Ruh sathe ishq return - 26 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક રિર્ટન 26

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 26

રાધાની મોત નો બદલો લેવાનાં ઉદ્દેશથી કબીર અને રાધા ગીરીશભાઈનાં કંપાઉન્ડર રાજુને કિડનેપ કરવાનું પ્લાનિંગ કરે છે..એવું કરી એ બંને રાજુનાં મોંઢે ઠાકુર અને ગીરીશભાઈ ની હકીકત શિવગઢની જનતા આગળ લાવવાં માંગતા હોય છે..કબીરની મદદથી રાધા રક્ષાકવચ તોડી ગામમાં પ્રવેશે છે..રાધા રૂપ બદલી રાજુને ટેકરી સુધી લેતી આવે છે.રાધાનું અસલી રૂપ જોઈને રાજુ ગંભીર હાલતમાં જમીન પર ફસડાય છે એટલે રાધા થોડે દુર છુપાયેલાં કબીરને અવાજ આપે છે.

કબીર દોડીને રાજુ જ્યાં પડ્યો હતો ત્યાં આવી પહોંચે છે..રાજુ અત્યારે જમીન પર પડ્યો હતો અને એનાં મોંઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું..કબીરે રાજુનો હાથ પકડ્યો અને એની નબ્ઝ ચકાસી જોઈ..ત્યારબાદ કબીરે પોતાનાં કાન રાજુની છાતી પર મૂકી એનાં ધબકારા ચેક કરી જોયાં..કબીરે રાજુનાં નાક ની જોડે આંગળી રાખી શ્વાસોની અવરજવર પણ ચકાસી જોઈ..રાધા કબીર ને આ બધું કરતાં જોઈ રહી હતી..અત્યારે રાધા નો વિકૃત ચહેરો પુનઃ સારો થઈ ચૂક્યો હતો.

"કબીર શું થયું છે આને..?"આખરે શું થયું હતું રાજુ જોડે એ જાણવા રાધાએ સવાલ કર્યો.

"રાધા આ જીવિત નથી.."નંખાયેલાં અવાજે રાધાની તરફ જોઈને કબીર બોલ્યો.

"શું કહ્યું..આ જીવિત નથી..પણ કઈ રીતે..?"વિસ્મય સાથે રાધા બોલી પડી.

"રાધા લાગે છે તારો ભયંકર ચહેરો જોયાં બાદ એને હ્રદયરોગનો હુમલો આવ્યો અને એ તરત જ મૃત્યુ પામ્યો.."રાજુની મોત નું કારણ આપતાં કબીર બોલ્યો.

"અરે આવું નહોતું થવું જોઈતું.આ નીચ માણસનું જીવતું રહેવું જરૂરી હતું..એ એકમાત્ર જીવતો સાક્ષી હતો ડોકટર ગિરીશ અને ઠાકુર પ્રતાપસિંહ નાં કાળા કારનામાં નો.."હતાશ વદને રાધા બોલી.

"હવે આ હરામી જોડે જે થવાનું હતું એ થઈ ગયું..એનાં કરેલાં કર્મોની સજા એને મળી જ ગઈ છે.."કબીર બોલ્યો.

"પણ હવે આગળ શું કરીશું..?"રાધા એ પૂછ્યું.

"આગળનું હું પછી વિચારીશ પણ સવાર થયાં પહેલાં આની લાશ ને ઠેકાણે પાડવી જરૂરી છે.."કબીર રાજુની લાશ તરફ જોઈને બોલ્યો.

"શું કરીશું આની લાશનું..?"રાધા નાં સવાલ ચાલુ જ હતાં.

"કરવાનું શું હોય..એને તારી મોત ને આત્મહત્યા બતાવી હતી તો હવે ગીરીશભાઈ અને ઠાકુર ને ઝાટકો આપવાં આની મોત ને પણ આત્મહત્યા બનાવીએ..આગળ મારી જોડે એક આઈડિયા છે.જેને આપણે પાછળથી અંજામ આપીશું.."ગહન મંથન કરી કબીર બોલ્યો.

"સારું જો તું કંઈક કહી જ રહ્યો છે તો એની પાછળ જરૂર તારું નક્કર આયોજન હશે જ..અત્યારે તો આને ગામની નજીક કોઈ વૃક્ષ પર લટકાવી દઈએ.."કબીરની વાત સાથે સહમત થતાં રાધા બોલી.

રાધા નાં આટલું બોલતાં જ કબીર વુડહાઉસ જોડે પડેલી એની ગાડી લેતો આવ્યો અને રાજુની લાશ ને એમાં મૂકી..રાધા ને ત્યાં રોકાવાનું કહીને કબીરે ગાડીને શિવગઢની અંદર જતાં રસ્તાની જોડે એક ઉજ્જડ જગ્યાએ રોકી અને ગાડીમાંથી ઉતારી રાજુની લાશ ને જમીન પર મૂકી.

ત્યારબાદ કબીરે ગાડીમાં પડેલ એક રસ્સી નીકાળી અને એનો એક છેડો વૃક્ષ જોડે અને બીજાં છેડાનો ગાળિયો રાજુની લાશનાં ગળામાં બાંધીને એને વૃક્ષની ઉપર લટકાવી દીધી..આટલું કરી કબીરે ફટાફટ પોતાની ગાડી ચાલુ કરી અને ત્યાંથી નીકળી સીધો વુડહાઉસ પહોંચી ગયો.

કબીર ગાડીમાંથી ઉતરી વુડહાઉસમાં પ્રવેશ્યો ત્યાં તો કુકડા ની બાંગ સાંભળવાં મળી જે એ વાતની સાબિતી હતી કે હવે સવાર પડી ગઈ છે..અને એનો મતલબ હતો કે રાધા સીધી હવે આવતી કાલે રાતે જ મળશે.

કબીર વુડહાઉસનાં બારી બારણાં બંધ કરીને પોતાનાં રૂમમાં જઈને સવારનાં આઠ વાગ્યાનું એલાર્મ મૂકીને સુઈ ગયો..આજે કબીરને જોરદાર ઊંઘ આવી રહી હતી કેમકે ગઈકાલ રાતે પણ એને ફક્ત ત્રણ કલાકની જ ઊંઘ મળી હતી..પણ જીવાકાકા ને હવે રાધા પોતાને મળે છે એ બાબતની થોડી પણ ગંધ ના આવે માટે પોતાનું વહેલું ઉઠવું જરૂરી હતું એટલે કબીર ના છૂટકે આઠ વાગ્યા નું એલાર્મ મૂકીને સુઈ ગયો.

સવારે એલાર્મ વાગતાં જ કબીર પથારીમાંથી બેઠો થયો અને ફ્રેશ થઈને નીચે આવ્યો..કબીરે ચા નાસ્તો કર્યો અને પુનઃ પોતાનાં રૂમમાં સ્નાન કરવા માટે ચાલ્યો ગયો.કબીર તૈયાર થઈને હેઠે આવ્યો અને જીવાકાકા ને પોતે થોડું ટહેલવા જાય છે એવું કહી બહાર નીકળી ગયો.

કબીર જાણતો હતો કે રાજુ ની વૃક્ષ પર લટકાવેલી લાશ કોઈકને કોઈક તો જોઈ જ ગયું હોવું જોઈએ એટલે એને એ તરફ નો રસ્તો પકડ્યો..કબીરે દૂરથી જ જોયું તો એને દસેક લોકો ત્યાં એકઠાં થયેલાં નજરે પડ્યાં.. અને ધીરે ધીરે બીજાં લોકો પણ ત્યાં આવી રહ્યાં હતાં એવું કબીરની નજરે ચડ્યું.

કબીર પણ કુતૂહલવશ ત્યાં પહોંચ્યો હોય એવી એક્ટિંગ કરતો એ લોકોનાં ટોળાં વચ્ચે ઉભો રહી ગયો..કબીરનાં પહોંચ્યાં ની બીજી જ મિનિટે ઠાકુર પ્રતાપસિંહ ની ગાડી એ તરફ આવતી દેખાઈ..કબીરે ઠાકુરની ગાડી જોતાં જ પોતાની જાત ને તૈયાર કરી લીધી આગળ જે કરવાનું હતું એનાં માટે.

ઠાકુર પ્રતાપસિંહ એ પોતાની ઈનોવા ને જોરદાર બ્રેક સાથે રાજુ ને લટકાવ્યો હતો એ વૃક્ષની નજીક લાવીને રોકી દીધી..ઠાકુર ની સાથે ગીરીશભાઈ અને એક યુવક ગાડીમાંથી નીચે ઊતર્યાં.ઠાકુરની જોડે મોજુદ યુવક ને કબીર પ્રથમ વખત જોઈ રહ્યો હતો..ચહેરા પર બિયર્ડ લૂક અને ડેશીંગ પર્સનાલીટી નો માલિક એ યુવાન કબીર ને બહાર નો કોઈ વ્યક્તિ લાગી રહ્યો હતો.

ઠાકુર પ્રતાપસિંહ નાં આવતાં ની સાથે જ ગામલોકોનું ટોળું અદબભેર ઉભું રહી ગયું..ઠાકુરે એમની નજીક આવી રુવાબદાર સ્વરે કહ્યું.

"કોને સૌથી પહેલાં રાજુની લાશ અહીં જોઈ હતી..?"

"સાહેબ મેં અને આ ભોલા એ..અમે બંને સવારે હાજતે જતાં આ તરફ આવ્યાં ત્યારે આ ભયાનક મંજર જોઈને અમારાં તો રૂંવાડા ઉભાં થઈ ગયાં."એક ત્રીસેક વર્ષનો વ્યક્તિ હાથ જોડીને બોલ્યો.

ઠાકુર પ્રતાપસિંહ બધાં લોકોની તરફ નજર ફેરવતાં હતાં ત્યાં એમની નજર કબીર પર પડી..કબીર ને જોતાં જ નર્યા આશ્ચર્ય સાથે ઠાકુર પ્રતાપસિંહએ કહ્યું.

"અરે લેખક મહોદય..તમે અહીં.. આ બાજુ આવો.."

ઠાકુર પ્રતાપસિંહ સાથે હસ્તધૂનન કરતાં કબીર બોલ્યો.

"અરે સવારે થોડું વૉકિંગ કરવા નીકળ્યો હતો અને આ તરફ લોકોનો કોલાહલ સાંભળ્યો તો શું થયું છે એ જાણવાંનાં કુતૂહલથી અહીં આવ્યો.."

"શું લાગે છે તમને..?"કબીર ને જ સવાલ કરતાં ઠાકુરે કહ્યું.

"શેની વાત કરો છો તમે..?"કબીર સમજવા છતાં ના સમજવાની એક્ટિંગ કરતાં બોલ્યો.

"અરે આ રાજુ ની લટકતી લાશ ની..તમારું શું માનવું છે..?"રાજુ ની લટકાવેલી લાશ તરફ ઈશારો કરી પ્રતાપસિંહ એ કહ્યું.

"પ્રથમ નજરે તો આ એક સીધોસાદો આત્મહત્યા નો કેસ લાગે છે...પછી ખબર નહીં એવું પણ બને કે કોઈએ પોતાની કરેલી હત્યાને આત્મહત્યાનું સ્વરૂપ આપવા માટે આને મારીને લટકાવી દીધો હોય.."કબીર સમજી વિચારીને રાધા નો પ્રસંગ તાજો થાય એ હેતુથી બોલ્યો.

"લેખક મહોદય તમને ખબર ના હોય તો જણાવી દઉં કે આ ગામનો હું ભગવાન છું..અને રાજુ મારાં ખાસ માણસમાંથી એક હતો તો એની હત્યા કરવાની વાત તો દૂર રહી પણ એ વિશે વિચારવાની પણ કોઈની હિંમત નથી."પોતાની જાતને મોટી ગણતાં ઠાકુરે કહ્યું.

"તો તો પછી આ એક આત્મહત્યા જ હશે.."કબીરે ઠાકુરનાં સુરમાં સુર પુરાવ્યો.

"આ રાજુ ની લાશને નીચે ઉતારી એનાં અંતિમ સંસ્કારની તૈયારી કરો.."ત્યાં મોજુદ ગામલોકોને હુકમ કરતાં પ્રતાપસિંહ એ કહ્યું.

ઠાકુર પ્રતાપસિંહ ની વાત સાંભળી ગામલોકો લાગી ગયાં એમને સોંપેલાં કામ ઉપર..એ લોકોની તરફ અપલક નજર ફેંકી ઠાકુરે કબીર ને ઉદ્દેશીને કહ્યું.

"Mr. રાજગુરુ આ લોકો એમનું કામ કરશે ત્યાં સુધી ચાલો હું તમને બે સ્પેશિયલ વ્યક્તિ થી મળાવું."ગીરીશભાઈ અને પેલો યુવક જ્યાં ઉભાં હતાં એ તરફ કબીરને લઈ જતાં પ્રતાપસિંહ બોલ્યાં.

કબીર એમની પાછળ પાછળ ત્યાં જઈને ઉભો રહ્યો જ્યાં ગીરીશભાઈ અને પેલો યુવાન વાતો કરી રહ્યાં હતાં..કબીરને પોતાની તરફ આવતો જોઈ એ બંને એ પોતાની વાતચીત ને થોડો સમય વિરામ આપ્યો.

"લેખક સાહેબ,આ છે.."ગીરીશભાઈ તરફ હાથ કરી પ્રતાપસિંહ બોલવા જતાં હતાં ત્યાં કબીર વચ્ચે જ એમની વાત કાપીને બોલી ઉઠ્યો.

"આ છે ડોકટર ગીરીશભાઈ.. આ ગામનાં એકમાત્ર ડોકટર..અને ગરીબ લોકો માટે ભગવાન.."

"એટલે તમે પહેલાં મળી ચુક્યાં છો.."કબીરે ગીરીશભાઈ નું નામ બોલતાં ઠાકુરે સવાલ કર્યો.

ઠાકુરનાં આ સવાલનો જવાબ કબીર ને બદલે ગીરીશભાઈ આપતાં બોલ્યાં.

"હા, ઠાકુર સાહેબ..તમારાં મહેમાન ને હું પહેલાં મળી ચુક્યો છું..બહુ વિવેકી અને હોંશિયાર માણસ છે mr. રાજગુરુ.એમને ગરીબ લોકોની ચિંતા પણ ઘણી છે.."

જે ટોનમાં ગરીબ લોકોની ચિંતા ની વાત ગીરીશભાઈ એ કરી એ ઉપરથી કબીર સમજી ચુક્યો હતો કે ગીરીશભાઈ ને પોતે રમણભાઈ ને લઈને દોલતપુર જવાની વાત ખબર છે..પણ હજુ સુધી એ મુદ્દે એને ઠાકુર જોડે ચર્ચા નથી કરી કારણકે ઠાકુર નો પોતાની તરફનો વ્યવહાર હજુ પણ એવો જ હતો જેવો પ્રથમ વખતની મુલાકાત વખતે હતો.

"અને આ છે મારો દીકરો વીર પ્રતાપસિંહ ઠાકુર.વીર નો ઈમ્પોર્ટ એક્સપોર્ટ નો બહુ મોટો બિઝનેસ છે.."ગીરીશભાઈ ની બાજુમાં ઉભેલાં વીર તરફ આંગળી કરી ઠાકુરે કહ્યું.

વીર સાથે ચહેરા પર સ્મિત લાવી હાથ મિલાવતાં કબીર બોલ્યો.

"મારુ નામ કબીર રાજગુરુ છે..તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો mr.વીર ઠાકુર."

"અરે લેખક સાહેબ આ વાત તો અમારે તમને કહેવી જોઈએ કે તમારી જેટલાં મોટાં લેખક અમારાં ગામનાં મહેમાન બન્યાં છો..હવે જેટલાં પણ દિવસ તમે અહીં રહો એટલાં દિવસ શાંતિથી રહી શકો એની જવાબદારી અમારી.."વીર પણ ફિક્કું હસતાં બોલ્યો.

વીર નાં ચહેરાનાં ભાવ એ બતાવવાં કાફી હતાં કે એને કબીર દ્વારા ગીરીશભાઈની પોલ ખોલવા જે પ્રકારની ચાલ ચાલવામાં આવી હતી એ વિશે ખબર હતી.

"આપની ઘણી મહેરબાની.."કબીર ધીરેથી બોલ્યો.

એટલામાં રાજુની લાશ ને વૃક્ષ પરથી ઉતારી લેવામાં આવી હતી..ગીરીશભાઈ અને ઠાકુર પ્રતાપસિંહ રાજુની મોત બાદ વ્યથિત જરૂર હતાં પણ એમનાં ચહેરા પર વધુ દુઃખ નહોતું દેખાઈ રહ્યું..લાગણીઓ એમની પર હાવી નથી એનો આ જીવતોજાગતો નમૂનો હતો.રાજુની લાશને અંતિમવિધિ માટે લઈ જવાની તૈયારી કરવામાં આવી એટલે કબીર ઠાકુર પ્રતાપસિંહ ની રજા લઈને વુડહાઉસ તરફ ચાલી નીકળ્યો.

કબીર નાં જતાં જ વીર પ્રતાપસિંહ ઠાકુરે ગીરીશભાઈ નાં કાનમાં હળવેકથી કહ્યું.

"આ તો પાળેલો સાપ જ કરડવા ઉપર આવ્યો છે..આ સાપ આગળ જતાં વધુ નડશે એ નક્કી છે.આ કંઈક કરે એ પહેલાં વુડહાઉસમાંથી પેલી પેટીઓ કઢાવી લો.."

"હા આજે જ્યારે આ લેખક નો બચ્ચો વુડહાઉસ મૂકે એની સાથે જ એ પેટીઓ કઢાવી લઉં.."ગીરીશભાઈ બોલ્યાં.

આ તરફ કબીર વિજયસુચક સ્મિત સાથે વુડહાઉસ તરફ નીકળ્યો અને બીજી તરફ ઠાકુર અને ગીરીશભાઈ રાજુની અચાનક આમ આત્મહત્યા કરવાનું કારણ વિચારતાં વિચારતાં એની લાશને લઈને સ્મશાન તરફ ચાલી નીકળ્યાં.કબીર નાં મનમાં અત્યારે ગીરીશભાઈ અને વીર વચ્ચે જે પ્રકારનો ઘરોબો હતો એ જોઈ અમુક સવાલો ઉભાં જરૂર થયાં હતાં.

★★★★★★

વધુ આવતાં અંકમાં.

વીર કઈ પેટીઓની વાત કરી રહ્યો હતો...?કબીર કંચનને બચાવી શકશે કે નહીં..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?કબીરની જીંદગી આગળ નવો કયો વળાંક લેવાની હતો..?કબીરે કરેલો એક રૂહ સાથેનાં ઈશ્કનો શું અંજામ આવવાનો હતો..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED