Hashtag love - 17 books and stories free download online pdf in Gujarati

હેશટેગ લવ ભાગ -૧૭

"હેશટેગ લવ" ભાગ-૧૭
રૂમની લાઈટ બંધ કરી પોત પોતાના બેડ તરફ સુવા માટે આવ્યા. રૂમમાં અંધારું થઈ ગયું હતું. ઊંઘ આવતા પહેલા પણ મારી નજર સુસ્મિતાના બેડ તરફ જતી હતી. પણ એ પડખું ફેરવીને નિરાંતે સુઈ ગઈ હોય એમ લાગ્યું. મારા મનનો થોડો ભાર હળવો થયો. સુસ્મિતા પોતાના દુઃખમાંથી આટલી જલ્દી બહાર આવી જશે એની કલ્પના નહોતી. પણ એને નિરાંતે સુતેલી જોઈ મને થોડી રાહત થઈ. મેં પણ સુવાનો પ્રયત્ન કર્યો. મોડા સુધી જાગવાના કારણે મને પણ તરત ઊંઘ આવી ગઈ.
વહેલી સવારે કાને કોઈનો બુમો પાડવાનો અવાજ સંભળાયો. મનમાં એમ વિચાર્યું કે કોઈનો ઝગડો થયો હશે. આંખ ખોલ્યા વગર જ હું સુઈ રહી. અવાજ વધતો ગયો. અને એ અવાજ ધીમે ધીમે અમારા રૂમ તરફ આવવા લાગ્યો. રાત્રે રૂમનો દરવાજો બંધ કરીને જ અમે સુઈ જતાં. પણ એ સવારે હોસ્ટેલની કેટલીક છોકરીઓ રૂમમાં દાખલ થઈ. મારી આંખ ખુલી જોયું તો સામે મરાઠી છોકરીઓ અમારી રૂમમાં ઉભી હતી. શોભનાએ ઉઠી અને લાઇટની સ્વીચ ચાલુ કરી. હું પણ મારા બેડમાંથી ઊભી થઈ. સુસ્મિતાના બેડ તરફ જોયું એ બેડમાં નહોતી. રૂમમાં આવેલી મરાઠી છોકરીઓ ગભરાયેલી લાગતી હતી. શોભનાએ તેમને પૂછ્યું : "શું થયું ?" પણ એ એટલી ઘભરાયેલી હતી કે કઈ બોલી જ ના શકી. બસ "સુસ્મિતા.. સુસ્મિતા..." બોલતાં તેમના ગળે ડૂમો બાઝી જતો હતો. હું તરત બેડમાંથી ઊભી થઈ અને પૂછ્યું : "ક્યાં છે સુસ્મિતા ?" એક છોકરીએ બહાર બાથરૂમ તરફ ઈશારો કર્યો. હું એ બધાને હાથથી બાજુ પર ખસેડી બાથરૂમ તરફ ભાગી. બાથરૂમ પાસે પણ કેટલીક છોકરીઓનું ટોળું જામેલું હતું.  એ બધાને બાજુ પર ખસેડી જોયું તો મારા હોશ ઉડી ગયા. હું જ્યાં ઉભી હતી ત્યાં જ ઢળી પડી. મોટા અવાજે બોલી ઉઠી "સુસ્મિતા......." મારી પાછળ જ શોભના અને મેઘના પણ દોડીને આવ્યા હતા.એ બન્ને મને વળગીને રડવા લાગ્યા. 
અમારી સામે જ સુસ્મિતા હતી. પણ તેના પગ જમીન ઉપર નહોતા. પોતાના જ દુપટ્ટાને બાથરૂમની ઉપર રહેલા કડામાં પરોવી પોતાના શરીરને તેણે લટકાવી દીધું હતું. તેનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. તેની જીભ મોઢાની બહાર આવી ચૂકી હતી. આંખોના ડોળા પહોળા થઈ ચૂક્યા હતાં. સુસ્મિતાએ આત્મહત્યા કરી હતી. મને સપનામાં પણ માનવામાં નહોતું આવતું કે "તે આમ કરી શકે." કાલ સુધી તો એ મારી સાથે હતી. મને પણ એને શિખામણના પાઠ આપ્યા. રાત્રે મોડા સુધી અમારી સાથે હસતી રહી અને અત્યારે એ અમારી સાથે નથી એ વિચારીને જ આંખો ચોધાર આંસુએ રડવા લાગી.
હોસ્ટેલના રેક્ટર મેડમને ખબર પડતાં તે પણ ઉતાવળે ઉપર આવી ગયા. અમને બધાને બાજુ પર ઊભા રહેવા કહ્યું. હજુ સુસ્મિતા બાથરૂમમાં જ લટકેલી હતી. શું થયું ? કેમનું થયું ? એ કોઈ સમજી શકતું નહોતું. માત્ર મને જ ખબર હતી એને કયાં કારણથી આ પગલું ભર્યું હતું. વિવેકના કારણે આજે સુસ્મિતા મૃત્યુને ભેટી હતું. હું એકદમ ડરી ચુકી હતી. કોઈને શું કહેવું એની મને કંઈ ખબર પડતી નહોતી. હાલ મૌન રહેવાનું વિચાર્યું. રેક્ટર મેડમે હોસ્ટેલના ટ્રસ્ટીને ફોન કરી તરત હોસ્ટેલ બોલાવ્યા. હોસ્ટેલની બધી છોકરીઓ બાથરૂમની આજુબાજુ જ ઉભેલી હતા. મારી, શોભના અને મેઘનાની આંખો આંસુઓથી ભરાયેલી હતી. ટ્રસ્ટી અને રેક્ટર મેડમ અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા. પોલીસને જાણ કરવી કે નહિ તે અંગેની. હજુ સુધી સુસ્મિતાને લટકતી જ રાખવામાં આવી હતી. છેલ્લે એ લોકોએ નિણર્ય કર્યો કે પોલીસને જો જાણ કરવામાં આવશે તો હોસ્ટેલની જ બદનામી થશે. એટલે ટ્રસ્ટી સાથે આવેલી બે વ્યક્તિઓએ સુસ્મિતાના મૃત શરીરને નીચે ઉતાર્યું. સુસ્મિતાના ઘરે હજુ આ બનાવની જાણ કરવામાં આવી નહોતી. એક ટ્રસ્ટી અને રેક્ટર મેડમ સુસ્મિતાના ઘરે જાણ કરવાની વાત કરતાં કરતાં નીચે ઓફિસમાં જવા માટે નીકળ્યા. અમે બધા સ્તબ્ધ બનીને બસ સુસ્મિતાના શરીરને અને ત્યાં થઈ રહેલી ગતિવિધિઓને જોયા કરતાં હતાં. 
સુસ્મિતાનો પરિવાર જામનગર રહેતો હતો. તેમને ત્યાંથી આવતા પણ ઘણો સમય લાગવાનો હતો. રેક્ટર મેડમ ઉપર આવ્યા. અને અમને બધાને પોત પોતાના રૂમમાં જવા માટે કહ્યું. બીજી બધી છોકરીઓ તો રૂમમાં ચાલી ગઈ પણ હું, શોભના અને સુસ્મિતા ત્યાં જ બેસી રહ્યાં. મેડમે જ્યારે અમને પણ રૂમમાં જવા માટે કહ્યું ત્યારે શોભનાએ કહ્યું : "અમે સુસ્મિતા પાસે જ બેસીએ છીએ. અમારે રૂમમાં નથી જાવું હમણાં." મેડમ શોભનાનો સ્વભાવ જાણતાં હતાં. એટલે એમણે શોભનાને કઈ નાકહ્યું. વળતાનું એમને સામેથી જ કહ્યું કે "સુસ્મિતાના પપ્પા રાત સુધી આવી જશે." એટલું કહી ને એ નીચે ઉતર્યા. થોડીવાર પછી અમને ત્રણને ઓફીસમાં બોલાવવામાં આવ્યા. અમે ત્રણ ઓફિસમાં ગયા. ટ્રસ્ટી અને રેક્ટર મેડમ અમારી સામેં બેઠા હતા. સુસ્મિતાએ આવું કેમ કર્યું હશે ? એનું કારણ અમને પૂછવામાં આવ્યું. અમે પણ જણાવ્યું કે "આ બાબતની અમને કંઈજ ખબર નથી. ના સુસ્મિતાની વાતોમાં એવું લાગ્યું કે એ આમ કરવાની છે, કે ના બીજું કંઈ અમને ખબર પડી." શોભનાએ તો એમ પણ કહ્યું કે "જો અમને ખબર હોત કે સુસ્મિતા આમ કરવાની છે તો અમે એને રોકી લેતાં." રેક્ટર મેડમને પણ ખબર જ હતી કે સુસ્મિતા સાથે અમારે કોઈ અણબનાવ નહોતો. અમે ચાર બહેનોની જેમ જ રહેતાં હતાં. આથી વધુ પૂછ્યા વગર અમને જવા માટે કહ્યું. ઉપર આવીને અમે સુસ્મિતા પાસે જ  બેસી ગયા. અમારા ઉપર આવ્યાની થોડીવાર બાદ ટ્રસ્ટીની ગાડી પણ રવાના થઈ. 
સુસ્મિતાના શરીર પર હાથ મુકતાની ની સાથે જ આંખોમાં આંસુઓ પણ વહેવા લાગ્યા. શોભના આમ તો કઠણ કાળજાની હતી. પરંતુ આજે એ પણ પોક મૂકીને રડી રહી હતી. અમને રડતા જોઈ હોસ્ટેલની બીજી છોકરીઓ પણ એમના રૂમની બહાર નીકળી રડી રહી હતી. હોસ્ટેલમાં આવો બનાવ પહેલીવાર જ બન્યો હતો. બધાના મનમાં ડરની સાથે દુઃખ પણ હતું. પરંતુ જે થઈ ચૂક્યું હતું એ બદલી શકાવાનું નહોતું. 
મને શોભનાને બધી હકીકત જણાવવાની ઈચ્છા થઈ. પણ સુસ્મિતાએ આપેલી કોઈને ના કહેવાની કસમ મને યાદ આવી. એક સમયતો થઈ પણ આવ્યું કે જે વ્યક્તિએ પોતાની વાત કોઈને ના કરવા માટે પોતાની જ કસમ આપી હતી એજ વ્યક્તિ હવે આ દુનિયામાં નથી રહી તો એ કસમ પાડીને હું શું કરીશ ? પણ પછી એમ થયું આજે આ વાત નથી કરવી. પછી ક્યારેક શોભના અને મેઘના ને આ વાત જણાવીશ.
સવારથી અમારા ત્રણમાંથી કોઈ રૂમમાં ગયું નહોતું. ના કોઈએ પાણીનું એક ટીપું પણ પીધું હતું. હોસ્ટેલમાં બપોરે જમવાનું બન્યું જ નહીં. ના કોઈએ જમવા માટે કહ્યું. સાંજે જમવા માટે અમને બોલાવવામાં આવ્યા. પણ અમારા ત્રણમાંથી કોઈ જમવા માટે પણ ગયું નહિ. હોસ્ટેલની કેટલીય છોકરીઓ પણ જમવા માટે જતી નહોતી. શોભનાએ થોડી છોકરીઓને પરાણે સમજાવી જમવા માટે મોકલી. આજે શોભનાનો સ્વભાવ પણ સાવ અલગ દેખાઈ રહ્યો હતો. હોસ્ટેલમાં બધા ઉપર રોપ જમાવતી શોભના આજે બધાની મોટી બહેન બનીને બધાને સમજાવી રહી હતી. મને અને મેઘનાને પણ એને સમજાવ્યા. પણ અમે માન્યા નહીં.
સુસ્મિતા અમારી મિત્ર જ નહીં સગી બહેન જેવી બની ગઈ હતી.  અને છેલ્લા કેટલાય દિવસથી તો મારી નિકટતા એની સાથે વધી હતી. અમે બંને એકબીજા સાથે વાતો પણ શૅર કરવા લાગ્યા હતા. અને અચાનક આમ સુસ્મિતાનું અમને છોડીને ચાલ્યા જવું હૃદયને હચમચાવી નાખતું હતું. 
રાત્રે અગિયાર વાગે હોસ્ટેલના કમ્પાઉન્ડમાં એક ગાડી દાખલ થઈ. ગાડીમાંથી થોડા લોકો ઉતર્યા. સુસ્મિતાના ઘરેથી જ બધા આવ્યા હોય એમ લાગ્યું. રેક્ટર મેડમ એ લોકોને લઈને ઉપર જ્યાં સુસ્મિતાને લઈને અમે બેઠા હતાં ત્યાં આવ્યા.સુસ્મિતાની મમ્મી સુસ્મિતાને વળગીને ચોધાર આંસુએ રડવા લાવી. તેના પપ્પાની આંખો પણ આંસુઓથી ભરાઈ આવી. અમે પણ તેમને જોઈ રડવા લાગ્યા. સુસ્મિતાના મમ્મી પપ્પાને અમે પહેલીવાર જોઈ રહ્યાં હતાં. થોડીવારમાં હોસ્ટેલના ટ્રસ્ટીની ગાડી પણ હોસ્ટેલમાં આવી. એ લોકો સીધા જ ઉપર આવ્યા. સુસ્મિતાના પપ્પા સાથે કઈ વાત કરવા લાગ્યા. સુસ્મિતાની મમ્મીને વળગીને  હું શોભના અને મેઘના રડવા લાવ્યા. સુસ્મિતાએ અમારા વિશે ઘરે વાત કરી હશે એટલે એના મમ્મી અમને નામથી ઓળખતા. રડતાં રડતા જ એમને અમને પૂછ્યું :
 "શું થયું હતું સુસ્મિતાને ? કેમ એને આવું પગલું ભર્યું ?"
શોભનાએ જ જવાબ આપ્યો: "અમને પણ કઈ સમજાતું નથી કે એને આમ કેમ કર્યું ! કાલે રાત્રે તો મોડા સુધી એને અમારી સાથે રૂમમાં બેસી અને મઝાક મસ્તી કરી હતી. અને સવારે ઉઠયા ત્યારે ....." આટલું બોલતા જ શોભના પણ વધુ રડવા લાગી. સુસ્મિતાની મમ્મીની આંખમાં આંસુઓ પણ વધવા લાગ્યા.
થોડીવાર ટ્રસ્ટી અને સુસ્મિતાના પપ્પા વચ્ચે વાતો ચાલી. સુસ્મિતાના પપ્પા જણાવી રહ્યાં હતાં : "અમારે કોઈ પોલીસ ફરિયાદ નથી કરવી, જે થવાનું હતું એ થઈ ગયું. અને એમ પણ શું મળવાનું છે મને પોલીસ ફરિયાદ કરી ? જામનગરથી મુંબઈ અવવામાં જ સમય નીકળી જશે. અમે સુસ્મિતાને ઘરે લઈ જઈએ છીએ." 
થોડીવારમાં સુસ્મિતાના મૃત શરીરને તેના પપ્પા ત્યાંથી ઉપાડી નીચે ઉતર્યા. હું, શોભના અને મેઘના, સુસ્મિતાની મમ્મી સાથે અમારી રૂમમાં ગયા. ત્યાંથી સુસ્મિતાનો બધો સામાન અમે એની બેગમાં ભર્યો. સમાન સાથે લઈ અમે પણ નીચે ઉતર્યા. સુસ્મિતાને રડતાં મોઢે વિદાય આપી અમારી રૂમમાં આવ્યા.
સુસ્મિતાના મમ્મી પપ્પાના ગયા બાદ હોસ્ટેલના ટ્રસ્ટીની ગાડી નીકળી. હોસ્ટેલમાં સાવ સન્નાટો છવાઈ ગયો. રૂમનો દરવાજો બંધ કરી અમે ત્રણ રૂમમાં બેસી સુસ્મિતાના ખાલી પડેલા બેડને જોઈ રડવા લાગ્યા. શોભના હવે થોડી કઠણ બની અમને સાચવવા લાગી. ઉંમરમાં એ અમારા બંનેથી મોટી હતી. એક મોટી બહેનની જેમ એ અમને સમજાવવા લાગી. નાહીને ફ્રેશ થવા માટે અમને કહ્યું. અમારું મન નહોતું છતાં શોભના બળજબરીથી અમને નાહવા માટે લઈ ગઈ.  બાથરૂમ તરફ જતાં જ સુસ્મિતાની યાદ પાછી ફરી વળી. જે બાથરૂમમાં સુસ્મિતાએ આત્મહત્યા કરી હતી એ દરવાજો ખુલ્લો હતો પણ કોઈ એમાં ગયું નહિ. પણ આંખો સામે સુસ્મિતા ત્યાં લટકતી હોય એવો આભાસ થયો.
નાહ્યા બાદ શરીર થોડું હળવું લાગ્યું. આંખો દિવસ રડવાના કારણે આંખોમાં પણ ઊંઘ ભરાઈ હોય એમ લાગી રહ્યું હતું. નાહીને અમે ત્રણ સાથે જ રૂમમાં આવ્યા. બીજા દિવસે કૉલેજ જવાની અમારા ત્રણમાંથી કોઈની ઈચ્છા નહોતી. 
પોત પોતાના બેડ ઉપર આવી અમે બેઠા. શોભનાએ અમને બંનેને શાંતિથી સુઈ જવા માટે કહ્યું. આંખોમાં ભરપૂર ઊંઘ હતી. પણ સુસ્મિતાનો અમને છોડીને ચાલ્યા જવાનો વિચાર આંખ બંધ થવા દે એમ નહોતો. શોભનાએ ઊભા થઈ રૂમની લાઈટ બંધ કરી દીધી. જેથી કરી અમે સુઈ શકીએ. હું પણ જાણતી હતી કે શોભના પણ સુઈ નહિ શકે. તે છતાં અમે સુઈ જઈએ એ માટે એ પોતે પણ કઈ બોલ્યા વિના તેના બેડમાં સુઈ ગઈ. મારી આંખો સામે તો સુસ્મિતા જ નજર આવતી હતી. એની વાતો, આગળના દિવસે હોસ્પિટલ જઈ એબોર્શન કરાવ્યાની ઘટના બધું જ મારી આંખો સામે ચાલવા લાગ્યું. મનોમન વિવેક માટે ગુસ્સો ઉભરાઈ આવ્યો. પણ હું લાચાર હતી. શું કરી શકું સુસ્મિતા માટે ? શોભનાને આ વાતની જાણ કરવી કે નહીં એમ વિચારતી રહી. ઘણીવાર સુધી વિચાર્યા બાદ નક્કી કર્યું કે સવારે શોભનાને બધી વાતની જાણ કરી દઈશ. વિવેકને સબક તો શીખવાડવો જ રહ્યો એમ વિચારી સુવાનો નિરર્થક પ્રયાસ કરવા લાગી. આંખ બંધ કરી અને ક્યારે સુઈ ગઈ એની ખબર ના રહી. એ રાત્રે મને સ્વપ્નમાં સુસ્મિતા આવી. જે મને કઈક કહી રહી હતી. 

(સુસ્મિતાનું આત્મહત્યા કરવાનું પગલું કેટલું યોગ્ય હતું ? શું કાવ્યા શોભનાને સુસ્મિતા વિશે જણાવી વિવેકને સબક શીખવાડશે ? કાવ્યના સ્વપ્નમાં આવી સુસ્મિતાએ શું કહ્યું હશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના રોમાંચક પ્રકરણો.)

લે. નીરવ પટેલ "શ્યામ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED