પ્રિય પ્રકૃતિ,
ચાલ આજ હુ તને પત્ર લખું,
તું ફક્ત તારૂ સરનામું મોકલ તો ખરી,
આ પ્રિયે શબ્દ એટલે પ્રયોજ્યો તારા માટે,
કારણ કે તું મને બહુ વ્હાલી લાગે છે,
તને ગમશે ને હું તને પત્ર લખીશ એ?
મારા પત્રમાં કેમ છો, કેમ નહિ, ત્યાંથી વાતોની શરુઆત નહીં થાય,
મારા પત્રની શરુઆત સૌથી અલગ જ હશે, જે તને પણ ગમશે,
આમ તો તારો કંઈ અર્થ જ ન હોય, તને તો માત્ર માણવાની હોય,
તને પણ અમારા કાર્યોથી અકળામણ થતી હશે ને??
તને પણ એવું થતું હશે ને કે આ માનવજાત કેટલી સ્વાર્થી છે?
તને તારા ફાયદાઓ પર ગર્વ નથી થતો?
કે તું સર્વ માટે સારી જ છો છતાંય આ માનવજાત તને નિરંતર નષ્ટ કરતી જાય છે, આવી મૂંઝવણો ચાલતી હશે ને તારા મનમાં?
આથી જ મેં કહ્યું કે તું કેવળ માણવા માટે જ બની છું,
જોને 'પ્રકૃતિ' આ માનવજાત પણ કેટલી ગજબ છે,
આમ તો તને નષ્ટ કરે,હાનિ પહોંચાડે,
છતાંય તારા ખોળે રમવા ધંધા-નોકરીમાથી ખાસ સમય કાઢશે અને તારા માટે રજા લે'શે,
'પ્રકૃતિ' જ્યારે તું ન બોલે ને તો પણ મને તારું મૌન સમજાય છે,
અને જ્યારે તું પવન થકી મારી સાથે વાતો કરે ને એ આનંદ જ કંઈક ઔર જ હોય છે,
તું દરેક વખતે વાતો કરે જ છે,
પરંતુ આ 'માનવ'મા તારી વાતો સાંભળવા અને સમજવા જેટલી સમજ નથી,
કશો વાંધો નહિ, તું બસ આમ બોલતી જ રહેજે,
તને ખબર છે, તારી પણ એક અલગ જ ઓળખ છે,
તું 'પ્રકૃતિ'એટલે આ દુનિયાની તમામ વસ્તુઓનો મેળાપ,
તારું પણ એક અલગ જ અસ્તિત્વ છે, તારા અસ્તિત્વના પુરાવા ન હોય,
આજે તને પણ એમ થયું હશે ને,કે ચાલો કોઈ'ક તો મને આટલું નિકટથી ઓળખે છે,
શું કરું તું છે જ એટલી સુંદર કે, તારી સાથે ઓળખાણ રાખવી મને ગમે છે,
જ્યારે જ્યારે તારે વાત કરવી હોય ત્યારે, મને લખજેને પત્ર,
હું તારા દરેક પત્રનો પ્રત્યુતર બહુ જલ્દી આપીશ,
મને ખબર છે જ્યારે તું પ્રલય સર્જે છે, ત્યારે તું તારી અકળામણ, ગુસ્સો વ્યક્ત કરતી હોય છે,
પણ તોય આ 'નાસમજ' તારું મહત્વ સમજી નથી શકતો,
આજે તારા પોતાના વિશે આટલું બધું જાણીને કેટલો આનંદ થયો હશે તને નહિ?
પણ જો ને આ મનુષ્ય સઘળું જાણે છે તારા વિશે,
છતાંય તને બચાવવાના પ્રયાસો કરતો નથી,
માનવ તને ઓળખે છે અને તારા વિફરવાના પરિણામો પણ જાણે છે, તો પણ મૌન ધારીને બેઠો છે,
આ બધું જોઇને તું વળી ગુસ્સે ન થતી હો,
આ જાતને તારી કદર થશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે,
તું તારે ઈઠલાયને તારી મહત્તા પર,
તું આમ ઈઠલાયને એજ સારું લાગે,
જ્યારે તું ક્રોધિત થાય ત્યારે ન ગમે મને,
પણ આ લોકોને તારી મહત્તા અને એમની ભૂલો બતાવવી પણ જરૂરી છે,
તું આ રીતે તારી જાતને વ્યક્ત કરીશ, તો જ તારી માવજત કરશે ને આ લોકો,
તારા દર્શન તો અનેક રૂપમાં થતાં જ હોય છે અમને,
જેમ કે શિયાળામાં એ ઠંડક, ઉનાળામાં એ વહેલી સવારની લાલિમા અને ચોમાસે થતું એ મેઘધનુષ એ પણ તારું જ એક સ્વરૂપ છે ને,
મેઘધનુષના સાત રંગમાં ભળીને તું તારું એક અલગ જ રૂપ ધારણ કરે છે,
તું બધાં જોડે હળી-ભળી જાય છે એટલે જ કદાચ અમે તારા માટે'હરિયાળી' જેવા શબ્દોનો પ્રયોગ કર્યો,
તને એમ થતું હશે કે'અમે' તારી ઉપર નર્યા પ્રયોગો જ કરીએ છીએ,
પણ, શું કરીએ અમે ના ઇચ્છતા હોવા છતાં તને પ્રદુષિત કરીએ છીએ,
આ વિવિધ પ્રદુષણો પણ એક રીતે તારા પર થતા અવનવા પ્રયોગો જ કહેવાય ને??
એ હું જ જાણું છું'પ્રકૃતિ'કે તારેય વાચા છે, બસ તને પ્રેમથી સાંભળવી પડે!!
લિ,
એક પ્રકૃતિ -પ્રેમી