વિરલે ફોન પર વાત કરીને કૉલ કટ કર્યો અને મોબાઈલ પોતાના ખિસ્સામાં મૂક્યો.
"શું કહ્યું શાસ્ત્રીજી મહારાજે મોટાભાઈ?" અવિનાશે પૂછ્યું.
"તેઓ અત્યારે બહારગામ છે બે દિવસ પછી તેઓ ઘરે આવશે." વિરલે જવાબ આપ્યો.
"ચાલો કેશવભાઈ હવે અમે જઈએ" નીકુલે કહ્યું.
"ભલે , આમ પણ આજકાલમાં મારું પણ મૃત્યુ થશે જ ત્યારે આવજો." કેશવ નાખી દીધેલા અવાજે બોલ્યો.
"કેમ આવી વાત કરો છો! ભગવાન પર ભરોસો રાખો. સૌ સારાવાના થઈ જશે." નિકુલ કેશવને આશ્વાસન આપતાં બોલ્યો.
ત્યારબાદ તેઓ ત્યાંથી પોતાના ઘરે જવા માટે નીકળી ગયા.
@@@@@@@
ઈ.સન.:૧૯૭૫
"આ તો સામે ચાલીને મોતના મુખમાં હાથ નાખ્યા , હવે તો મૌત નક્કી જ છે." વિક્રાંત ગભરાટ સાથે બોલ્યો.
"હાથ નહીં પણ આખું શરીર જ મોતના મુખમાં નાખ્યું છે." સુહાસ વળતો પ્રહાર કરતા બોલ્યો.
"યાર તું શાંતિ રાખ અને અભય તું કેમ ચૂપચાપ બેઠો છે , આ તારા લીધે જ મરી જાશું બધા" વિક્રાંત અભયને ઉદ્દેશીને બોલ્યો.
"ભાઈ તમે બધા પણ સરખા જ ગુનેગાર છો. માત્ર મને દોષ દેવાથી આ વાતનું કોઈ નિરાકરણ નથી જ આવવાનું" અભયે વિક્રાંતને ગુસ્સા સાથે જવાબ આપ્યો.
"પહેલ તે કરી હતી"
"હા તો તમે બંનેએ સાથ પણ આપ્યો હતોને"
"પણ પહેલા તો અમે વિરોધ જ કર્યો હતો"
"હા પણ પછી તો મારી સાથે જોડાઈ ગયા હતાને અને તમે તો અમારા કરતા પણ વધુ જલસા કર્યા હતા"
"અરે યાર , તમે બંને ચૂપ થાઓ અને આ મુસીબમાંથી નીકળવાનો રસ્તો શોધો" વિક્રાંત , અભય અને સુહાસને ચૂપ કરાવતા બોલ્યો.
"તમે જ કરો આનો કંઇક ઉપાય મને તો મૌત સિવાય બીજો કોઈ રસ્તો નથી દેખાતો." અભય બોલ્યો.
@@@@@@@@
આજનો દિવસ
અત્યારે નીકુલનો પરિવાર લિવિંગમાં બેઠો હતો અને તેઓની સમક્ષ શાસ્ત્રીજી બેઠા હતા.
મસ્તક પર ટૂંકા વાળ, માથાની પાછળના ભાગમાં ગાંઠ વાળેલી શિખા, લલાટ પર ચંદનનું ત્રિપુંડ, જમણા કાનની બૂટ પર કંકુનો ચાંદલો, ગળામાં રૂદ્રાક્ષની માળા, ધડ પર જનોઈ, ટુંકી બાહ વાળુ કેસરી રંગનુ પહેરણ, પહેરણમાં અમુક જગ્યાએથી ડોકિયાં કરતી ફાંદ, બંને હાથ પર બાજુબંધ બાંધવાની જગ્યા પર ચંદનનું ત્રિપુંડ, બંને હાથની બબ્બે આંગળીઓમાં ગ્રહની વીંટી, કમર પર પીતાંબર અને બંને પગમાં ચાખડી.
આવો દેખાવ ધરાવતા શાસ્ત્રીજી અત્યારે સોફા પર બેસીને કંઇક વિચારી રહ્યા હતા. તેમના હાથમાં તેમના કર્મ-કાંડનું પુસ્તક હતું અને આંગળીઓના વેઢામાં અંગૂઠા વડે કશીક ગણતરી કરી રહ્યા હતા.
"એક હવન કરવો પડશે"
"હા તો કરી લઈએ હવન"
"ત્રણ દિવસ પછી સારું મુરત છે, હું હવનની સામગ્રીની યાદી બનાવી આપુ છું. એ બધી સામગ્રી હવન માટે લઈને રાખજો"
"કેશવને પણ બોલાવી લઈએ" વિરલે કહ્યું.
"હા બોલાવી લેજો, ચાલો ત્યારે હું રજા લઉ, હવનના દિવસે મળીએ." એમ કહીને તેઓ નીકળી ગયા.
"હું કેશવને હવનમાં આવવા માટે કહી દઉં" વિરલ મોબાઈલ કાઢતા બોલ્યો.
હવનમાં આવવાનું કહીને વિરલે મોબાઈલ ટેબલ પર મૂક્યો.
"કેમ ભાઈ આટલા ગભરાયેલા લાગો છો? શું કીધું કેશવે!" અવિનાશે વિરલને પૂછ્યું.
"તે લોકોએ પણ હવન રાખ્યો હતો અને તેનું કોઈ જ પરિણામ આવ્યું નહોતું ઉલ્ટાનું હવન કર્યા પછી જ કેતનનું મૃત્યુ થયું હતું અને થોડા દિવસોમાં કાજલે પણ આત્મહત્યા કરી હતી" વિરલ અટક્યો.
"અરે હા નીકુલ તું તે દિવસે કાજલ વિશે કંઇક કહેતો હતો એ વાત તો પૂરી કર" અવિનાશે નિકુલને ઉદ્દેશીને કહ્યું.
"હવે એ વાતનો કોઈ મતલબ નથી"
"કેમ?"
"કાજલભાભી તો હવે રહ્યા નથી તો પછી એ વાતનો શું મતલબ!"
"અરે બની શકે કે આપણને એ વાત પરથી કોઈ કડી મળી જાય"
"તો સાંભળો" નિકુલે વાતની શરૂઆત કરી.
(ક્રમશઃ)