નથણી ખોવાણી - પ્રકરણ - ૨૩

" બેટા !  હું સમજું છું કે આવા સમયે  મા ની યાદ આવી સ્વાભાવિક છે.  " બા એ‌  હુંફાળી લાગણી સાથે કહ્યું. 

 " બા ! તમે તો‌ મારી મમ્મી  ની કમી ‌મને ક્યારેય મહેસૂસ નથી થવા દીધી. પણ‌ કોણ જાણે કેમ આંખો ભરાઈ આવી . " કહી આકાંક્ષા એ આંસુ લુછયા. 

બા એ થેલી માં થી ડબ્બો બહાર કાઢ્યો અને ખોલ્યો તો આખા રુમ માં શીરા  ની સુગંધી પ્રસરાઈ ગઈ. આકાંક્ષા નાં ચહેરા પર ચમક આવી ગઈ .  " બા ! તમે શીરો બનાવ્યો !  " 

" હા ! તો તું તો રોજ અમારો ખ્યાલ રાખું છું.  આજે મને મોકો મળ્યો તો એમ થોડી જવા દઉ. " કહી બા હસ્યા. 

આકાંક્ષા એ ખુશ થઈ ને ડબ્બો હાથ માં લીધો.પછી કહ્યું , " પણ બા ડૉક્ટર ને ખબર પડશે તો ! કદાચ ! " 

 " મારી પાસે મોકલજે . હું છું ને ! તું તારે  ખા ગભરાયા વગર  ! " બા એ કહ્યું. 

" તમે  શીરો ખાધો બા? " આકાંક્ષા એ પૂછ્યું.

" મેં તો શું  !  આજુબાજુ  માં  આડોશ પાડોશ  ને  પણ  આપ્યો. ભગવાન ને આજે શીરા નો પ્રસાદ ધર્યો હતો  અને પછી પહેલો તારા માટે કાઢી ને બધાં ને વહેંચ્યો. અમોલ માટે ઘરે રાખ્યો છે. એ છો જતો ઘરે !  હું બેઠી છું અહીં  તારી જોડે . "  બા એ કહ્યું.

 " બા ! કોઈ જરૂર નથી. હવે આકાંક્ષા ને સારું છે. અને હું  ઘરે થી  ફ્રેશ થઈ ને  તરત પાછો આવું છું .  તમને મળી ને સંતોષ થાય એટલે જ  મેં ગૌતમ ને  કંઈ ના કહ્યું.  " અમોલે કહ્યું.

 એટલા માં  નર્સ આવી , ફરી બી. પી. અને પલ્સ માપવા માટે  . અમોલે  નર્સ ને પૂછ્યું , " એને જમવા માં શું આપવા નું ? "

" બધું જ ! હવે તાવ નથી તો કંઈ પણ ચાલશે. " કહી  નર્સ ચાલી ગઈ.

" બા ! તમે‌ પણ ઘરે જાવ. કદાચ સાંજે રજા આપી દેશે. તમે હશો તો કૃતિ બહેન ને થોડો  ફર્ક પડશે . " આકાંક્ષા એ કહ્યું. 

" ચાલ તો આપણે જઈએ   ! તો તારા થી જલ્દી પાછું અવાય . અને આકાંક્ષા માટે પણ ટીફીન મોકલાવું . " કહી  બા ઉઠ્યા . અમોલ અને બા ઘર તરફ‌ નીકળ્યા. ગૌતમ પણ એની  જૉબ પર જવા નીકળ્યો.

         આકાંક્ષા એ ડબ્બો બંધ કરી ટેબલ પર મૂક્યો અને  આરામ કરવા લાગી. ડૉ.ભારતી આવ્યા . આકાંક્ષા એમને જોઇને ઉઠવા ગઈ. પરંતુ  ડૉક્ટરે ઈશારા માં ઉઠવા ની ના પાડી. રિપોર્ટ ચેક કર્યાં  બાદ આકાંક્ષા ને કહ્યું ,  " રિપોર્ટ નોર્મલ છે. પરંતુ આકાંક્ષા એ નહીં ભૂલવા નું કે તારી દરેક  સ્થિતિ ની અસર તારા બાળકો ઉપર પડે છે. કોઈ પણ પ્રકાર નાં માનસિક તણાવ થી દૂર રહેવુ હિતાવહ છે  તારા માટે .  ખુશ રહે,  તો તબિયત  પણ સારી રહેશે  . અને કોઈ એવી વાત હોય જે તું બીજા કોઈ ને ના કહી શક્તી હોય  અને  તને યોગ્ય લાગે તો તું મને કહી શકે છે!!  મારા તરફ થી પૂરતો પ્રયત્ન કરીશ તને મદદ કરવા નો .  "  આકાંક્ષા એ વળતા માં ફક્ત સ્મિત આપ્યું.  એ કશું જ બોલી ના શકી. 

         ડૉક્ટર ને વધારે  ફોર્સ કરવાનું યોગ્ય ના લાગ્યું તેથી   તેઓ એમના કૅબિન માં ગયા. આકાંક્ષા એ આંખ બંધ કરીને ઊંઘવા નો પ્રયત્ન કર્યો પરંતુ ઊંઘી ના શકી . આંખ ખોલી તો સામે  સિદ્ધાર્થ ઊભો હતો. આકાંક્ષા ને  કશું સમજ  નહોતું આવી રહ્યું કે એ સાચે જ સિદ્ધાર્થ છે કે એની  ભ્રાંતિ . એ ફક્ત સિદ્ધાર્થ સામુ જોઈ રહી. સિદ્ધાર્થે પૂછ્યું , " કેમ છે હવે ? " 

  " સારું છે ! " આકાંક્ષા એ બેસતા કહ્યું. 

" તું તારે આરામ કર. આ તો હું અહીં થી  જતો હતો તો થયું તને મળતો જવું. " સિદ્ધાર્થે કહ્યું.

" તમને કેવીરીતે ખબર પડી  કે  હું અહીં  છું ? " આકાંક્ષા એ પૂછ્યું.

" ડૉ.ભારતી મારા ફ્રેન્ડ છે. એમની સાથે વાત થઈ હતી . આકાંક્ષા  ! એક વાત પૂછું ? કઈ  વાત નું  ટેન્શન છે તને ? "  સિદ્ધાર્થે પૂછ્યું. 

" કેમ એવું પૂછો છો ? " આકાંક્ષા એ વળતો સવાલ કર્યો.

"  ગોળ ગોળ વાત નહીં ફેરવું  .પણ સાચું કહું તો મને ખબર છે કે તને કઈ વાત નું  ટેન્શન છે? "   સિદ્ધાર્થે સીધી વાત કરતા કહ્યું.  આકાંક્ષા ચૂપચાપ સિદ્ધાર્થ ને જોઈ રહી. 

"   મને ખબર નથી કે હું તને સલાહ આપવા જેટલો યોગ્ય છું કે નહીં પરંતુ એક વાત કહીશ કે જે  સંજોગો પર આપણો કંટ્રોલ નથી ને એના વિશે વિચારી ને દુઃખી નહીં થવાનું. " કહી સિદ્ધાર્થ અટકી ગયો. એને જે કહેવું હતું એ સ્પષ્ટપણે કહી ના શક્યો.

" એટલે હું સમજી નહીં. તમને શું ખબર છે ? અને કયા સંજોગો ? " આકાંક્ષા એ પૂછ્યું .

" મેં અમોલ ને ફોન પર વાત કરતાં સાંભળ્યો હતો. હું સમજી ગયો કે એને લગ્ન બાહ્યેતર સંબંધ છે અને  એ વાત તને અંદરોઅંદર ખાઈ રહી છે. "  સિદ્ધાર્થ  એના શબ્દો  માં  થોડી સ્પષ્ટતા લાવી રહ્યો હતો . 

" ના ! વાત એ નથી . " આકાંક્ષા એ કહ્યું.

" તો ! બીજું શું હોઈ શકે ? " સિદ્ધાર્થ  ને  આકાંક્ષા ની વાત થી તદ્દન  આશ્ચર્ય થયું.

" એના માટે હું  જ  ક્યાંક ને ક્યાંક જવાબદાર છું .  કદાચ  હું જ કશું ચૂકી ગઈ  !!  નહીં તો અમોલ ને કોઈ બીજી સ્ત્રી પ્રત્યે આકર્ષણ કેમ થાય ?  " આકાંક્ષા એ નિઃસાસો નાખ્યો .

" ઓહ! તો તું અમોલ નાં દોષ નો ટોપલો તારા માથે લઈ રહી છું ? મને તો આમાં તારો કોઈ જ વાંક નથી દેખાતો !!!  જ્યાં સુધી હું તને ઓળખું છું તું કોઈ કજિયા કંકાસ કરવા વાળી સ્ત્રી નથી કે એ કંટાળી ને બીજી સ્ત્રી તરફ વળી જાય . આ માં એની પોતાની ઇચ્છા છે . અને એના માટે તું જવાબદાર નથી .  સહેજેય નથી !!!! " સિદ્ધાર્થે  આકાંક્ષા ને સમજવા ની કોશિશ કરી . 

     પરંતુ આકાંક્ષા આ બધાં માં ખુદ ને જ દોષી માનતી હતી.   સિદ્ધાર્થ પામી ગયો કે આકાંક્ષા નાં મન માં અત્યારે શું ચાલી રહ્યું હશે અને તેથી એણે વધુ ચોખવટ કરતાં કહ્યું ,  " આકાંક્ષા !  મને ખબર છે કે તારી આ મનોસ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક હું પણ જવાબદાર છું. મારી નાદાનિયત  ના લીધે  મેં તને મારા થી દૂર કરી દીધી અને હવે અમોલે ! એટલે તને લાગે છે કે અહીં ક્યાંક તું ચૂકી ગઈ. પરંતુ એ સત્ય નથી.   અને હું દિલ થી એ વાત માટે માફી માગું છું. થઈ શકે તો મને માફ કરજે.  "  સિદ્ધાર્થે પોતાના દિલ ની વાત કહી.

       પરંતુ આકાંક્ષા હજી પણ ચૂપ હતી. સિદ્ધાર્થ ને એ વાત ખટકી રહી હતી.  " તું આમ ચૂપ ના રહે ! કશુંક તો બોલ . તારો ગુસ્સો  , કે નારાજગી જે વ્યક્ત કરવું હોય એ કર  , પરંતુ  બોલ ! તારું દિલ ખોલીને વાત કર , આકાંક્ષા !  મન માં  દબાવેલી વાતો ખૂબ જ   ખતરનાક હોય છે.  પોતાના માટે નહીં તો કમસેકમ તારા બાળકો નો વિચાર કર. તારી માનસિક સ્થિતિ ની અસર સીધી એમના પર પડી રહી છે . " 

 " શું કહું ? કોને કહું ? ઝગડો કરું ? કોની સાથે કરું ? અમોલ કે તન્વી સાથે ?  નથી કરી શકતી ? હું ઝગડો નથી કરવાં માંગતી . અને તમે‌ કહો છો ને બાળકો નો વિચાર કરી બોલ??? હું બાળકો નો વિચાર કરી ને જ ચૂપ  બેઠી છું . આ દુનિયા માં આવતા પહેલા જ  એમના માટે આવી પરિસ્થિતિ.  !!!   " આકાંક્ષા કહેતા ‌કહેતા  સહેજ અટકી .   " એ લોકો  લીવ ઈન રિલેશન શીપ માં રહેશે .. મને ખબર છે અમોલ એજ દિવસ ની રાહ જોવે છે કે જ્યારે અમારા બાળકો આ દુનિયા માં આવશે . અને  હું  એ દિવસ ની  રાહ  આતુરતા પૂર્વક   પણ  નથી જોઈ શકતી . ના તો  ઉત્સાહીત  મન થી ;  ના તો ક્ષુબ્ધ ચિત્તે  ! કેવી વિડંબણા છે મારી ?  કહી આકાંક્ષા ની આંખો માં થી આંસુ સરી પડ્યા. 

( ક્રમશઃ ) 


   

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sudhirbhai Patel 1 માસ પહેલા

Verified icon

mili 4 માસ પહેલા

Verified icon

Rajni Dhami 4 માસ પહેલા

Verified icon

Bhavin 5 માસ પહેલા

Verified icon

Nisha Jani 5 માસ પહેલા