વિષાદ યોગ - પ્રકરણ-24

 

      બધા મિત્રો નિશીથના રૂમમાં દાખલ થયા અને બેઠા એટલે નૈનાએ કહ્યું “નિશીથ હવે બધી વાત કર. પેલો માણસ કોણ હતો? અને તું તેન કંઇ રીતે ઓળખે છે?”

 

     નિશીથ થોડો રોકાયો અને બોલ્યો “ તે માણસ બીજો કોઇ નહીં પણ  મારા પપ્પાએ મારી સુરક્ષા માટે મારી પાછળ મને ન ખબર પડે તે રીતે મુકેલો માણસ જ  હતો. જ્યારથી આપણે રાજકોટથી નીકળ્યા ત્યારથી તેની કાર મે પાંચ-છ વાર જોઇ એટલે મને શક ગયો. અને મે તેની હિલચાલ પર ધ્યાન રાખવા માંડ્યું. મે તેને ઘણીવાર ફોન પર વાતચિત કરતો જોયો અને તેજ સમયે મે મારા પપ્પાને ફોન કર્યો તો પપ્પાનો ફોન એંગેજ આવતો હતો. આ જ રીતે મે ચાર પાંચ વાર ચેક કર્યુ એટલે મને થોડો શક ગયો કે જરૂર આ મારા પપ્પાનો માણસ છે. તેના ફોન પછી પપ્પાનો ફોન પણ આવતો એટલે મને પુરો વિશ્વાસ આવી ગયો કે આ માણસ પપ્પાએજ મુકેલો છે. અને છેલ્લે આજે જ્યારે આપણે બાબાના આશ્રમ ગયા અને ત્યાં હું નીચે ઊતર્યો ત્યારે આજ માણસ કાર લઇને દૂર ઊભેલો હતો. ત્યાંથી જેવા આપણે નિકળ્યા એ સાથેજ પપ્પાનો ફોન પણ આવેલો. આ ઘટના પરથી તો મને પાકી ખાતરી થઇ ગઇ કે આ પપ્પાનોજ માણસ છે. આજે જ્યારે તમે મને કહ્યું કે આપણે એક માણસને પેલા લોકોની માહિતી મેળવવા માટે તેની પાછળ મુકવો છે, ત્યારે તે માણસ મને યાદ આવ્યો અને મે જોયું તો તે આપણી બાજુનાજ ટેબલ પર બેસી જમી રહ્યો હતો. એટલે મે તેને વોશરૂમમાં બોલાવ્યો અને આપણું કામ સોપી દીધું.

 

      “આ સાંભળી બધાજ અચરજ અનુભવવા લાગ્યા અને નૈના બોલી “આ તો એવું લાગે છે કે જાણે આપણે કોઇ મુવી જોઇ રહ્યા છીએ.”

 

     “ તે તેને શું કહ્યું? તેણે તને ના ન પાડી?” કશિશે પુછ્યું.

 

     “ મે તેને સીધુજ કહી દીધુ કે મને ખબર છે કે મારા પપ્પાએ તમને મારી પાછળ મુકેલા છે. હવે તમારે મારું એક કામ કરવાનું છે. જો તમે ઇચ્છો તો હું પપ્પાને ફોન કરી તમારી સાથે વાત કરાવી દઉં. આ સાંભળ્યા પછી તેને મારી વાત માનવા સિવાય કોઇ વિકલ્પ હતોજ નહીં. પણ હજુ હું કઇ કહું તે પહેલાજ તેણે મને કહી દીધુ કે ‘મને ખબર છે કે તમારે મારું શું કામ છે? તમે ચિંતા નહીં કરો તે બંને માણસો વિશે તમને બધીજ માહિતી મળી જશે.’ આ સાંભળી મને નવાઇ લાગી એટલે મે તેને પુછ્યુ કે “તને કેમ ખબર પડી કે મારે તે બે માણસો વિશે માહિતી જોઇએ છે?” આ સાંભળી તેના મોં પર સ્મિત આવી ગયો અને તે બોલ્યો “ તમારા પપ્પાએ એમનેએમ તો મને આ કામ સોંપ્યુ નહીં હોય ને? એટલુ કહી તે તેનુ કાર્ડ મને આપી ને ત્યાંથી જતો રહ્યો.”

 

      આખી વાત સાંભળી બધાજ વિચારમાં પડી ગયાં. રૂમમાં થોડીવારતો એકદમ શાંતિ છવાઇ ગઇ.

      “તો હવે કાલે આપણે શું કરવાનું છે?” કશિશે કહ્યું.
---------------------------########-------------------#############------------------------------
     ચારેય મિત્રો નિશીથના રૂમમાં વાત કરી રહ્યા હતા ત્યારે તેની બાજુનાજ  રૂમમા   ગુજરાતના એક પ્રખ્યાત ન્યુઝપેપર “સબકા ન્યુઝ”નો સ્ટાર રીપોર્ટર પ્રશાંત કામત બે માણસો સાથે ચર્ચા કરી રહ્યો હતો. પેલા બંને તેને રીપોર્ટ આપી રહ્યા હતા.

 

      બેમાંથી એક માણસે કહ્યું “સાહેબ, તે લોકો બરાબરના પકડમાં આવ્યા છે. પેલા જે છોકરા છે તેમાંથી એક આ અનાથાશ્રમમાંથીજ દતક લેવાયેલો છોકરો છે. આ છોકરો તેના ભુતકાળ વિશે શોધ કરી રહ્યો છે. કોઇક રીતે તેનો ભુતકાળ આ બે સાથે જોડાયેલો છે.”

 

      ત્યારબાદ બીજા માણસે તેનો રિપોર્ટ આપતા કહ્યું “સાહેબ આ બંને એ ભુતકાળમાં જે ખુન કર્યુ છે તે કોઇક રીતે પેલા છોકરા સાથે જોડાયેલું છે જેને લીધે આ બંને ખૂબ ગભરાયેલા છે.”

 

      આ સાંભળી પ્રશાંત કામત થોડીવાર વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “ જો તે ખુન આ છોકરા સાથે જોડાયેલુ હોય તો તો આપણે તેના વિશે ફરીથી વિચારવુ પડશે. તમે બંને ગમે તેમ કરીને એકઝેટ માહિતી લઇ આવો અને બીજી વાત તમારા એક માણસને આ છોકરાઓ પાછળ મૂકી દો અને તપાસ કરાવોકે તે આપણને કેટલા કામ આવે એમ છે? જો તમે કહો એ સાચું હોય કે આ છોકરાને પેલા ખુન સાથે કોઇ સંબંધ છે. તો આ છોકરો આપણા માટે ખૂબ કામનો છે.” ત્યારબાદ પેલા બંને માણસો જતા રહ્યા અને પ્રશાંત કામત વિચારમાં ખોવાઇ ગયો. ભુતકાળના દ્રશ્યો તેની આંખ સામેથી પસાર થવા લાગ્યા અને તેની મુઠી વળી ગઇ અને તે બોલ્યો “કૃપાલ સિંહ હવે તારા દિવસો ભરાઇ ગયા છે ટૂંક સમયમાંજ તને તારી ઓકાત બતાવી દઇશ.” ત્યારબાદ તેણે ખીસ્સામાંથી ફોન કાઢી એક નંબર ડાયલ કર્યો અને ફોન ઉંચકાતા કહ્યું “ ટારગેટ ભાવનગર બહાર નીકળવો ન જોઇએ. જો તે બહાર નીકળવાની તૈયારી કરે તો મને જાણ કરજે. અને તેની એકે એક હિલચાલ પર ધ્યાન રાખજે.”

------------------------**************‌‌‌‌‌‌-----------------**********-------------------------
 

 

     “હવે આપણી પાસે કોઇ ક્લ્યુ  નથી કે આગળ વધી શકાય. જોઇએ આ માણસ શું માહિતી લાવે છે? તેમાંથીજ કોઇક દિશા આપણને મળશે. કાલનો દિવસ તો વેઇટ કરીએ પછી જો કંઇ નહીં મળે તો હવે પેલા બંનેને પકડીને તેની પાસેથીજ કોઇ માહિતી કઢાવવી પડશે.” નિશીથે કહ્યું.

 

     ત્યારબાદ થોડીવાર વાતો કરી અને પછી નૈના અને કશિશ તેના રૂમમાં જતા રહ્યા અને બધા ઊંઘી ગયા.

-----------**********‌‌‌‌‌‌‌‌--------------------*********-----------------*****‌‌‌***-------------

      સુરસિંહ અને વિરમ જ્યારે આશ્રમ પહોંચ્યા અને મેદાનમાં પડેલ ખાટલા પર બેઠા. આજે જે ઘટના બની પછી તે લોકોનો મુડ બદલાઇ ગયો હતો. તે બંને હવે સમજી ગયા હતા કે હવે ટુંક સમયમાંજ ખરાખરીનો ખેલ જામવાનો છે. જોકે તે લોકોને તેનો ડર નહોતો પણ હવે તેને તેનુ જમીર આ છોકરાનું કંઇ પણ ખરાબ કરવાની પરવાનગી નહોતુ આપતુ. જ્યારથી તે લોકોએ છુપાઇને બાબાની વાત સાંભળી હતી ત્યારથીજ તેના દિલમાં એક ધમસાણ મચી ગયુ હતુ જે હજુ સુધી રોકાવાનું નામ લેતુ નહોતું. બંને તેનાજ વિચારમાં ખોવાયેલા હતા પણ કોઇ કંઇ બોલતુ નહોતું. બાબાની વાત પરથી હવે તેની સામે આખુ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું અને તેને સમજાઇ ગયું હતુ કે નિશીથ તેજ છોકરો છે જેને તે લોકો એ હોડીમાં છોડી દીધો હતો. અને તે આજે ફરીથી તેનો ભુતકાળ શોધતો અહીં સુધી આવી ગયો હતો. વિરમ અને સુરસિંહને સમજાઇ ગયુ હતુ કે નિશીથ તેનાથી માત્ર એકજ ડગલુ દુર છે જેવી તેને ખબર પડશે એ સાથેજ તે તેની સામે આવી જવાનોજ છે. બંને ક્યાંય સુધી વિચારતા બેસી રહ્યા. વિરમે જ વાતની શરૂઆત કરતાં કહ્યું “ શું કરીશું હવે? આ તો તેજ છોકરો છે જેને આપણે વિસ વર્ષ પહેલા હોડીમાં છોડેલો. અને આ બાબાજ તેને ત્યાંથી લઇ ગયેલા.”

     “હા, હવે મને પણ આખી ઘટના સમજાઇ ગઇ છે. મે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતુ વિચાર્યુ કે આ વિસ વર્ષ પહેલાની ઘટના ફરીથી આપણી સામે આવી જશે.”  સુરસિંહે કહ્યું.

 

     “હા, કર્મ કોઇને છોડતુ નથી તેવું મે સાંભળ્યુ હતુ પણ આટલી જલદી આપણી સામે આ ઘટના બનશે એવુ તો મે પણ ક્યારેય વિચાર્યુ નહોતું. પણ જે થયુ તે થયું હવે આપણે શું કરવુ છે તે કહો.” વિરમે ડરતા ડરતા કહ્યું.

 

     “જો હવે એમા ડરવાનું કંઇ નથી. આપણે જે કર્યુ છે તેની સજાતો આપને જેલમાં જઇને ભોગવીજ છે. એટલે હવે આ છોકરાથી કંઇ બહું ડરવાની જરૂર નથી.” સુરસિંહે કહ્યુ તો ખરૂ પણ તેને પોતાનેજ તેના શબ્દો બોદા લાગ્યા. વિરમ તેની સામે થોડીવાર જોઇ રહ્યો વિરમની નજરનો તાપ સુરસિંહથી સહેવાયો નહીં એટલે તે ઊભો થતા બોલ્યો “ચાલ, થોડી વિસ્કી પીએ એટલે આ ટેંશન ઓછુ થાય.” એમ કહી તે ઓરડીમાં ગયો અને અડધી બચેલી શરાબની બોટલ એક પાણીની બોટલ અને બે ગ્લાસ લઇને આવ્યો. સુરસિંહે બંને માટે પેગ બનાવ્યા અને એક ગ્લાસ વિરમને આપ્યો. વિરમ હજુ પણ સુરસિંહ સામે જોઇ રહ્યો હતો. તેને આમ જોતો જોઇ સુરસિંહ અકળાઇ ગયો અને બોલ્યો “એલા આમ મને ના તાકી રહે. હવે આ પરિસ્થિતિમાં હિંમત તો રાખવી જ પડશે ને? તુ બોલ ચાલ બીજુ આપણે શું કરી શકીએ એમ છીએ?”

 

      “ જો કાલે આપણે તેની વાતો સાંભળી તેના પરથી એટલું તો નક્કી જ છે કે બાબાએ આપણને ઓળખ્યાં નથી અને બાબા સિવાય ત્યાં કોઇ હતુ નહીં એટલે કોઇ નહોતું. એટલે તે લોકોને આપણા સુધી પહોંચવાની કોઇ કળી મળવાની નથી. એટલે અત્યારથી ખોટુ ટેન્શન લેવાની જરૂર નથી.” વિરમે સુરસિંહને સમજાવતા કહ્યું.

 

      “પણ તે અહીં સુધી પહોંચી ગયા છે એટલે કોઇને કોઇ રીતે આપણા સુધી પહોંચશેજ. જો આપણે તૈયાર નહી રહીએ તો ઊંઘતા જડપાઇ જઇશું.” સુરસિંહ પોતાના મનની વાત કરી.

 

     જો એકવાત સમજી લે હજુ તો તેની પાસે આપણા સુધી પહોંચવાની કોઇ લીંક મળી નથી પણ જો આપણે સામેથી કોઇ પગલું ભરીશુ તો ચોક્કસ તેને આપણા વિરુધ  શક જશે. અને શક જશે તો પછી તેને ગામના લોકો પાસેથી આસાનીથી માહિતી મળી જશે. એટલે હમણા તો ચુપ રહેવામાંજ આપણી ભલાઇ છે.” વિરમ એકદમ તર્કબધ્ધ રીતે સુરસિંહને સમજાવતો હતો. સુરસિંહને પણ ખબર હતીકે વિરમ તેના કરતા વધુ ચાલાક છે એટલે તેણે હથીયાર હેઠા મુકતા કહ્યું “ઓકે ચાલ આપણે સામેથી કંઇ કરતા નથી પણ તેના પર નજર તો રાખવીજ પડશે. જેથી કરીને તેના હાથમાં આપણે ઝડપાઇ ન જઇએ.”

 

      તે બંને આ વાત કરતા હતા ત્યારે તે લોકોને ખ્યાલ નહોતો કે તેનાથી માત્ર પાંચ ફુંટ દૂર કોઇ તેની વાત સાંભળી અને રેકોર્ડ કરી રહ્યું છે. થોડીવાર દારૂ પીને તે લોકો ત્યાં ખાટલા પર જ ઊંઘી ગયા.

‌‌‌‌‌----------------########----------------########-------------#######-------------------------

     વિલી બીજા દિવસે સવારે તૈયાર થઈને ભાવનગર સિટીમાં બંને બિઝ્નેસમેનને મળ્યો અને તેમા એક પાસેથી તો તેને પેમેંટ મળી ગયું પણ બિજા બિઝનેસમેને વિલીને કહ્યું તમારે મને બે દિવસનો સમય આપવો પડશે. ત્યારબાદ વિલીએ  એક આ વાત સાહેબને કરી તો સાહેબે કહ્યું “તુ બે દિવસ ત્યાંજ રોકાઇ જા અને આપણા પેલા આશ્રમની જગ્યા જોઇલે. તેના દસ્તાવેજ અને પેમેન્ટની પણ બધી વાત કરી લે જે. તેનો દસ્તાવેજ ગંભીરસિંહના નામે કરવાનો છે એટલે તેને પણ મળી લે જે.”  ત્યારબાદ વિલી ત્યાંથી નિકળી ફરીથી રિસોર્ટ પર ગયો. તેણે નક્કી કર્યુ કે હવે કાલે અહીથી નીકળી સુર્યગઢ જઇશ. વિલી આ પહેલા પણ ઘણીવાર સુર્યગઢ જઇ આવ્યો હતો. સુર્યગઢમાં તે કૃપાલસિંહની કોઠી પરજ રોકાતો. આ વખતે પણ વિલીએ ત્યાંજ રોકાવાનું નક્કી કર્યું હતું.

-------------#######--------------------#######---------######‌‌‌----------------------------------------

      નિશીથને એ લોકો સવારે ઊઠી નિચે નાસ્તો કરવા મળ્યા. બધા નાસ્તો કરતા હતા ત્યારે સમીર અને નિશીથ ચુપચાપ વિચારતા હતા. આ જોઇ નૈનાએ કહ્યું “એલા બંને મુંગા બેઠા બેઠા ક્યારના શું વિચારો છો?”  પછી નિશીથ સામે જોઇને કહ્યું “પેલા તે મોકલેલા માણસનો કંઇ મેસેજ આવ્યો કે નહીં?”

 

     આ સાંભળી નિશીથે કહ્યું “હા તે તમે લોકો ગયા પછી મોડી રાત્રે અમને મળવા આવ્યો હતો. તેણે જે કહ્યું તેના વિશેજ અમે વિચારી રહ્યા છીએ.” આ સાંભળી કશિશે કહ્યું “શું કહ્યું તેણે? કંઇ નવું જાણવા મળ્યું?”

 

    “ હા, તે પેલા અનાથાશ્રમના ચોકીદાર અને તેના મિત્રની વાત રેકોર્ડીંગ કરી લાવ્યો છે. તેની વાત પરથી તો ચોકસ લાગે છે કે તે મારા ભુતકાળ વિશે જાણે છે.” આ સાંભળી નૈનાએ તરતજ કહ્યું “શુ છે તે રેકોર્ડીંગમાં? તે રેકોર્ડીંગ અત્યારે ક્યાં છે?”

    “તે રેકોર્ડીંગ અત્યારે અમારી પાસે જ છે મોબાઇલમાં.” સમીરે કહ્યું.

 

    “ ચાલો તો નાસ્તો કરીને અમને સંભળાવો.” કશિશે કહ્યું.

 

     ત્યારબાદ નાસ્તો કરીને બધા નિશીથના રૂમમાં ગયાં અને નિશીથે તેના મોબાઇલમાં રહેલ રેકોર્ડીંગ ચાલુ કર્યુ. આ   રેકોર્ડીંગમાં રાત્રે કરેલી સુરસિંહ અને વિરમની વાત બધીજ વાત રેકોર્ડ થયેલી હતી. આખુ રેકોર્ડીંગ પુરુ થયું ત્યાં સુધી કોઇ  કંઇ પણ બોલ્યુ નહી. રેકોર્ડીંગ પુરુ થતાં નિશીથ મોબાઇલને બાજુમાં મુક્યો અને બોલ્યો “લો બોલો હવે આ પરથી  તમારો શું અભિપ્રાય છે?”

 

    “ માય ગોડ નિશીથ આતો તેજ લોકો છે જે તને હોડીમાં છોડી ગયાં હતા. અને ત્યાંથીજ બાબા તને લઇને અનાથાશ્રમમાં મુકી ગયાં હતા. અને તે લોકોને ખબર પડી ગઇ છે કે તું તેને જ શોધે છે.” કશિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું

 

    “ ના પણ કશિશ તે હજુ એક વાત ધ્યાનમાં નથી લીધી કે તે લોકો તો એમજ માને છે કે આપણને તેના સુધી પહોંચવાની બાબાથી આગલ કોઇ લીંક નથી મળી. એટલે જ્યાં સુધી તે લોકો આ માનતા રહેશે ત્યાં સુધી તે લોકો આપણા સુધી પહોંચવાની કોઇ મહેનત નહીં કરે. એટલે જ્યાં સુધી આપણે તેના સુધી ન પહોંચીએ ત્યાં સુધી આપણે તે લોકોને એવુજ લાગવુ જોઇએ કે આપણે તેના વિશે જાણતા નથી.” નૈનાએ કશિશને સમજાવતા કહ્યું.

     “જો આપણે તેને કોઇ પણ જાતની તૈયારી કરવાનો મોકો આપ્યા વિનાજ પકડવા પડશે. નહીંતર તે લોકો આપણને સાચી વાત નહીં કરે.” નિશીથે કહ્યું અને પછી કશિશ સામે જોઇને બોલ્યો “જો કશિશ હવે પીછે હઠ થઇ શકે એમ નથીજ ટુંક સમયમાંજ મારે તે લોકોનો સામનો કરવોજ પડશે. એટલે હવે તુ આમ ડર નહીં. તુ જો હિંમત આપીશ તોજ મારો આત્મવિશ્વાસ ટકી રહેશે.” આ સાંભળી કશિશે કહ્યું “ઓકે પણ એકવાત યાદ રાખજે કે તારા મમ્મી પપ્પા અને હું આ ત્રણ વ્યક્તિની જીંદગી  તારા પર આધારીત છે એટલે તને નુકશાન થાય તેવું કોઇ પગલું તું નહીં ભરતો.” આ બોલતી વખતે કશિશની આંખો ભીની થઇ ગઇ આ જોઇ નિશીથે કહ્યું “તુ ચિંતા નહીં કર. મને કોઇ કંઇ કરી શકશે નહીં. તુજ કહેતી હતીને કે કુદરત મારી સાથે છે તો પછી મને કોણ કંઇ કરી શકવાનું છે.”

 

     નિશીથ હજુ કંઇ કહેવા જતો હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. નિશીથે ફોન ઊંચક્યો અને વાત કરવા લાગ્યો. નિશીથ જેમ જેમ વાત કરતો ગયો તેમ તેમ તેના ચહેરાની રેખાઓ તંગ થતી ગઇ.

-----------#######--------------------##########---------------#######‌‌‌‌--------------------

      આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? નિશીથને આવેલો ફોન કોનો છે? આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચાતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.

 
 ---------------------############----------------------#############-------------------------------------------------  

   મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ  થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી  નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Jyotika Thakkar 3 અઠવાડિયા પહેલા

Verified icon

Chandubhai Panchal 1 માસ પહેલા

Verified icon

Kandhal 2 માસ પહેલા

Verified icon

Alpeshbhai Ghevariya 2 માસ પહેલા

Verified icon

Madhuben Bhatt 2 માસ પહેલા