Featured Books
શ્રેણી
શેયર કરો

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 37 - 38

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ ૩૭

દાદીમા ઊઠ્યાં રાત્રે કે જ્યારે સુધાનો સુવાનો સમય થતો હતો. જેટલેગ ભારતથી આવનારાનો લાંબો ચાલતો હોય છે. દાદીમાનું જમવાનું એક થાળીમાં પિરસાઇને ડાઇનિંગ ટેબલ ઉપર મુકાઈ ગયું હતું. સુધાએ શાક અને ખીચડી માઇક્રોવેવ કરીને થાળી ગરમ કરી. ખીચડી, શાક અને મોળી છાસ હતી. બીજું જે ખાવું હોય તે સૌના ડબ્બા મૂકેલા હતા. ખાસ તો તેમની ભાવતી મીઠાઇઓ – સોનપાપડી અને મોહનથાળ ડબ્બામાં હતાં. ૮૫ વર્ષે તેમને કોઈ રોગ નહોતો એટલે કશું ના ખાવાનું હતું જ નહીં. પણ જરૂરિયાત કરતાં વધુ ન ખાતાં દાદીમાએ સુધાને પૂછ્યું, “કેટલા વાગ્યા છે ?”

“રાતનાં દસ.”

“ભારતમાં કેટલા વાગ્યા હશે?”

“દીવાલ પરની ઘડિયાળ ભારતીય સમય બતાવે છે તે મુજબ સવારના સાડા નવ.”

“ગટુ શું કરે છે?”

“શું બા! હું હજી કામ કરું છું.” ગટુ તેના રૂમમાંથી બોલ્યો.

“અને નાનિયો?”

“શું બા ? હું ગટુ સાથે બેઠો છું. તમે ફ્રેશ થઈ જાવ પછી સાથે ખીચડી ખાઈશું.”

“અમે બે પણ તમને કંપની આપશું.” ગટુ બોલ્યો.

ચારે જણા સાથે જમ્યાં. સુધા બોલી, જમાલપોરમાં સાથે જમતાં હોય તેવો અનુભવ થયો. દાદીમાની હાજરીને લીધે પ્રસન્નતા ચારેયનાં મોં ઉપર હતી. ખીચડી, શાક, દહીં અને ભોલર મરચાં સાથે આવતી પરિતૃપ્તિ અજબ હતી.

રાતના અગિયાર વાગતા હતા. દાદીમાએ તેમની યાદોનો પટારો ખોલ્યો. સુધાના જન્મથી કૉલેજ સુધીની વાતો થતી હતી અને તેમાં ખૂબ અગત્યનું પ્રકરણ હતું ગટુ પ્રત્યેનું સુધાનું આકર્ષણ. દાદીમા સૌ પ્રસંગોનું સુધાના મુખે વિવરણ સાંભળે અને કહે, “ગટુ ક્યારેય પહેલ નથી કરતો. હું છોકરી જાત. આવી પહેલ કરું તો કેવું લાગે?”

પહેલે આપ, પહેલે આપમાં જિંદગીનાં અણમોલ ૨૫ વરસ તો બગડી ગયાં. ત્યાર પછી કૉમ્પ્યૂટરના વધુ અભ્યાસ માટે જ્યારે ઑસ્ટીન આવ્યો ત્યારે પણ પહેલ તો સુધાએ જ કરવી પડી. આ પ્રકરણ લાંબું ચાલત પણ ફોન આવતાં ગટુને જવું પડ્યું. તેની પાછળ ગટુએ કાકા શેઠ! કહી બુમ પાડી. ફોન ઉપર એટીએંડટી કંપનીનો પ્રતિનિધિ હતો.

ફોનના સાદા મોડેલમાં સેન્ડી ઇન્વેન્ટરનો સોફટવેર નાખવાનો અને તે સોફ્ટવેરની ટ્રાયલ કરવાની બાબતે વિગતે ચર્ચા થતી હતી. તેમનો સેલ્સનો માણસ હતો અને ૧૦૦૦૦ ફોન ઉપર લોગો એટીએંડટી રાખવા સમજાવતો હતો. જ્યારે ગટુ બીજી બાબતો પણ જાણવા માંગતો હતો. જેવી કે હાર્ડવેર એકલું જ જોઈએ છે? સર્વર કે સીસ્ટમ સપૉર્ટ વિના તેટલા ફોન કેટલા સમયમાં મળી જાય? કેટલી કિંમત લાગે ? તેનો જવાબ બેત્રણ વખત ફોન ઉપર ફર્યા પછી મળ્યો કે તેમનો ક્વોલિફાઇડ એન્જીનિયર શીકાગોથી તેમને મળવા આવે છે.

ગટુ કહે, “પહેલાં આપ અમારી જરૂરિયાતો પૂરી કરી શકશો કે નહીં તે જણાવો પછી આપણે વાત કરીએ. ઈમેઇલ એડ્રેસ ઉપર સ્પેસિફિકેશન મોકલાવું છું.”

ગટુ સ્પેસિફિકેશન તૈયાર કરવા ફોનનું ચિત્ર લઈને બેઠો. બે મોડેલ – ૧. જેમાં સામાન્ય ફોનની બધી ફેસિલિટી ઉપરાંત વીડિયોની સ્ક્રીન અને કૅમેરા મૂક્યો. માઇક ટેપ કરવાની ફેસિલિટી અને મ્યૂઝિક અને બેતરફી વાત થાય તેવો વૉકીટૉકી પણ મૂક્યો. રેડિયો પણ મુક્યો.

મોડેલ ૨. આ બધી ફેસિલિટી ખરી પણ તેનો કન્ટ્રોલ સોફ્ટવેર કરે. રંગ જુદો, સાઇઝ નાની. સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દસ જણાના સમૂહમાં પ્રયોગ કમ ડેમોન્સ્ટ્રેશન થયા પછી આગળ વાત થશે.

આ ઇમેઇલ જતાંની સાથે શિકાગોમાંથી તેમની ટીમ એલપાસો આવવા નીકળી જશે. ત્રણ જ દિવસમાં દસ નાના ફોન અને ત્રણ મોટા ફોન સાથે ત્રણ ટૅકનિકલ માણસો આવવાની વળતી ઇમેઇલ આવી ગઈ. તેમને ઍરપૉર્ટથી મોટેલ પર લાવવા જોન અંકલ અને નાના શેઠ જવાના હતા.

***

પ્રકરણ ૩૮

શિકાગોથી ત્રણ ટૅકનિશયનો આવ્યા હતા. બે ચાઈનીઝ હતા અને એક બ્રિટીશર હતી. ગટુ અને સુધાએ તેમને તેમની મોટેલમાં ઉતારો આપ્યો હતો. મોટેલના કોન્ફરન્સરૂમમાં સૌને કનેક્શન અને ઇન્ટરનેટ ફેસિલિટી આપી હતી. જોન અંકલ સેન્ડી ઇન્વેન્ટરના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર હતા અને નાના શેઠ ચૅરમેન હતા. ત્રણે ત્રણ જણને આ બાતમી ખાનગી રાખવાના કાગળો પર પહેલાં સહી કરાવી લીધી. પછી સુધાએ વાત શરૂ કરી.

કૉમ્યુનિકેશન માટે જરૂરી એવા સાધન માટેનો સોફ્ટવેર અમે બનાવ્યો છે અને તે સોફ્ટવેરનું હાર્ડ્વેર આપ અમને આપશો એ આશાએ આપણે આજે મળીએ છીએ.

બે સાધનો માટે બે જુદાંજુદાં સોફ્ટ્વેર અમે બનાવ્યાં છે. સાધન ૧ને અમે કાયદાકીય ભાષામાં બ્રિગેડિયર કહીએ છીએ. જેનો આખા પ્રોગ્રામ ઉપર કાબૂ છે. બીજા પ્રોગ્રામને સૈનિક કહીએ છીએ જેમણે બ્રિગેડિયરને રિપૉર્ટ કરવાનો છે.

મોડેલ ૧માં આપણાં બધાં જ નિયંત્રણો ફોનધારક પોતાની પાસે રાખે છે. જેમ કે આ સાધન બ્રિગેડિયરની અનુમતિથી જ ચાલે. તે ના હોય તો તે ખાલી સાદો ફોન.

એક નિયંત્રણથી દસેદસ હજાર ફોન ઉપર બ્રિગેડિયરની વાત એક સમયે સંભળાય. પરંતુ આ એકતરફી વાત, એટલે સૈનિક કોઈ પ્રત્યુત્તર ના આપી શકે.

બીજા નિયંત્રણથી બ્રિગેડિયર જેની સાથે વાત કરવી હોય તેની બીજી ચેનલ ખોલીને બેતરફી વાત કરી શકે.

ત્રીજું નિયંત્રણ એવું કે આ દરેક વાત સર્વર ઉપર ટેપ કરી શકાય.

ચોથું નિયંત્રણ બધી વાતો સમયના આધારે ત્યારે જ હટાવી શકાય કે જ્યારે બે ઉચ્ચ અધિકારી જવાબદારી સ્વીકારી તેને કાઢવા માંગે.

દસ હજાર ટેલિફોનને જુદા નંબર અપાય, તે નંબર ઉપર અંદરોઅંદર વાત કરી શકાય. પણ યાદ રહે, તે બધી વાતો ટેપ થતી હોય.

ત્રણે અધિકારી બધી વાત સાંભળતા હતા. ત્યારે એક અધિકારી બોલ્યો, આ મિલિટરીનો પ્રોગ્રામ છે?

સુધાએ કહ્યું, અમારા ક્લાયંટ સાથે અમે સિક્રસીથી બંધાયેલા છીએ.

લંચમાં સેન્ડવીચ સર્વ થઈ. અને એક ટેલિફોનમાં પહેલો પ્રોગ્રામ લોડ થયો. અને બીજા દસ ફોનમાં બીજો પ્રોગ્રામ લોડ થયો.

જોન હવેના પ્રયોગમાં જોવા માંગતા હતા કે કેટલા ક્રાઇટેરીઆ સફળતાને વરે છે. સિસ્ટમ ચાલુ કરવાનો પહેલો પાસવર્ડ નાખ્યો એટલે પહેલો ફોન શરૂ થયો. ફરીથી પાસવર્ડ નાખ્યો એટલે દસ મોડેલ દસે દસ ફોન ચાલુ થયાના સંકેતો થયા. તે દસે દસ ફોન લઈને દસ વોલંટિયર જુદા જુદા રૂમમાં ગયા. અને તેમને સાથે સાથે પેપર અને પેન આપ્યાં. ફોન ઉપર નાના શેઠ તમને જે સંદેશો આપે તે લખી લેજો. પછી નાના શેઠ તમને ફોન ઉપર તે સંદેશો પૂછશે, તો ત્યાંથી જ જવાબ આપજો. સુધાએ નાના શેઠના ફોન ઉપરથી સંદેશો આપ્યો, “અલપાસો રિસોર્ટનો પ્રોજેક્ટ સફળ થશે.”

ફોન ઉપર બીજી ચેનલ એક પછી એક ખોલીને દરેકે દરેકે શું સાંભળ્યું તે પૂછ્યું. દસે દસના જવાબ સાચા હતા.

સર્વર ઉપર દરેકના જવાબો અને સવાલો ટેપ થયેલા હતા. પહેલા ત્રણ તબક્કે સોફ્ટવેર સફળ હતો.

આ ટેપ થયેલો ડેટા કાઢવાનો ઓર્ડર અપાયો ત્યારે બે અધિકારીની પરવાનગી માંગી જે સુધાએ અને ગટુએ આપી ત્યારે ડેટા ભુંસાયો. પણ બે અધિકારીનાં નામો સાથે ઇન્સીડન્ટ સચવાયો.

હવે તે દરેકને એકથી દસ જણા વચ્ચે અંદર અંદર વાત કરવા કહ્યું. ડાયલ ઉપર જે તે ૧થી દસ નંબર લગાડવાના હતા. દરેક્ની વાતો ટેપ થવાની હતી. નંબર એકને સંદેશો અપાયો. ૨ ડાયલ કરી થોડી સિઝન વિશે વાત કરો. નંર ૩ને કહ્યું, ચાર ડાયલ કરો અને વાત કરો. આવતી કાલે વરસાદ છે. આ બધી વાતો ટેપ થઈ અને બધાએ સાંભળી. આમ પ્રયોગ સફળ થયો અને જોન કહે, મિલિટરીમાંથી અધિકારીને બોલાવીને એટીએંડટીમાં ઓર્ડર અપાવી દઈએ.

***