ચલો અમેરિકા - વિના વિઝા
વિજય શાહ
પ્રકરણ – ૧૭
બધાં સેન્ટર ઉપર વાત એક સરખી રહી અને એક જ ફોન ઉપર જે વાત જ્યારે ગટુ કરતો તે વાત તે સમયે ૬ સેન્ટર ઉપર થતી રહી. પાંચ વાગ્યા પછી બધાં ફોર્મ અને તેમના પાસપૉર્ટની નકલો આપી ગયા. અને ફોર્મ ચકાસણી કર્યા બાદ બે દિવસ પછી બધાને બોલાવવામાં આવ્યા અને જાણીતા અને જે રહી ગયા છે તે બધાને ત્રીજે દિવસે બોલાવવામાં આવ્યા.
સાંજે જમ્યા પછી તે બધા ભેગા થયેલા પેપરને સ્કેન કરીને ફેક્ષ કરી દેવાયા. કુલ્લે ૬ સેન્ટર ઉપરથી ૬૪૧ અરજી હતી. નાના શેઠની ઓફિસમાં તે અરજીઓ ચૅક કરાઈ અને ડોક્યુમેંટ્સમાં ખૂટતી જગ્યાએ વિગતો મંગાવી. આ આખું કામ તેના સ્ટાફે સાંજના સાત વાગ્યે પૂરું કર્યુ અને ભારતની વહેલી સવારે છએ છ સેન્ટર ઉપર ફેક્ષ થયું ત્યારે વહેલી સવારે ભારતમાં અરજીમાં જરૂરી વિગતો ભરવાની નોંધ આવી.
બીજા દિવસે અરજી ખરાઈની નોંધ લઈ જે તે અરજી કરનારને જાણ કરી દેવાઈ અને તે લઈને બુધવારે બપોરે તેઓને બોલાવાયા.
બીજા દિવસે સવારે નજીકના ગામેથી આવનારાને સવારે બોલાવ્યા હતા. બુધવારનાં છાપાંમાં જાહેરાતો સુધારાઈ હતી. દરેકની હોટેલનાં સરનામાં હતાં. બીજા દિવસે આવનારાની સંખ્યા વધારે હતી. અને અમેરિકાથી આવેલી અરજીઓમાં ખૂટતી વિગતો ભરીને પાછાં મોકલવાનાં હતાં.
ગટુ વિચારતો, તેના ભાઈબંધો આવું ક્લેરીકલ કામ કેવી રીતે કરતા હશે? પણ કબીર બોલ્યો, કામ નવું છે પણ શીખવા સરસ મળે છે. અઢી વાગ્યે પહેલી બૅચનાં સૌનાં ફોર્મ સુધરાવી લીધાં અને ફેક્ષમાં આવેલા તેઓના એપોઇટ્મેન્ટ લેટર તેઓને અપાઈ ગયા. જેઓ ડૉક્ટરી સર્ટિફિકેટ કે ખૂટતી વિગતો લાવી નથી શક્યા તેઓનો કેસ પાંગળો બને છે.
ઉદાહરણ તરીકે જન્મ તારીખનું સર્ટિફિકેટ વિના લખાયેલી જન્મ તારીખ સ્વીકાર્ય ના બને. અમેરિકન અરજીમાં તે અંગ્રેજીમાં જોઈએ. સરનામું આધાર કાર્ડના આધારે જોઈએ અથવા ઇલેક્ટ્રિક બિલ અથવા રેશન કાર્ડના આધાર સાથે જોઈએ. જાહેરાતમાં આ બધી જરૂરિયાતો બતાવી છે છતાં ક્યાંક ક્ષતિ થાય છે ત્યારે દોષનો ટોપલો પાંચેય નવા નિશાળિયા અને ગટુ પર આવે છે.
શુક્રવારે સુધરેલી અરજી અને નવી અરજીઓ ભેગી થઈને સરવાળો ગટુએ કાઢ્યો તો કુલ છ સેન્ટર ઉપર ધાર્યા કરતાં ઘણું સરસ કામ થયું હતું. ૧૨૩૯ અરજી હતી. સહુથી વધુ અરજી મુંબઈ પરથી હતી. પછી સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને આહવા હતાં.
નાના શેઠ ગટુ અને તેના મિત્રોના કામથી પ્રસન્ન હતા. તેમને આશા તો હતી જ કે ગટુ ભલે નારાજ છે પણ તે કામ સફળતાપૂર્વક કરશે જ. હવે પ્રશ્ન એ હતો કે બાકીની ૨૩૯ અરજીનું શું કરવું?
જોનને આ સમાચાર આપતાં નાના શેઠે કહ્યું, “આ વખતે મારી ટીમ ૧૨૩૯ માણસોને લાવવામાં સફળ રહી તો હવે ૨૩૯ અરજીનું શું કરશું?”
આગળના ૧૨૦ને ઉમેરી દો એટલે ૧૩૪૯ને આપણે દાખલ કરીએ છીએ. નવો કાયદો એલપાસો લેબરર લૉ હેઠળ તેમને અહીં બોલાવી લો અને તેમને ટેક્સાસમાં બાંધવા મળેલી મોટેલ પ્રોજેક્ટમાં મૃકી દો. અલપાસો રિસોર્ટ આખા ટેક્સાસમાં ૧૩૫૦ કરતાં વધુ બિલ્ડીંગો બાંધે છે. આવતા સોમવાર પહેલાં તેઓને ૩ વરસના વિઝા અપાવી દો.
“મારી પાસે તૈયાર છે તે અરજીઓ મોકલું છું. અને તેમનો વિઝા અને ટિકિટો કઢાવવાની છે.”
“ભલે, કાગળો મને મોકલાવી દો.”
“ભલે. ૧૨૩૯ના પેપર સોમવારે મોકલાવી દઉં છું. ત્યાં મુંબઈથી અલપાસોની ચાર સ્પેશિયલ ફ્લાઇટ રવિવારે નીકળશે અને રવિવારે સાંજે અહીં આવી જશે.”
“ભલે જોન ! થેંકયુ.”
નાના શેઠ વિચારી રહ્યા હતા, ગવર્ન્મેન્ટમાંથી વિઝા કઢાવવાના અને બધાને એક સાથે લાવવા માટે ૪ વિમાનો દોડાવવાની કલ્પના પણ તે વિચારી શકતા ન હતા.
તરત ગટુને ફોન થયો. “બધાની અરજી અપાઈ ગઈ છે. ૧૨૩૯ ટિકિટો નીકળશે અને તેમને લાવવા સ્પેશ્યલ ૪ વિમાનોમાં તેમણે આવવાનું થશે. વિમાનમાં બધા બેસે પછી ભારતીય પાસ્પૉર્ટ ઉઘરાવી લેજે અને અલપાસોમાં સિક્કા મરાવીને તે પાસપૉર્ટ નાના શેઠ પાસે રહેશે. આખી ટીમ તે જ વિમાનમાં પાછી આવશે. તમે છ જણા મુંબઈમાં સાથે રહેજો. મહાલક્ષ્મીનાં દર્શન કરજો.
***
પ્રકરણ – ૧૮
ચાર જેટ વિમાનો ભરીને ૧૨૩૯ વત્તા ૬ એટલે ૧૨૪૫ પેસેંજરો અલપાસો (અમેરિકા) જશે તેવા આંતરિક સમાચારે મુંબઈ પોલીસને પણ સાવધ કરી દીધી હતી. મોટા ભાગના માણસો કારીગરો હતા અને આવી ટ્રીપ દુબઈ અને ગલ્ફ દેશો માટે જતી હતી પરંતુ અમેરિકા ક્યારેય જતી નહોતી. નાનાશેઠનું નામ આવતાં ભારતમાં આગળ શોધખોળ બંધ થઈ ગઈ. અલપાસોમાં જોનનાં વિમાનો છે તે વાતે સત્તાધારી પક્ષે ઉહાપોહ શરૂ કર્યો..ભારતથી કેમ માણસો આવે છે? જવાબમાં એટલું જ કહેવાયું કે ઉમદા ગુણવત્તા માટે ૩ વર્ષ માટે અહીં લવાયા છે. પ્રોજેક્ટ અલપાસો રિસોર્ટ સંપન્ન થાય ત્યાં સુઘી આ લોકો રહેશે અને ત્યાર બાદ તેઓ પરત થશે.
એ સત્ય છે કે તેઓને અહીં બીજું કામ મળી જાય છે અને તેઓ લાંબું રોકાય છે અને ધીમે ધીમે અહીંના કાયદા અનુસાર રહેવાની યોગ્યતા મળી જાય છે.
નીકળવાના દિવસે ઍરપૉર્ટ ઉપર બપોરે ૩ વાગ્યે બધાને મળવાનું હતું. સિક્યોરિટી અને સામાન ચૅકઅપ કરી સ્પેસિયલ ઍરપૉર્ટ પર અમેરિકન ઍરલાઇનના મોટાં બોઇંગ તેમની રાહ જોતાં હતાં. બરોબર સાતના ટકોરે બૉર્ડીંગ શરૂ થયું. બૉર્ડીંગ પાસ અને પાસપૉર્ટના આધારે સાડા આઠે ચારેય વિમાનોએ ૧૨૪૫ પેસેંજરોને લઈ અલપાસો તરફ પ્રયાણ કર્યું.
સાંજનું જમવાનું પત્યા પછી નાનાશેઠની વીડિયો ચાલુ થઈ. કાયદાને માન અને અમેરિકન રીત રિવાજનાં લેશન અપાયાં અને એકની એક જ વાતો જુદી જુદી રીતે રજૂ થઈ. અમેરિકામાં બને તો તબિયત નહીં બગડવા દેવાની અને કાયદો નહીં તોડવાની બાબતે ફિલ્મ બતાવી. વરસો જે રીતે જીવ્યા તે રીતે હવે જીવાશે નહીં. નવા દેશમાં નવા કાયદા અને નવી જીવનશૈલીને અનુભવવાની અને તે રીતે ડૉલર કમાવાના.
અમેરિકામાં બૅંકોમાં ખાતાં કેવી રીતે ખોલવાનાં અને કેશલેસ કેવી રીતે જીવાય તેના અનુભવો કહ્યા અને પાસવર્ડ કોઈને નહીં આપવાનો વગેરે બાબતે સમજાવતાં કહ્યું, અમેરિકામાં ભારતીય રહેજો પણ અમેરિકન પદ્ધતિએ વર્તજો. કામ કરવામાં ક્યાંય શોર્ટકટ ના કરશો નહીંતર તમને ફાયર કરતાં વાર નહીં લાગે. એક વાત સંભળીને ગાંઠે બાંધી રાખજો કે અહીં કૅમેરા કામની જગ્યાએ કાયમ હોય જ છે તેથી જૂઠું બોલશો કે પકડાશો તો પોલીસ પાસે નાના શેઠનું પણ કશું ચાલશે નહીં. વ્યવસ્થિત રીતે સોંપેલું કામ કરશો તો ઇનામ પણ મળે છે. આ ઇનામ બે રીતે મળે છે. ઓવર ટાઇમ અને પ્રમોશન.
સવારે લંડન પહેલો હૉલ્ટ હતો. પ્લેનમાં પેટ્રોલ ભરાવાનું હતું. પગ છૂટા કરવા અને નિત્યક્રમ કરવા પેસેંજરો ઊતર્યા. લંડનથી સીધું પ્લેન અલપાસો જવાનું હતું. આ બ્રેક બે કલાક્નો હતો અને સમય પાણીની જેમ વહી ગયો. ફરીથી પેસેંજરો બેઠા અને ગરમાગરમ બટાટાવડા, બટાટા પૌઆં અને છોલે પૂરીનો નાસ્તો અપાયો. લોનપેપર અને અલપાસો રિસોર્ટની ગોલ્ડન પેન અપાયાં. સૌને લોનપેપર પર સહી કરવાની હતી અને લોનપેપરની વિગતો સમજાવતી સીડી ચાલતી હતી. નાના શેઠ ભારત અને અમેરિકાની લોન સમજાવતા હતા. સાથે સાથે લોન ન ભરાય તો થતી કાનૂની કાર્યવાહી પણ સમજાવતા હતા. લોનમાં વ્યાજ ૬ % હતું અને બે વર્ષે લોન પૂરી કરી દો તો વ્યાજ સાદું બની જતું હતું અને તેથી તે લોન તરત પૂરી થઈ જાય અને વ્યાજમાં રાહત થઈ જાય તે માટેની તકનિકો સમજાવતા હતા.
પેપર તરત સહી થઈ ગયા.
અલ્પાસો રિસોર્ટના કાર્યકર તરીકે પહેલી સોનાના ગીલેટવાળી પેન ભેટ અપાઈ જેની કિંમત હતી ૧૦૦ ડૉલર. અને પેન ઉપર અલપાસો રિસોર્ટનો કલાત્મક લોગો હતો. સૌ આનંદથી અભિભૂત હતા.
***