે, એ ઘર માટે સારું રહેશે"


સાસુના ચહેરા પર અમુક અંશે વિજયી હાસ્ય મેં જોયું, મને તરત જ સમજાયું કે એમને પણ સેવનનું જ મંદિર બનાવવું હતું, પણ વહુ દિકરાનો ઉલટો સ્વભાવ જાણીને જ પોતાની પસંદગી સાગ જણાવી હશે.


મારી સાથે એ વહુરૂપી સ્ત્રી પણ એ હાસ્ય સમજી શકી, એક વહુ પોતાની સાસુ સામે હારી જાય તો આખી વહુઓની ઇન્ડસ્ટ્રીની હાર કહેવાય એવો ભાવ મને વહુની આંખોમાં દેખાયો.


વહુએ ઈરાદો બદલ્યો અને બોલી "મારે સાગમાં મંદિર જોઈએ"


વહુરૂપી સ્ત્રીની આ ઇચ્છાથી સૌથી વધુ તકલીફ પતિને થઈ. હવે મમ્મીને કઈ રીતે મનાવું? એ વિચારતો હોય એવું લાગ્યું. એની સ્થિતિ એકદમ એ કૂતરા જેવી હતી જે ભસી ભસીને કોઈ ગાડી કે બાઇક પાછળ દોડતો હોય પણ એ ગાડી કે બાઇક ઉભું રહે ત્યારે શું કરવું એને સમજ ન પડતાં એ આમતેમ જોવા લાગે. પતિએ પણ ડરતા ડરતા આમતેમ જોયું, એની નજર પ્રિયંકા સામે પણ ગઈ. પ્રિયંકા ખૂણામાં બેઠી બેઠી આ નઝારો જોઈ જ રહી હતી, ખરેખર તો એ આ નઝારો માણી રહી હતી.


"ગળું સુકાય છે, પાણી મંગાવું?" પ્રિયંકાએ કટાક્ષમાં એ પતિને પૂછ્યું.


મેં ગુસ્સાથી જોઈને પ્રિયંકાને આંખોના ઇશારાથી ચૂપ રહેવા જણાયું. મને એવું કરતા જોઈ પતિ વિચારતો હશે કે કાશ! હું પણ મારી પત્નીને આ રીતે ચૂપ કરી શકતો હોત.


આખરે હિમ્મત કરીને પતિ બોલ્યો.


"મમ્મી તમે સાગ કહેતાં હતાં ને, એ જ સારું રહેશે. સેવન પોચું આવે અને સાગ એની સરખામણીમાં મજબૂત આવે, હમણાં હાર્દિકભાઈ કહેતાં હતા ને!"


સાસુરૂપી સ્ત્રી ને ફરી હંમેશાની જેમ પોતાની હાર દેખાણી એટલી એ વળી કટાક્ષમાં બોલી.


"સાગમાં મંદિર બનાવો, મારે શું? અમેરિકા તો તમારે રહેવાનું છે ને! હું તો ત્રણ જૂન પછી પાછી બીજા બે ત્રણ વરસ માટે અહીં એકલી જ રહીશ ને!, મારે શું ? તમે...તમે સાગનું જ બનાવો"


સાસુરૂપી સ્ત્રીની આંખોનો કોઈ ચોક્કસ ખૂણો ભીનો દેખાયો, એ પરથી મને લાગ્યું કે એ અહીં એકલા રહેતા હશે અને દિકરો અને વહું એક બે વરસમાં ઇન્ડિયામાં આવી પોતાની 'ફરજ' નિભાવી જતાં હશે.


અરે ! ત્રણ જુન તો મારો નોટિસ પિરિયડનો છેલ્લો દિવસ હતો, કદાચ એ વહુ અને દિકરાની નોટિસ પિરિયડનો પણ!


મંદિરનો ઓર્ડર ફાઈનલ થયો, મેં પેપર વર્ક પૂરું કર્યું. એ ત્રણેય જણાએ ઓફિસ છોડી.


સાસુરૂપી સ્ત્રીના છેલ્લા બે ત્રણ વાક્યો એ વાતાવરણ ગંભીર કરી દીધું હતું. એમનાં ગયા પછી પણ અમારો અગિયાર જણાનો સ્ટાફ એકદમ ચૂપ હતો. કી બોર્ડની ટકટક એ શાંતિમાં વધુ જોરથી સંભળાવા લાગી, કદાચ ત્રણ જૂન પછી એક 'મા' ના જીવનમાં પણ આવી નિરવ શાંતિ હશે.


મારી નજર ઠરી ગયેલા ચા ના કપ તરફ ગઈ, ઠરી જવાના કારણે એનાં પર તર જામી ગઈ હતી, અજાણતા જ મને એ તર એ વૃધ્ધ સ્ત્રીની કરચલી વાળી ત્વચા દેખાઈ આવી.


ત્રણ જૂનની આતુરતાથી રાહ જોતો હું હવે હું ભગવાન ને મનમાં જ પ્રાર્થના કરી રહ્યો હતો કે ત્રણ જૂન જલ્દી ન આવે !


~સમાપ્ત~

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED