હેશટેગ લવ ભાગ-૧૮ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

હેશટેગ લવ ભાગ-૧૮

"હેશટેગ લવ" ભાગ-૧૮
એ રાત્રે જ સ્વપ્નમાં સુસ્મિતા આવી. અમે બંને અગાશી ઉપર બેઠા હતાં. એ મારી સામે જોઈ મને શિખામણ આપવા લાગી. એ મને કહી રહી હતી :
"કાવ્યા, મેં બહુ ખોટું પગલું ભર્યું છે, પણ એ સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો, મેં તને પણ કંઈજ જણાવ્યું નહિ. પણ હું ડરી ગઈ હતી. મને મારા ભવિષ્યનો ડર સતાવવા લાગ્યો ! શું કરવું ? એ કઈ સમજાઈ રહ્યું નહોતું, અને છેલ્લે મેં આ પગલું ભરવાનું વિચાર્યું ? ભગવાન પણ મારી આ ભૂલ માટે મને માફ નહિ કરે પણ કાવ્યા તું તારી જાતને સાચવજે. જે મેં ભૂલો કરી છે એ તું ક્યારેય ના કરતી. મેં મારું જીવન અડધા રસ્તે જ સમાપ્ત કરી નાખ્યું. પણ તું ક્યારેય આવું કરવાનું પણ ના વિચારતી. જ્યારે મારા પ્રાણ જઈ રહ્યાં હતાં ત્યારે મને ખુબ જ તકલીફ થઈ, પણ શું કરું, હવે મૃત્યુ સિવાય મારી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. અને છેલ્લે મેં મોતને વહાલું કર્યું. કાવ્યા... હું બે વખત મા બનવાની હતી. અને બંને વખત મારે એબોર્શન કરાવવું પડ્યું. મા બનવાની ખુશી દરેક છોકરીને ગમતી હોય છે. પણ મેં પાપ કર્યું. મારા પેટમાં રહેલા બંને બાળકોને મેં જન્મતા પહેલાં જ મારી નાખ્યા. કદાચ મારા આ ખોટા કામની સજા જ મને મળી છે. છેલ્લીવાર હું મારા મમ્મી પપ્પાને પણ ના મળી શકી. એમને પણ મને આ હાલતમાં જોઈને ઘણી તકલીફ થઈ હશે. પણ એ કદાચ આ વેદના સહન કરી શકશે. પણ જે મેં કર્યું છે એ જાણી જશે તો એ ક્યારેય સહન નહિ કરી શકે. અને એટલે જ કાવ્યા હું તને કહું છું. કે તું મારી સાથે જે થયું એ વાત કોઈને કરીશ નહિ. શોભના અને મેઘનાને પણ નહીં. કારણ કે હું નથી ઇચ્છતી કે આ વાત કોઈને ખબર પડતાં કીચડ મારા મા-બાપ પર જ ઉછળે. તું એમ જ માનજે કે તને કઈ ખબર જ નથી. ભૂલી જજે બધું જ."
સુસ્મિતા બોલી રહી હતી અને હું એને સાંભળી રહી હતી. સપનામાં તો હું એમ પણ ભૂલી ગઈ સુસ્મિતા આ દુનિયામાં નથી. પોતાના મૃત્યુની વાત પોતાના મોઢે જ એ જણાવી રહી હતી.
"તું મારા ઘરે પણ ફોન કરતી રહેજે. મારા મમ્મી પપ્પાને પણ સારું લાગશે. મારા પપ્પા મને બહુ જ પ્રેમ કરતાં હતાં. મમ્મીના ના કહેવા છતાં એમને મને મુંબઈ ભણવા માટે મોકલી. અને મેં તેમના વિશ્વાસનો દુરુપયોગ કર્યો. કદાચ એની સજા પણ આ હોય. કાવ્યા, મારે પણ જીવવું હતું, બહુ બધું ભણવું હતું અને પોતાનું જ એક અલગ નામ કરવું હતું. પણ મારી એક ભૂલ મારા પ્રાણ લેનારી બની ગઈ. મેં જે ભૂલ કરી તેની સજા મારે આત્મહત્યા કરીને ચૂકવવી પડી. અને એટલે જ હું તને કહું છું કે તું પણ અજય સાથે બધી ખાત્રી કરી લેજે. ભલે તને એના ઉપર ગમે એટલો વિશ્વાસ હોય પણ એકવાર પ્રેમમાં બંધ થયેલી આંખોને ખોલીને જોજે. હું નથી ઇચ્છતી કે મારી સાથે જે બન્યું એ તારી સાથે પણ બને. જેમ મારા મમ્મી પપ્પાને મારી પાસે ઘણીબધી આશાઓ હતી એમ તારા મમ્મી પપ્પાને પણ તારી પાસે ઘણી આશાઓ હશે. તું એ પુરી કરજે જે હું નથી કરી શકી. ભણીને તારું આગવું નામ કરજે. તારા મમ્મી પપ્પાને તારા ઉપર ગર્વ થાય એવું કંઈક કરજે. ચાલ હવે હું જાઉં, અને હા, તારું ધ્યાન પણ રાખજે. મેઘના અને શોભનાને મારી યાદ આપજે."
હું બસ એની વાતો સાંભળી રહી હતી. જ્યારે એને જવાનું કહ્યું ત્યારે બસ હું એટલું બોલી શકી : "ક્યાં જાય છે તું ?" અને એ હસતાં હસતાં અગાશી ઉપરથી નીચે કૂદી ગઈ. અને હું બેડમાંથી "સુસ્મિતા...." બૂમ પાડીને બેઠી થઈ ગઈ.
શોભનાએ ફટાફટ લાઈટ કરી મારી પાસે આવી ગઈ. મેઘના પણ બેડમાંથી ઉઠી મારી પાસે આવી ગઈ. મારી આંખોમાં આંસુ હતા.. શોભનાએ પૂછ્યું :.
"શું થયું કાવ્યા ?"
હું વધુ જોરથી રડવા લાગી ડૂસકાં ભરતાં બોલી "સુસ્મિતા"
શોભનાએ મને ગળે લગાવી લીધી અને કહ્યું :
"સુસ્મિતા નથી હવે આપણી વચ્ચે, હું સમજુ છું કે એના જવાનું દુઃખ તને ખૂબ જ છે, પણ આપણે હવે શું કરી શકવાના ? જે થઈ ગયું એ થઈ ગયું. ભૂલી જા એને એક સપનું સમજીને."
મેં મારી આંખોના આંસુ લૂછતાં કહ્યું :
"મેં એક સપનું જોયું. જેમાં સુસ્મિતા હતી. તને અને મેઘનાને યાદ આપવાનું કહ્યું. અને અચાનક એ હોસ્ટેલની અગાશી ઉપરથી કૂદી ગઈ."
શોભનાએ મારા ખભા ઉપર હાથ ફેરવતાં કહ્યું :
"થાય એવું. જે વ્યક્તિની આપણે આટલી નજીક રહ્યાં હોય એ વ્યક્તિ આમ અચાનક છોડીને ચાલ્યું જાય તો એની યાદો સપના બનીને આવે છે. તું સુઈ જા શાંતિથી."
મને થોડું સમજાવીને મેઘના અને શોભના પોત પોતાના બેડ તરફ ગયા. ઘડિયાળમાં જોયું તો સવારના પાંચ વાગ્યા હતા.  શોભનાએ લાઈટ બંધ કરી. મેં પણ બેડમાં મારી જાતને લંબાવી પણ પછી મને ઊંઘ જ ના આવી. મનમાં સુસ્મિતા સાથે મારા જીવનના વિચારો પણ ચાલવા લાગ્યા. અજય વિશે હવે વધુ જાણવાની ઈચ્છા મનમાં થવા લાગી. એ પણ મારો ફાયદો તો નથી ઉઠાવતો એ અંગે છુપી રીતે જાણવાની ઈચ્છા થવા લાગી. મનમાં એમ પણ થયું કે હું પણ સુસ્મિતાની જેમ જ તો ભૂલ નથી કરી રહી ? પ્રેમમાં આંધળી બની મેં પણ અજયને મારી જાત સોંપી દીધી. પણ અજય મારી સાથે લગ્ન કરશે એની શું ખાત્રી ? આવું કંઈ મારી સાથે બને અને એ પણ મને છોડીને ચાલ્યા જાય તો હું એને ક્યાં શોધવાની ? એ તો બસ કૉલેજની બહાર મળે છે. એના સ્કૂટર ઉપર બેસાડી પહેલાં બેન્ડ સ્ટેન્ડ લઈ જતો, હવે હોટેલના બંધ બારણે શરીર સુખ માણી અને એ મને હોસ્ટેલ મૂકી જાય છે. અને જે દિવસથી મેં એને શરીર સોંપ્યું છે એ દિવસથી તો ક્યારેય અમે બંનેએ શાંતિથી બેસીને વાત પણ નથી કરી. ના ક્યારેય એને મને એના ઘરનું એડ્રેસ આપ્યું છે, ના તો ઘરનો ફોન નંબર. પણ હવે તો મારે અજય વિશે પણ બધું જાણવું જ જોઈશે. જો અજયને પણ સાચો પ્રેમ હશે તો એ મને બધું જ જણાવશે. પણ જો એના મનમાં પણ એવી કોઈ ખરાબ ભાવના હશે તો મને પણ સમજાઈ જશે. અને જો એવું ખરેખર બનશે કે અજય પણ મને છેતરી રહ્યો છે તો હું અજયનો સાથ છોડી દઈશ. મારે સુસ્મિતાની જેમ મારા જીવનનો એટલો જલ્દી અંત નથી લાવવો. મારે મારા મમ્મી પપ્પાના સપનાં પુરા કરવા છે. અને હવે હું ભણવામાં પણ ધ્યાન રાખીશ. પહેલા વર્ષે તો ખરાબ રિઝલ્ટ આવી ગયું. મમ્મી પપ્પાને પણ છેતરી લીધા. પણ હવે નહિ. આ વર્ષે તો હું સારું પરિણામ લાવીશ જ. પ્રેમ એની જગ્યાએ અને ભણવાનું એની જગ્યાએ. સુસ્મિતા જેવું હું મારા જીવનમાં નહિ થવા દઉં. અને સુસ્મિતાએ પરોઢિયે સપનામાં આવીને પણ મને ચેતવી છે. જો આ સમયે હું નહિ જાગુ તો આખી જિંદગી મારે પણ પછતાવવું જ પડશે.  આ બધા વિચારો કરતાં ક્યારે અજવાળું થઈ ગયું એ પણ ના ખબર રહી.
બીજા દિવસે હું મેઘના અને શોભના કૉલેજ ગયા નહીં. ના શોભના અને મેઘના જોબ ઉપર ગયા. સુસ્મિતા વિશેની વાતો શોભનાને જણાવવાની મારી ઈચ્છા પણ અધૂરી રહી ગઈ. મેં જાણી જોઈને જ કોઈને જણાવ્યું નહિ. કારણ એ જ હતું કે સુસ્મિતાએ સ્વપ્નમાં આવીને એ વાતો કોઈને જણાવવી નહિ એમ જણાવ્યું હતું. વિવેક કોણ હતો કેવો હતો એ બસ હવે માત્ર હવે કલ્પના રહી ગઈ. એના વિશે મનમાં ગુસ્સો હતો પણ હવે એ મનમાં જ દબાવીને રાખવાનો હતો. 
એ દિવસે હોસ્ટેલના રેક્ટર મેડમે સાંજે પોતાના કેબિનમાં અમને બોલાવ્યા. ટ્રસ્ટી પણ ત્યાં જ હતા. અમને ત્રણને બેસવા માટે કહ્યું. અને શાંતિથી સુસ્મિતા વિશે બધું પૂછવા લાગ્યા. પણ અમને કોઈ વાતની કઈ ખબર જ નથી એમ જણાવ્યું. ટ્રસ્ટી અને રેક્ટર મેડમે અમને થોડા દિવસ પોતાના ઘરે જવા માટે કહ્યું. કારણ કે સુસ્મિતા અમારા રૂમમાં જ રહેતી હતી. એના જવાનું સૌથી વધુ દુઃખ અમને ત્રણને હતું. શોભનાને પણ આ વિચાર સારો લાગ્યો. એ પણ અમારી મનોદશા સમજતી હતી. શોભનામાં સમજણ વધારે હોવાના કારણે એ તો પરિસ્થિતિ સંભાળી શકતી હતી પણ હું અને મેઘના આ ઘટનાથી ખૂબ જ દુઃખી થઈ ચૂક્યા હતાં. મેડમે અમને ચાર દિવસની રજા આપી. બીજા દિવસે સાંજની ટ્રેનમાં અમે લોકો ઘરે જવા માટે નીકળવાના હતાં.
ઘરે જતાં પહેલાં અજયને જાણ કરવાનો કોઈ અવકાશ ના મળ્યો. અને મને પણ અજયને ઘરે જવાની છું એ વાત જાણ ના કરવાનું કોઈ દુઃખ ના થયું. હવે મને પણ આ શારીરિક પ્રેમથી ડર લાગવા લાગ્યો હતો. પણ અજય પાસે મને હજુ સાચા પ્રેમની અપેક્ષા હતી. પણ હવે બધી ખાતરી કર્યા બાદ જ આગળ વધવાનું મેં નક્કી કર્યું હતું.
રાત્રે વિચારોમાં પડખા ફેરવતાં માંડ ઊંઘ આવી. બીજા દિવસે સવારે ઘરે જવા માટે સામાન તૈયાર કર્યો. બહાર નીકળી મમ્મીને ઘરે ફોન કરીને આવવાની જાણ કરી. મમ્મીએ આમ અચાનક પાછું આવવાનું કહેતા કારણ પણ પૂછ્યું. મેં એમને હોસ્ટેલમાં બનેલી હકીકત જણાવી. અને બાકીની વાત ઘરે આવી જણાવવા કહ્યું.
રાત્રે ટ્રેનમાં ઘરે જવા માટે નીકળ્યા. ટ્રેનની સફરમાં સુસ્મિતાને યાદ કરી આંખોમાં આંસુ આવી જતાં પણ શોભના મને અને મેઘનાને સાચવી લેતી. સુરત શોભના ઉતરી ત્યારે પણ એને અમને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું. અમારો આખો સફર મૌન જ વીત્યો.  નડીઆદ ઉતરીને મેં મેઘનાને પોતાનું ધ્યાન રાખવા કહ્યું. પપ્પા સ્ટેશન લેવા માટે આવી જ ગયા હતા. પપ્પાએ મને જોતા જ રડવાથી મારી આંખો લાલ થઈ હોવાનો અંદાઝો લગાવી લીધો. સ્ટેશન ઉપર પપ્પાને જોતા જ એમને ગળે વળગીને રડી લીધું. પપ્પાએ મને શાંત કરી અને ઘરે લઈને ગયા. મમ્મી પપ્પાને ઘરે બેસી બધી વાત કરી. મમ્મીની આંખો પણ મારી આંખોના આંસુ જોઈ ભરાઈ આવતી. તો પપ્પાની આંખોમાં પણ વહી ના શકે એવા છુપા આંસુ હું જોઈ શકતી હતી.
ચાર દિવસ ઘરે ઉદાસીમાં જ વીત્યા.. પપ્પા મમ્મી મને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરવા લાગ્યા. પણ કોઈ ખાસ ફર્ક ના પડ્યો. પાંચમા દિવસે પાછું મુંબઈ જવા માટે નીકળી. મેઘના અને સુસ્મિતા સાથે ફોન પર વાત કરી અને ટ્રેનનો સમય નક્કી કરી લીધો હતો. સવારે ટ્રેનમાં જ અમે પાછા મુંબઈ જવા નીકળ્યા. મેઘના અમદાવાદથી જ ટ્રેનમાં આવી, હું નડીઆદથી અને શોભના સુરતથી અમારી લોકો સાથે જોડાઈ.. આ ચાર દિવસમાં પણ પરિસ્થિતિ અને હૃદયની હાલત અમારા ત્રણની સરખી જ હતી. પણ સમય સાથે ચાલી ને પોતાના જીવનને આગળ વધારવાનું હતું. ટ્રેનમાં બેસીને જ અમે બીજા દિવસથી કોલેજ જવા માટેનું નક્કી કરી લીધું હતું. 
રાત્રે હોસ્ટેલ પહોંચ્યા. હોસ્ટેલમાં કઈ બદલાયું નહોતું આ ચાર દિવસમાં. પણ હા, અમારે સુસ્મિતા વિના રહેવાનું હતું. થાકના કારણે એ રાત્રે સુઈ ગયા. બીજા દિવસે તૈયાર થઈ અને કૉલેજ જવા માટે નીકળ્યા. 
અજયને હોસ્ટેલ ઉપર જે બન્યું તેની કદાચ ખબર નહિ હોય, એટલે એ રોજ મને મળવા માટે કૉલેજની બહાર આવતો જ હશે. અને કદાચ એ મારા ઉપર આટલા દિવસથી ના મળવાના કારણે ગુસ્સો પણ કરશે. પણ એને સમજાવી દઈશ એ નક્કી જ કર્યું હતું. પણ હવેથી અજયની મળવા માટેના કારણો બદલવાના હતાં. અજય વિશે હવે વિસ્તારથી જાણવાનું હતું. આજે કૉલેજ છૂટ્યા બાદ કદાચ એ મળી જશે તો અમે કોઈ હોટેલ ઉપર નહિ જઈને બેન્ડ સ્ટેન્ડ કે કોઈ બીજી જગ્યાએ બેસવા માટે જઈશું એમ મેં નક્કી કરી લીધું.

(શું સુસ્મિતાએ સ્વપ્નમાં આવી કાવ્યાને કહેલી વાત એ માનશે ? શું અજય તેના વિશે કાવ્યાને બધું જ સાચું જણાવશે ? શું અજય કાવ્યના સાચા પ્રેમની અપેક્ષામાં ખરો ઉતરશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના રોમાંચક પ્રકરણો)
લે. નીરવ પટેલ "શ્યામ"