Ruh sathe ishq return - 22 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 22

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 22

રાધા પોતાની હત્યા ને આત્મહત્યા નું સ્વરૂપ કઈ રીતે આપવામાં આવ્યું એ વિશે જણાવતાં કબીરની સમક્ષ એ જ મોહન છે અને એની મોત પાછળ ગીરીશભાઈ, રાજુ અને ઠાકુર પ્રતાપસિંહ હોવાની વાત જણાવે છે..રાધા પોતાની મુક્તિ માટે એ ત્રણેયને યોગ્ય સજા મળી રહે એવું કંઈક કરવાનું કબીરને જણાવે છે..કબીર પોતાનો પહેલો દાવ ડોકટર ગીરીશભાઈ પર ચાલવાનો નક્કી કરે છે.

જીવાકાકા ને પોતે મોડે સુધી જાગ્યો હતો એવી ખબર ના પડે એટલે એને સવારે આઠ વાગ્યાનું એલાર્મ મૂકી દીધું અને એલાર્મ વાગતાં જ કબીર એક ઝાટકે જાગી પણ ગયો..ફ્રેશ થઈને એ નીચે આવ્યો ત્યારે જીવાકાકા પોતાનું કામ કરી રહયાં હતાં.

સવારે પોતે ત્યાં આવ્યાં ત્યારે રસોડાની જોડેનો દરવાજો અંદરથી બંધ હતો અને આજે કબીર પણ વહેલો જાગી ગયો હતો મતલબ કે રાધા ત્યાં નહોતી આવી અથવા તો કબીરે એની રૂહ ને ત્યાં આવતાં રોકી હતી..બંનેમાંથી જે કંઈપણ હોય પણ આ બંને ઉદ્દભવેલાં તથ્યો અંગે મંથન કરી જીવાકાકા ને શાંતિ થઈ.

કબીરે ચા-નાસ્તો પૂરો કર્યો અને પોતાનાં રૂમમાં સ્નાન કરવા માટે ચાલ્યો ગયો.તૈયાર થઈને કબીર નીચે આવ્યો અને જીવાકાકા ને જણાવ્યું કે પોતે એક કામથી દોલતપુર જાય છે એટલે આવતાં સાંજ પડી જશે તો એનું બપોરનું જમવાનું એ ના બનાવે.આટલું કહી કબીર બહાર નીકળ્યો અને પોતાની ગાડી દોલતપુર લઈ જવાને બદલે શિવગઢ તરફ ભગાવી મૂકી.

કબીર ગાડી લઈને પહોંચ્યો એ વ્યક્તિનાં ઘરે જેની સાથે એની મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે એ ગીરીશભાઈ નાં દવાખાને ગયો હતો..આ વ્યક્તિનું નામ કબીરે થોડી તપાસ કરી મેળવી લીધું હતું અને એનાં ઘરનું એડ્રેસ પણ એક વ્યક્તિને ગામમાં પૂછતાં મળી ગયું હતું..એ વૃદ્ધ વ્યક્તિ જેનું એપેન્ડિક્સ નું ઓપરેશન ગીરીશભાઈ ને ત્યાં થયું હતું એનું નામ રમણ હતું.

કબીરની ગાડી જેવી રમણનાં ઘરની આગળ જઈને અટકી એ સાથે જ ઘરમાંથી રમણભાઈની પત્ની બહાર આવી..કબીરને પોતાનાં ઘરે આવેલો જોઈ એમને આશ્ચર્ય જરૂર થયું પણ કબીરે જે રીતે એમની સહાયતા માટે હાથ લંબાવ્યો હતો એ પરથી એમનાં મનમાં કબીર માટે એક સજ્જન વ્યક્તિની છાપ હતી.કબીરનાં ગાડીમાંથી ઉતરી એમનાં ઘરની નજીક આવતાં જ એ વૃદ્ધ મહિલા હાથ જોડીને બોલી.

"આવો સાહેબ..તમારાં પગલાં અહીં પડ્યાં એ બદલ ભગવાનનો આભાર.."

"કેવું છે રમણભાઈ ને..?"કબીરે એ વૃદ્ધ મહિલાને પૂછ્યું.

"હવે સારું છે..અને આરામ પણ છે.."એ મહિલાએ જણાવ્યું.

"હું દોલતપુર જાઉં છું..તો રમણભાઈ ને સાથે લઈ જવા માંગુ છું..ત્યાં એમનાં થોડાં સ્પેશિયલ રિપોર્ટ કઢાવવાનાં છે જેનો ખર્ચ વધુ છે તમારી આર્થિક સ્થિતિ પ્રમાણે..ગીરીશભાઈ જોડેથી જાણવાં મળ્યું કે એ રિપોર્ટ કરાવવા જરૂરી છે તો હું ત્યાં જાઉં છું તો મારાં ખર્ચે એમનાં રિપોર્ટ કઢાવી લઈશ અને જરૂરી દવાઓ પણ લેતો આવીશ."કબીર પોતાની યોજનાનું પ્રથમ ચરણ ચાલી રહ્યો હતો.

કબીરની વાત સાંભળી એ વૃદ્ધ મહિલા લગભગ રડી પડી અને કબીરની આગળ બે હાથ જોડતાં બોલી.

"સાહેબ,તમે તો માણસનાં રૂપમાં દેવતાં છો..તમારો આ ઉપકાર અમે કઈ રીતે ઉતારીશું.."

એ વૃદ્ધ સ્ત્રીનાં બંને હાથ પકડીને પોતાનાં માથે રાખી કબીર બોલ્યો.

"માજી,દેવતાં ના બનાવશો હું બસ માણસ બની રહું એટલું ઘણું છે..ઉપકાર કરવાની જરૂર નથી બસ આશીર્વાદ આપો કે હું જે કામ કરવા જઈ રહ્યો છું એમાં ધારી સફળતા મેળવી શકું.."

ત્યારબાદ રમણલાલ ને સમજાવી એ વૃદ્ધ મહિલાએ કબીરની સાથે જવા તૈયાર કર્યાં એટલે કબીર એમને પોતાની ગાડીમાં બેસાડીને નીકળી પડ્યો દોલતપુર જતી સડક પર.ગાડી ની રફતાર ની સાથે કબીરનાં વિચારોની રફતાર પણ વધી રહી હતી.કબીર એ ત્રણેય લોકોનો અસલી ચહેરો પહેલાં ગામલોકો સમક્ષ ઉઘાડો પાડવા માંગતો હતો અને પછી જ એમનો જીવ લેવાનું પ્લાનિંગ હતું એટલે રમણલાલ ને દોલતપુર લઈ જવાં એ કબીર ની પ્રથમ ચાલ હતી.અચાનક કબીર ની આંખો સામે એક ચહેરો આવી ગયો અને એ સાથે જ એની આંખો ભીની થઈ ગઈ..આ સાથે જ કબીરનાં મુખે નીકળી ગયું.

"જશોદા માં.."

કબીરે પોતાની ને સીધી લઈ જઈને ઉભી કરી દીધી ડોકટર ત્રિવેદી ની હોસ્પિટલ આગળ..કબીર ને જીવાકાકા મારફત જાણવા મળ્યું હતું કે ડોકટર પ્રકાશ ત્રિવેદી દોલપતુર નાં સૌથી મોટી હોસ્પિટલનાં કર્તાહર્તા છે.હવે અહીં કબીર રમણભાઈ ને લઈને કેમ આવ્યો હતો એ વિશે થોડું જાણી લઈએ.

કબીર થોડાં દિવસ પહેલાં જ્યારે ગીરીશભાઈ ને દવાખાને ગયો ત્યારે રાજુ કંપાઉન્ડર ની હાજરીમાં એ જઈને રમણભાઈ અને એમની પત્ની ને મળ્યો હતો.રાજુ આવીને કબીરને પોતાની સાથે લઈ જતો હતો એ સમયે કબીરે એક વાત નોટિસ કરી હતી..કે રમણલાલ ને ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુ કમર જોડે ઓપરેશનનું નિશાન હતું.એપેન્ડિક્સ ની તકલીફ તો ડાબી તરફ હોય એ કબીરને ખબર હતી એટલે એને આખી વાતમાં કંઈક ગરબડ લાગી.અને જ્યારે રાધાએ ગીરીશભાઈ અને રાજુ ની હકીકત કબીરને જણાવી ત્યારે કબીરનાં મનમાં આ ગામમાં ગીરીશભાઈ દવાખાનાની આડમાં માસુમ ગરીબ લોકોને છેતરી રહ્યાં હોવાની લાગણી બળવત્તર બની.

પ્રકાશભાઈ ને ત્યાં પહોંચી રમણલાલ ને બહાર બેસવાનું કહી કબીર ત્રિવેદી સાહેબની કેબિનમાં ગયો અને ત્યાં જઈ પોતાની ઓળખાણ એમને આપી..કબીરને ત્રિવેદી સાહેબ નામથી બહુ સારી રીતે ઓળખતાં હતાં એટલે એમને કબીરને અહીં આવવાનું કારણ પૂછ્યું..તો એનાં જવાબમાં કબીરે શિવગઢમાં ડોકટર ગીરીશ દવાખાનાંની આડમાં કંઈક ખોટું કામ કરી રહ્યો હોવાની વાત જણાવી.ત્રિવેદી સાહેબ પણ આ ગીરીશભાઈ વિશે જાણતાં હતાં કે એની જોડે આયુર્વેદિક ડોકટરની ડીગ્રી છે છતાં એ પોતાની રીતે ઓપરેશન પણ કરે છે.

કબીરે રમણલાલ નાં કમરની જમણી તરફનાં નિશાન અંગે વાત કરી અને એમની સોનોગ્રાફી અને અન્ય રીપોર્ટ પોતે પાછો આવે ત્યાં સુધીમાં રેડી રાખવા કહ્યું.ત્રિવેદી સાહેબે તાત્કાલિક વાતની ગંભીરતા ને સમજી રમણભાઈ ને એડમિટ કરાવી દીધાં અને પોતાનાં સહાયકો ને રમણભાઈ ની સોનોગ્રાફી તથા અન્ય રિપોર્ટ્સ કાઢવા જણાવી દીધું.

ત્રિવેદી સાહેબને પોતે ત્રણેક કલાકમાં આવે છે એવું જણાવી કબીર ત્યાંથી નીકળ્યો અને સીધો ગાડી લઈને પહોંચી ગયો એ મંદિરની તરફ જ્યાં એ ગઈ વખતે દોલતપુર આવ્યો ત્યારે જશોદાબેન મળ્યાં હતાં.રાધાની જોડેથી જ્યારે કબીરે સાંભળ્યું હતું કે મોહનની માં નું નામ જશોદાબેન હતું અને મોહનનાં ગાયબ થયાં પછી એ પાગલ જેવાં બની ગામ છોડીને નીકળી ગયાં છે ત્યારે કબીર સમજી ગયો કે એ જે જશોદાબેન ને દોલતપુર મળ્યો હતો એ જ પોતાની જનેતા હતી.જાણે અજાણે એક અજાણી સ્ત્રી જોડે લાગણીનો અજાણ્યો સંબંધ બંધાઈ જવાનું કારણ કબીરને જ્ઞાત થઈ ગયું હતું.

ગઈ વખતે જ્યારે જશોદાબેન ને પોતે મળ્યો ત્યારે જતાં-જતાં એમને કબીરને શિવગઢમાં સાચવીને રહેવા કેમ કહ્યું હતું એનું કારણ પણ કબીર થોડું તો થોડું પણ સમજી ચુક્યો હતો.પોતાની સાથે શું થયું હતું અને એ કઈ રીતે કબીર રાજગુરુ બની ગયો એ સવાલનાં જવાબ જશોદાબેન અવશ્ય આપશે એવું વિચારી કબીર એ મંદિરની સામે વૃક્ષ નીચે આરામ ફરમાવી રહેલાં જશોદાબેન ની સમીપ જઈ પહોંચ્યો..કબીર એમની જોડે એમનાં પગ જોડે બેઠો અને મમતા ની મુરત એવી પોતાની માં ને જોતાં જોતાં રડવા લાગ્યો.

આ ઉંમરે જેની સેવા કરવાની હતી એ પોતાની સગી જનેતા આ હાલતમાં અત્યાર સુધી દર બદર ભટકતી રહી એ વિચારી કબીરનું હૈયું વલોપાત કરી રહ્યું હતું..કબીરે એમનાં ચરણસ્પર્શ કર્યાં અને કહ્યું.

"માજી..હું કબીર.."કબીર હજુ પોતાની સાચી ઓળખ એમની આગળ ઉજાગર કરવા નહોતો માંગતો માટે હજુ એને પોતાની ઓળખાણ કબીર જ આપી.

કબીરનો અવાજ સાંભળી જશોદાબેન આંખો ખોલી બેઠાં થઈ અને કબીરને માથે હાથ મૂકીને બોલ્યાં.

"આવી ગયો દીકરા..સવારે તને જ યાદ કરતી હતી.તું મને છે ને મારાં મોહનની યાદ અપાવે છે.."

એમની આ વાત સાંભળી કબીર ની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં.. એ કહેવા જતો હતો કે એ જ એમનો મોહન છે પણ એનો યોગ્ય સમય હજુ આવ્યો નહોતો એટલે મહાપરાણે પોતાની જાતને કંટ્રોલ કરી કબીર એમનાં હાથને ચુમીને બોલ્યો.

"માં યાદ કરે અને દીકરો ના આવે એવું બને ખરું..અને હું તારાં મોહન જેવો જ છું ને માં.."

કબીરની વાત સાંભળી એ વૃદ્ધ સ્ત્રીની આંખો પણ ભરાઈ આવી..એમને કબીરનાં કપાળ ને ચુમતા કહ્યું.

"દીકરા આજે તે મને માં કહ્યું..આ શબ્દ સાંભળવા તો હું વર્ષોથી તરસતી હતી.."

કબીરે જશોદાબેનનાં આંસુ લૂછયાં અને કહ્યું.

"ચલો આજે આપણે જોડે જમવા જઈએ..તમે તમારાં હાથથી મને જમાડજો અને હું મારાં હાથથી તમને.."

કબીરની વાતનો સહર્ષ સ્વીકાર કરી જશોદાબેન એની સાથે ગાડીમાં બેસી ગયા..કબીરે ગાડી ગિરનાર રેસ્ટોરેન્ટ તરફ ભગાવી મૂકી.ત્યાંનો મેનેજર પણ હવે કબીરને સારી રીતે ઓળખી ગયો હતો..કબીરની જોડે જશોદાબેન ને જોઈને એને પણ સમજાઈ ગયું કે કબીર નો આ અજાણી સ્ત્રી જોડે લાગણીનો સંબંધ બંધાઈ ચુક્યો છે.

જમવાનું આવી ગયાં બાદ કબીરે પોતાનાં હાથથી જશોદાબેન ને જમાડયાં અને જ્યારે જશોદાબેન દ્વારા કબીરનાં મોં માં એક કોળિયો રાખવામાં આવ્યો ત્યારે તો કબીરને લાગ્યું કે પોતાની વર્ષોની ભૂખ આ એક કોળિયાથી શાંત થઈ ચૂકી હતી.

જમતાં જમતાં કબીરે જશોદાબેન ને સવાલ કર્યો.

"માં હું જાણી શકું કે મોહન સાથે શું થયું હતું..?"

કબીરનાં સવાલનાં જવાબમાં જશોદાબેન દ્વારા રાધા ની આત્મહત્યા પછી મોહનનાં પાગલ બની જવા સુધીની વાત જાણવા મળી..પણ એનાંથી આગળ મોહન ઠાકુર પ્રતાપસિંહ ની કોઠી પર ગુસ્સામાં ગયો હતો એટલું જ જશોદાબેન ને ખબર હતી..પોતે મોહનની શોધખોળ માટે ઠાકુર ની કોઠી પર ગયાં હતાં પણ ત્યાંથી એમને ઠાકુરે એવું જણાવી કાઢી મૂક્યાં કે તારો પાગલ દીકરો અહીં આવ્યો જ નથી.

"મારાં જોડે શું બન્યું અને હું અમદાવાદ કબીર રાજગુરુ ની શકલમાં કઈ રીતે પહોંચ્યો એ વિશે હવે બે જ વ્યક્તિ જણાવી શકે છે જેમાં એક છે ઠાકુર પ્રતાપસિંહ અને બીજી છે શીલા.."જશોદાબેન ની વાત સાંભળી કબીર મનોમન બબડયો.

જમવાનું પૂર્ણ કરી કબીર જશોદાબેનને મંદિર જોડે આવેલી ધર્મશાળાએ ઉતારી આવ્યો અને ત્યાંનાં પ્રભારીને જશોદાબેન નાં રહેવા માટેની સગવડ કરી આપવાનું કહી એમનાં ત્યાં રહેવાનું ભાડું અને જમવાની રકમ ચૂકવી દીધી..જશોદાબેન ને પોતે થોડાંક દિવસોમાં જ પાછો આવશે એવું જણાવી કબીર એમનાં ચરણસ્પર્શ કરી એમનાં આશીર્વાદ લઈ ગાડીમાં બેસી પ્રકાશ ત્રિવેદીની હોસ્પિટલ તરફ નીકળી ગયો.

કબીર રસ્તામાં હતો ત્યાં એનાં મોબાઈલ પર શીલાનો બે વાર કોલ આવ્યો..પણ કબીર ને શીલા ઠાકુર પ્રતાપસિંહ સાથે મળેલી હોવાની શંકા ઉપજી..અથવા તો શીલા પોતાનાં થી ઘણું બધું છુપાવી રહી હોવાની વાત પણ મનમાં આવી.શીલા એ પોતાનો સંપર્ક સાધવાનો ઘણી વખત પ્રયાસ કર્યો હતો એવાં ટેક્સ્ટ મેસેજ પણ કબીરને આવ્યાં હતાં..પણ અત્યારે કબીર જે પળોજણમાં હતો એમાં શીલા જોડે થોડો સમય તો વાત કરવાની કોઈ જરૂર નથી એમ વિચારી એ શીલાને સંપૂર્ણપણે અવગણતો રહ્યો..આ વસ્તુ કબીરની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી એ વિશે કબીર ને એ સમય પૂરતું તો કંઈપણ ભાન નહોતું.

કબીરે હોસ્પિટલનાં પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને પ્રકાશ ત્રિવેદીની કેબીન તરફ આગળ વધ્યો..કબીર ને હોસ્પિટલની લોબીમાં જ ત્રિવેદી સાહેબ મળી ગયાં.

એમને મળતાં જ કબીરે એમને કહ્યું.

"સાહેબ બધાં રિપોર્ટ થઈ ગયાં હોય તો હું રિપોર્ટ્સ અને રમણભાઈ ને લઈને શિવગઢ જવા નીકળું..?"

કબીરની વાત સાંભળી ત્રિવેદી સાહેબ ની આંખોમાં આશ્ચર્ય ઉભરી આવ્યું અને એ વિસ્મયપૂર્વક બોલ્યાં.

"અરે તમારાં મોકલેલાં એક ભાઈ હમણાં જ રિપોર્ટ્સ અને રમણભાઈ ને લઈને જતાં રહ્યાં..એમને કહ્યું કે તમારે આવતાં મોડું થઈ જશે એટલે તમે જ એને અહીં રિપોર્ટ તથા દર્દી ને લેવા મોકલ્યો હતો."

કબીર ને સમજાઈ ગયું કે પોતાની સાથે કોઈ મોટી રમત રમી ગયું છે..કબીરનાં ચહેરા પર ગુસ્સો અને ચિંતાનાં બેવડાં ભાવ પ્રગટ થઈ ગયાં અને એ ત્રિવેદી સાહેબને કંઈપણ કહ્યાં વગર ત્યાંથી દોટ મૂકીને પાર્કિંગમાં પહોંચ્યો..પોતાની ગાડીમાં બેસી કબીરે એક્સીલેટર પર પગ રાખ્યો અને પુરપાટ વેગે ગાડીને શિવગઢ તરફ ભગાવી મૂકી.

રસ્તામાં ગાડી ચલાવતાં ચલાવતાં કબીરે ગાડીમાં ડેસ્ક ઉપર લગાવેલાં નાનાં શિવલિંગ ને જોઈને મનોમન મહાદેવ ને અરજ કરી કે.

"ભગવાન તારાં આ ભક્ત પર આવી પડેલી આ નવી મુસીબત ને કોઈપણ રીતે સમાપ્ત કરજે.."

★★★★★★

વધુ આવતાં અંકમાં.

રમણભાઈ ને કોણ હોસ્પિટલમાંથી લઈને ગયું હતું..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?કબીરની જીંદગી આગળ નવો કયો વળાંક લેવાની હતો..?કબીરે કરેલો એક રૂહ સાથેનાં ઈશ્કનો શું અંજામ આવવાનો હતો..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED